સ્કીપ ટુ કન્ટેન્ટ

પોતાની કમાણીનો દસમો ભાગ આપવા વિશે બાઇબલ શું કહે છે?

પોતાની કમાણીનો દસમો ભાગ આપવા વિશે બાઇબલ શું કહે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 ઈશ્વરે પ્રાચીન ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી કે ભક્તિની ગોઠવણોને ટેકો આપવા તેઓ દર વર્ષે ઊપજ કે કમાણીનો દસમો ભાગ આપે. ઈશ્વરે કહ્યું હતું: “તમે દર વર્ષે તમારી જમીનની ઊપજનો દસમો ભાગ [“દશાંશ,” ઓરીજિનલ વર્ઝન બાઇબલ] અચૂક આપો.”—પુનર્નિયમ ૧૪:૨૨.

 ઈશ્વરે પ્રાચીન ઇઝરાયેલીઓને જે નિયમો આપ્યા હતા, એમાંનો એક નિયમ હતો, દસમો ભાગ આપવો. આજે ઈશ્વરભક્તો એ નિયમોને આધીન નથી, એટલે તેઓએ દસમો ભાગ આપવાની જરૂર નથી. (કોલોસીઓ ૨:૧૩, ૧૪) એને બદલે દરેક ઈશ્વરભક્તે “પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું. તેણે કચવાતા દિલે અથવા ફરજને લીધે આપવું નહિ, કેમ કે જે રાજીખુશીથી આપે છે, તેને ઈશ્વર ચાહે છે.”—૨ કોરીંથીઓ ૯:૭.

 બાઇબલના “જૂના કરાર”માં દસમો ભાગ આપવા વિશે શું જણાવ્યું છે?

 બાઇબલનો જે ભાગ સામાન્ય રીતે જૂના કરાર તરીકે ઓળખાય છે, એમાં દસમો ભાગ આપવા વિશે ઘણી વાર ઉલ્લેખ થયો છે. મોટા ભાગની કલમો એ સમયગાળાને રજૂ કરે છે, જ્યારે ઇઝરાયેલીઓ મૂસાનું નિયમશાસ્ત્ર પાળતા હતા. પણ અમુક કલમો એ નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું એના પહેલાંના સમયગાળાને રજૂ કરે છે.

મૂસાના નિયમશાસ્ત્ર પહેલાં

 દસમો ભાગ આપવા વિશે બાઇબલમાં જે લોકોના અહેવાલો છે, એમાં ઇબ્રામનો (ઇબ્રાહિમ) ઉલ્લેખ સૌથી પહેલા થયો છે. (ઉત્પત્તિ ૧૪:૧૮-૨૦; હિબ્રૂઓ ૭:૪) એવું લાગે છે કે ઇબ્રામે ફક્ત એક જ વાર દસમો ભાગ આપ્યો હતો. ક્યારે? તેમણે શાલેમના રાજા અને યાજકને ભેટ આપી ત્યારે. બાઇબલ એ નથી જણાવતું કે ઇબ્રાહિમે કે તેમનાં બાળકોએ ફરી દસમો ભાગ આપ્યો હોય.

 બીજો ઉલ્લેખ ઇબ્રાહિમના પૌત્ર યાકૂબનો છે. તેમણે ઈશ્વરને વચન આપ્યું હતું કે જો ઈશ્વર તેમને આશીર્વાદ આપશે, તો તે પોતાને મળેલી બધી વસ્તુઓનો “દસમો ભાગ” ઈશ્વરને આપશે. (ઉત્પત્તિ ૨૮:૨૦-૨૨) અમુક લોકોને લાગે છે કે યાકૂબે પ્રાણીઓનું બલિદાન ચઢાવીને ઈશ્વરને દસમો ભાગ આપ્યો હતો. ભલે દસમો ભાગ આપવાનું વચન યાકૂબે આપ્યું હતું, પણ એનો અર્થ એ ન હતો કે તેમના કુટુંબે પણ એ આપવાનો હતો.

મૂસાનું નિયમશાસ્ત્ર પાળતા ત્યારે

 પ્રાચીન ઇઝરાયેલીઓને આજ્ઞા આપવામાં આવી હતી કે ભક્તિનાં કામોને ટેકો આપવા દસમો ભાગ આપે.

  •   યાજકો અને બીજા લેવીઓ બધા ઇઝરાયેલીઓને ઈશ્વરની ભક્તિ માટે મદદ કરતા હતા. તેઓ પાસે પોતાની જમીન ન હતી. એટલે ઇઝરાયેલીઓ પાસેથી મળેલા દસમા ભાગથી તેઓનું ગુજરાન ચાલતું હતું. (ગણના ૧૮:૨૦, ૨૧) યાજક ન હોય એવા લેવીઓ પોતાને મળેલા “દસમા ભાગનો દસમો ભાગ” યાજકોને આપતા હતા.—ગણના ૧૮:૨૬-૨૯.

  •   બાઇબલમાં જણાવ્યું છે કે ઇઝરાયેલીઓ દર વર્ષે બીજો પણ એક દસમો ભાગ આપતા હતા, જેનાથી લેવીઓને અને લેવી કુળના ન હોય એવા લોકોને મદદ મળતી હતી. (પુનર્નિયમ ૧૪:૨૨, ૨૩) ઇઝરાયેલી કુટુંબો એ દસમો ભાગ ખાસ તહેવારોમાં વાપરતા હતા અને અમુક ચોક્કસ વર્ષે એ ભાગ ગરીબોને આપતા હતા, જેથી તેઓની જરૂરિયાતો પૂરી થાય.—પુનર્નિયમ ૧૪:૨૮, ૨૯; ૨૬:૧૨.

 દસમો ભાગ કઈ રીતે ગણવામાં આવતો હતો? ઇઝરાયેલીઓ દર વર્ષે પોતાની જમીનની ઊપજનો દસમો ભાગ આપતા હતા. (લેવીય ૨૭:૩૦) જો તેઓ ચાહે તો ઊપજને બદલે પૈસા આપી શકતા હતા, પણ એ માટે તેઓએ ઊપજની કિંમતમાં પાંચમો ભાગ ઉમેરીને આપવો પડતો. (લેવીય ૨૭:૩૧) તેઓએ “ઢોરઢાંક કે ઘેટાં-બકરાંનો દસમો ભાગ” પણ આપવાનો હતો.—લેવીય ૨૭:૩૨.

 કયું પ્રાણી આપવું એ ઇઝરાયેલીઓ કઈ રીતે નક્કી કરતા? પ્રાણીઓ જ્યારે વાડામાંથી બહાર નીકળતા, ત્યારે તેઓ દરેક દસમા પ્રાણીને અલગ કરતા. નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓ પસંદ કરેલા પ્રાણીની તપાસ કરી શકતા ન હતા, એને બદલી શકતા ન હતા કે એના બદલે પૈસા આપી શકતા ન હતા. (લેવીય ૨૭:૩૨, ૩૩) પણ એક અપવાદ હતો. વાર્ષિક તહેવારો માટે અલગ રખાયેલો બીજો દસમો ભાગ તેઓ વેચી શકતા હતા અને એ પૈસાનો ઉપયોગ તહેવારમાં કરી શકતા હતા. તહેવાર માટે તેઓએ લાંબી મુસાફરી કરવી પડતી હતી, એટલે એ ગોઠવણથી તેઓને રાહત મળતી હતી.—પુનર્નિયમ ૧૪:૨૫, ૨૬.

 ઇઝરાયેલીઓ ક્યારે દસમો ભાગ આપતા હતા? ઇઝરાયેલીઓ દર વર્ષે દસમો ભાગ આપતા હતા. (પુનર્નિયમ ૧૪:૨૨) પણ દર સાતમા વર્ષે તેઓ એ આપતા ન હતા. એ સાબ્બાથનું એટલે કે આરામનું વર્ષ હતું. એ વર્ષે તેઓ જમીનમાં કંઈ વાવતા ન હતા. (લેવીય ૨૫:૪, ૫) એ કારણે તેઓ દસમો ભાગ આપતા ન હતા. એ સાત વર્ષ દરમિયાન, દર ત્રીજા અને છઠ્ઠા વર્ષે તેઓ બીજો દસમો ભાગ ગરીબો અને લેવીઓને આપતા હતા.—પુનર્નિયમ ૧૪:૨૮, ૨૯.

 દસમો ભાગ ન આપવાની સજા કઈ હતી? મૂસાના નિયમશાસ્ત્રમાં એ જણાવ્યું નથી કે દસમો ભાગ ન આપનારને સજા થતી હતી. ઇઝરાયેલીઓએ સજાના ડરથી નહિ, પણ ઈશ્વરને ખુશ કરવા દસમો ભાગ આપવાનો હતો. તેઓએ ઈશ્વર આગળ જાહેર કરવાનું હતું કે તેઓએ દસમો ભાગ આપ્યો છે અને આશીર્વાદની યાચના કરવાની હતી. (પુનર્નિયમ ૨૬:૧૨-૧૫) જો કોઈ ઇઝરાયેલી દસમો ભાગ ન આપે, તો તે જાણે ઈશ્વરને લૂંટતો હતો.—માલાખી ૩:૮, ૯.

 શું ઇઝરાયેલીઓ માટે દસમો ભાગ આપવો અઘરું હતું? ના. ઈશ્વરે વચન આપ્યું હતું કે જો ઇઝરાયેલીઓ દસમો ભાગ આપશે, તો તે તેઓ પર આશીર્વાદો વરસાવશે અને તેઓને કશાની ખોટ નહિ પડે. (માલાખી ૩:૧૦) પણ દસમો ભાગ ન આપતા ત્યારે, તેઓએ સહન કરવું પડતું. તેઓ ઈશ્વરની કૃપા ગુમાવી બેસતા. એટલું જ નહિ, ભક્તિ માટે ઈશ્વરે કરેલી ગોઠવણોનો ફાયદો લઈ ન શકતા, કારણ કે યાજકો અને લેવીઓએ પોતાની જરૂરિયાતો પૂરી કરવા કામ કરવું પડતું.—નહેમ્યા ૧૩:૧૦; માલાખી ૩:૭.

 બાઇબલના “નવા કરાર”માં દસમો ભાગ આપવા વિશે શું જણાવ્યું છે?

 જ્યારે ઈસુ પૃથ્વી પર હતા, ત્યારે ઇઝરાયેલીઓ હજી દસમો ભાગ આપતા હતા. પણ ઈસુના મરણ પછી તેઓએ એમ કરવાની જરૂર ન હતી.

ઈસુના સમયમાં

 બાઇબલનો જે ભાગ સામાન્ય રીતે નવા કરાર તરીકે ઓળખાય છે, એમાં જણાવ્યું છે કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, ઇઝરાયેલીઓ દસમો ભાગ આપતા હતા. ઈસુએ સ્વીકાર્યું કે દસમો ભાગ આપવો એ તેઓની ફરજ હતી. પણ તેમણે ધાર્મિક આગેવાનોને ઠપકો આપ્યો, કેમ કે તેઓ ચીવટપૂર્વક દસમો ભાગ તો આપતા હતા, પણ ‘ન્યાય, દયા અને વફાદારી જેવી નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો જતી કરતા હતા.’—માથ્થી ૨૩:૨૩.

ઈસુના મરણ પછી

 ઈસુના મરણ પછી દસમો ભાગ આપવાની જરૂર ન હતી. ઈસુના મરણથી મૂસાના નિયમશાસ્ત્રનો અંત આવ્યો. એટલે તેમના મરણ પછી ‘દસમો ભાગ લેવાની’ જરૂર ન હતી.—હિબ્રૂઓ ૭:૫, ૧૮; એફેસીઓ ૨:૧૩-૧૫; કોલોસીઓ ૨:૧૩, ૧૪.