સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગરીબી

ગરીબી

ગરીબી

આજે ગરીબી એક ગંભીર સમસ્યા છે. ગરીબ કોને કહેશો? ટૂંકમાં કહીએ તો જેની પાસે જીવન જરૂરી વસ્તુઓ ના હોય. જેની પાસે રહેવાને ઘર ના હોય, જરૂરી શિક્ષણ અને સારવાર સગવડનો અભાવ હોય. એક અબજ લોકો એટલે કે અંદાજે ભારતની વસ્તી જેટલા લોકો ગરીબીમાં સબડે છે. જ્યારે ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપના મોટા ભાગના લોકોએ ગરીબી રેખાની નીચે જીવતા લોકોને જોયા નથી. ચાલો કેટલીક વ્યક્તિઓ વિષે જોઈએ, જેઓ ગરીબીમાં જીવે છે.

મબારુશીમાના: તે અને તેની પત્ની આફ્રિકાના રુવાન્ડામાં રહે છે. તેઓને પાંચ બાળકો છે. તેઓનું છઠ્ઠું બાળક મૅલેરિયાને લીધે મરણ પામ્યું. તે જણાવે છે: ‘મારા પિતાએ જમીનના છ ભાગ કરવા પડ્યા. મારો ભાગ એટલો નાનો હતો કે હું એમાં કંઈ ના કરી શકું. એટલે અમારે શહેરમાં રહેવા જવું પડ્યું. હું અને મારી પત્ની પથ્થર અને રેતીની થેલીઓ ઊંચકવાનું કામ કરીએ છીએ. અમે એટલી નાની ઝૂંપડીમાં રહીએ છીએ કે એમાં કોઈ બારીય નથી. અમે પોલીસ સ્ટેશનના કૂવામાંથી પાણી ભરી લાવીએ છીએ. દિવસમાં માંડ એક ટંકનું ખાવા મળે છે. કામ ન મળે ત્યારે તો આખા દિવસ ભૂખ્યા રહેવું પડે છે. આવું થાય ત્યારે બાળકો ભૂખથી ટળવળીને રડવા લાગે છે. મારાથી એ જોવાતું નથી એટલે હું ઘરની બહાર જતો રહું છું.’

વિક્ટર અને કાર્મિન: આ યુગલ બોલિવિયા દેશના એક નાના ગામડામાં રહે છે. તેઓને પાંચ બાળકો છે. તેઓ બૂટ-ચંપલ રિપેર કરીને ગુજરાન ચલાવે છે. તેઓ ભાડાના એક રૂમમાં રહે છે અને એમાં વીજળી પણ નથી. વરસાદ પડે ત્યારે એમાં પાણી ટપકે છે. તેમની દીકરી જે સ્કૂલમાં જાય છે ત્યાં સંખ્યા કરતાં વધારે બાળકો ભણે છે. એટલે તેના પિતા વિક્ટરે બેસવા માટે ટેબલ બનાવી આપવું પડ્યું. બળતણ માટે તેઓને ૧૦ કિલોમીટર ચાલીને જંગલમાં જવું પડે છે. જેથી તેઓ પીવા માટે પાણી ઉકાળી શકે અને ખાવા માટે રાંધી શકે. કાર્મિન કહે છે, ‘ઘરમાં સંડાસ નથી, એટલે અમારે નદીએ જવું પડે છે. એ જ નદીમાં લોકો નહાઈ છે અને કચરો પણ નાંખે છે. ગંદકીને લીધે બાળકો વારંવાર માંદા પડે છે.’

ફ્રાન્સિસ્કો અને લિડિયા: તેઓ મોઝામ્બિકના એક ગામડામાં રહે છે. તેઓના એક બાળકને મૅલેરિયા થયો હતો. પણ હૉસ્પિટલે તેને દાખલ કરવાની ના પાડી, એટલે તે ગુજરી ગયું. હવે તેમને ચાર જ બાળકો છે. તેઓ પાસે જમીનનો નાનો ટુકડો છે, જ્યાં તેઓ ડાંગર અને શક્કરિયાં ઉગાડે છે. પણ એ વરસના ફક્ત ત્રણ મહિના જ ચાલે છે. પતિ કહે છે, ‘એમાં પણ કોઈ વાર પૂરતો વરસાદ હોતો નથી. અરે, કેટલીક વાર પાકની ચોરી થઈ જાય છે. એટલે હું ગુજરાન ચલાવવા વાંસની પટ્ટીઓ કાપીને વેચું છું, જે બાંધકામમાં વપરાય છે. હું અને મારી પત્ની બળતણના લાકડાં શોધવા માટે બે કલાક જંગલમાં ચાલીને જઈએ છીએ. અમે બંને એક-એક લાકડાનો ભારો ઊંચકી લાવીએ છીએ. એમાંથી એક વેચી દઈએ છીએ અને બીજો રાંધવા માટે રાખીએ છીએ, જે અઠવાડિયું ચાલે છે.’

દુનિયામાં દર સાતમાંથી એક વ્યક્તિ મબારુશીમાના, વિક્ટર અને ફ્રાન્સિસ્કોની જેમ ગરીબીમાં સબડે છે. જ્યારે કે અબજો લોકો ધન-સંપત્તિમાં આળોટે છે. ઘણાં લોકોને લાગે છે કે આ તો કેટલો મોટો અન્યાય કહેવાય! એટલે ગરીબી દૂર કરવા જાત-જાતના પ્રયત્નો કરે છે. હવે પછીનો લેખ બતાવે છે કે એ લોકો શું ધારતા હતાં અને શું થયું છે. (w11-E 06/01)

[પાન ૩ પર ચિત્ર]

કાર્મિન અને તેના બે બાળકો નદીમાંથી પાણી ભરી રહ્યાં છે