સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર કેવા છે?

ઈશ્વર કેવા છે?

ઈશ્વર કેવા છે?

ઈસુએ પોતાના મિત્રોને પ્રાર્થના કરતા શીખવ્યું. આજે લાખો લોકો એવી જ રીતે પ્રાર્થના કરે છે. (માત્થી ૬:૯-૧૩) એમાં ઈશ્વરને “અમારા બાપ” કહે છે. શું લોકો ખરેખર ઈશ્વરને પોતાના પિતાની જેમ ઓળખે છે?

તમારા વિષે શું? શું તમે તેમને પ્રાર્થના કરો છો? તમારું દુઃખ-સુખ જણાવો છો? ચાલો આપણે ઈશ્વરને વધારે સારી રીતે ઓળખીએ.

“તેનું નામ યહોવાહ છે”

બાળક તેના પપ્પાને પપ્પા કે ડૅડી તરીકે જ ઓળખે છે. મોટું થાય તેમ તેના પપ્પાનું નામ જાણે છે. તેમનો સ્વભાવ જાણે છે. તો પછી ઈશ્વરનું નામ શું છે? તે કેવા છે?

વિશ્વ, પર્વતો અને જીવંત સૃષ્ટિ પુરાવો આપે છે કે એને બનાવનાર ઈશ્વર છે. પણ એ તેમનું નામ જણાવતા નથી. ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં ઈશ્વરને કહ્યું: “તારૂં નામ પવિત્ર મનાઓ.” આજે ઈશ્વરનું નામ બધા જાણતા નથી. બાઇબલ જણાવે છે કે “તેનું નામ યહોવાહ છે.”—નિર્ગમન ૧૫:૩.

‘યહોવાહ’ નામનો અર્થ થાય કે ‘પોતે જે કહે એ કરશે જ.’ એટલે તે પિતા, ભલામણ કરનાર, ખરું-ખોટું પારખનાર, ઇન્સાફ કરનાર, રક્ષણ આપનાર, ગુરુ, કંઈ પણ બની શકે છે. આપણા ભલા માટે યહોવાહ ધારે એ કરી શકે છે. આના પરથી આપણે જાણી શકીએ કે યહોવાહ કેવા છે.

ઈશ્વરનું જેવું નામ, તેવાં કામ. ચાલો અમુક દાખલા લઈએ કે યહોવાહ કેવા છે. એ જાણવાથી તેમનામાં આપણી શ્રદ્ધા વધશે.

‘પ્રેમ અને શાંતિ આપનાર ઈશ્વર’

આપણાં પ્રથમ માબાપે ખોટા નિર્ણયો લીધા. આપણને વારસામાં પાપ મળ્યું. એને લીધે આપણે દુઃખ-તકલીફો ભોગવીને, મરણ પામીએ છીએ. શું એનો અર્થ એમ થયો કે આપણા માટે કોઈ જ આશા નથી? આપણા માટે આશા છે. ઈશ્વરભક્ત પાઊલે કહ્યું કે યહોવાહ ‘પ્રેમ અને શાંતિના’ સાગર છે. (૨ કોરીંથી ૧૩:૧૧) ઈસુએ કહ્યું: ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) પાઊલે કહ્યું: ‘પાપનો બદલો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.’ (રૂમી ૬:૨૩) એ જાણીને તમને કેવું લાગે છે?

હજારો વર્ષ પહેલાં, ઈસ્રાએલી લોકો યહોવાહના ખાસ ભક્તો હતા. પણ તેઓ વારંવાર તેમની આજ્ઞા તોડતા. ઈશ્વરભક્ત મુસાએ તેઓને કહ્યું, ‘ઓ મૂર્ખ લોકો, શું તમે યહોવાહને આવો બદલો આપો છો? તેણે તમને ઉત્પન્‍ન કર્યા છે ને સ્થિર કર્યા છે.’ (પુનર્નિયમ ૩૨:૬) જેમ બાળકનું દુઃખ જોઈને પિતાને દુઃખ થાય, એવું જ યહોવાહને પણ થયું. તોપણ યહોવાહે ઈસ્રાએલીઓની બધી રીતે સંભાળ રાખી. આજે પણ તે પોતાના ભક્તોને એવો જ પ્રેમ બતાવે છે.

નાનું બાળક ચાલતા ચાલતા ગબડી પડે ત્યારે, તેના પિતા તરત જ તેને ઉઠાવીને વહાલ કરશે. આપણા દરેકનાં જીવનમાં પણ સુખ-દુઃખ તો આવે જ છે. આપણે ઉદાસ થઈ જઈએ ત્યારે, પ્રેમ અને માર્ગદર્શનની જરૂર પડે છે. ઈશ્વરની નજરમાં આપણે અમૂલ્ય છીએ. એટલે તે આપણા ભલા માટે બાઇબલમાંથી શિખામણ આપે છે. મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે. આપણે તેમના પર પૂરી શ્રદ્ધા રાખીશું ત્યાં સુધી, તે મદદ કરવામાં અચકાશે નહિ.—યશાયાહ ૫૯:૧.

યહોવાહ આપણી “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) પાઊલે કહ્યું, ‘કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ કરો. ઉપકાર માનો. તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’ (ફિલિપી ૪:૬, ૭) તમે પણ યહોવાહની આગળ હૈયું ઠાલવો. તેમની સલાહ પ્રમાણે જીવો. પછી ‘ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે,’ એ તમને પણ મળશે.

‘જ્ઞાનના ઈશ્વર’

બાઇબલ કહે છે કે ‘યહોવાહ જ્ઞાનના ઈશ્વર છે.’ તેમના ‘જ્ઞાનનો’ કોઈ પાર નથી. (અયૂબ ૩૬:૪; ૧ શમૂએલ ૨:૩) તે આપણી રગેરગ જાણે છે. તે જાણે છે કે આપણને શાની જરૂર છે. મુસાએ કહ્યું, ‘માણસ ફક્ત રોટલીથી જ નહિ, પણ યહોવાહના મુખમાંથી નીકળતા વચનથી જીવે છે.’ (પુનર્નિયમ ૮:૩; માત્થી ૪:૪) એ બતાવે છે કે આપણને ખરું સુખ શામાંથી મળે છે.

ઈશ્વર બાઇબલ દ્વારા સૌથી સારું માર્ગદર્શન આપે છે. ‘યહોવાહના મુખમાંથી નીકળતા એ વચનો’ દિલમાં ઉતારવાથી લાભ થશે. સુસાના બહેનનો દાખલો લઈએ. તેમણે કહ્યું, ‘અમે પતિ-પત્ની સાથે મળીને બાઇબલ વાંચીએ. મિટિંગોમાં જઈએ. પ્રચાર કરીએ છીએ. ઈશ્વરના માર્ગદર્શનથી અમારી મંજિલ એક બની. અમે બંને સુખી છીએ.’

બાઇબલમાંથી શીખતા રહો. એ દિલમાં ઉતારો. તમે પણ અનેક આશીર્વાદો પામશો.—હેબ્રી ૧૨:૯.

આપણને બચાવનાર

આજે ક્યાંય શાંતિ નથી. ઘણા લોકો ગુના અને આતંકવાદના ડરમાં જીવે છે. આપણને રક્ષણની જરૂર છે. રોજી-રોટી કેમ પૂરી પાડવી એની ચિંતા ઘણાને કોરી ખાય છે. આવી ચિંતાઓથી રાહત જોઈએ. આ સર્વ તકલીફોમાંથી કોણ બચાવશે?

બાઇબલ કહે છે: “યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન [ઈશ્વરભક્ત] તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.” (નીતિવચનો ૧૮:૧૦) આપણને એ ભરોસો છે કેમ કે ઈશ્વરે અનેક વાર પોતાના ભક્તોને બચાવ્યા છે. દાખલા તરીકે, તેમણે ઇજિપ્તના લશ્કરનો નાશ કર્યો અને ઈસ્રાએલીઓને બચાવ્યા. તેમણે પુરાવો આપ્યો કે ભક્તોનું દુઃખ જોઈને, એમાંથી તેઓને છોડાવી શકે છે.—નિર્ગમન ૧૫:૧-૪.

ઈસ્રાએલના રાજા દાઊદને જીવનમાં અનેક કસોટીઓ આવી. તોપણ તેમણે પૂરા ભરોસાથી કહ્યું, ‘તું મારા તારણનો ઈશ્વર છે.’ (ગીતશાસ્ત્ર ૨૫:૫) ઈશ્વરભક્ત પીતરે પણ કહ્યું, યહોવાહ પોતાના “ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.” (૨ પીતર ૨:૯) આપણે પણ એવી જ શ્રદ્ધા કેળવીએ તો ઈશ્વરની કૃપા પામીશું.

ઈશ્વરે પોતાના ભક્તોને વચન આપ્યું કે “હું તેને બચાવીશ; તેણે મારૂં નામ જાણ્યું છે.” (ગીતશાસ્ત્ર ૯૧:૧૪) આપણા સમયમાં પણ એ સાચું પડ્યું છે. પોલૅન્ડના હેન્રીક ભાઈનો વિચાર કરો. તે સિત્તેર જેટલાં વર્ષોથી યહોવાહને ભજે છે. તે સોળેક વર્ષના જ હતા ત્યારે, નાઝીઓ તેમના પપ્પાને પકડી ગયા. આઉશવિટ્‌ઝ છાવણીમાં પૂરી દીધા. હેન્રીક અને તેમના ભાઈને પણ જેલમાં પૂરી દીધા. હેન્રીકે એકથી બીજી જેલમાં ઘણો સમય કાઢ્યો. એ વિષે તે કહે છે: ‘યહોવાહ હંમેશાં મારી સાથે હતા. ઘણી વાર મોત મોં ખોલીને ઊભું હતું. એવામાં પણ તેમણે મને શ્રદ્ધા અડગ રાખવા મદદ કરી.’

યહોવાહ કહે છે: “હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ત્રાતા [બચાવનાર] નથી.” (યશાયાહ ૪૩:૧૧) જલદી જ ‘સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ’ થશે. બધા દુષ્ટ લોકોનો નાશ થશે. ફક્ત નમ્ર લોકો જ બચી જશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬; નીતિવચનો ૨:૨૧, ૨૨) યહોવાહ વચન આપે છે: ‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

‘ઈશ્વરનાં છોકરાં’ બનીએ

ઈશ્વરભક્ત માલાખીના જમાનાનો વિચાર કરો. ઈસ્રાએલીઓ યહોવાહને ભજવાનો દાવો કરતા હતા. પણ લૂલા-લંગડાં પ્રાણીઓ અને સડેલાં અનાજનું બલિદાન ચડાવતા. આ રીતે તેઓ યહોવાહનું અપમાન કરતા હતા. એટલે યહોવાહે પૂછ્યું: “જો હું પિતા હોઉં, તો મારૂં સન્માન ક્યાં છે?”—માલાખી ૧:૬.

આપણે તેઓ જેવા ન બનીએ. બાઇબલ કહે છે, ‘તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.’ (યાકૂબ ૪:૮) એટલે કે આપણે યહોવાહને સારી રીતે ઓળખીએ તો, તેમની સાથેનો નાતો પાકો થશે.

ચાલો આપણે તેમના કહેવા પ્રમાણે જીવીએ. તન-મનથી તેમની ભક્તિ કરીએ. યહોવાહ એ કદી ભૂલશે નહિ. તે પોતાના રાજમાં આપણને ઘણા આશીર્વાદ આપશે. એમાં ‘મરણ થનાર નથી; શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.’ (પ્રકટીકરણ ૨૧:૪) એ સમયે “સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનાં સંતાનોની સાથે પાપમાંથી મળતી મુક્તિનો અદ્‍ભુત આનંદ માણશે.”—રોમન ૮:૨૧, IBSI. (w08 9/1)

[Blurb on page 5]

ઈશ્વરનું નામ યહોવાહ છે, જેનો અર્થ થાય ‘પોતે જે કહે એ કરશે જ’

[Blurb on page 6]

‘યહોવાહ હંમેશાં મારી સાથે હતા.’—હેન્રીક

[Blurb on page 7]

‘અમે સાથે મળીને બાઇબલ વાંચીએ, મિટિંગોમાં જઈએ અને પ્રચાર કરીએ. એનાથી અમે બંને સુખી છીએ.’—સુસાના