સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના ભક્તો વચ્ચે ગાઢ પ્રેમ હોય છે

ઈશ્વરના ભક્તો વચ્ચે ગાઢ પ્રેમ હોય છે

ઈશ્વરના ભક્તો વચ્ચે ગાઢ પ્રેમ હોય છે

બાઇબલ જણાવે છે: “જો કોઈનામાં પ્રેમ અને દયા ન હોય, તો જાણવું કે તે ઈશ્વરને ઓળખતો નથી કેમ કે ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮, IBSI) ઈશ્વર તરફ લઈ જતા ધર્મના લોકો હળીમળીને રહે છે.

ઘણા ધર્મના લોકો સારાં કામ કરે છે. જેમ કે, બીમાર લોકોની કાળજી લે છે. ઘરડા લોકોની સંભાળ રાખે છે. ગરીબોની મદદ કરે છે. તેઓ લોકોને આ સલાહ પ્રમાણે જીવવાનું ઉત્તેજન આપે છે: ‘જેની પાસે પૈસા હોય, ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં ઈશ્વરની પ્રીતિ શી રીતે રહી શકે? આપણે શબ્દથી નહિ અને જીભથી નહિ, પણ કાર્યોથી અને સત્યથી પ્રીતિ કરીએ.’—૧ યોહાન ૩:૧૭, ૧૮.

પણ જ્યારે યુદ્ધો થાય ત્યારે શું? ઈશ્વરે આ આજ્ઞા આપી છે: “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” શું એ આજ્ઞા યુદ્ધ ફાટી નીકળે ત્યારે ભૂલી જવી જોઈએ કે પાળવી જોઈએ?—માત્થી ૨૨:૩૯.

ઈસુએ જણાવ્યું કે “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) તમે જેમ નીચેના વિષયો વિચારો તેમ આ ધ્યાનમાં રાખો: ‘આજે મોટા ભાગના ધર્મો શું એકબીજા પર પ્રેમ રાખવાનું શીખવે છે? શું લોકો વાણીથી જ નહિ, પણ વર્તનથી પણ હરેક સમયે એકબીજા માટે પ્રેમ બતાવે છે?’

વિષય: યુદ્ધ કે લડાઈ.

બાઇબલ શીખવે છે: ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તમને સતાવનારા માટે પ્રાર્થના કરો.”—માથ્થી ૫:૪૪, કોમન લેંગ્વેજ.

સૈનિકો ઈસુને પકડવા આવ્યા ત્યારે, પીતરે તરત જ તલવાર કાઢી. પણ ઈસુએ પીતરને કહ્યું: “તારી તલવાર પાછી તેની જગ્યાએ મૂકી દે. જે લોકો તલવારનો ઉપયોગ કરે છે તેઓ તલવાર વડે મારી નંખાશે.”—માથ્થી ૨૬:૫૨, ઇઝી ટુ રીડ વર્શન.

પ્રેરિત યોહાને લખ્યું: ‘ઈશ્વરનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે ઈશ્વરનો નથી. કેમકે જે સંદેશો આપણે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે, કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ; જેવો કાઈન દુષ્ટનો હતો, અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું.’—૧ યોહાન ૩:૧૦-૧૨.

પ્રશ્ન: કયા ધર્મના લોકો યુદ્ધમાં ભાગ લેતા નથી?

વિષય: રાજકારણ.

બાઇબલ શીખવે છે: ઈસુના ચમત્કારો જોઈને, અમુક લોકો તેમને રાજા બનાવવા ચાહતા હતા. પણ ઈસુએ શું કર્યું? બાઇબલ જણાવે છે: “લોક આવીને મને રાજા કરવા સારૂ જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલો ચાલ્યો ગયો.”—યોહાન ૬:૧૫.

ઈસુને પકડવામાં આવ્યા. તેમની પર તહોમતો મૂકવામાં આવ્યા કે તે લોકોને સરકાર વિરુદ્ધ ભડકાવે છે. એટલે “ઈસુએ કહ્યું, ‘મારું રાજ આ દુનિયાનું નથી. જો હોત તો તો મારા સેવકો મને યહુદીઓના હાથમાં પડતો અટકાવવા લડ્યા હોત. પણ મારું રાજ્ય આ દુનિયાનું છે જ નહિ.’”—યોહાન ૧૮:૩૬, સંપૂર્ણ.

પોતાના શિષ્યો વિષે જ્યારે ઈસુએ પ્રાર્થના કરી, ત્યારે તેમણે કહ્યું: “તારૂં વચન મેં તેઓને આપ્યું છે; અને જગતે તેઓના ઉપર દ્વેષ [ધિક્કાર] કર્યો છે, કેમકે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી.”—યોહાન ૧૭:૧૪.

પ્રશ્ન: ભલે નેતાઓ સખત વિરોધ કરે તોપણ, કયા ધર્મના લોકો ઈસુને અનુસરે છે અને રાજકારણમાં ભાગ નથી લેતા?

વિષય: ભેદભાવ.

બાઇબલ શીખવે છે: યહુદીઓ ન હતા અને સુન્‍નત કરાવી ન હતી તેઓ ખ્રિસ્તીઓ બન્યા હતા. તેઓ પર ઈશ્વરની કૃપા જોઈને ‘પિતરે કહ્યું: “હવે મને સમજ પડે છે કે ઈશ્વર સૌના પ્રત્યે સમાન ધોરણે વર્તે છે. તેમની બીક રાખનાર અને સારાં કામો કરનાર તેમને સ્વીકાર્ય છે, પછી ભલેને તે કોઈપણ જાતિનો કેમ ન હોય!”’—પ્રેષિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫, કોમન લેંગ્વેજ.

પહેલી સદીના ખ્રિસ્તીઓને યાકૂબે લખ્યું: ‘મારા ભાઈઓ, તમે ભેદભાવ વગર આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. કેમકે જેની આંગળીમાં સોનાની વીંટી હોય તથા જેના અંગ પર ભપકાદાર વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે, અને જો મેલાં-ઘેલાં વસ્ત્ર પહેરેલો એવો એક ગરીબ માણસ પણ આવે; અને તમે ભપકાદાર વસ્ત્ર પહેરેલા માણસને માન આપીને કહો છો, કે તમે અહીં ઉત્તમ સ્થાને બેસો; પણ પેલા ગરીબ માણસને કહો છો, કે તું ત્યાં ઊભો રહે, અથવા અહીં મારા પગ પાસે બેસ; તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે ભેદભાવથી ન્યાય કરતા નથી?’—યાકૂબ ૨:૧-૪.

પ્રશ્ન: કયો ધર્મ શીખવે છે કે ઈશ્વરની નજરમાં બધા જ લોકો સરખા છે અને નાત-જાત કે અમીર-ગરીબનો ભેદભાવ રાખવો ન જોઈએ? (w09 8/1)

[પાન ૬ પર બ્લર્બ]

આજે કયો ધર્મ એવું શીખવે છે કે જુદા જુદા દેશ, નાત-જાત કે અમીર-ગરીબ વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ?