સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૩ ઈસુને ઓળખો

૩ ઈસુને ઓળખો

૩ ઈસુને ઓળખો

‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકનો એક દીકરો, ઈસુ આપ્યો. એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અમર જીવન પામે.’—યોહાન ૩:૧૬.

લોકોને શું શંકા છે? અમુક લોકોને શંકા છે કે ઈસુ નામની વ્યક્તિ હતી જ નહિ. જ્યારે કે બીજાને લાગે છે કે ઈસુ એક સામાન્ય વ્યક્તિ હતા.

શંકા કેવી રીતે દૂર થશે? ઈસુના શિષ્ય નાથાનાએલની જેમ તપાસ કરો કે ઈસુ હતા કે નહિ. * નાથાનાએલના મિત્ર ફિલિપે તેમને કહ્યું કે મસીહા ‘એટલે નાઝરેથનો ઈસુ, યુસફનો દીકરો, અમને મળી ગયો છે. ત્યારે નાથાનાએલે તેને પૂછ્યું, કે શું નાઝરેથમાંથી કંઈ સારું નીકળી શકે? પછી ફિલિપ તેને કહે છે, કે આવીને જો.’ (યોહાન ૧:૪૩-૫૧) અહીંયા નાથાનાએલે જાતે તપાસ કરી કે હકીકતમાં ઈસુ છે કે નહીં. એવી જ તપાસ તમારે પણ કરવી જોઈએ.

ઈસુ ખ્રિસ્ત હતા કે નહિ એની ઇતિહાસમાંથી તપાસ કરો. જોસેફસ અને ટેસીટસ પહેલી સદીના જાણીતા ઇતિહાસકારો હતા. તેઓ ખ્રિસ્તીઓ ન હતા છતાં તેઓએ પોતાના લખાણમાં ઈસુ વિષે ઉલ્લેખ કર્યો. ચાલો ટેસીટસના એક લખાણ પર નજર નાખીએ. એ લખાણમાં તેમણે ૬૪ની સાલમાં રોમમાં જે આગ લાગી હતી એ વિષે વાત કરી. એમાં તે જણાવે છે કે ‘નીરોએ આગ માટે ખ્રિસ્તીઓ પર આરોપ મૂક્યો. એ કારણે ખ્રિસ્તીઓનો ધિક્કાર કરવામાં આવ્યો. તેઓ પર જુલમ ગુજારવામાં આવ્યો. હવે આ ખ્રિસ્તી નામ મૂળ લૅટિન ક્રિસટીસ એટલે કે ખ્રિસ્ત પરથી આવે છે. ઈસુ ખ્રિસ્તને તિબેરયસના રાજમાં રૂમી અધિકારી પોંતિયસ પીલાતે મરણની સજા આપી હતી.’ ટેસીટસના લખાણથી જોવા મળે છે કે ઈસુ ખરેખર હતા.

પહેલી અને બીજી સદીના ઇતિહાસકારોએ ઈસુ અને ખ્રિસ્તીઓ વિષે ઘણા બધા લેખો લખ્યા હતા. એ વિષે એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા, (૨૦૦૨ અંક) જણાવે છે: ‘પહેલી અને બીજી સદીના અમુક ઇતિહાસકારો ઈસુમાં માનતા ન હતા. જ્યારે તેઓએ પહેલી સદીનો ઇતિહાસ લખ્યો ત્યારે તેઓ ચાહત તો ઈસુ વિષે ન લખ્યું હોત. પણ તેઓએ પહેલી સદીના ઇતિહાસમાં ઈસુનો પણ ઉલ્લેખ કર્યો. એટલે અઢાર-ઓગણીસ ને વીસમી સદીમાં ઇતિહાસકારોએ જે શંકા ઉઠાવી કે ઈસુ નામની વ્યક્તિ હતી જ નહિ એનો કોઈ મતલબ નથી.’ ૨૦૦૨માં વૉલ સ્ટ્રીટ જરનલ ન્યૂઝપેપરે જણાવ્યું કે ‘નાસ્તિક ઇતિહાસકારો સિવાયના બધા ઇતિહાસકારો માને છે કે નાઝરેથમાં ઈસુ નામની કોઈ વ્યક્તિ હતી.’

ઈસુના સજીવન થયાનો પુરાવો. એ માટે ઈસુના મરણના દિવસે શું થયું એ વિષે વાત કરીએ. પહેલા તો રોમી અધિકારીઓએ ઈસુને પકડ્યા. એ પછી ડરના માર્યા ઈસુના સાથીઓએ તેમનો નકાર કર્યો. જેમ કે, પીતરે ઈસુનો ત્રણ વખત નકાર કર્યો. (માત્થી ૨૬:૩૧, ૫૫, ૫૬, ૬૯-૭૫) પણ સમય જતા પીતર અને યોહાને પોતાનો જીવ જોખમમાં નાખીને હિંમતથી, રોમી અધિકારીઓને ઈસુનો સંદેશો જણાવ્યો.

ઈસુને સજીવન થએલા જોઈને પીતર અને બીજા શિષ્યોમાં હિંમત આવી. બાઇબલ જણાવે છે કે ઈસુ સજીવન થયા ત્યારે, “પીતરને તેમણે દર્શન દીધું. પછી બાર પ્રેષિતોને દર્શન દીધું. ત્યાર પછી એક સાથે પાંચસો કરતાં વધારે વિશ્વાસી ભાઈઓને તેમણે દર્શન દીધું.” (૧ કોરીંથી ૧૫:૩-૭) જો એક-બે વ્યક્તિને દર્શન થયા હોત તો માનીએ કે ખોટી વાત છે. (લુક ૨૪:૧-૧૧) પણ પાંચસો કરતાં વધારે લોકોને દર્શન થયા એ પુરાવો આપે છે કે સાચે જ ઈસુ સજીવન થયા હતા.

શું ફાયદો થશે? જો આપણે ઈસુમાં શ્રદ્ધા રાખીને તેમના શિક્ષણ પ્રમાણે જીવીશું તો, આપણા પાપ માફ થશે. (માર્ક ૨:૫-૧૨; ૧ તીમોથી ૧:૧૯; ૧ પીતર ૩:૧૬-૨૨) એટલું જ નહિ, આપણે મરી જઈશું તોપણ ઈશ્વર સજીવન કરશે.—યોહાન ૬:૪૦. (w09 5/1)

વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તકમાંથી “ઈસુ ખ્રિસ્ત કોણ છે?” અને “ઈસુએ આપણા માટે જિંદગી કુરબાન કરી” પ્રકરણ જુઓ. *

[ફુટનોટ્‌સ]

^ બાઇબલના માત્થી, માર્ક અને લુકના પુસ્તકમાં નાથાનાએલને બદલે બારથલમી છે.

^ આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૭ પર ચિત્રનું મથાળું]

નાથાનાએલની જેમ ઈસુ હયાત હતા એની તપાસ કરો