સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયાના વિચારોમાં ફસાઈએ નહિ

દુનિયાના વિચારોમાં ફસાઈએ નહિ

‘સાવધ રહો, કોઈ તમને દુનિયાની ફિલસૂફી અને છેતરામણી વાતોથી ફસાવે નહિ.’—કોલો. ૨:૮.

ગીતો: ૨૩, ૨૬

૧. પ્રેરિત પાઊલે કોલોસી મંડળનાં ભાઈ-બહેનોને પત્રમાં શું જણાવ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

પ્રેરિત પાઊલ આશરે ૬૦-૬૧ની સાલમાં રોમમાં કેદ હતા ત્યારે, તેમણે કોલોસી મંડળનાં ભાઈ-બહેનોને પત્ર લખ્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે, શા માટે તેઓએ “પવિત્ર શક્તિથી મળતી સમજણ” લેવાની જરૂર છે. એનો અર્થ કે, તેઓએ એવું મન કેળવવાનું હતું, જેથી બાબતોને યહોવાની નજરે જોઈ શકે. (કોલો. ૧:૯) પાઊલે કહ્યું: “હું તમને આ જણાવું છું જેથી કોઈ તમને છેતરામણી વાતોથી મૂર્ખ ન બનાવે. સાવધ રહો, કોઈ તમને ફિલસૂફી અને છેતરામણી વાતોથી ફસાવે નહિ. એ તો માણસોની માન્યતાઓ અને દુનિયાનાં પાયારૂપી ધોરણો પ્રમાણે છે, નહિ કે ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે.” (કોલો. ૨:૪,) પછી પાઊલે સમજાવ્યું કે શા માટે અમુક પ્રચલિત વિચારો ખોટા છે અને તોપણ લોકોને એ કેમ ગમે છે. દાખલા તરીકે, અમુક વિચારોને લીધે લોકોને એવું લાગે છે કે તેઓ બીજાઓ કરતાં હોશિયાર અથવા ચઢિયાતા છે. કોલોસી મંડળનાં ભાઈ-બહેનોને દુનિયાનાં વિચારો અને ખોટી માન્યતાઓ નકારવાં મદદ મળે માટે પાઊલે પત્ર લખ્યો હતો.—કોલો. ૨:૧૬, ૧૭, ૨૩.

૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું અને શા માટે?

દુનિયાના વિચારો ધરાવતા લોકો યહોવાનાં ધોરણોને નજરઅંદાજ કરે છે. જો ધ્યાન ન રાખીએ, તો એ વિચારોને લીધે આપણી શ્રદ્ધા ધીરે ધીરે ડગી શકે છે. આજે ટીવી, ઈન્ટરનેટ, કામના સ્થળે અથવા સ્કૂલમાં દુનિયાના વિચારો જોવા મળે છે. આપણે બધા એ વિચારોથી ઘેરાયેલા છીએ. એ ખરાબ અસરોથી બચવા આપણે શું કરી શકીએ? આ લેખમાં, આપણે એવા પાંચ દાખલાની ચર્ચા કરીશું, જેમાં દુનિયાના વિચારો દેખાય આવે છે. ઉપરાંત, કઈ રીતે એ વિચારોને નકારી શકીએ એ પણ જોઈશું.

શું આપણે ઈશ્વરમાં માનવાની જરૂર છે?

૩. ઘણા લોકોને કેવા વિચારો ગમે છે? શા માટે?

“ઈશ્વરમાં ન માનું તોપણ હું સારી વ્યક્તિ બની શકું છું.” આજે ઘણા દેશોમાં આ વિચાર ખૂબ જ પ્રચલિત છે. એવું કહેનાર વ્યક્તિએ કદાચ ઈશ્વરના અસ્તિત્વ વિશે બહુ વિચાર્યું નહિ હોય. બની શકે, તે મનફાવે એમ જીવવા ચાહે છે એટલે એવું કહે છે. (ગીતશાસ્ત્ર ૧૦:૪ વાંચો.) બીજા કેટલાક પોતાને બુદ્ધિશાળી સાબિત કરવા કહે છે કે, “ઈશ્વરમાં ન માનું તોપણ હું સારા સિદ્ધાંતો કેળવી શકું છું.”

૪. સર્જનહારમાં ન માનનાર વ્યક્તિને આપણે શું કહી શકીએ?

સૃષ્ટિનો કોઈ સર્જનહાર નથી, શું એમ માનવું યોગ્ય છે? અમુક લોકો જવાબ મેળવવા વિજ્ઞાન તરફ મીટ માંડે છે, પણ તેઓ મૂંઝાય જાય છે. જોકે, સત્ય તો સાવ સહેલું છે. શું કોઈ ઘર આપોઆપ બંધાય શકે? એવું તો શક્ય જ નથી! એ ઘરને કોઈએ તો બાંધવું પડે. જોકે, સજીવોની રચના ઘર કરતાં વધારે જટિલ હોય છે. સામાન્ય કોષ પણ પોતાના જેવા બીજા અનેક કોષ બનાવી શકે છે. પણ, ઘર એમ કરી શકતું નથી. કોષ કઈ રીતે એમ કરી શકે છે? દરેક કોષમાં માહિતીનો સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે. એ પોતાના જેવા બીજા નવા કોષ બનાવે ત્યારે, એમાં પણ એ માહિતી મૂકી શકે છે. આવી ક્ષમતા ધરાવતા કોષ કોણે બનાવ્યા? બાઇબલ એનો જવાબ આપે છે: “દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુઓનો સરજનહાર તો ઈશ્વર છે.”—હિબ્રૂ. ૩:૪.

૫. ઈશ્વરમાં ન માનીએ તોપણ ખરું-ખોટું પારખી શકીએ છીએ, એ વિચાર વિશે શું કહી શકાય?

અમુકનું માનવું છે કે, ઈશ્વરમાં ન માનીએ તોપણ ખરું-ખોટું પારખી શકાય છે. એ વિશે તમને કેવું લાગે છે? ખરું કે, બાઇબલ જણાવે છે કે જેઓ ઈશ્વરમાં માનતા નથી, તેઓ પાસે પણ સારા સિદ્ધાંતો હોય શકે છે. (રોમ. ૨:૧૪, ૧૫) દાખલા તરીકે, કોઈ વ્યક્તિ માબાપને પ્રેમ કરે છે અને આદર આપે છે. પરંતુ, જો તે યહોવાનાં ધોરણો પ્રમાણે ન ચાલે, તો કદાચ ખોટાં નિર્ણયો લઈ શકે છે. (યશા. ૩૩:૨૨) ઘણા બુદ્ધિશાળી લોકોને આજે ખાતરી થઈ છે કે, ઈશ્વરની મદદ વગર દુનિયાની મોટી મોટી મુશ્કેલીઓનો ઉકેલ લાવવો શક્ય નથી. (યિર્મેયા ૧૦:૨૩ વાંચો.) તેથી, આપણે કદી એમ ન વિચારીએ કે ઈશ્વરમાં ન માનીએ અથવા તેમનાં ધોરણો પ્રમાણે ન ચાલીએ, તોપણ ખરું-ખોટું પારખી શકીએ છીએ.—ગીત. ૧૪૬:૩.

શું આપણને ધર્મની જરૂર છે?

૬. ઘણા લોકો ધર્મ વિશે શું વિચારે છે?

“ધર્મ વગર પણ તમે ખુશ રહી શકો છો.” ઘણા લોકોને લાગે છે કે ધર્મ કંટાળાજનક છે અને એનું કોઈ મહત્ત્વ નથી. બીજા લોકોને એવા ધર્મો નથી ગમતા જે નર્કની માન્યતા શીખવે, પૈસા માટે લોકો પર દબાણ કરે અથવા રાજકારણીઓને ટેકો આપે. ઘણા લોકો કહે છે કે ધર્મ વગર પણ તેઓ ખુશ છે, એ સાંભળીને આશ્ચર્ય થતું નથી! તેઓ કદાચ કહે, “મને ઈશ્વર વિશે તો જાણવું છે, પણ હું કોઈ ધર્મમાં પડવા માંગતો નથી.”

૭. સાચો ધર્મ તમને કઈ રીતે ખુશી આપી શકે?

શું ધર્મ વગર આપણને સાચી ખુશી મળી શકે? ખરું કે, જૂઠા ધર્મ વગર વ્યક્તિ ખુશ રહી શકે છે. પરંતુ, “આનંદી ઈશ્વર” યહોવા સાથે મિત્રતા ન કરે તો, તે સાચી ખુશી મેળવી શકતી નથી. (૧ તિમો. ૧:૧૧) યહોવા જે કંઈ કરે છે, એનાથી બીજાઓને મદદ મળે છે. ઈશ્વરભક્તો તરીકે, આપણે પણ ખુશી અનુભવીએ છીએ. કેમ કે, આપણે તેમની જેમ બીજાઓને મદદ કરવાની તક શોધીએ છીએ. (પ્રે.કા. ૨૦:૩૫) જરા વિચારો, સાચી ભક્તિની મદદથી કુટુંબ કઈ રીતે સુખી બની શકે છે. આપણે જીવનસાથીને વફાદાર રહેવાનું અને તેને માન આપવાનું, બાળકોનો સારો ઉછેર કરવાનું અને કુટુંબીજનો માટે સાચો પ્રેમ બતાવવાનું શીખીએ છીએ. સાચી ભક્તિની મદદથી દુનિયાભરના યહોવાના લોકો સુલેહ-શાંતિ જાળવે છે અને મંડળમાં પ્રેમ બતાવે છે.—યશાયા ૬૫:૧૩, ૧૪ વાંચો.

૮. માથ્થી ૫:૩ કઈ રીતે સાચી ખુશી વિશે સમજવા મદદ કરે છે?

શું ઈશ્વરની ભક્તિ વગર સાચી ખુશી મેળવી શકાય? લોકોને શેનાથી ખુશી મળે છે? અમુકને કારકિર્દી, રમત-ગમત અથવા શોખ જેવી બાબતોથી ખુશી મળે છે. બીજા કેટલાકને કુટુંબ અને મિત્રોનું ધ્યાન રાખવું ગમે છે. ખરું કે, આ બાબતોથી ખુશી મળે છે, પણ એટલું જ પૂરતું નથી. આપણે પ્રાણીઓથી અલગ છીએ. તેથી, આપણે ઈશ્વર વિશે શીખી શકીએ છીએ અને તેમની ભક્તિ કરી શકીએ છીએ. તેમણે આપણને એ રીતે બનાવ્યા છે કે, તેમની ભક્તિ કરવાથી આપણને ખુશી મળે. (માથ્થી ૫:૩ વાંચો.) દાખલા તરીકે, આપણે જ્યારે યહોવાના ભક્તોને મળીએ છીએ, ત્યારે આપણને ખુશી અને ઉત્તેજન મળે છે. (ગીત. ૧૩૩:૧) દુનિયાભરમાં ફેલાયેલા ભાઈચારાનો, શુદ્ધ જીવનનો અને સુંદર ભાવિની આશાનો આપણે આનંદ માણીએ છીએ.

શું આપણને નૈતિક ધોરણોની જરૂર છે?

૯. (ક) જાતીય સંબંધ વિશે લોકો કેવું વિચારે છે? (ખ) શા માટે બાઇબલ કહે છે કે લગ્ન બહાર જાતીય સંબંધ બાંધવો ખોટું છે?

“લગ્ન બહાર જાતીય સંબંધ બાંધવામાં શું વાંધો છે?” લોકો કદાચ કહે: “તમે શા માટે આટલા કડક નિયમો પાળો છો? જીવનની મજા માણો.” પરંતુ, લગ્ન બહાર જાતીય સંબંધ રાખવાની બાઇબલ મનાઈ કરે છે. * (૧ થેસ્સાલોનિકીઓ ૪:૩-૮ વાંચો.) યહોવા સર્જનહાર હોવાથી આપણા માટે નિયમો બનાવવાનો તેમને હક છે. તે જણાવે છે કે જો પુરુષ અને સ્ત્રી એકબીજા સાથે લગ્નબંધનમાં જોડાય, તો જ જાતીય સંબંધ બાંધી શકે છે. પ્રેમથી પ્રેરાઈને યહોવાએ આપણને નિયમો આપ્યા છે. તે જાણે છે કે જો આપણે નિયમો પાળીશું, તો જીવનમાં ખુશી મેળવીશું. જે કુટુંબ ઈશ્વરના નિયમો પાળશે, એ કુટુંબમાં પ્રેમ અને આદર જોવા મળશે તેમજ તેઓ સલામતી અનુભવશે. પરંતુ, જેઓ ઈશ્વરના નિયમો જાણે છે પણ પાળતા નથી, તેઓને ઈશ્વર શિક્ષા કરશે.—હિબ્રૂ. ૧૩:૪.

૧૦. ઈશ્વરભક્તો કઈ રીતે જાતીય અનૈતિકતાથી દૂર રહી શકે?

૧૦ બાઇબલ શીખવે છે કે કઈ રીતે આપણે જાતીય અનૈતિકતાથી દૂર રહી શકીએ. આપણે આંખો પર કાબૂ રાખવો જોઈએ. ઈસુએ કહ્યું: “જે માણસ કોઈ સ્ત્રીને વાસનાભરી નજરે જોયા કરે છે, તેણે પોતાના દિલમાં એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો છે. હવે, જો તમારી જમણી આંખ તમને પાપ કરાવે, તો તરત એને કાઢીને ફેંકી દો.” (માથ. ૫:૨૮, ૨૯) તેથી, આપણે પોર્નોગ્રાફી જોવાનું અથવા અનૈતિક ગીતો સાંભળવાનું ટાળવું જોઈએ. પ્રેરિત પાઊલે લખ્યું હતું: ‘તમારા શરીરના અવયવોને મારી નાખો, જેમાં વ્યભિચાર જેવી ખોટી ઇચ્છા પેદા થાય છે.’ (કોલો. ૩:૫) આપણે વિચારો અને વાણી-વર્તન પર કાબૂ રાખવાની જરૂર છે.—એફે. ૫:૩-૫.

શું દુનિયાની કારકિર્દી પાછળ મહેનત કરવી જોઈએ?

૧૧. દુનિયામાં કારકિર્દી બનાવવા માટે આપણું મન કેમ લલચાય શકે છે?

૧૧ “સારી કારકિર્દી બનાવવાથી તમને ખુશી મળશે.” ઘણા લોકો આપણને દુનિયાની કારકિર્દી પાછળ સમય-શક્તિ ખર્ચવાનું ઉત્તેજન આપે છે. એવી કારકિર્દીથી કદાચ નામના, અધિકાર અને સંપત્તિ મળી શકે છે. કારકિર્દી બનાવવાથી ખુશી મળે છે, એ વિચાર લોકોમાં ખૂબ પ્રચલિત બની ગયો છે. જો ધ્યાન ન રાખીએ, તો એ રંગ આપણને પણ લાગી શકે છે.

૧૨. સારી કારકિર્દી બનાવવાથી શું ખુશી મળી શકે?

૧૨ દુનિયાની કારકિર્દી માન-મોભો અને સત્તા આપવાનું વચન આપે છે. પરંતુ, શું એનાથી સાચી ખુશી મળી શકે? ના. યાદ કરો, શેતાન પણ સત્તા અને નામના મેળવવા ચાહતો હતો. એક રીતે, તેણે જે ચાહ્યું હતું એ મેળવ્યું છે. તેમ છતાં, તે ખુશ નથી પણ ગુસ્સામાં છે. (માથ. ૪:૮, ૯; પ્રકટી. ૧૨:૧૨) બીજી તર્ફે, ઈશ્વર વિશે અને તેમણે આપેલા સુંદર ભાવિના વચન વિશે શીખવીને આપણને કેટલો આનંદ થાય છે! દુનિયાની કોઈ પણ કારકિર્દી એવી ખુશી આપી શકે નહિ. ઉપરાંત, દુનિયામાં સારી કારકિર્દી બનાવવા લોકો ઘણી વાર હરીફાઈનું વલણ, ઝનૂન કે ઈર્ષા બતાવે છે. પરંતુ, તેમને હાથ કંઈ લાગતું નથી. બાઇબલ જણાવે છે કે તેઓ ‘પવનમાં બાચકા ભરે છે.’—સભા. ૪:૪.

૧૩. (ક) નોકરી પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ? (ખ) પાઊલને સાચી ખુશી શેનાથી મળી?

૧૩ ખરું કે, ગુજરાન ચલાવવા નોકરી કરવી પડે છે. આપણને પસંદ હોય એવી નોકરી સ્વીકારવી ખોટું નથી. પરંતુ, નોકરી સૌથી મહત્ત્વની ન થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ. ઈસુએ કહ્યું હતું: “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી, કેમ કે તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે અથવા એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.” (માથ. ૬:૨૪) યહોવાની સેવા કરવાથી અને બીજાઓને બાઇબલમાંથી શીખવવાથી સાચી ખુશી મળે છે. પ્રેરિત પાઊલે પણ એ ખુશીનો અનુભવ કર્યો હતો. યુવાનીમાં તેમણે સફળ કારકિર્દી બનાવવાનો ધ્યેય રાખ્યો હતો. પણ તેમને શેનાથી સાચી ખુશી મળી? જ્યારે લોકોને શાસ્ત્રની સલાહ લાગુ પાડીને જીવનમાં ફેરફાર કરતા જોયા, ત્યારે તેમણે સાચી ખુશી અનુભવી. (૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩, ૧૯, ૨૦ વાંચો.) યહોવાની સેવા કરવાથી અને ખુશખબર જણાવવાથી એવી ખુશી મળે છે, જે દુનિયાની કોઈ કારકિર્દી આપી શકતી નથી!

બીજાઓને ઈશ્વર વિશે શીખવીને આપણને ખુશી મળે છે (ફકરા ૧૨ અને ૧૩ જુઓ)

શું માણસો પોતે બધી મુશ્કેલીઓનો હલ લાવી શકે?

૧૪. માણસો મુશ્કેલીઓનો હલ પોતે લાવી શકે છે, એ વિચાર ઘણા લોકોને શા માટે ગમે છે?

૧૪ “માણસો પોતે મુશ્કેલીઓનો હલ લાવી શકે છે.” ઘણા લોકોને એ વિચાર ગમે છે. એવા વિચારને લીધે તેઓને લાગે છે કે હવે ઈશ્વરના માર્ગદર્શનની કોઈ જરૂર નથી અને તેઓ મનફાવે એમ કરી શકે છે. તમે લોકોના મોઢે સાંભળ્યું હશે, “યુદ્ધ, ગુના, બીમારી અને ગરીબી ઓછાં થઈ રહ્યાં છે.” એક અહેવાલમાં આમ જણાવ્યું છે, ‘પૃથ્વીને સારી જગ્યા બનાવવાનું કામ માણસોએ પોતાના હાથમાં લઈ લીધું છે, એટલે માણસોની હાલત સુધરી રહી છે.’ શું એ સાચું છે? શું દુનિયાની મુશ્કેલીઓનો હલ ખરેખર માણસોને હાથ લાગ્યો છે? ચાલો પુરાવાઓ તપાસીએ.

૧૫. શા માટે કહી શકાય કે દુનિયામાં મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે?

૧૫ શું માણસો યુદ્ધોનો હલ લાવી શક્યા છે? પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં છ કરોડથી વધારે લોકો મરણ પામ્યા હતા. ત્યારથી લઈને ૨૦૧૫ સુધીમાં, આશરે સાડા છ કરોડ લોકોએ યુદ્ધ અને સતાવણીને લીધે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. ૨૦૧૫ની વાત કરીએ તો, એ સાલમાં લગભગ ૧ કરોડ ૨૪ લાખ લોકોએ ઘર છોડવું પડ્યું હતું. ગુનાઓ વિશે શું? અમુક જગ્યાએ, ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ, સાઈબર ક્રાઈમ, ઘરેલુ હિંસા, આતંકવાદ અને ભ્રષ્ટાચાર જેવા ગુનાઓ વધતા જાય છે. બીમારીઓ વિશે શું? એ સાચું છે કે માણસોએ અમુક બીમારીઓનો ઇલાજ શોધી કાઢ્યો છે. પરંતુ, ૨૦૧૩નો એક અહેવાલ જણાવે છે કે દર વર્ષે ૬૦ વર્ષથી ઓછી ઉંમરના ૯૦ લાખ લોકો હૃદયરોગ, સ્ટ્રોક, કેન્સર, ફેફસાંની બીમારી અને ડાયાબિટીસને લીધે મરણ પામે છે. ગરીબી વિશે શું? વર્લ્ડ બૅંક જણાવે છે કે ૧૯૯૦માં આફ્રિકામાં ૨૮ કરોડ લોકો ઘણા જ ગરીબ હતા. ૨૦૧૨માં એ સંખ્યા વધીને ૩૩ કરોડ થઈ ગઈ હતી.

૧૬. (ક) ઈશ્વરના રાજ્ય સિવાય બીજું કોઈ શા માટે દુનિયાની મુશ્કેલીઓ દૂર કરી શકશે નહિ? (ખ) ઈશ્વરનું રાજ્ય જે કરશે, એ વિશે યશાયા અને ગીતશાસ્ત્રમાં શું જણાવ્યું છે?

૧૬ આ અહેવાલોથી આપણને નવાઈ નથી લાગતી. આજે, આર્થિક તંત્ર અને રાજકીય સંગઠનો સ્વાર્થી લોકોના કાબૂમાં છે. એટલે તેઓ યુદ્ધ, ગુના, બીમારી અને ગરીબીને દૂર કરી શકશે નહિ. ફક્ત ઈશ્વરનું રાજ્ય એ બધું દૂર કરી શકે છે. યહોવા મનુષ્યો માટે જે કરશે એનો વિચાર કરો. તેમનું રાજ્ય એવી બધી બાબતો કાઢી નાખશે જેના લીધે યુદ્ધ થાય છે. જેમ કે, સ્વાર્થ, ભ્રષ્ટાચાર, દેશભક્તિ, જૂઠો ધર્મ. એટલું જ નહિ શેતાનનું પણ નામનિશાન મિટાવી દેશે. (ગીત. ૪૬:૮, ૯) ઈશ્વરનું રાજ્ય ગુનાઓનો પણ અંત લાવશે. આજે પણ, ઈશ્વરનું રાજ્ય લાખો લોકોને પ્રેમ કરવાનું અને એકબીજા પર ભરોસો રાખવાનું શીખવે છે. દુનિયાની કોઈ સરકાર આવું કરી શકતી નથી. (યશા. ૧૧:૯) યહોવા જલદી જ બીમારીઓને મિટાવી દેશે અને બધા જ લોકો તંદુરસ્ત જીવન જીવશે. (યશા. ૩૫:૫, ૬) યહોવા ગરીબીને દૂર કરશે. દરેક લોકો માટે ખુશીથી જીવવું અને યહોવા સાથે ગાઢ મિત્રતા બાંધવી શક્ય બનશે. આવું અનમોલ જીવન ગમે તેટલા પૈસા આપીને પણ ખરીદી શકાય નહિ.—ગીત. ૭૨:૧૨, ૧૩.

‘કઈ રીતે જવાબ આપવો એ જાણો’

૧૭. દુનિયાના વિચારોથી તમે કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકો?

૧૭ તમારી શ્રદ્ધા ડગમગાવે એવો પ્રચલિત વિચાર તમારા સાંભળવામાં આવે તો શું કરશો? એ વિશે બાઇબલ શું જણાવે છે, એનું સંશોધન કરો. કોઈ અનુભવી ભાઈ કે બહેન સાથે વાત કરો. શા માટે લોકોને એ વિચાર ગમે છે, શા માટે એ ખોટો છે અને કઈ રીતે તમે એને નકારી શકો, એના પર મનન કરો. દુનિયાના વિચારોથી પોતાનું રક્ષણ કરવા, પ્રેરિત પાઊલના આ શબ્દો યાદ રાખો: “જેઓ મંડળના નથી તેઓની સાથે સમજદારીથી વર્તો, . . . જેથી દરેકને કઈ રીતે જવાબ આપવો એ તમે જાણી શકો.”—કોલો. ૪:૫, ૬.

^ ફકરો. 9 યોહાન ૭:૫૩-૮:૧૧નો અહેવાલ અમુક બાઇબલ ભાષાંતરોમાં જોવા મળે છે, પણ એ બાઇબલના મૂળ લખાણનો ભાગ ન હતો. અમુક એ કલમો વાંચીને એનો ખોટો અર્થ કાઢે છે. તેઓ કહે છે કે વ્યભિચાર કરનારનો ન્યાય ફક્ત એવી વ્યક્તિ કરી શકે, જેણે પાપ ન કર્યું હોય. પરંતુ, ઈશ્વરે ઇઝરાયેલીઓને નિયમ આપ્યો હતો: “જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્ત્રીની સાથે કુકર્મ કરતો માલૂમ પડે, તો તેઓ, એટલે કુકર્મ કરનાર પુરુષ તથા સ્ત્રી, બંને માર્યાં જાય.”—પુન. ૨૨:૨૨.