સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભલું કરતા રહો!

ભલું કરતા રહો!

ભલું કરતા રહો!

‘ભલું કરતા રહો.’—લુક ૬:૩૫.

૧, ૨. બીજાનું ભલું કરવું કેમ સહેલું નથી?

 ‘બીજાનું ભલું કરો.’ એ કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે. ખાસ કરીને જ્યારે આપણે પ્રયત્ન કરીએ છતાં કોઈ આપણી કદર ન કરે ત્યારે. તોપણ, આપણે લોકોને યહોવાહ અને ઈસુ વિષે ખુશખબર જણાવીને તેઓનું ભલું કરીએ છીએ. જોકે બધાને એની કદર નથી. અરે, અમુક તો ‘ખ્રિસ્તના શત્રુઓ’ બને છે. (ફિલિપી ૩:૧૮) આવા લોકો સાથે આપણે કઈ રીતે વર્તવું જોઈએ?

ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે તમારા વૈરીઓ [દુશ્મનો] પર પ્રીતિ રાખો, તેઓનું ભલું કરો.” (લુક ૬:૩૫) આના વિષે આ લેખમાં વધારે શીખીશું. એ પણ શીખીશું કે બીજી કઈ કઈ રીતે બધાનું ભલું કરી શકાય.

‘દુશ્મનો પર પ્રેમ રાખો’

૩. (ક) માત્થી ૫:૪૩-૪૫નો સાર જણાવો. (ખ) યહુદી ધર્મગુરુઓ શું માનતા?

પહાડ પરના ઉપદેશમાં ઈસુએ શીખવ્યું કે તમારા દુશ્મનો પર પ્રેમ રાખો. સતાવનારા માટે પ્રાર્થના કરો. (માત્થી ૫:૪૩-૪૫ વાંચો.) એ સાંભળનારા યહુદીઓ આ નિયમથી જાણકાર હતા: “તું વૈર ન વાળ, ને તારા લોકના વંશ પર ખાર ન રાખ, જેમ પોતા પર તેમ જ તારા પડોશી પર પ્રીતિ રાખ.” (લેવીય ૧૯:૧૮) ખરું કે મુસાના નિયમ પ્રમાણે ઈસ્રાએલીઓએ બીજા લોકોથી જુદા રહેવાનું હતું. પણ ઈસુના જમાનાના ધર્મગુરુઓએ તો માની લીધું હતું કે “તારા લોકના વંશ” અને “તારા પડોશી” ફક્ત યહુદીઓ જ છે. એટલે જેઓ યહુદીઓ ન હતા, તેઓને પોતાના દુશ્મનો ગણતા.

૪. ઈસુએ પોતાના શિષ્યોને કઈ સલાહ આપી?

ઈસુએ કહ્યું, ‘તમે તમારા દુશ્મનો પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારૂ પ્રાર્થના કરો.’ (માત્થી ૫:૪૪) ઈસુના શબ્દો લુકે આ રીતે લખ્યા: ‘તમારા વૈરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો ધિક્કાર કરે છે તેઓનું ભલું કરો. જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારૂં અપમાન કરે છે તેઓને સારૂં પ્રાર્થના કરો.’ (લુક ૬:૨૭, ૨૮) ‘આપણો ધિક્કાર કરનારાનું ભલું’ કઈ રીતે કરી શકાય? પ્રેમભાવથી વર્તીને. ‘આપણને શાપ દેનારાને આશીર્વાદ’ કઈ રીતે આપી શકાય? દયાભાવથી બોલીને. ‘આપણી પૂઠે લાગનારા’ એટલે કે સતાવણી અને ‘અપમાન કરનારાને માટે પ્રાર્થના’ કેમ કરવી જોઈએ? એટલા માટે કે તેઓ કદાચ બદલાય અને યહોવાહને ભજે.

૫, ૬. દુશ્મનોને કેમ પ્રેમ બતાવવો જોઈએ?

ઈસુએ કહ્યું કે યહોવાહ “પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” લુકે યહોવાહ વિષે કહ્યું કે “અનુપકારીઓ [બેકદર] પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે.” (લુક ૬:૩૫) આપણે પણ દુશ્મનો પર એવો પ્રેમ બતાવીશું તો, ‘આકાશમાંના બાપના દીકરા થઈશું.’—માત્થી ૫:૪૫.

એ વિષે વધારે સમજાવતા ઈસુએ કહ્યું: “જેઓ તમારા પર પ્રીતિ કરે છે, તેઓ પર જો તમે પ્રીતિ કરો છો, તો તમને શું ફળ છે? દાણીઓ [કર ઉઘરાવનાર] પણ શું એમ નથી કરતા? અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા?” (માત્થી ૫:૪૬, ૪૭) મોટે ભાગે કર ઉઘરાવનારને લોકો ધિક્કારતા. છતાંયે જેઓ તેમની મિત્રતા રાખતા, તેઓ સાથે તે સારો વહેવાર રાખતા. આપણે પણ એમ જ કરીશું તો એમાં શું નવાઈ? એનાથી આપણને ઈશ્વર પાસેથી કોઈ “ફળ” નહિ મળે.—લુક ૫:૩૦; ૭:૩૪.

૭. ફક્ત “ભાઈઓને” પ્રેમથી બોલાવીએ, એમાં કેમ મોટી વાત નથી?

યહુદીઓ એકબીજાને મળતા ત્યારે સલામ કહેતા, જેનો અર્થ થાય ‘શાંતિ હો,’ સુખી રહો. (ન્યાયાધીશો ૧૯:૨૦; યોહાન ૨૦:૧૯) આપણે જો ફક્ત “ભાઈઓને” કહીએ કે સુખી થાઓ, તો એમાં “વિશેષ શું?” ઈસુએ કહ્યું હતું કે એવું તો “વિદેશીઓ” પણ કરતા.

૮. ઈસુએ કહ્યું કે ‘તમે સંપૂર્ણ થાવ,’ એનો શું અર્થ થાય?

ઈસુના શિષ્યોની જેમ આપણને પણ આદમ પાસેથી પાપનો વારસો મળ્યો છે. (રૂમી ૫:૧૨) તેમ છતાં ઈસુએ કહ્યું, ‘તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થાવ.’ (માત્થી ૫:૪૮) ઈસુએ ઉત્તેજન આપ્યું કે ‘આકાશમાંના બાપ’ યહોવાહની જેમ સંપૂર્ણ બનો. કઈ રીતે? આપણે પણ “સંપૂર્ણ” રીતે, એટલે પૂરા દિલથી દુશ્મનોને પ્રેમ બતાવીએ.

બીજાને કેમ માફ કરવા જોઈએ?

૯. “અમારાં ઋણો અમને માફ કર” એનો અર્થ શું થાય?

આપણે બીજાનું ભલું કરવા તેઓને માફ કરવા જોઈએ. ઈસુએ શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું. એમાં આવી એક વિનંતી હતી: “અમે અમારા ઋણીઓને [અપરાધીઓને] માફ કર્યા છે, તેમ તું અમારાં ઋણો અમને માફ કર.” (માત્થી ૬:૧૨) “ઋણો,” પાપ કે ભૂલોને દર્શાવે છે. એ પ્રાર્થના લુકે આ રીતે લખી: “અમારાં પાપ અમને માફ કર; કેમ કે અમે પોતે પણ અમારા હરેક ઋણીને માફ કરીએ છીએ.”—લુક ૧૧:૪.

૧૦. યહોવાહની જેમ આપણે પણ બીજાને કઈ રીતે માફ કરવા જોઈએ?

૧૦ દિલથી પસ્તાવો કરનારને યહોવાહ માફ કરે છે. આપણે પણ એમ જ કરીએ, કેમ કે પાઊલે લખ્યું: “એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.” (એફેસી ૪:૩૨) દાઊદે પણ લખ્યું: યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે. તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી. આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેણે આપણાં ઉલ્લંઘન આપણાથી દૂર કર્યાં છે. જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે. તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે જાણે છે.’—ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૪.

૧૧. યહોવાહની માફી મેળવવા આપણે શું કરવું જોઈએ?

૧૧ આપણે જો બીજાને માફ કરીએ તો જ યહોવાહ આપણને માફ કરશે. (માર્ક ૧૧:૨૫) એ સમજાવવા ઈસુએ કહ્યું, જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે.” (માત્થી ૬:૧૪, ૧૫) બીજાનું ભલું કરવા આપણે પાઊલની આ સલાહ દિલમાં ઉતારીએ: જેમ યહોવાહ અને “ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.”—કોલોસી ૩:૧૩.

“કોઈને દોષિત ન ઠરાવો”

૧૨. કોઈને દોષિત ઠરાવવા વિષે ઈસુએ શું સલાહ આપી?

૧૨ ઈસુએ એ પણ શીખવ્યું કે “કોઈને દોષિત ન ઠરાવો.” એ સમજાવવા તેમણે એક ઉદાહરણ આપ્યું. (માત્થી ૭:૧-૫ વાંચો.) ચાલો જોઈએ કે તેમના કહેવાનો અર્થ શું હતો.

૧૩. કોઈને ‘છોડી દેવાનો’ અર્થ શું થાય?

૧૩ ઈસુએ કહ્યું, તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. (માત્થી ૭:૧) એ વખતે ફરોશીઓ પોતાના રીત-રિવાજોને લીધે લોકોને વાતવાતમાં દોષિત ઠરાવતા. જો કોઈ એમ કરતું હોય, તો તેણે હવે સુધારો કરવાની જરૂર હતી. હવેથી તે ‘કોઈને દોષિત ન ઠરાવે,’ પણ તેને ‘છોડી દે.’ એટલે કે રાજી-ખુશીથી માફ કરે. (લુક ૬:૩૭) પાઊલે પણ એવી જ રીતે માફ કરવાની સલાહ આપી.—એફેસી ૪:૩૨ વાંચો.

૧૪. આપણે બીજાને માફ કરીશું તો તેઓ શું કરશે?

૧૪ ઈસુએ એમ પણ કહ્યું, “તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે; અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી અપાશે.” (માત્થી ૭:૨) ઈસુના શિષ્યોની જેમ આપણે બીજાઓને માફ કરીશું તો કદાચ તેઓ આપણને માફ કરશે. જેવું વાવીશું તેવું લણીશું.—ગલાતી ૬:૭.

૧૫. કોઈની ભૂલો કાઢવા વિષે ઈસુએ શું કહ્યું?

૧૫ હવે ઈસુએ આ ઉદાહરણ આપ્યું: “તું તારી આંખમાંનો ભારોટિયો [જાડું લાકડું] ધ્યાનમાં ન લાવતાં તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે; પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે? (માત્થી ૭:૩, ૪) કોઈને પોતાના ભાઈની નાની નાની ભૂલો કાઢીને જાણે કે તેની ‘આંખમાંનું તણખલું’ જોવાની ટેવ પડી હોય. તે માને છે કે તેના ભાઈને કંઈ ખબર નથી. એટલે તે દોઢડાહ્યો થઈને તેને શિખામણ આપવા લાગે છે.

૧૬. કઈ રીતે ફરોશીઓની આંખમાં “ભારોટિયો” હતો?

૧૬ ખાસ કરીને યહુદી ધર્મગુરુઓ બીજાઓની કાયમ ભૂલો શોધતા. ઈસુએ એક આંધળાને સાજો કર્યો. તે આંધળાએ કહ્યું કે ઈસુ ચોક્કસ ઈશ્વર પાસેથી આવે છે. ફરોશીઓએ ગુસ્સે થઈને આંધળાને કહ્યું, “તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે, અને શું તું અમને બોધ કરે છે?” (યોહાન ૯:૩૦-૩૪) ફરોશીઓ યહોવાહની નજરે આંધળા હતા. તેઓની આંખમાં જાણે કે “ભારોટિયો” હતો. તેઓ ખરું-ખોટું પારખી શકતા ન હતા. તેથી ઈસુએ એવા લોકોને કહ્યું, “ઓ ઢોંગી, પહેલાં તું પોતાની જ આંખમાંથી ભારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂઝશે. (માત્થી ૭:૫; લુક ૬:૪૨) જો બીજાઓનું ભલું ચાહતા હોઈશું તો આપણે તેઓની ભૂલો નહિ શોધીએ. આપણે એ સ્વીકારીશું કે દરેક મનુષ્ય ભૂલને પાત્ર છે.

બધા સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

૧૭. માત્થી ૭:૧૨ પ્રમાણે બધા સાથે કેવો વર્તાવ રાખવો જોઈએ?

૧૭ ઈસુએ શીખવ્યું કે યહોવાહ પોતાના ભક્તોની સંભાળ રાખે છે. તેઓની પ્રાર્થના સાંભળે છે. (માત્થી ૭:૭-૧૨ વાંચો.) પછી ઈસુએ આ મહત્ત્વનો નિયમ આપ્યો: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો. (માત્થી ૭:૧૨) બધા સાથે પ્રેમભાવથી વર્તીશું તો, આપણે ઈસુના પગલે ચાલીશું.

૧૮. ‘નિયમશાસ્ત્રમાં’ વ્યક્તિના વર્તન વિષે શું શીખવવામાં આવ્યું?

૧૮ બીજાઓ સાથે સારી રીતે વર્તવાથી બતાવીશું કે આપણે નિયમશાસ્ત્રનો સાર સમજીએ છીએ. ઈસુએ કહ્યું કે, “નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે. આ નિયમશાસ્ત્ર ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલીઓને આપેલા નિયમો હતા. એ ઉત્પત્તિથી પુનર્નિયમમાં આપેલા છે. એ જણાવે છે કે યહોવાહ મસીહ મોકલશે, જે દુષ્ટતાનો અંત લાવશે. (ઉત્પત્તિ ૩:૧૫) આ નિયમશાસ્ત્ર બતાવતું હતું કે ઈસ્રાએલી લોકો બીજાઓ સાથે ઇન્સાફથી વર્તે. કોઈનું મોં જોઈને ન્યાય ન કરે. દુખિયારા અને પરદેશીઓનું ભલું કરે.—લેવીય ૧૯:૯, ૧૦, ૧૫, ૩૪.

૧૯. બીજાનું ભલું કરવા વિષે ‘પ્રબોધકો’ શું કહે છે?

૧૯ ઈસુએ જે ‘પ્રબોધકોની’ વાત કરી, એ તો હેબ્રી શાસ્ત્રમાંની ભવિષ્યવાણીઓ હતી. એમાંની અમુક તો મસીહ વિષે હતી, જે ઈસુમાં સાચી પડી. નિયમશાસ્ત્ર બીજું શું બતાવતું હતું? આશીર્વાદો મેળવવા હોય તો વ્યક્તિ યહોવાહના કહેવા પ્રમાણે જીવે અને બીજાનું ભલું કરે. ઈસ્રાએલીઓને કહેવામાં આવ્યું: ‘યહોવાહ કહે છે, કે ન્યાયનું પાલન કરો ને પ્રામાણિક રીતે વર્તો; જે માણસ એ પ્રમાણે વર્તે છે, ને જે પુરુષ એને વળગી રહે છે, ને પોતાનો હાથ કંઈ પણ ભૂંડું કરવાથી પાછો રાખે છે, તેને ધન્ય છે. (યશાયાહ ૫૬:૧, ૨) યહોવાહ ચાહે છે કે તેમના ભક્તો બધા સાથે પ્રેમભાવથી વર્તે.

હંમેશાં બીજાનું ભલું કરીએ

૨૦, ૨૧. ઈસુનો ઉપદેશ સાંભળીને લોકોને કેવું લાગ્યું? એ ઉપદેશ પર આપણે કેમ વિચાર કરવો જોઈએ?

૨૦ ઈસુનું પ્રવચન કહેવું પડે, એની તો કંઈ વાત જ ઓર છે! એમાંથી આપણે અમુક જ વિચારો લીધા. ઈસુનો ઉપદેશ સાંભળીને લોકોને કેવું લાગ્યું? બાઇબલ કહે છે, “ઈસુ એ વાતો કહી રહ્યો, ત્યારે એમ થયું, કે લોકો તેના ઉપદેશથી અચરત થયા [નવાઈ પામ્યા]; કેમકે શાસ્ત્રીઓની પેઠે નહિ, પણ જેને અધિકાર હોય છે, તેની પેઠે તે તેઓને ઉપદેશ કરતો હતો.”—માત્થી ૭:૨૮, ૨૯.

૨૧ બાઇબલ ભવિષ્યવાણી પ્રમાણે ઈસુ “અદ્‍ભુત મંત્રી” કે સલાહકાર હતા. (યશાયાહ ૯:૬) યહોવાહના વિચારો ખાસ કરીને ઈસુના પહાડ પરના ઉપદેશમાંથી શીખવા મળે છે. એમાંથી હજુય ઘણું જ શીખી શકીએ. જેમ કે સુખી થવા શું કરવું જોઈએ. ઇન્સાફથી વર્તવા શું કરવું જોઈએ. વ્યભિચારી ન બનવા શું કરવું જોઈએ. યહોવાહના આશીર્વાદ મેળવતા રહેવા શું કરવું જોઈએ. અમારી વિનંતી છે કે તમે માત્થી પાંચથી સાત અધ્યાયો ફરી વાંચજો. એ વિચારજો. એની સલાહ જીવનમાં ઉતારવા માટે પ્રાર્થના કરજો. એમ કરશો તો બધા સાથે સારી રીતે વર્તશો. બધાનું ભલું કરશો. એ જોઈને યહોવાહને કેવું લાગશે એનો વિચાર કરો! (w08 5/15)

કેવી રીતે સમજાવશો?

• દુશ્મનો સાથે કેવો વર્તાવ કરવો જોઈએ?

• કેમ બીજાઓને માફ કરવા જોઈએ?

• કોઈને દોષિત ઠરાવવા વિષે ઈસુએ શું કહ્યું?

માત્થી ૭:૧૨ કઈ સલાહ આપે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૪ પર બ્લર્બ]

ઈસુએ કેમ કહ્યું કે ‘કોઈને દોષિત ન ઠરાવો’?

[પાન ૧૨ પર ચિત્ર]

સતાવનારા માટે કેમ પ્રાર્થના કરવી જોઈએ?

[પાન ૧૪ પર ચિત્ર]

બીજા પાસેથી જેવા વર્તનની આશા રાખો, એવું વર્તન પહેલાં તમે બતાવો છો?