સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુના શરૂઆતના જીવન વિશેનો અહેવાલ માથ્થી અને લુક બંને પુસ્તકોમાં છે. પરંતુ, એ શા માટે એકબીજાથી અલગ છે?

ઈસુના જન્મ અને શરૂઆતના જીવન વિશેનો અહેવાલ બંને પુસ્તકોમાં અલગ છે, કારણ કે એક લેખકે યુસફના અનુભવો તો બીજા લેખકે મરિયમના અનુભવો લખ્યા છે.

માથ્થીનું પુસ્તક યુસફના જીવન અનુભવો તરફ ધ્યાન દોરે છે. એમાં જણાવ્યું છે કે, મરિયમ ગર્ભવતી છે એ જાણીને યુસફને કેવું લાગ્યું, કઈ રીતે સપનામાં એક દૂતે યુસફને સંજોગો સમજવા મદદ કરી અને કઈ રીતે યુસફે એ દૂતના માર્ગદર્શન પ્રમાણે કર્યું. (માથ. ૧:૧૯-૨૫) એમાં એ પણ જણાવ્યું છે કે, દૂતે યુસફને કુટુંબ સાથે ઇજિપ્ત નાસી જવાની ચેતવણી આપી અને કઈ રીતે યુસફે એ પ્રમાણે કર્યું. માથ્થીએ આગળ જણાવ્યું કે યુસફને બીજું એક સપનું આવ્યું, જેમાં દૂતે તેમને ઇઝરાયેલ પાછા જવા કહ્યું. યુસફ પાછા ગયા અને તેમણે પોતાના કુટુંબ સાથે નાઝરેથમાં વસવાનો નિર્ણય કર્યો. (માથ. ૨:૧૩, ૧૪, ૧૯-૨૩) માથ્થીએ પોતાની સુવાર્તાના પહેલાં બે અધ્યાયોમાં યુસફના નામનો છ વખત જ્યારે કે મરિયમના નામનો ફક્ત બે વખત ઉલ્લેખ કર્યો છે.

જોકે, લુકનું પુસ્તક મરિયમ તરફ ધ્યાન દોરે છે. એમાં જણાવ્યું છે કે, ગાબ્રિયેલ દૂત મરિયમને મળે છે, મરિયમ તેમનાં સગા એલિસાબેતની મુલાકાતે જાય છે અને મરિયમ યહોવાને મહિમા આપે છે. (લુક ૧:૨૬-૫૬) એમાં શિમયોને મરિયમને કહેલી વાતનો પણ ઉલ્લેખ છે. તેમણે મરિયમને જણાવ્યું કે ઈસુએ ભાવિમાં કેવાં દુઃખો સહેવા પડશે. પછી લુક એ બનાવનું વર્ણન કરે છે, જ્યારે ઈસુ ૧૨ વર્ષના હતા અને પોતાના કુટુંબ સાથે મંદિરની મુલાકાતે ગયા હતા. આ અહેવાલમાં પણ લુકે યુસફના શબ્દો નહિ, પણ મરિયમના શબ્દો ટાંક્યા છે. લુકે જણાવ્યું છે કે એ બનાવોની મરિયમ પર ઊંડી અસર થઈ. (લુક ૨:૧૯, ૩૪, ૩૫, ૪૮, ૫૧) લુકે પોતાની સુવાર્તાના પહેલાં બે અધ્યાયમાં મરિયમના નામનો સાત વખત પણ યુસફના નામનો ફક્ત બે વખત ઉલ્લેખ કર્યો છે. માથ્થી યુસફનાં વિચારો અને કાર્યો વિશે જણાવે છે, જ્યારે કે લુક મરિયમનાં વિચારો અને અનુભવો તરફ ધ્યાન દોરે છે.

આ બે સુવાર્તાના પુસ્તકોમાં ઈસુની વંશાવળી પણ અલગ અલગ રીતે બતાવી છે. માથ્થીમાં યુસફની વંશાવળી છે. એમાં બતાવ્યું કે યુસફના દત્તક પુત્ર તરીકે, ઈસુ દાઊદની સત્તાના કાનૂની હકદાર હતા. શા માટે? કારણ કે, રાજા દાઊદના પુત્ર સુલેમાનના વંશમાંથી યુસફ આવ્યા હતા. (માથ. ૧:૬, ૧૬) જોકે, લુકમાં મરિયમની વંશાવળી છે. એમાં બતાવ્યું છે કે ઈસુ ‘મનુષ્ય તરીકે દાઊદના વંશમાંથી’ આવ્યા છે, એટલે દાઊદની સત્તા માટે હકદાર હતા. (રોમ. ૧:૩) શા માટે? કારણ કે, રાજા દાઊદના પુત્ર નાથાનના વંશમાંથી મરિયમ આવ્યાં હતાં. (લુક ૩:૩૧) પણ, લુકે શા માટે મરિયમને હેલીની દીકરી તરીકે ઉલ્લેખ નથી કર્યો? કેમ કે, સત્તાવાર અહેવાલોમાં ફક્ત કુટુંબના પુરુષોનો ઉલ્લેખ થતો હતો. લુકે યુસફને હેલીના પુત્ર કહ્યા ત્યારે, લોકો સમજી ગયા કે યુસફ હેલીના જમાઈ છે.—લુક ૩:૨૩.

માથ્થી અને લુકમાં આપેલી ઈસુની વંશાવળી સાબિત કરે છે કે ઈસુ જ મસીહ છે. એ વિશે ઈશ્વરે અગાઉથી વચન આપ્યું હતું. ઈસુ દાઊદના વંશજ છે, એ હકીકત ખૂબ જાણીતી હતી. અરે, ફરોશીઓ અને સાદુકીઓએ પણ એના પર ક્યારેય સવાલ ન ઉઠાવી શક્યા. ઈસુની વંશાવળી વિશેના માથ્થી અને લુકના અહેવાલો આપણી શ્રદ્ધા વધારે છે. એનાથી, આપણો ભરોસો મજબૂત થાય છે કે ઈશ્વરે આપેલું એકેએક વચન જરૂર પૂરું થશે.