સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોઈ છે જે તમારું કામ હંમેશાં ધ્યાનમાં લે છે!

કોઈ છે જે તમારું કામ હંમેશાં ધ્યાનમાં લે છે!

બાંધકામનું કામ આહોલીઆબ અને બસાલએલ માટે કોઈ નવી વાત ન હતી. ગુલામ તરીકે ઇજિપ્તમાં તેઓએ ઈંટો બનાવવાનું કામ કર્યું હતું. એ સમયે તેઓએ કરેલી કાળી મજૂરી તેઓને યાદ કરવી પણ ગમતી નહિ હોય. જોકે, એ વર્ષો ભૂતકાળ બની ગયાં હતાં. હવે તેઓ સૌથી મોટા માલિક, એટલે કે યહોવા માટે કામ કરવાના હતા. મુલાકાતમંડપ બનાવવામાં તેઓને આગેવાની લેવા સોંપણી મળી હતી. (નિર્ગ. ૩૧:૧-૧૧) છતાં, તેઓની એ ઉત્તમ કારીગરી ઘણા ઓછા લોકોના ધ્યાનમાં આવવાની હતી. તેઓને લોકોની વાહવાહ નહિ મળે એવા વિચારથી શું તેઓ નિરાશ થઈ ગયા? તેઓનું કામ કોઈના ધ્યાનમાં આવ્યું કે નહિ, શું એનાથી તેઓને કોઈ ફરક પડ્યો હતો? જ્યારે તમારું કામ કોઈ ધ્યાનમાં ન લે ત્યારે, શું તમને ફરક પડે છે?

એ અજોડ કારીગરી અમુકે જ જોઈ

મુલાકાતમંડપની અમુક વસ્તુઓ ઉત્તમ કારીગરીનો નમૂનો હતી. દાખલા તરીકે, કરારકોશની ઉપર મૂકેલા સોનાના બે કરૂબોનો વિચાર કરો. પ્રેરિત પાઊલ એ કરૂબોને “મહિમાદર્શક” શબ્દથી વર્ણવે છે. (હિબ્રૂ ૯:૫) સોનાની ધાતુને ટીપી ટીપીને સુંદર રીતે મઢવામાં આવેલાં એ કરૂબોના ઘાટની કલ્પના કરો!—નિર્ગ. ૩૭:૭-૯.

આહોલીઆબ અને બસાલએલે બનાવેલી વસ્તુઓ આજે મળી આવે તો, ચોક્કસ એને સૌથી મોટા મ્યુઝિયમમાં મૂકવામાં આવે. અરે, એને જોવા લોકોના ટોળે ટોળા ઊમટી પડે! પરંતુ, વિચારો કે એ કલાકૃતિની સુંદરતા હકીકતમાં કેટલા લોકો જોઈ શક્યા હશે? એ કરૂબોને મુલાકાતમંડપના પરમપવિત્રસ્થાનમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ફક્ત મુખ્ય યાજક જઈ શકતા. એ પણ વર્ષમાં એક જ વાર, એટલે કે પ્રાયશ્ચિતના દિવસે! (હિબ્રૂ ૯:૬, ૭) એને લીધે, બહુ થોડા લોકોએ એ કરૂબો જોયા હતા.

વખાણ ન થાય તોપણ સંતોષ માનીએ

માની લો કે તમે બસાલએલ અને આહોલીઆબની જગ્યાએ છો. તમે સખત મહેનતથી સરસ કારીગરીનો નમૂનો તૈયાર કર્યો છે. પરંતુ, બહુ થોડા લોકોને એ જોવા મળ્યો છે. એ જાણી તમને કેવું લાગશે? આજે દુનિયામાં લોકોને વાહવાહ મળે તો જ, તેઓને લાગે છે કે તેઓએ કંઈક હાંસલ કર્યું છે. લોકોની પ્રશંસા પરથી તેઓ પોતાની મહેનતની સફળતા માપે છે. પરંતુ, યહોવાના સેવકો સાવ જુદા છે. તેઓ બસાલએલ અને આહોલીઆબની જેમ, યહોવાની ઇચ્છા પ્રમાણે કરવામાં અને તેમને માન્ય હોય એ કામ કરવામાં આનંદ માણે છે.

ઈસુના સમયમાં ધર્મગુરુઓ લોકોની વાહવાહ મળે એવા હેતુથી પ્રાર્થના કરતા. જ્યારે કે, ઈસુએ પ્રાર્થના કરવા વિશે કંઈક અલગ જ જણાવ્યું. તેમણે શીખવ્યું કે પ્રાર્થનાનો હેતુ લોકોની વાહવાહ મેળવવાનો ન હોવો જોઈએ. પ્રાર્થના દિલથી કરવી જોઈએ. એમ કરવાથી શો ફાયદો થશે? બાઇબલ જણાવે છે કે ‘ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને એનું ફળ આપશે.’ (માથ. ૬:૫, ૬) એના પરથી શું તારણ કાઢી શકાય? એ જ કે, આપણી પ્રાર્થના વિશે લોકો શું વિચારે છે એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું તો એ છે કે આપણી પ્રાર્થના સાંભળીને યહોવાને કેવું લાગે છે અને તેમની નજરે આપણી પ્રાર્થના કીમતી છે કે નહિ! યહોવાની સેવામાં આપણે કરેલા દરેક કામ વિશે પણ આપણે એ યાદ રાખવું જોઈએ. લોકોના વખાણથી નહિ પણ યહોવાને ખુશ કરવાથી તેમની ભક્તિમાં આપણું કામ સફળ કહેવાય છે. આખરે તો તે ‘ગુપ્તમાં જોનાર પિતા’ છે.

મુલાકાતમંડપનું બાંધકામ પૂરું થયું એ પછી ‘વાદળો એના ઉપર છવાઈ ગયાં અને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.’ (નિર્ગ. ૪૦:૩૪) યહોવાએ એ કામ માન્ય કર્યું એનો કેટલો સરસ પુરાવો! એ સમયે બસાલએલ અને આહોલીઆબને કેવું લાગ્યું હશે? ભલેને તેઓએ બનાવેલી વસ્તુઓ પર તેઓનાં નામ કોતરવામાં આવ્યાં ન હતાં. છતાં, યહોવાએ તેઓના કામને આશીર્વાદ આપ્યો છે, એ જોઈને તેઓને ઘણો સંતોષ મળ્યો હશે. (નીતિ. ૧૦:૨૨) વર્ષો વીતતાં ગયાં તેમ, તેઓએ બનાવેલી વસ્તુઓ યહોવાની સેવામાં વપરાઈ રહી છે, એ જોઈને તેઓનું દિલ ખુશીથી ભરાઈ જતું હશે! તેઓ બંને સજીવન થશે ત્યારે તેઓને જાણીને ઘણો આનંદ થશે કે એ મુલાકાતમંડપ, યહોવાની ભક્તિમાં આશરે ૫૦૦ વર્ષો સુધી વાપરવામાં આવ્યો.

નમ્રભાવે અને રાજીખુશીથી કરેલા તમારા કામને યહોવા ચોક્કસ ધ્યાનમાં લે છે!

યહોવાના સંગઠનમાં આજે તેમના સેવકો જુદી જુદી સેવા આપે છે. જેમ કે, કાર્ટૂન કે એનીમેશન બનાવવું, સંગીતની રચના, ચિત્રો બનાવવાં, ફોટોગ્રાફી કરવી, ભાષાંતર કરવું અને લેખ લખવા. એ બધાં જ ભાઈ-બહેનોનાં નામ ક્યારેય જાહેર કરાતાં નથી. એમ હોવાથી જાણે તેઓનું કામ કોઈ ‘જોતું’ નથી. એવું જ કંઈક આપણાં મંડળોમાં બને છે, જ્યાં ઘણું કામ થતું હોય છે. દુનિયા ફરતે આપણાં ૧ લાખ ૧૦ હજાર મંડળો છે, જેમાં ભાઈ-બહેનો જુદી જુદી સેવા આપે છે. જેમ કે, મહિનાને અંતે મંડળોના હિસાબને લગતા અહેવાલો તૈયાર કરવામાં આવે છે. એ ક્યારે થઈ જાય છે, શું આપણને એની જાણ થાય છે? સેક્રેટરી દર મહિને પ્રચારકાર્યનો અહેવાલ તૈયાર કરે છે. એ કામ કેટલા લોકોના ધ્યાનમાં આવે છે? મંડળોમાં જરૂર પડે ત્યારે સમારકામ કરવામાં આવે છે. એમાં જે ભાઈ-બહેનો મદદ કરે છે, તેઓનું કામ કેટલા લોકોના ધ્યાનમાં આવે છે?

બસાલએલ અને આહોલીઆબને તેઓનાં સુંદર કામ માટે કોઈ મૅડલ કે ટ્રોફી મળી ન હતી. તેઓની સુંદર અને ઉચ્ચ સ્તરની કારીગરીના નમૂનાનું કોઈ જાહેર પ્રદર્શન રાખવામાં પણ આવ્યું નહિ. જોકે, તેઓને એના કરતાં કંઈક મૂલ્યવાન મળ્યું. તેઓના કામને યહોવાએ માન્ય કર્યું. આપણે પણ ખાતરીથી કહી શકીએ કે યહોવાએ તેઓનું કામ જોયું અને ધ્યાનમાં લીધું હતું. તેઓએ નમ્રભાવે અને ખુશીથી યહોવાની સેવા કરવામાં સરસ ઉદાહરણ બેસાડ્યું છે. ચાલો, આપણે તેઓને અનુસરીએ.