સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરનું રાજ્ય શું છે?

“રાજ્યની આ સુવાર્તા . . . ”​—માત્થી ૨૪:૧૪.

ઈસુનું પહાડ પરનું ભાષણ ખૂબ જ જાણીતું છે. એમાં તેમણે પ્રાર્થના કરતા શીખવ્યું. એ પ્રાર્થનામાં એક વિનંતી હતી: “તારૂં રાજ્ય આવો.” આજે કરોડો લોકો એ પ્રાર્થના ગોખીને વારંવાર બોલતા હોય છે. એક જ્ઞાનકોશ કહે છે, ‘સામાન્ય રીતે સર્વ ખ્રિસ્તીઓ આ પ્રાર્થના બોલતા હોય છે.’ જોકે મોટાભાગના લોકોને ખબર નથી કે ઈશ્વરનું રાજ્ય શું છે? એ આવે ત્યારે શું થશે?​—માત્થી ૬:૯, ૧૦.

લોકોને આવા સવાલો થાય એની આપણને નવાઈ લાગવી ન જોઈએ. એનું કારણ એ છે કે રાજ્ય વિષે ચર્ચના પાદરીઓ અઘરી અને ગૂંચવી નાખે એવી સમજણ આપતા હોય છે. એક ધાર્મિક લેખકે ઈશ્વરના રાજ્ય વિષે કહ્યું, ‘એ એક રહસ્ય છે. જ્યારે ઈશ્વર વ્યક્તિના મન સાથે જોડાઈ જાય અને વ્યક્તિ તારણ અનુભવે, ત્યારે તેના મને એ રાજ્ય આવી ગયું.’ બીજા એક લેખક સુવાર્તાના ચાર પુસ્તકોમાં જણાવેલ રાજ્યને ‘ચર્ચ વિષેનું શિક્ષણ’ ગણે છે. કૅથલિક એન્સાઇક્લોપીડિયા કહે છે, ‘ઈશ્વરનું રાજ્ય ન્યાય, શાંતિ અને આનંદ જેવા પવિત્ર આત્મામાં રહેલા ગુણો છે.’​—કેટેકિઝમ ઑફ ધ કૅથલિક ચર્ચ.

આ મૅગેઝિનના બીજા પાન પર ઈશ્વરના રાજ્ય વિષે સરસ સમજણ આપી છે. એમાં જણાવ્યું છે કે યહોવાહનું રાજ્ય સ્વર્ગમાં એક સરકાર છે. “એ રાજ્ય થોડા જ સમયમાં ખરાબ લોકોનો નાશ કરશે, આ દુનિયાને સુંદર બનાવશે.” ચાલો જોઈએ કે એ રાજ્ય વિષે બાઇબલ બીજું શું કહે છે.

પૃથ્વી પર રાજ કરનારા

ઈશ્વરનું રાજ્ય એક સરકાર છે, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે. તેમને રાજા બનાવવામાં આવશે એ વિષે પ્રબોધક દાનીયેલને ઘણા વર્ષો પહેલાં દર્શન મળ્યું હતું. એ દર્શન વિષે તેમણે લખ્યું: “રાતનાં સંદર્શનોમાં હું જોતો હતો, તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્યપુત્રના જેવો એક પુરુષ [ઈસુ] પેલા વયોવૃદ્ધ પુરુષની [યહોવાહ] પાસે આવ્યો, ને તેઓ તેને તેની નજીક લાવ્યા. તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં, કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય; તેની સત્તા સનાતન તથા અચળ છે, ને તેનું રાજ્ય અવિનાશી છે.”​—દાનીયેલ ૭:૧૩, ૧૪.

દાનીયેલનું પુસ્તક એ પણ બતાવે છે કે ઈશ્વર પોતે એ રાજ્ય સ્થાપશે. એ રાજ્ય સર્વ માનવી સરકારોનો અંત લાવશે. ઈશ્વરના રાજ્યનો અંત કદીયે નહિ આવે. દાનીયેલનો બીજો અધ્યાય જણાવે છે કે બાબેલોનના રાજાને ઈશ્વરે એક સપનું બતાવ્યું હતું. એમાં એક મોટી મૂર્તિ હતી, જે આવનાર જગત સત્તાઓને દર્શાવતી હતી. એ દર્શનનો અર્થ સમજાવતા તેમણે કહ્યું, ‘છેલ્લા સમયમાં ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને ઈશ્વરનું રાજ્ય સર્વકાળ ટકશે.’​—દાનીયેલ ૨:૨૮, ૪૪.

ઈશ્વરના રાજ્યમાં ઈસુ એકલા જ રાજ નહિ કરે, તેમની સાથે બીજાઓ પણ હશે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે શિષ્યોને ખાતરી આપી કે તેઓ પણ સ્વર્ગમાં રાજગાદી પર બેસશે. (લુક ૨૨:૨૮-૩૦) તેમની સાથે રાજ કરનારા “સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના” હશે. તેઓ ‘ઈશ્વરને માટે રાજા તથા યાજકો તરીકે પૃથ્વી પર રાજ કરશે.’​—પ્રકટીકરણ ૫:૯, ૧૦.

શા માટે રાજ્ય વિષેનો સંદેશો એક ખુશખબર છે?

તમે નોંધ કરી હશે કે ઈસુને “બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો” પર રાજ કરવાનો હક મળ્યો છે. તેમની સાથે રાજ કરનારા ‘પૃથ્વી પર રાજ કરશે.’ તેઓ એવા લોકો પર રાજ કરશે, જેઓ રાજ્યની ખુશખબર સાંભળીને એને સ્વીકારશે. એ ઉપરાંત એવા લોકોનો સમાવેશ થશે, જેઓને ભાવિમાં સજીવન થઈને હંમેશ માટે જીવવાનો મોકો મળશે.

એ રાજ્યમાં લોકોને કેવા આશીર્વાદો મળશે, એની થોડીક ઝલક અહીં આપેલી છે:

“તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્‍નિથી બાળી નાખે છે.”​—ગીતશાસ્ત્ર ૪૬:૯.

“તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ.”​—યશાયાહ ૬૫:૨૧, ૨૨.

“તે [ઈશ્વર] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”​—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

“ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે.”​—યશાયાહ ૩૫:૫, ૬.

‘જેઓ ગુજરી ગયા છે તેઓ સર્વ ઈસુની વાણી સાંભળશે; જેઓએ સારાં કામ કર્યાં છે, તેઓ સજીવન થશે.’​—યોહાન ૫:૨૮, ૨૯.

‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’​—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

આ ખરેખર ખુશખબર કહેવાય. બાઇબલમાં પૂરી થયેલી ભવિષ્યવાણી સાબિત કરે છે કે નજીકમાં એ રાજ્ય પૃથ્વી પર રાજ શરૂ કરશે. (w11-E 03/01)