સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૬૫

યરૂશાલેમ જતી વખતે શીખવે છે

યરૂશાલેમ જતી વખતે શીખવે છે

માથ્થી ૮:૧૯-૨૨ લુક ૯:૫૧-૬૨ યોહાન ૭:૨-૧૦

  • ઈસુ વિશે તેમના ભાઈઓ શું માને છે?

  • રાજ્ય માટે કામ કરવું કેટલું મહત્ત્વનું છે?

અમુક સમયથી ઈસુ ખાસ કરીને ગાલીલમાં જ પ્રચારકામ કરતા હતા. અહીં તેમને યહુદિયા કરતાં વધારે સાંભળનારા મળ્યા હતા. જ્યારે તે યરૂશાલેમમાં હતા અને એક માણસને સાબ્બાથના દિવસે સાજો કર્યો, ત્યારે “યહુદીઓ તેમને મારી નાખવાની તક શોધતા હતા.”—યોહાન ૫:૧૮; ૭:૧.

હવે ઈસવીસન ૩૨ની વસંત ૠતુ આવી ગઈ હતી અને માંડવાનો તહેવાર પાસે હતો. આ તહેવાર સાત દિવસો સુધી ઊજવાતો અને આઠમા દિવસે પવિત્ર મેળાવડો થતો. આ તહેવાર ખેતીવાડીના વર્ષના અંતની નિશાની હતો અને ઘણો આનંદ કરવાનો તેમજ આભાર માનવાનો સમય હતો.

ઈસુના ભાઈઓ યાકૂબ, સિમોન, યુસફ અને યહુદાએ તેમને અરજ કરી: “અહીંથી નીકળીને યહુદિયા જા.” યરૂશાલેમ તો એ દેશમાં ધર્મને લગતી મુખ્ય જગ્યા હતી. ત્રણ વાર્ષિક તહેવારો દરમિયાન, એ શહેરમાં લોકોનાં ટોળેટોળાં આવતાં. ઈસુના ભાઈઓએ જણાવ્યું: “જે કોઈ માણસ લોકોમાં જાણીતો થવા માગે છે, તે છાની રીતે કંઈ કરતો નથી. તું આ બધું કરે છે તો દુનિયા આગળ પોતાને જાહેર કર.”—યોહાન ૭:૩, ૪.

હકીકતમાં, આ ચાર ભાઈઓ હજુ “તેમનામાં શ્રદ્ધા મૂકતા ન હતા” કે તે મસીહ છે. તોપણ, તેઓ ચાહતા હતા કે તહેવાર માટે ભેગા થયેલા લોકો ઈસુના ચમત્કારો જુએ. ઈસુને ખતરાની ખબર હતી; એટલે, તેમણે કહ્યું: “દુનિયા પાસે કોઈ કારણ નથી કે તમને નફરત કરે, જ્યારે કે દુનિયા મને નફરત કરે છે, કેમ કે એનાં કામો દુષ્ટ છે એવી હું સાક્ષી આપું છું. તમે તહેવારમાં જાઓ; હું આ તહેવારમાં હમણાં જવાનો નથી, કારણ કે મારો સમય હજુ આવ્યો નથી.”—યોહાન ૭:૫-૮.

ઈસુના ભાઈઓ મુસાફરી કરનારાઓ સાથે નીકળ્યા એના થોડા દિવસો પછી, ઈસુ અને તેમના શિષ્યો લોકોની નજર ચૂકવીને ચૂપચાપ નીકળી પડ્યા. યરદન નદી પાસેનો જાણીતો રસ્તો લેવાને બદલે, તેઓ સમરૂનમાંથી નીકળતા સીધા માર્ગે ગયા. ઈસુ અને તેમના શિષ્યોને સમરૂનમાં રહેવા માટે જગ્યાની જરૂર હોવાથી, તેમણે તૈયારી કરવા આગળથી માણસો મોકલ્યા. એક જગ્યાના લોકોએ તેઓને રાખવાની કે કોઈ મહેમાનગતિ બતાવવાની ચોખ્ખી ના પાડી, કેમ કે ઈસુ યહુદી તહેવાર ઊજવવા યરૂશાલેમ જતા હતા. યાકૂબ અને યોહાને રોષે ભરાઈને પૂછ્યું: “પ્રભુ, શું તમે ચાહો છો કે અમે કહીએ કે આકાશથી આગ વરસે અને તેઓનો નાશ કરે?” (લુક ૯:૫૪) ઈસુએ ઠપકો આપ્યો કે તેઓને એવો વિચાર પણ કઈ રીતે આવ્યો અને તેઓએ મુસાફરી ચાલુ રાખી.

તેઓ રસ્તે ચાલતા હતા ત્યારે, એક શાસ્ત્રીએ ઈસુને કહ્યું: “ગુરુજી, જ્યાં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” ઈસુએ કહ્યું: “શિયાળને બખોલ હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, જ્યારે કે માણસના દીકરાને માથું ટેકવવાની પણ જગ્યા નથી.” (માથ્થી ૮:૧૯, ૨૦) ઈસુએ જણાવ્યું કે પોતાના શિષ્ય બનીને એ શાસ્ત્રીએ ઘણી તકલીફો સહેવી પડશે. એવું લાગે છે કે ઘમંડને લીધે શાસ્ત્રીએ એવો જીવનમાર્ગ સ્વીકાર્યો નહિ. તેથી, આપણે દરેક વિચારી શકીએ કે, ‘હું કેટલી હદે ઈસુને પગલે ચાલવા તૈયાર છું?’

ઈસુએ બીજા એક માણસને કહ્યું: “મારો શિષ્ય થા.” એ માણસે જવાબ આપ્યો: “પ્રભુ, પહેલા મને રજા આપો કે હું જાઉં અને મારા પિતાને દફનાવી આવું.” તેના સંજોગો જાણતા હોવાથી, ઈસુએ કહ્યું: “મરેલાઓને દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે. પણ, તું જા અને ઈશ્વરના રાજ્ય વિશે બધી બાજુ જણાવ.” (લુક ૯:૫૯, ૬૦) એ માણસના પિતા હજુ જીવતા હતા. જો ગુજરી ગયા હોત, તો તે અહીં ઈસુ સાથે વાત કરતો ન હોત. એ માણસ ઈશ્વરના રાજ્યને પોતાના જીવનમાં પ્રથમ મૂકવા રાજી ન હતો.

યરૂશાલેમ તરફ તેઓ આગળ વધ્યા તેમ, હજુ એક માણસે ઈસુને કહ્યું: “પ્રભુ, હું તમારી પાછળ આવીશ, પણ પહેલા મારા ઘરના બધાને આવજો કહી આવવાની મને રજા આપો.” ઈસુએ જવાબ આપ્યો: “જે માણસ હળ પર હાથ મૂકે અને પાછળ જુએ, તે ઈશ્વરના રાજ્ય માટે જરાય યોગ્ય નથી.”—લુક ૯:૬૧, ૬૨.

જેઓ ઈસુના સાચા શિષ્યો બનવા માંગે છે, તેઓએ રાજ્યના કામ પર પૂરેપૂરું ધ્યાન લગાડવું જોઈએ. જો હળ ચલાવનાર આગળ ધ્યાન ન આપે, તો મોટા ભાગે વાંકાચૂકા ચાસ પડશે. પાછળ શું છે એ જોવા તે હળ ઊભું રાખે તો ખેતરનું કામ અટકી પડશે. એ જ રીતે, જે કોઈ આ દુનિયા તરફ પાછળ ફરીને જુએ છે, તે હંમેશ માટેના જીવન તરફ લઈ જતા માર્ગથી આડે-અવળે ફંટાઈ જઈ શકે.