સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગલાતી, એફેસી, ફિલિપી અને કોલોસીઓને પત્રના મુખ્ય વિચારો

ગલાતી, એફેસી, ફિલિપી અને કોલોસીઓને પત્રના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

ગલાતી, એફેસી, ફિલિપી અને કોલોસીઓને પત્રના મુખ્ય વિચારો

પહેલી સદીમાં મુસાના નિયમને અમુક યહુદીઓ ચુસ્તપણે વળગી રહેતા હતા. તેઓની અસરમાં આવીને અમુક ખ્રિસ્તીઓ સાચી ભક્તિથી દૂર જઈ રહ્યા હતા. એ જાણીને પ્રેરિત પાઊલે ‘ગલાતીઓની મંડળીઓને’ સલાહ આપતો પત્ર લખ્યો. (ગલા. ૧:૧) એ પત્ર આશરે ઈસવીસન ૫૦-૫૨માં લખાયો હતો. એમાં સલાહ-સૂચનો અને ઠપકો છે.

એના દસેક વર્ષ પછી જ્યારે પાઊલ રોમમાં ‘ખ્રિસ્ત ઈસુના બંદીવાન’ તરીકે હતા ત્યારે ગલાતી, એફેસી, ફિલિપી અને કોલોસી મંડળોને પત્ર લખ્યાં. એમાં તેમણે સારી સલાહ અને પ્રેમભર્યું ઉત્તેજન આપ્યું. (એફે. ૩:૧) આ ચારેય મંડળોને લખેલા પત્રને ધ્યાન આપીને આજે આપણે પણ લાભ લઈ શકીએ છીએ.—હેબ્રી ૪:૧૨.

‘ન્યાયી ઠરાવ્યા’—કઈ રીતે?

(ગલા. ૧:૧–૬:૧૮)

પાઊલ ઈશ્વરથી પસંદ કરાયેલા નથી એમ કહીને ધર્મચુસ્ત યહુદીઓ કપટથી તેમને નીચા પાડવા માગતા હતા. એટલે પાઊલે પોતાના જીવનની અમુક વિગતો રજૂ કરીને બચાવ કર્યો કે પોતે ઈશ્વરથી પસંદ કરાયેલા છે. (ગલા. ૧:૧૧–૨:૧૪) તેઓના જૂઠાં શિક્ષણને ખુલ્લું પાડતાં પાઊલે કહ્યું કે “માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાયી ઠરતું નથી, પણ કેવળ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઠરે છે.”—ગલા. ૨:૧૬.

ઈસુએ ‘જેઓ નિયમને આધીન હતા તેઓને છોડાવ્યા’ અને સ્વતંત્ર કર્યા એવું પાઊલે કહ્યું. તેમણે ગલાતીઓને ઉત્તેજન આપ્યું કે “દૃઢ રહો, અને ફરીથી દાસત્વની ઝૂંસરી તળે ન જોડાઓ.”—ગલા. ૪:૪, ૫; ૫:૧.

સવાલ-જવાબ:

૩:૧૬-૧૮, ૨૮, ૨૯—ઈબ્રાહીમ સાથે થયેલો કરાર શું હજુ પણ લાગુ પડે છે? હા, ચોક્કસ. મુસાને આપેલા નિયમ કરારે ઈબ્રાહીમના કરારનો નકાર કર્યો નહિ પરંતુ એમાં ઉમેરો કર્યો. તેથી ભલે નિયમ કરાર “નાબૂદ” થયો હોય, પણ ઈબ્રાહીમનો કરાર હજુ ચાલે છે. (એફે. ૨:૧૫) એમાં આપેલું વચન ઈબ્રાહીમનાં વંશમાં આવનાર ‘સંતાનʼને આપવામાં આવ્યું હતું. એ સંતાન ખાસ કરીને ઈસુ ખ્રિસ્તને તેમ જ ‘જેઓ ખ્રિસ્તના છે’ તેઓને લાગુ પડે છે.

૬:૨—“ખ્રિસ્તનો નિયમ” શું છે? એમાં ઈસુએ શીખવેલી બધી આજ્ઞાઓ અને નિયમોનો સમાવેશ થાય છે. એમાં ખાસ કરીને ‘એકબીજા પર પ્રેમ રાખવાની’ આજ્ઞાનો સમાવેશ થાય છે.—યોહાન ૧૩:૩૪.

૬:૮આત્માને અર્થે’ વાવવું એનો શું અર્થ થાય? એનો અર્થ એ થાય કે ઈશ્વરના બતાવેલા માર્ગે ચાલવું. તેમ જ તેમની ભક્તિમાં તન-મનથી ભાગ લેવો, જેનાથી આપણે ઈશ્વરના આશીર્વાદ લણી શકીએ છીએ.

આપણે શું શીખી શકીએ?

૧:૬-૯. મંડળમાં જ્યારે કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે વડીલોએ તરત પગલાં લેવાં જોઈએ. તેઓએ બાઇબલની મદદથી સારી સલાહ આપીને ખોટી દલીલોને તોડી પાડવી જોઈએ.

૨:૨૦. ઈશ્વરે આપણા માટે ઈસુનું બલિદાન આપીને મોટો ઉપકાર કર્યો છે. આપણે એમાંથી ઘણું શીખી શકીએ છીએ. આપણે પણ ઈશ્વરભક્તિમાં ઘણા ભોગ આપી શકીએ છીએ.યોહા. ૩:૧૬.

૫:૭-૯. ખરાબ સંગત આપણને ‘સત્યથી’ દૂર લઈ જઈ શકે છે. આપણે એવી સંગતથી દૂર રહીને સમજુ બનીએ છીએ.

૬:૧, ૨, . જેઓ ‘આત્મિક’ છે, એટલે કે ઈશ્વરભક્તિમાં દૃઢ છે તેઓ જરૂર પડ્યે આપણો બોજો ઉપાડવા મદદ કરી શકે. દાખલા તરીકે, આપણે અજાણતા કંઈક ખોટું કરી બેઠા હોય, જેનાથી મુશ્કેલી આવી પડી હોય તો એ દૂર કરવા મદદ કરી શકે. પરંતુ ઈશ્વરભક્તિમાં જવાબદારી ઉપાડવાની વાત હોય ત્યારે આપણે પોતે જ ઉપાડવી જોઈએ.

‘સર્વ વાનાંનો ખ્રિસ્તમાં સમાવેશ કરવો’

(એફે. ૧:૧–૬:૨૪)

પાઊલે એફેસીઓને પત્ર લખ્યો ત્યારે, મંડળમાં સંપ રહે એના પર ભાર મૂક્યો. એ વિષે વધારે જણાવતા પાઊલ કહે છે, “સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંનાં તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે.” ખ્રિસ્તે “માણસોને દાન” આપ્યાં છે જેથી તેઓ સર્વને ‘વિશ્વાસમાં એક કરે.’એફે. ૧:૧૦; ૪:૮, ૧૩.

ઈશ્વરને મહિમા આપવા ને સંપ જાળવી રાખવા, સર્વ ખ્રિસ્તીઓએ ‘નવું માણસપણું પહેરી લેવું જોઈએ.’ તેમ જ ‘ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહેવું’ જોઈએ. તેઓએ ઈશ્વરભક્તિમાં પૂરેપૂરું બખ્તર ધારણ કરીને ‘શેતાનની કુયુક્તિઓની સામે દૃઢ રહેવાની જરૂર’ છે.એફે. ૪:૨૪; ૫:૨૧; ૬:૧૧.

સવાલ-જવાબ:

૧:૪-૭—કઈ રીતે અભિષિક્ત ખ્રિસ્તીઓનો જન્મ થયો એ પહેલાં જ તેઓને પસંદ કરવામાં આવ્યા હતા? પરમેશ્વરે કોઈ ખાસ વ્યક્તિઓને નહિ, પણ વ્યક્તિઓના સમૂહને અગાઉથી પસંદ કર્યો છે. આ પાપી દુનિયાની શરૂઆત થઈ એ પહેલાં જ ઈશ્વરે તેઓની એક સમૂહ તરીકે પસંદગી કરી હતી. ઉત્પત્તિ ૩:૧૫માં નોંધેલી ભવિષ્યવાણી પ્રમાણે, પાપી મનુષ્યનો જન્મ થયો એ પહેલાં ઈશ્વરે નક્કી કર્યું હતું કે સ્વર્ગમાંથી ઈસુ સાથે તેમના અમુક શિષ્યો રાજ કરશે.—ગલા. ૩:૧૬, ૨૯.

૨:૨—જગતનો આત્મા કઈ રીતે વાયુ જેવો છે? એની સત્તા ક્યાં સુધી ફેલાયેલી છે? “જગતનો આત્મા” એટલે કે લોકોનો સ્વચ્છંદી ને બળવાખોર સ્વભાવ. એ આજે સર્વત્ર જોવા મળે છે. એ જાણે વાયુ કે હવાની જેમ ખૂણે-ખૂણે જોવા મળે છે. (૧ કોરીં. ૨:૧૨) એની સત્તા કે અસર એટલી જોરદાર છે કે એ આખી દુનિયા પર ફેલાયેલી છે.

૨:૬—અભિષિક્તો પૃથ્વી પર હોવા છતાં કઈ રીતે “સ્વર્ગીય સ્થાનોમાં” હોઈ શકે? અહીંયા “સ્વર્ગીય સ્થાનો” કંઈ તેઓને વચન અપાયેલા સ્વર્ગીય વારસાની વાત કરતું નથી. પરંતુ, એ બીજા કશાને બતાવે છે. તેઓને ઈશ્વરે ‘વચન પ્રમાણે પવિત્ર આત્માથી મુદ્રાંકિત કર્યા’ છે. એટલે અહીં “સ્વર્ગીય સ્થાનો” ઈશ્વરની નજરમાં તેઓએ જે સારું નામ બનાવ્યું છે એને બતાવે છે.—એફે. ૧:૧૩, ૧૪.

આપણે શું શીખી શકીએ?

૪:૮, ૧૧-૧૫. ઈસુ ખ્રિસ્ત ‘બંદીવાનોને લઈ ગયા’ એટલે કે શેતાનના કબજામાંથી માણસોને છોડાવ્યા. મંડળોને દૃઢ કરવા એ માણસોનો દાન તરીકે ઉપયોગ કર્યો. આપણે પણ ‘પ્રેમથી ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વધીને’ મંડળને દૃઢ કરી શકીએ. કઈ રીતે? એક તો મંડળમાં જેઓ આગેવાની લઈ રહ્યા છે તેઓને આધીન રહીને, તેઓનું કહ્યું માનીને. તેમ જ તેઓ મંડળ માટે જે કંઈ ગોઠવણો કરે છે, નિર્ણયો લે છે એને ટેકો આપીને.—હેબ્રી ૧૩:૭, ૧૭.

૫:૨૨-૨૪, ૩૩. પત્નીએ, પતિને આધીન રહેવું જોઈએ. સાથે-સાથે તેને ઊંડું માન પણ આપવું જોઈએ. આમ કરવા તેણે “દીન તથા નમ્ર” બનવું જોઈએ. તેણે એ રીતે વાત કરવી જોઈએ, જેથી તેના પતિને માન મળે. અને પતિના નિર્ણયોમાં સાથ આપવો જોઈએ જેથી સારાં પરિણામો આવી શકે.—૧ પીત. ૩:૩, ૪; તીત. ૨:૩-૫.

૫:૨૫, ૨૮, ૨૯. જેમ પતિ પોતાની કાળજી રાખે છે, એવી જ રીતે તેણે પત્નીની કાળજી રાખવી જોઈએ. એમાં તેણે પત્નીની જીવન જરૂરિયાત પૂરી પાડવી જોઈએ. તેની લાગણીઓને સમજવી જોઈએ. અને યહોવાહની ભક્તિમાં લાગુ રહેવા મદદ કરવી જોઈએ. પતિએ પત્નીને પૂરતો સમય આપવો જોઈએ. વાણી-વર્તનમાં પણ પત્નીને પ્રેમ બતાવવો જોઈએ.

૬:૧૦-૧૩. શેતાન અને તેના સાથીઓથી બચવા માટે આપણે તન-મનથી ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લેવાં જોઈએ.

‘ધોરણ પ્રમાણે આપણે ચાલીએ’

(ફિલિ. ૧:૧–૪:૨૩)

પાઊલે ફિલિપીઓને લખેલા પત્રમાં પ્રેમના ગુણને ચમકાવ્યો: “હું એવી પ્રાર્થના કરું છું, કે જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાય.” તેઓને હદ ઉપરાંત પોતા પર ભરોસો રાખવાના ફાંદાથી બચાવવા તેમણે ઉત્તેજન આપ્યું: “ભય તથા કંપારીસહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો.”—ફિલિ. ૧:૯; ૨:૧૨.

ભક્તિમાં દૃઢ હોય એવા ભાઈ-બહેનોને પાઊલે “દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, નિશાનની ભણી આગળ” વધવાનું ઉત્તેજન આપ્યું. તેમણે લખ્યું, “જે ધોરણ સુધી આપણે પહોંચ્યા છીએ તે જ ધોરણ પ્રમાણે આપણે ચાલીએ.”—ફિલિ. ૩:૧૪-૧૬.

સવાલ-જવાબ:

૧:૨૩—પાઊલે કહ્યું: “આ બે વચ્ચે હું ગૂંચવણમાં છું.” અહીં તેમના પર કઈ વાતનું દબાણ હતું? તે શું ઇચ્છતા હતા? પાઊલ એવા સંજોગોમાં હતા કે તેમની સામે બે જ વિકલ્પ હતા, જીવન કે મરણ. (ફિલિ. ૧:૨૧) જોકે તેમણે જણાવ્યું નહિ કે પોતે કયો વિકલ્પ પસંદ કરશે. પરંતુ તેમણે એ જરૂર જણાવ્યું કે તે શું ચાહતા હતા: “દેહમાંથી નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે.” (ફિલિ. ૩:૨૦, ૨૧; ૧ થેસ્સા. ૪:૧૬) ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા પછી યહોવાહે તૈયાર કરી રાખેલું ઇનામ પાઊલને મળ્યું ત્યારે તેમની ઇચ્છા પૂરી થઈ. એટલે કે તેમને સ્વર્ગમાં સજીવન કરવામાં આવ્યા.—માથ. ૨૪:૩.

૨:૧૨, ૧૩—કઈ રીતે ઈશ્વર આપણને ‘ઇચ્છા રાખવા અને એ પ્રમાણે કરવા’ પ્રેરે છે? યહોવાહ તેમની શક્તિથી આપણાં મન-હૃદયને પ્રેરણા આપે છે, જેથી આપણે તેમની સેવામાં બનતું બધું જ કરી શકીએ. આપણે ‘તારણને સારું’ મહેનત કરતા રહીએ તેમ, યહોવાહ મદદ કરે છે.

આપણે શું શીખી શકીએ?

૧:૩-૫. ફિલિપીઓ પૈસાદાર ન હતા, છતાં તેઓએ ઉદારતાથી દાન કર્યું. આ રીતે તેઓએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે.—૨ કોરીં. ૮:૧-૬.

૨:૫-૧૧. ઈસુના દાખલામાંથી આપણે જોઈ શકીએ છીએ કે નમ્રતા એ નબળાઈ નથી. એ બતાવવા ઘણી હિંમતની જરૂર પડે. નમ્ર લોકોને યહોવાહ આશીર્વાદ આપે છે.—નીતિ. ૨૨:૪.

૩:૧૩. “જે પછવાડે છે” એવી બાબતોમાં શું સામેલ છે? સારી કૅરિયર બનાવવા પાછળ ભાગવું. કુટુંબની સલામતીની વધારે પડતી ચિંતા કરવી. અથવા ગંભીર પાપનો પસ્તાવો કરીને “શુદ્ધ” થયા હોય તોપણ એ પાપ વિષે વિચાર્યા કરવું. (૧ કોરીં. ૬:૧૧) આપણે આ બધી બાબતોને ભૂલી જવી જોઈએ. એની ચિંતા કરવી ના જોઈએ. અને જે ‘આગળ છે તેની તરફ’ ધ્યાન આપવું જોઈએ.

‘વિશ્વાસમાં દૃઢ રહો’

(કોલો. ૧:૧–૪:૧૮)

પાઊલે કોલોસીઓને લખેલા પત્રમાં જૂઠા શિક્ષકોને અને તેઓના ખોટા વિચારોને ખુલ્લા પાડ્યા. તેમણે દલીલ કરીને સમજાવ્યું કે ફક્ત નિયમો પાળવાથી જ તારણ નહિ મળે. પણ ‘વિશ્વાસ’ રાખવો ખૂબ જરૂરી છે. પાઊલે કોલોસીઓને ઉત્તેજન આપ્યું કે ‘તમે ખ્રિસ્તમાં ચાલો અને તેનામાં મૂળ ઊંડાં નાખીને વિશ્વાસમાં દૃઢ રહો.’ આ રીતે દૃઢ રહેવાથી તેઓના જીવનમાં ઘણા સારા ફેરફાર થવાના હતા.—કોલો. ૧:૨૩; ૨:૬, ૭.

પાઊલે લખ્યું કે ‘એ સઘળાં ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. અને ખ્રિસ્તની શાંતિ તમારાં હૃદયોમાં રાજ કરે.’ તેમણે ઉમેર્યું કે “માણસોને સારુ નહિ પણ જાણે પ્રભુને સારુ છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો.” જેઓ સત્યમાં નથી “તેઓની સાથે ડહાપણથી વર્તો.”—કોલો. ૩:૧૪, ૧૫, ૨૩; ૪:૫.

સવાલ-જવાબ:

૨:૮—“જગતનાં તત્ત્વો” શું છે જેના વિષે પાઊલે ચેતવણી આપી? દુનિયાની ફિલસૂફી, ભૌતિકવાદ, જૂઠા ધર્મોનું શિક્ષણ એ જગતના તત્ત્વો છે. શેતાન આ બધાનો ઉપયોગ કરીને લોકોને ખોટા માર્ગે દોરે છે.—૧ યોહા. ૨:૧૬.

૪:૧૬—શા માટે લાઓદીકીઆને લખેલો પત્ર બાઇબલમાં જોવા મળતો નથી? કારણ કે આજે આપણને જરૂરી છે એ માહિતી એમાં નહીં હોય. અથવા બીજા પત્રોમાં એ માહિતી આવી ગઈ હશે.

આપણે શું શીખી શકીએ?

૧:૨, ૨૦. ઈસુનું બલિદાન આપીને ઈશ્વરે અપાર કૃપા બતાવી છે. એ બલિદાનને કારણે ભૂલો કે પાપનો પસ્તાવો કર્યા પછી આપણું અંતઃકરણ ડંખતું નથી અને મનની શાંતિ મળે છે.

૨:૧૮, ૨૩. ઢોંગી વ્યક્તિ બીજાઓ પર સારી છાપ પાડવા નમ્રતાનો દેખાડો કરે છે. પોતાના ‘મનથી ખાલી ફુલાસ મારે’ છે કે તે ધન-દોલત પાછળ પડતી નથી. અને પોતાના શરીરને કષ્ટ આપીને દેખાડો કરે કે પોતે નમ્ર છે. (w08 8/15)