સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવા મંડળમાં પોતાને કઈ રીતે ઢાળી શકીએ?

નવા મંડળમાં પોતાને કઈ રીતે ઢાળી શકીએ?

ભાઈ ઍલન * જણાવે છે: ‘નવા મંડળમાં જવાની ચિંતા મને ખૂબ સતાવતી હતી. મને ખબર ન હતી કે, નવા દોસ્તો મળશે કે કેમ અને નવા મંડળના ભાઈ-બહેનો મને સ્વીકારશે કે કેમ.’ ઍલન પોતાના ઘરથી આશરે ૧૪૦૦ કિ.મી. દૂર આવેલા એક મંડળમાં પોતાને ઢાળવા મહેનત કરી રહ્યા છે.

જો તમારે મંડળ બદલવાનું થાય, તો કદાચ તમને પણ ચિંતા થઈ શકે. નવા મંડળમાં પોતાને ઢાળવા શું મદદ કરી શકે? નવા મંડળમાં સ્થાયી થવું ધારવા કરતાં વધુ અઘરું બને તો, શું કરી શકાય? અથવા જેઓ બીજી જગ્યાએથી તમારા મંડળમાં આવ્યા છે, તેઓને તમે કઈ રીતે મદદ કરી શકો?

ફેરફાર કરો, સફળ થાઓ

આનો વિચાર કરો: કોઈ ઝાડને એક જગ્યાએથી ઉખાડીને બીજી જગ્યાએ રોપવામાં આવે ત્યારે, એ કમજોર થઈ જાય છે. ઝાડનાં મોટાભાગનાં મૂળિયાં કાપી નાખવામાં આવે છે, જેથી સહેલાઈથી લઈ જઈ શકાય. નવી જગ્યાએ રોપાયા પછી, ઝાડે તરત જ નવાં મૂળિયાં વિકસાવવા પડે છે. એવી જ રીતે, પોતાનું મંડળ છોડવાથી કદાચ તમે તાણ અનુભવો. અગાઉના મંડળમાં તમે દોસ્તીનાં મૂળ ફેલાવ્યા હશે અને ભક્તિમાં અમુક બાબતો નિયમિત રીતે કરતા હશો. હવે નવી જગ્યાએ ઘટાદાર ઝાડની જેમ ખીલી ઊઠવા તમારે ફરીથી દોસ્તીના મૂળિયાં ફેલાવવા પડશે. અને ભક્તિમાં નિયમિત રહેવું પડશે. એમ કરવા તમને શામાંથી મદદ મળશે? શાસ્ત્રના સિદ્ધાંતોમાંથી. ચાલો અમુક પર વિચાર કરીએ.

“તે નદીની પાસે રોપાએલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.”ગીત. ૧:૧-૩.

અડીખમ ઊભું રહેવા ઝાડે નિયમિત રીતે પાણી સોસવું પડે છે. એવી જ રીતે, શ્રદ્ધામાં મજબૂત રહેવા ઈશ્વરભક્તોએ બાઇબલના શબ્દો દિલમાં ઉતારવા પડે છે. તેથી, દરરોજ બાઇબલ વાંચો અને સભાઓમાં જવાનું ચૂકશો નહિ. કુટુંબ તરીકેની ભક્તિ અને વ્યક્તિગત અભ્યાસ નિયમિત રીતે કરતા રહો. શ્રદ્ધામાં દૃઢ રહેવા તમને અગાઉ જેની જરૂર હતી, નવી જગ્યાએ પણ એની જરૂર પડશે.

“પાણી પાનાર પોતે પણ પીશે.”નીતિ. ૧૧:૨૫.

પૂરા જોશથી પ્રચારકામમાં ભાગ લેવાથી ઉત્સાહ જળવાઈ રહેશે અને નવી જગ્યાએ પોતાને ઢાળવું સહેલું બનશે. કેવીન નામના વડીલ જણાવે છે: ‘નવા મંડળમાં આવીને થોડા જ સમયમાં મેં અને મારી પત્નીએ સહાયક પાયોનિયરીંગ કર્યું. એનાથી અમને સૌથી વધારે મદદ મળી. અમે ભાઈ-બહેનોને, પાયોનિયરોને અને પ્રચારવિસ્તારના લોકોને વધુ સારી રીતે ઓળખી શક્યાં.’ ભાઈ રોજર પોતાનું ઘર છોડીને આશરે ૧૬૦૦ કિ.મી. દૂર રહેવા ગયા. તે જણાવે છે: ‘નવા મંડળમાં પોતાને ઢાળવાની સૌથી સારી રીત છે, શક્ય એટલું પ્રચારકામ કરો. તેમ જ, વડીલોને જણાવો કે મંડળનાં નાનાં-મોટાં કામો કરવા તમે તૈયાર છો. જેમ કે, પ્રાર્થનાઘરની સાફસફાઈ, મંડળમાં કોઈકના વતી ભાગ રજૂ કરવો અથવા સભામાં આવવા-જવા કોઈને મદદ કરવી. બીજાઓને મદદ કરવાની તમારી ભાવના જોઈને ભાઈ-બહેનો સહેલાઈથી તમારી સાથે દોસ્તી કરી શકશે.’

“તમારા દિલના દરવાજા ખોલી નાખો.”૨ કોરીં. ૬:૧૩.

અલગ અલગ ઉંમરનાં ભાઈ-બહેનો સાથે દોસ્તી કરો. મેલીસા અને તેમનાં કુટુંબે બીજા મંડળમાં ગયાં પછી, નવા દોસ્તો બનાવવા પર ધ્યાન આપ્યું. બહેન કહે છે: ‘અમે સભા પહેલાં અને પછી ભાઈ-બહેનો માટે સમય કાઢતા. આમ, ફક્ત “કેમ છો?” કહેવાને બદલે અમને બધા સાથે વાત કરવાની તક મળતી.’ એના લીધે એ કુટુંબને બીજાઓના નામ શીખવા અને યાદ રાખવા મદદ મળી. મહેમાનગતિ બતાવીને તેઓએ દોસ્તીનાં મૂળ ઊંડાં ઉતાર્યાં. બહેન આગળ જણાવે છે: ‘અમે એકબીજાનો ફોન નંબર લઈ લીધો, જેથી જરૂર પડ્યે સંપર્ક થઈ શકે અને મંડળનાં કામો કે બીજી પ્રવૃત્તિઓ માટે તેઓ અમને જણાવી શકે.’

નવા લોકો સાથે વાત કરતા સંકોચ થતો હોય તો, તમે ધીરે ધીરે શરૂઆત કરી શકો. દાખલા તરીકે, સ્મિત આપો. પછી ભલે એમ કરવાનું તમને બહુ મન થતું ન હોય. પણ એમ કરવાથી લોકો તમારી પાસે આવશે અને વાત કરશે. એટલે જ તો, બાઇબલ કહે છે કે “આંખોની ચમક જોઈ હૃદયને આનંદ થાય છે.” (નીતિ. ૧૫:૩૦, ઈઝી-ટુ-રીડ વર્ઝન) બહેન રેચલ જ્યાં મોટાં થયાં હતાં, એ જગ્યા છોડીને બીજે રહેવાં ગયાં. તે કહે છે: ‘હું સ્વભાવે શરમાળ છું. નવા મંડળના ભાઈ-બહેનો જોડે વાત કરવા મારે મન તૈયાર કરવું પડે છે. હું પ્રાર્થનાઘરમાં એવી વ્યક્તિને શોધી કાઢું છું, જે સૂનમૂન બેસી રહી હોય. હું તેની સાથે વાત કરવાની કોશિશ કરું છું. કદાચ એ વ્યક્તિ મારી જેમ જ શરમાળ હશે.’ તમે દર અઠવાડિયે સભા પહેલાં કે પછી, કોઈની સાથે વાત કરવાનો ધ્યેય રાખી શકો.

બીજી તર્ફે, શરૂઆતના અમુક અઠવાડિયાં તમે કદાચ નવાં ભાઈ-બહેનોને મળવા ઉત્સુક હોવ. પણ સમય જતાં એ ઉત્સાહ ઠંડો પડી જઈ શકે છે. એવા સમયે, નવા દોસ્તો બનાવવા તમારે મહેનત કરતા રહેવાની જરૂર છે.

ઝાડને ઉખાડીને બીજી જગ્યાએ રોપવામાં આવે ત્યારે, એ કમજોર થઈ જાય છે. નવી જગ્યાએ રોપાયા પછી, ઝાડે તરત જ નવાં મૂળિયાં વિકસાવવા પડે છે

પોતાને સમય આપો

નવી જમીનમાં મૂળ ઊંડે ઉતારવા અમુક ઝાડને બીજાં કરતાં વધારે સમય લાગે છે. એવી જ રીતે, નવા મંડળમાં ઢળવા માટે બધાને અલગ અલગ સમય લાગે છે. થોડો સમય થઈ ગયો હોવા છતાં ફેરફાર કરવો હજુ પણ અઘરું લાગતું હોય તો, તમે શું કરી શકો? ચાલો અમુક મદદરૂપ બાઇબલ સિદ્ધાંતો જોઈએ:

“ચાલો, સારું કરવાનું પડતું ન મૂકીએ, કેમ કે જો આપણે થાકીએ નહિ, તો નક્કી કરેલા સમયે લણીશું.”ગલા. ૬:૯.

અપેક્ષા મુજબ જો તમે પોતાને નવા માહોલમાં ઢાળી ન શક્યા હો, તો પોતાને હજુ વધારે સમય આપો. ગિલયડ શાળામાં તાલીમ પામેલાં મિશનરી ભાઈ-બહેનોનો દાખલો લો. મોટાભાગે તેઓને બીજા દેશોમાં સોંપણી મળે છે. નવા દેશમાં ગયા પછી તેઓ તરત પાછા પોતાના વતનની મુલાકાતે જતા નથી. શા માટે? જેથી, તેઓને સ્થાનિક ભાઈ-બહેનો સાથે દોસ્તી કરવા અને ત્યાંની સંસ્કૃતિમાં ઢળી જવા મદદ મળે.

ભાઈ અલેહેન્ડ્રો અનેક વખત એકથી બીજી જગ્યાએ રહેવા ગયા છે. તે જાણે છે કે નવા માહોલમાં પોતાને ઢાળવા ઉતાવળ ન કરવી જોઈએ. તે કહે છે: ‘અમે નવી જગ્યાએ આવ્યા ત્યારે, મારી પત્નીએ કહ્યું: “મારા બધા મિત્રો જૂના મંડળમાં છે!”’ પછી ભાઈએ યાદ અપાવ્યું કે બે વર્ષ પહેલાં ઘર બદલ્યું ત્યારે પણ, તેમણે એવું જ કહ્યું હતું. એ બે વર્ષો દરમિયાન ભાઈની પત્નીએ લોકોમાં રસ બતાવ્યો એટલે અજાણ્યાં ભાઈ-બહેનો પાક્કા મિત્રો બની ગયાં હતાં.

“આગલો સમય આ સમય કરતાં સારો હતો તેનું કારણ શું છે એવું તું ન પૂછ; કેમ કે આ વિશે તારે પૂછવું ડહાપણ ભરેલું નથી.”સભા. ૭:૧૦.

નવા અને જૂના મંડળની સરખામણી ન કરો. દાખલા તરીકે, નવાં મંડળનાં ભાઈ-બહેનો કદાચ જૂના મંડળનાં ભાઈ-બહેનો કરતાં વધારે શાંત કે આખાબોલા હોય શકે. તમે આશા રાખો છો કે લોકો તમારા સારા ગુણો જુએ. એવી જ રીતે, તમે તેઓના સારા ગુણો જુઓ. અમુક ભાઈ-બહેનો નવી જગ્યાએ ગયાં ત્યારે, તેઓએ પોતાને આ સવાલ પૂછવો પડ્યો: “શું હું ખરેખર ‘સર્વ ભાઈઓને પ્રેમ બતાવું છું?’”—૧ પીત. ૨:૧૭.

“માંગતા રહો અને તમને એ આપવામાં આવશે.”લુક ૧૧:૯.

પ્રાર્થનામાં મદદ માંગતા રહો. ડેવિડ નામના વડીલ કહે છે: ‘એકલા એકલા બધું સહન ન કરો. ઘણી બાબતો આપણે ફક્ત યહોવાની મદદથી કરી શકીએ છીએ, એટલે એ વિશે પ્રાર્થના કરો!’ અગાઉ આપણે બહેન રેચલ વિશે જોઈ ગયા. તે કહે છે: ‘જો અમને લાગે કે ભાઈ-બહેનો અમારાથી દૂર થઈ ગયાં છે, તો અમે એ વિશે પ્રાર્થના કરીએ છીએ. અમે યહોવાને કહીએ છીએ, “પ્લીઝ અમને જણાવો કે કઈ બાબતને લીધે ભાઈ-બહેનોને અમારી સાથે દોસ્તી કરવી અઘરું લાગે છે.” પછી, અમે ભાઈ-બહેનો સાથે વધુ સમય વિતાવવા પ્રયત્ન કરીએ છીએ.’

માતા-પિતા, જો તમારાં બાળકો નવી જગ્યાએ તકલીફ અનુભવી રહ્યા હોય, તો સમય કાઢીને તેઓ સાથે એ વિશે પ્રાર્થના કરો. તેઓ નવા મિત્રો બનાવી શકે એવો માહોલ ઊભો કરો.

નવા લોકોનો દિલથી આવકાર કરો

તમારા મંડળમાં કોઈ નવા ભાઈ કે બહેન આવે તો, તમે કઈ રીતે મદદ કરી શકો? શરૂઆતથી જ દોસ્તીના મૂળ ઊંડે ઉતારવા પ્રયત્ન કરો. વિચારો કે, તમે એ ભાઈ કે બહેન જેવા સંજોગોમાં હોત તો, તમે કેવી અપેક્ષા રાખી હોત? એ જ મદદ તેઓને પૂરી પાડો. (માથ. ૭:૧૨) શું તેઓને કુટુંબ તરીકેની ભક્તિ માટે અથવા ભેગા મળીને JW બ્રૉડકાસ્ટિંગના વીડિયો જોવા બોલાવી શકો? શું સાથે પ્રચારમાં લઈ જઈ શકો? શું જમવાનું આમંત્રણ આપી શકો? તમારી મહેમાનગતિ તેઓ હંમેશાં યાદ રાખશે. વિચારો કે તેઓને બીજી કઈ વ્યવહારું મદદ કરી શકો?

ભાઈ કાર્લોસ કહે છે: ‘અમે નવા મંડળમાં આવ્યાં ત્યારે, એક બહેને અમને દુકાનોનું લિસ્ટ આપ્યું, જ્યાં સસ્તો સામાન મળતો હતો. એનાથી અમને ઘણી મદદ મળી.’ કદાચ નવી જગ્યાની આબોહવા સાવ અલગ હશે. તમે તેઓને ગરમી, ઠંડી અને ચોમાસામાં કેવાં કપડાં પહેરવાં એ જણાવી શકો. તમે સ્થાનિક રહેવાસીઓનો ઇતિહાસ અને રીતરિવાજ વિશે જણાવી શકો. એ માહિતી તેઓને પ્રચારમાં વધુ અસરકારક બનવા મદદ કરશે.

તમારી મહેનત રંગ લાવશે

લેખની શરૂઆતમાં ભાઈ ઍલન વિશે જોઈ ગયા. નવા મંડળમાં તેમને એકાદ વર્ષ થયું છે. તે કહે છે: ‘શરૂઆતમાં ભાઈ-બહેનો સાથે વાત કરવા મારે પોતાનું મન મનાવવું પડતું. પરંતુ, હવે તેઓ કુટુંબના સભ્યો જેવા લાગે છે, હું ખૂબ ખુશ છું.’ ઍલનને સમજાયું કે નવી જગ્યાએ જઈને તેમણે જૂના દોસ્તો ગુમાવ્યા નથી, પણ નવા દોસ્તો બનાવ્યા છે. એવા દોસ્તો જેઓ જીવનભર તેમને સાથ આપશે!

^ ફકરો. 2 અમુક નામ બદલ્યાં છે.