સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ખ્રિસ્તીઓએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ?

શું ખ્રિસ્તીઓએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ?

શું ખ્રિસ્તીઓએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ?

સાચા ખ્રિસ્તીઓ આજે રાજકારણમાં ભાગ લેતા નથી. કેમ નહિ? કેમ કે તેઓ ઈસુને પગલે ચાલે છે. ઈસુએ પોતા વિષે કહ્યું, “હું જગતનો નથી.” તેમના શિષ્યો વિષે તેમણે કહ્યું, “તમે જગતના નથી.” (યોહાન ૧૫:૧૯; ૧૭:૧૪) ચાલો થોડાં કારણો જોઈએ કે કેમ સાચા ખ્રિસ્તીઓએ રાજકારણમાં ભાગ ન લેવો જોઈએ.

૧. મનુષ્યો પાસે મર્યાદિત આવડત છે. બાઇબલ કહે છે કે મનુષ્યો પાસે પોતાને દોરવાની આવડત કે હક્ક નથી. યિર્મેયા પ્રબોધકે લખ્યું: “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”—યિર્મેયા ૧૦:૨૩.

દાખલા તરીકે, મનુષ્યોને એ રીતે બનાવવામાં આવ્યા નથી કે તેઓ પક્ષીની જેમ ઊડી શકે. એવી જ રીતે, મનુષ્યોને એ રીતે બનાવવામાં આવ્યા નથી કે તેઓ પોતાની મેળે સારી રીતે રાજ કરી શકે. સરકારની મર્યાદિત આવડત વિષે ઇતિહાસકાર ડેવિડ ફ્રોમકિને કહ્યું: “સરકારો મનુષ્યોથી બનેલી હોય છે; એટલા માટે તેઓ નિષ્ફળ જાય છે અને તેઓનું ભાવિ ચોક્કસ હોતું નથી. તેઓ પોતાનો અધિકાર તો વાપરે છે, પણ એ મર્યાદિત છે.” (સરકાર વિષેનો પ્રશ્ન, અંગ્રેજી) એ માટે બાઇબલ આપણને ચેતવણી આપે છે કે આપણો ભરોસો મનુષ્યોમાં ન મૂકીએ.—ગીતશાસ્ત્ર ૧૪૬:૩.

૨. દુષ્ટ દૂતો દુનિયા પર રાજ કરે છે. એક વાર શેતાને આ જગતની સત્તા ઈસુ સામે રજૂ કરી. એ સમયે ઈસુએ સ્વીકાર્યું કે જગતની બધી સત્તાઓ આપવાનો શેતાન પાસે અધિકાર હતો. બીજા એક સંજોગમાં ઈસુએ શેતાનને “આ જગતનો અધિકારી” કહ્યો. થોડાંક વર્ષો પછી પ્રેરિત પાઊલે શેતાનનું વર્ણન ‘આ જગતના ઈશ્વર’ તરીકે કર્યું. (યોહાન ૧૪:૩૦; ૨ કોરીંથી ૪:૪) પાઊલે સાથી ખ્રિસ્તીઓને લખ્યું: ‘આપણું આ યુદ્ધ આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટ દૂતોનાં લશ્કરોની સામે છે.’ (એફેસી ૬:૧૨) મોટા ભાગના લોકોને ખબર નથી કે દુષ્ટ દૂતો જ હકીકતમાં આ દુનિયા પર રાજ કરે છે. આ હકીકત જાણીને રાજકારણ માટેના આપણા વિચારો પર કેવી અસર પડવી જોઈએ?

આ સરખામણી પર વિચાર કરો: જેમ નાની હોડીઓ દરિયામાં જોરદાર મોજાંઓ સાથે તણાઈ જાય છે, એવી જ રીતે આજની રાજકીય સંસ્થાઓ પણ શક્તિશાળી અને દુષ્ટ દૂતોની અસરથી તણાઈ જાય છે. અને જેમ હોડીઓ ચલાવનાર નાવિકો જોરદાર મોજાંઓ સામે કંઈ જ કરી શકતા નથી, એવી જ રીતે રાજનેતાઓ દુષ્ટ દૂતોની શક્તિશાળી અસર સામે કંઈ કરી શકતા નથી. આ શક્તિશાળી દુષ્ટ દૂતો મનુષ્યોને સાવ બગાડી નાખવા અને પૃથ્વી પર દુઃખો લાવવા પ્રયત્ન કરે છે. (પ્રકટીકરણ ૧૨:૧૨) એટલા જ માટે, ખરો બદલાવ કોઈ એવી વ્યક્તિ લાવી શકે, જે શેતાન અને તેના દુષ્ટ દૂતોથી પણ વધારે શક્તિશાળી હોય. એ વ્યક્તિ ઈશ્વર યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; યિર્મેયા ૧૦:૭, ૧૦.

૩. સાચા ખ્રિસ્તીઓ ફક્ત ઈશ્વરના રાજ્યનો જ પક્ષ લે છે. ઈસુ અને તેમના શિષ્યો જાણતા હતા કે યોગ્ય સમયે ઈશ્વર પોતાની સરકાર સ્થાપશે. એ સરકાર સ્વર્ગમાંથી આખી પૃથ્વી પર રાજ કરશે. બાઇબલ આ સરકારને ઈશ્વરનું રાજ્ય કહે છે. વધુમાં, એ જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત એ રાજ્યના પસંદ કરેલા રાજા છે. (પ્રકટીકરણ ૧૧:૧૫) આ રાજ્ય દરેક મનુષ્યને અસર કરતું હોવાથી, “ઈશ્વરના રાજ્યની સુવાર્તા”ને ઈસુએ પોતાના શિક્ષણનો મુખ્ય વિષય બનાવ્યો. (લુક ૪:૪૩) તેમણે પોતાના શિષ્યોને આ પ્રાર્થના કરતા પણ શીખવ્યું: ‘તમારું રાજ્ય આવો.’ શા માટે? કેમ કે એ રાજ્ય દ્વારા ઈશ્વરની ઇચ્છા સ્વર્ગમાં અને પૃથ્વી પર ચોક્કસ પૂરી થશે.—માત્થી ૬:૯, ૧૦.

તો પછી, મનુષ્યે રચેલી સરકારોનું શું થશે? બાઇબલ જવાબ આપે છે કે ‘આખા જગતની’ સરકારોનો નાશ થશે. (પ્રકટીકરણ ૧૬:૧૪; ૧૯:૧૯-૨૧) જો એક વ્યક્તિ સાચે જ માનતી હોય કે ઈશ્વરનું રાજ્ય બધી જ માનવ સરકારોનો નાશ કરશે, તો તે કોઈ રાજકીય સંગઠનનો પક્ષ લેશે નહિ. પણ જો તે દુનિયાની નાશ પામનારી સરકારોને સાથ આપવાનો પ્રયત્ન કરશે, તો તે ઈશ્વરની સામે થાય છે એમ ગણાશે.

સાચા ખ્રિસ્તીઓ રાજકારણમાં ભાગ લેતા નથી. પણ શું એનો મતલબ એ થાય કે સમાજને સુધારવામાં તેઓને કોઈ રસ નથી? હવે પછીના લેખમાં આપવામાં આવેલા જવાબ પર વિચાર કરો. (w12-E 05/01)

[પાન ૬ પર બ્લર્બ]

યહોવાના સાક્ષીઓ રાજકારણમાં કોઈ ભાગ લેતા નથી. તેઓ ઈશ્વરના રાજ્યને પૂરેપૂરી રીતે જાહેર કરે છે