સ્કીપ ટુ કન્ટેન્ટ

શું ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે?

શું ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 ના, એવું નથી. શાસ્ત્રમાં એવી પ્રજાઓ વિશે જણાવ્યું છે, જેઓનાં કામો ઈશ્વરને ગમતાં ન હતાં. ચાલો એવાં બે કામ વિશે જોઈએ.

પહેલું: બીજાં દેવ-દેવીઓની ભક્તિ કરવી

 યહોવા a ઈશ્વરે તેમના લોકોને આજ્ઞા આપી હતી કે “મારા સિવાય તમારો બીજો કોઈ ઈશ્વર હોવો ન જોઈએ.” (નિર્ગમન ૨૦:૩, ૨૩; ૨૩:૨૪) પણ જ્યારે તેઓ બીજાં દેવ-દેવીઓની ભક્તિ કરવા લાગ્યા, ત્યારે “યહોવાનો કોપ સળગી ઊઠ્યો.” (ગણના ૨૫:૩; લેવીય ૨૦:૨; ન્યાયાધીશો ૨:૧૩, ૧૪) એ બતાવે છે કે યહોવાએ તેઓની ભક્તિ સ્વીકારી ન હતી.—યર્મિયા ૧૦:૩-૫; ૧૬:૧૯, ૨૦.

 ઈશ્વરના વિચારો આજે પણ બદલાયા નથી. (૧ કોરીંથીઓ ૮:૫, ૬; ગલાતીઓ ૪:૮) યહોવા ચાહે છે કે લોકો તેમને ઓળખે અને તેમની ભક્તિ કરે. તે જણાવે છે: “તેઓ વચ્ચેથી બહાર નીકળી આવો અને પોતાને અલગ કરો.” (૨ કોરીંથીઓ ૬:૧૪-૧૭) જરા વિચારો, જો ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારતા હોય, તો તેમણે કેમ એવું કહ્યું હશે?

બીજું: સાચા ઈશ્વરને પસંદ છે એ રીતે ભક્તિ ન કરવી

 યહોવાના લોકોની આજુબાજુ એવા લોકો રહેતા હતા, જેઓ મન ફાવે એ રીતે પોતાના દેવોની ભક્તિ કરતા હતા. અમુક વાર ઈશ્વરના લોકો પણ તેઓના રંગે રંગાઈ જતા અને તેઓના રીતરિવાજો પાળતા. પણ યહોવાને એવી ભક્તિ જરાય ગમતી ન હતી. (નિર્ગમન ૩૨:૮; પુનર્નિયમ ૧૨:૨-૪) ઈસુના જમાનામાં પણ એવું જ થતું હતું. એ સમયના ધાર્મિક આગેવાનો ભક્તિ કરવાનો દેખાડો કરતા હતા. પણ તેઓ શાસ્ત્રમાં લખેલી જરૂરી વાતો તો પાળતા જ ન હતા. એટલે ઈસુએ તેઓને ઠપકો આપતા કહ્યું હતું: ‘તમે ન્યાય, દયા અને વફાદારી જેવી નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો જતી કરો છો.’—માથ્થી ૨૩:૨૩.

 બાઇબલમાં ઈશ્વર વિશે સાચી વાતો લખેલી છે. એ શીખવાથી આપણે ઈશ્વરને ઓળખી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે એક પ્રેમાળ પિતાની જેમ તે આપણને પ્રેમ કરે છે અને આપણી કાળજી રાખે છે. (યોહાન ૪:૨૪; ૧૭:૧૭; ૨ તિમોથી ૩:૧૬, ૧૭) પણ બાઇબલ અમુક માન્યતાઓને ટેકો આપતું નથી. જેમ કે, ત્રૈક્ય, અમર આત્મા અને નરક જેવી માન્યતાઓ. ઘણા લોકોને લાગે છે એ વિશે બાઇબલમાં લખ્યું છે. પણ એ સાચું નથી. એ તો માણસોએ ઘડી કાઢેલી વાતો છે. જેઓ ઈશ્વરનું માનવાને બદલે માણસોના શિક્ષણ પ્રમાણે ચાલે છે, તેઓ ઈશ્વરની કૃપા ગુમાવી બેસે છે.—માર્ક ૭:૭, ૮.

 ઈશ્વરને એવા લોકો જરાય પસંદ નથી જેઓ ભક્તિનો દેખાડો કરે છે. (તિતસ ૧:૧૬; યાકૂબ ૧:૨૬) પણ ઈશ્વર એવા લોકો પર કૃપા વરસાવે છે જેઓ તેમનું કહ્યું કરે છે અને પોતાના જીવનમાં સુધારો કરે છે. તેઓ બાઇબલની આ સલાહ પાળે છે: “આપણા ઈશ્વર અને પિતાની નજરમાં શુદ્ધ અને પવિત્ર ભક્તિ આ છે: અનાથો અને વિધવાઓ પર મુશ્કેલી આવે ત્યારે, તેઓની સંભાળ રાખવી અને દુનિયાના ખરાબ માર્ગોથી દૂર રહેવું.”—યાકૂબ ૧:૨૭.

a શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.