સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

પહેલા પ્રેમની યાદોએ મને ટકાવી રાખ્યો

પહેલા પ્રેમની યાદોએ મને ટકાવી રાખ્યો

એ ૧૯૭૦ના ઉનાળાની શરૂઆતનો સમય હતો. અમેરિકાનું પેન્સિલ્વેનિયા અને એનો ફીનિક્સવિલ વિસ્તાર. ત્યાંની વૅલિ ફૉર્જ જનરલ હૉસ્પિટલમાં એક ખાટલા પર હું સૂતેલો હતો. એક પુરુષ નર્સ દર અડધા કલાકે મારું બ્લડ પ્રેશર તપાસતો હતો. એ સમયે, હું એક સૈનિક હતો અને મારી ઉંમર ફક્ત ૨૦ વર્ષની હતી. એ નર્સ મારા કરતાં અમુક જ વર્ષ મોટો હતો. મારું બ્લડ પ્રેશર સતત ઓછું થઈ રહ્યું હતું માટે તે ઘણી ચિંતામાં લાગતો હતો. મેં તેને પૂછ્યું ‘તેં કદી કોઈને મરતાં નથી જોયો, ખરુંને?’ તેનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો અને તેણે કહ્યું, ‘ના, ક્યારેય નહિ!’

એ સમયે મને આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું. પરંતુ, હું હૉસ્પિટલમાં પહોંચ્યો કઈ રીતે? ચાલો, હું તમને મારા વિશે કંઈક જણાવું.

યુદ્ધ સાથે મારો પરિચય

મને જુલાઈ ૧૯૬૯માં વિયેતનામમાં ચાલી રહેલા યુદ્ધ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાં સેવા આપતી વખતે, હું બીમાર પડ્યો હતો. હું લશ્કર માટેના દવાખાનાના ઑપરેશન રૂમમાં ટૅક્નિશિયન તરીકે સેવા આપતો. મને બીમાર અને જખમી લોકોની સારવાર કરવી ગમતી, એટલે મારો ધ્યેય ડૉક્ટર બનવાનો હતો. હું વિયેતનામ પહોંચ્યો ત્યારે ત્યાં આબોહવા અને સમય સાવ જુદાં હતાં. ત્યાંની એ સખત ગરમી મને માફક આવે માટે એક અઠવાડિયા સુધી મને અમુક માહિતી અને તાલીમ આપવામાં આવી. એવી તાલીમ ત્યાં જોડાતી દરેક નવી વ્યક્તિને આપવામાં આવતી.

ડૉંગ ટામ નજીકની મેકૉંગ નદીના ત્રિકોણ વિસ્તારમાં એક દવાખાનું હતું. હું દેશભક્ત હતો અને મને મારું કામ ગમતું. તેથી, ત્યાં પહોંચતા જ મેં મારું કામ શરૂ કર્યું અને ઘણાં હેલિકૉપ્ટર ઘાયલ સૈનિકોને લઈ આવવાં લાગ્યાં. જખમી સૈનિકોને ઑપરેશનની રૂમમાં લઈ જવા તરત તૈયાર કરવામાં આવતા. લોખંડના એક માલવાહક ડબ્બાને રૂમ તરીકે વાપરવામાં આવતો. એ રૂમમાં એ.સી. હતું, પણ ઑપરેશન માટે એ જગ્યા ખૂબ સાંકડી પડતી. એક ડૉક્ટર, બે નર્સ અને એક શીશી સૂંઘાડનાર ડૉક્ટરની ટીમ એટલી નાની જગ્યામાં કોઈકનો જીવ બચાવવા સખત પ્રયત્નો કરતી. ત્યાં એક વાર મેં જોયું કે હેલિકૉપ્ટરમાંથી ઘણા બધા કાળા થેલા ઉતારવામાં આવ્યા નહિ. મને કહેવામાં આવ્યું કે એ થેલામાં સૈનિકોનાં ચીંથરેહાલ અંગો છે. એવી રીતે થયો યુદ્ધ સાથે મારો પરિચય!

ઈશ્વર માટે મારી શોધ

યહોવાના સાક્ષીઓ જે શીખવે છે એ સત્યથી હું નાનપણમાં થોડો-ઘણો વાકેફ થયો હતો

યહોવાના સાક્ષીઓ જે શીખવે છે એ સત્યથી, હું યુવાનીમાં થોડો-ઘણો વાકેફ થયો હતો. એ સમયે મારાં મમ્મી સાક્ષીઓ જોડે અભ્યાસ કરતા. પણ તે કદી પ્રગતિ કરીને બાપ્તિસ્મા લઈ શક્યાં નહિ. મને તેમની જોડે બાઇબલ અભ્યાસમાં બેસવું ખૂબ જ ગમતું. આશરે એ સમયગાળામાં, હું મારા સાવકા પપ્પા સાથે રાજ્યગૃહ પાસેથી પસાર થયો. મેં તેમને પૂછ્યું, ‘આ શું છે?’ તેમણે કહ્યું, ‘જોજે, ક્યારેય એ લોકોની નજીક જતો નહિ.’ હું પપ્પાને પ્રેમ કરતો અને તેમના પર ભરોસો મૂકતો હોવાથી, મેં એ સલાહ માની લીધી. આમ, યહોવાના સાક્ષીઓ સાથે મારો સંપર્ક કપાઈ ગયો.

વિયેતનામથી પાછા આવ્યા પછી, મને ઈશ્વર વિશે શીખવાની ભૂખ જાગી. ઘણી દુઃખદ યાદોને લીધે, હું લાગણીમય રીતે ભાંગી પડ્યો હતો. મને થતું કે વિયેતનામમાં જે બની રહ્યું છે, એની લોકોને ખબર નથી. મને યાદ છે કે અમુક વિરોધીઓએ રૅલીઓ કાઢી હતી. તેઓ અમેરિકન સૈનિકોને બાળકોના હત્યારા કહેતા. કેમ કે, એવા અહેવાલો આવ્યા હતા કે અમેરિકન સૈનિકોએ યુદ્ધમાં બાળકોની કત્લેઆમ કરી છે.

ઈશ્વર વિશે શીખવાની ભૂખ સંતોષવા, હું જુદાં જુદાં ચર્ચમાં જવા લાગ્યો. મારા દિલમાં ઈશ્વર માટે હંમેશાંથી પ્રેમ હતો. પરંતુ, ચર્ચમાં મેં જે જોયું એનાથી હું એટલો ખુશ ન થયો. છેવટે, હું યહોવાના સાક્ષીઓના એક રાજ્યગૃહમાં ગયો, જે ફ્લોરિડાના ડૅલરા બીચ વિસ્તારમાં આવેલું હતું. એ ફેબ્રુઆરી ૧૯૭૧નો રવિવાર હતો.

હું પહોંચ્યો ત્યારે જાહેર પ્રવચન પૂરું થવાની તૈયારીમાં હતું. એટલે હું, એના પછી ચલાવવામાં આવતા ચોકીબુરજ અભ્યાસમાં બેઠો. એમાં કયા વિષય પર ચર્ચા થઈ એ મને યાદ નથી. પરંતુ, મને હજીયે યાદ છે કે એ સભામાં બાળકો, કલમો જોવા પોતાના બાઇબલનાં પાનાં ફેરવતાં હતાં. એનાથી હું ઘણો પ્રભાવિત થયો. એ આખી સભા મેં ધ્યાનથી સાંભળી. સભા પછી, હું રાજ્યગૃહમાંથી જઈ રહ્યો હતો ત્યારે ૮૦ વર્ષના એક વૃદ્ધ ભાઈ મારી પાસે આવ્યા. તેમનું નામ જીમ ગાર્ડનર હતું. તેમના હાથમાં એક પુસ્તક હતું જેનું મથાળું હતું, સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે. તેમણે મને કહ્યું, ‘શું તમે આ સ્વીકારશો?’ મેં સ્વીકાર્યું અને એ વખતે અમે બાઇબલ અભ્યાસ માટે ગુરુવાર સવારે મળવાનું નક્કી કર્યું.

એ રવિવારે મારી રાતપાળી હતી. હું એક ખાનગી હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં કામ કરતો, જે ફ્લોરિડાના બૉકા રેટોનમાં આવેલી હતી. હું રાતના ૧૧થી સવારના ૭ની પાળીમાં કામ કરતો. રાતના શાંત સમયમાં મને સત્ય પુસ્તક વાંચવાનો મોકો મળ્યો. એક નર્સ, જે લાંબા સમયથી કામ કરતા હતાં, તેમણે મારા હાથમાંથી એ પુસ્તક ઝૂંટવી લીધું. એનું મથાળું જોઈને તે બોલી ઊઠ્યાં, ‘તું એ લોકોમાંનો એક તો નહિ બને ને?’ મેં મારું સત્ય પુસ્તક પાછું ખેંચીને કહ્યું, ‘મેં આ હજી અડધુ જ વાંચ્યું છે, પણ લાગે છે એવું જ કંઈક બનશે!’ તે જતાં રહ્યાં અને મેં એ જ રાતે આખું પુસ્તક વાંચી લીધું.

મને બાઇબલમાંથી શીખવા ભાઈ જીમ ગાર્ડનરે મદદ કરી, જે અભિષિક્ત હતા અને ચાર્લ્સ ટેઝ રસેલને ઓળખતા હતા

ભાઈ ગાર્ડનર સાથે મેં બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. મારા પહેલા અભ્યાસ વખતે મેં પૂછ્યું: ‘આપણે શું શીખવાના છીએ?’ તેમણે કહ્યું, ‘તમને આપેલા પુસ્તકમાંથી અભ્યાસ કરીશું.’ મેં તેમને કહ્યું, ‘એ તો મેં વાંચી કાઢ્યું!’ ભાઈએ પ્રેમથી કહ્યું, ‘સરસ, તો ચાલો એમાંથી પહેલા પાઠ પર ચર્ચા કરીએ.’ એ અભ્યાસ પત્યા પછી, મને ખબર પડી કે હું કેટલા મહત્ત્વના મુદ્દા ચૂકી ગયો હતો. ભાઈએ મારા બાઇબલમાંથી ઘણી કલમો મારી પાસે ખોલાવી હતી. એ સવારે, ભાઈ ગાર્ડનર જેમને હું વહાલથી જીમ કહેતો, તેમની સાથે મેં સત્ય પુસ્તકના ત્રણ પાઠનો અભ્યાસ કર્યો. એ પછી, દર ગુરુવારની સવારે અમે એમાંના ત્રણ પાઠનો અભ્યાસ કરતા. મને એ અભ્યાસમાં ખૂબ મજા આવતી. એક અભિષિક્ત ભાઈ પાસેથી શીખવું એ તો મોટો લહાવો હતો. એટલું જ નહિ, જીમ તો ચાર્લ્સ ટી. રસેલને પણ સારી રીતે ઓળખતા હતા!

થોડા જ અઠવાડિયા પછી, મને બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક જાહેર કરવામાં આવ્યો. હું પણ ખુશખબર જણાવવાના કામમાં ભાગ લેવા લાગ્યો. જીમ ભાઈએ મને ઘણી રીતે મદદ કરી. ઘર-ઘરના પ્રચારમાં હું સારું કરી શકું માટે તેમણે મને મદદ આપી. (પ્રે.કૃ. ૨૦:૨૦) જીમ ભાઈ સાથે કામ કરવાથી મને પ્રચારકાર્ય ગમવા લાગ્યું. આજે પણ પ્રચારકાર્યને હું સૌથી મોટો લહાવો ગણું છું. ઈશ્વર સાથે કામ કરનારા હોવું એ કેટલા મોટા આનંદની વાત છે!—૧ કોરીં. ૩:૯.

મારો પહેલો પ્રેમ

ચાલો, હવે હું તમને મારા જીવનની એક અંગત વાત કરું. એ છે યહોવા માટેનો મારો પહેલો પ્રેમ. (પ્રકટી. ૨:૪) યહોવા માટેના મારા પ્રેમને લીધે મને યુદ્ધના સમયની મારી દુઃખદ યાદો અને મુશ્કેલીઓ સામે લડવા મદદ મળી.—યશા. ૬૫:૧૭.

યહોવા માટેના પ્રેમને લીધે મને યુદ્ધની દુઃખદ યાદો અને મુશ્કેલીઓ સામે લડત આપવામાં ઘણી મદદ મળી

હું વર્ષ ૧૯૭૧માં યાંકી સ્ટેડિયમમાં થયેલા મહાસંમેલનમાં બાપ્તિસ્મા પામ્યો. સંમેલનનો વિષય “ડિવાઇન નેમ” હતો

મારા જીવનમાં ૧૯૭૧ની વસંતનો એક દિવસ હંમેશાં ખાસ રહ્યો છે. શા માટે? ચાલો તમને જણાવું! મારાં મમ્મી-પપ્પાએ મને રહેવા એક રૂમ આપ્યો હતો. પણ હવે એ મારો રહ્યો નહિ! કેમ કે, યહોવાનો સાક્ષી તેમના ઘરમાં રહે એ મારા સાવકા પિતાને જરાય મંજૂર ન હતું. એ સમયે મારી પાસે પૂરતા પૈસા ન હતા. હું જે હૉસ્પિટલમાં કામ કરતો એમાં દર બે અઠવાડિયે પગાર આપવામાં આવતો. ઉપરાંત, મેં મારો મોટા ભાગનો પગાર સારાં કપડામાં ખર્ચ્યો હતો, જેથી હું પ્રચારમાં યહોવાનો એક સારો સેવક દેખાઈ શકું. બૅન્કમાં મારી અમુક બચત હતી. પણ એ બૅન્ક મિશિગનમાં હતી, જ્યાં મારો ઉછેર થયો હતો. તેથી, અમુક દિવસો માટે મેં મારી કારને જ મારું ઘર બનાવ્યું. હું પેટ્રોલ પંપના બાથરૂમમાં જઈને દાઢી અને સ્નાન કરતો.

એ જ સમય ગાળામાં એક દિવસે હું રાજ્યગૃહે પહોંચ્યો. ત્યાં પ્રચારની સભા માટે એક ગ્રૂપ ભેગું થવાનું હતું. હું મારા કામ ઉપરથી ત્યાં બે કલાક વહેલો પહોંચી ગયો હતો. હું રાજ્યગૃહની પાછળના ભાગમાં હતો, જ્યાંથી મને કોઈ જોઈ શકતું ન હતું. એવામાં, વિયેતનામના યુદ્ધની એ કડવી યાદોએ મને ઘેરી લીધો. મારી સામે બળેલાં માંસની દુર્ગંધ અને લોહીની નદીઓનાં દૃશ્યો આવવાં લાગ્યાં. એનાથી હું બેચેન થઈ ગયો. મારા મનમાં હું એ ઘાયલ યુવાનોને જોવા લાગ્યો અને તેઓને કહેતા સાંભળવા લાગ્યો કે, ‘શું હું બચી શકીશ? શું હું જીવી જઈશ?’ મને ખબર હતી કે તેઓ નહિ જીવે. તોપણ તેઓનું મન રાખવા હું હા કહી રહ્યો હતો અને મારા ચહેરા પર સચ્ચાઈ આવવા દેતો નહિ. પ્રચારના ગ્રૂપની રાહ જોતા હું રાજ્યગૃહ પાછળ બેઠો લાગણીઓમાં તણાઈ રહ્યો હતો.

કસોટીઓમાં પણ યહોવા માટેનો પહેલો પ્રેમ ઠંડો ન પડે માટે મેં બનતા બધા પ્રયત્નો કર્યા છે

મેં પ્રાર્થના કરી અને મારી આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. (ગીત. ૫૬:૮) હું સજીવન થવાની આશા પર ઊંડાણપૂર્વક વિચારવા લાગ્યો. એનાથી મને ઘણી રાહત મળી. મને યાદ આવ્યું કે મેં અને બીજા લોકોએ અનુભવેલી એ બધી જ ખૂનખરાબી, એ બધાં જ દુઃખોને યહોવા દૂર કરી દેશે. તે એ યુવાન સૈનિકોને સજીવન કરશે અને પોતાના વિશે સત્ય શીખવાની તક આપશે. (પ્રે.કૃ. ૨૪:૧૫) એ સમયે, મારી રગેરગમાં યહોવા માટેનો પ્રેમ પ્રસરી ગયો. એ દિવસ મારા જીવનનો સૌથી ખાસ દિવસ બની ગયો. ત્યારથી લઈને આજ સુધી યહોવા માટેનો મારો પહેલો પ્રેમ મેં ક્યારેય ઠંડો પડવા દીધો નથી. એ માટે મેં મુશ્કેલીઓ અને સતાવણીઓમાં પણ બનતા બધા પ્રયત્નો કર્યા છે.

યહોવા હંમેશાં મારી જોડે પ્રેમથી વર્ત્યા

યુદ્ધમાં લોકો ઘણાં ભયાનક કામો કરતાં હોય છે. એમાંથી હું બાકાત ન હતો. જોકે, મને બાઇબલની બે કલમોએ ઘણી મદદ કરી છે. પહેલી કલમ છે, પ્રકટીકરણ ૧૨:૧૦, ૧૧. એ જણાવે છે કે શેતાન પર જીત મેળવવા સાક્ષીકાર્યની સાથે સાથે ઈસુએ વહેવડાવેલું લોહી પણ જરૂરી છે. બીજી કલમ છે, ગલાતી ૨:૨૦. એ કલમથી હું જાણી શક્યો કે ઈસુ ‘મારા માટે’ મર્યા છે. યહોવા મને ઈસુના લોહી મારફતે જુએ છે અને તેમણે મારાં ભૂલો-પાપો માફ કર્યાં છે. એ જાણવાથી હું મારું અંતઃકરણ શુદ્ધ રાખી શકું છું. એનાથી મને ઉત્તેજન મળે છે કે બીજા લોકોને દયાના સાગર યહોવા વિશેનું સત્ય જણાવવા, હું બનતા પ્રયત્ન કરું!—હિબ્રૂ ૯:૧૪.

હું મારા જીવન પર નજર કરું છું ત્યારે, જોઈ શકું છું કે યહોવાએ દરેક સંજોગોમાં મારી સંભાળ લીધી છે. એ માટે હું પૂરા દિલથી ઉપકાર માનું છું! દાખલા તરીકે, હું ગાડીમાં દિવસો કાઢું છું એવી જાણ થતા ભાઈ જીમે મને રહેવાની જગ્યા અપાવી. તેમણે આપણી એક બહેન સાથે મારો સંપર્ક કરાવ્યો, જે રહેવાની જગ્યા ભાડે આપતાં હતાં. મને પૂરો વિશ્વાસ છે કે જીમ અને એ બહેનનો ઉપયોગ કરીને યહોવાએ જ મને રહેવા સુંદર જગ્યા પૂરી પાડી. યહોવા તો પ્રેમથી ભરપૂર છે! તે પોતાના વફાદાર ભક્તોની કાળજી રાખે છે.

પ્રચારના ઉત્સાહને કુશળતાથી વાપરવાનું શીખ્યો

વર્ષ ૧૯૭૧ના મે મહિનામાં કામને લીધે મારે મિશિગન જવું પડ્યું. ફ્લોરિડામાં આવેલું ડૅલરા બીચનું મંડળ છોડતા પહેલાં, મેં મારી કારમાં ઘણું સાહિત્ય ભરી દીધું અને ઇન્ટરસ્ટેટ ૭૫ હાઈવે પકડી લીધો. હું હજી અડધે પહોંચ્યો ત્યાં સુધીમાં તો બધું સાહિત્ય અપાઈ ગયું હતું. મેં બધા પ્રકારના વિસ્તારોમાં રાજ્યનો સંદેશો ઉત્સાહથી જણાવ્યો. રસ્તામાં આવતી જેલો અને આરામગૃહોમાં પણ લોકોને પત્રિકા આપતો ગયો. આજે પણ મને વિચાર આવે છે કે મેં વાવેલાં બીમાંના કોઈકને કદી અંકુર ફૂટ્યું હશે કે નહિ.—૧ કોરીં. ૩:૬, ૭.

હું કબૂલું છું કે શરૂ શરૂમાં હું સમજી-વિચારીને ખુશખબર જણાવતો ન હતો. ખાસ કરીને, મારા કુટુંબીજનોને. યહોવા માટે મારા મનમાં પ્રેમનો બહુ જોશ હતો, જેના લીધે હું હિંમતથી પણ વિચાર્યા વગર સત્ય જણાવતો. એવું મેં મારા પ્રિય ભાઈ જોન અને રોન સાથે કર્યું. જોકે, પછીથી એવા વર્તન માટે મેં માફી માંગી હતી. ઉપરાંત, તેઓ સત્ય સ્વીકારે એવી પ્રાર્થના કરવાનું હું કદી ચૂક્યો નથી. ત્યારથી, યહોવા મને ઘડી રહ્યા છે. આજે, હું લોકોને સમજી-વિચારીને ખુશખબર જણાવી શકું છું અને શીખવી શકું છું.—કોલો. ૪:૬.

મારા જીવનમાં બીજા પ્રિયજનો

યહોવાની સાથે સાથે મારા જીવનમાં બીજાઓ પણ છે, જેઓને હું ઘણો પ્રેમ કરું છું. મારો બીજો પ્રેમ એ મારી પત્ની, સુઝન છે. પહેલેથી જ હું એવું લગ્નસાથી ચાહતો હતો, જે ઈશ્વરના રાજ્યના કામમાં મને સાથ આપે. સુઝન એવી જ છે. તે યહોવાને બહુ પ્રેમ કરે છે અને તેની શ્રદ્ધા મક્કમ છે. મને એક દિવસ થોડો-ઘણો યાદ છે, જ્યારે હું સુઝન સાથે ડેટિંગ કરતો હતો. તેનું ઘર ક્રાન્સટન, રૉહ્ડ આયલૅન્ડ પર હતું. તે પોતાનાં મમ્મી-પપ્પાના ઘરના વરંડામાં બેઠી હતી. તે ચોકીબુરજ અને બાઇબલ લઈને અભ્યાસ કરતી હતી. તે ચોકીબુરજમાં આવતા બીજાં લેખો વાંચતી હતી અને એમાંની કલમો બાઇબલમાંથી જોતી હતી. એ મને ખૂબ સ્પર્શી ગયું. મેં વિચાર્યું, ‘આ યુવતી સાચે જ યહોવાને ચાહે છે!’ અમે ૧૯૭૧ના ડિસેમ્બરમાં લગ્ન કર્યા. ત્યારથી તેણે મને હંમેશાં સાથ આપ્યો છે. એ માટે હું તેનો ઘણો આભારી છું. તે મને તો ચાહે જ છે, પણ યહોવાને વધુ ચાહે છે. તેની એ વાત મને ખૂબ ગમે છે.

મારી પત્ની સુઝન અને અમારા દીકરા પોલ અને જેસ્સી

યહોવાએ મને બે દીકરા જેસ્સી અને પોલ આપ્યા છે, જેઓ અમારા માટે આશીર્વાદરૂપ છે. તેઓ મોટા થતા ગયા તેમ યહોવા હંમેશાં તેમની સાથે હતા. (૧ શમૂ. ૩:૧૯) મારા દીકરાઓએ સત્યને દિલથી અપનાવ્યું હોવાથી, તેઓ મારું અને સુઝનનું નામ રોશન કરે છે. તેઓ પોતાનો પહેલો પ્રેમ કદી ભૂલ્યા નથી. એના લીધે તેઓ સત્યમાં પ્રગતિ કરી રહ્યા છે. તેઓ બંને ૨૦ કરતાં વધુ વર્ષોથી પૂરા સમયની સેવા આપી રહ્યા છે. મારી બંને વહુ સ્તેફાનિયા અને રાકેલ વિશે પણ મને ગર્વ છે. તેઓને હું મારી દીકરીઓ જ ગણું છું. મારા બંને દીકરાઓ એવી યુવતીઓને પરણ્યા છે, જેઓ યહોવાને પૂરા દિલથી ચાહે છે.—એફે. ૬:૬.

સરકીટ કામ દરમિયાન પ્રચારની સભા ચલાવતી વખતે

મારા બાપ્તિસ્મા પછી, લગભગ ૧૬ વર્ષો સુધી મેં રૉહ્ડ આયલૅન્ડમાં સેવા આપી. ત્યાં મારા કેટલાક ખાસ મિત્રો બન્યા. ઉપરાંત, ત્યાં ઘણા કુશળ વડીલો સાથે મેં કામ કર્યું. તેઓ સાથે વિતાવેલો સમય હજુય મને યાદ છે. વધુમાં, એવા ઘણા સરકીટ નિરીક્ષકો છે, જેઓ પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. યહોવા માટે પ્રેમ જાળવી રાખનાર એ ભાઈઓ સાથે કામ કરવું, ખરેખર એક મોટો લહાવો હતો! વર્ષ ૧૯૮૭માં હું ઉત્તર કૅરોલાઈનામાં ગયો, જ્યાં વધારે જરૂર હતી. ત્યાં પણ અમને બીજા ખાસ મિત્રો મળ્યા. *

અમારું આખું કુટુંબ ઓછો પ્રચાર થયો હોય એવા વિસ્તારોમાં પ્રચાર કરવાનો આનંદ માણતું

ઑગસ્ટ ૨૦૦૨માં અમને અમેરિકાના પેટરસન બેથેલ કુટુંબનો ભાગ બનવા આમંત્રણ મળ્યું. મેં સેવા વિભાગમાં કામ કર્યું અને સુઝન લૉન્ડ્રીમાં સેવા આપતી. ત્યાં તેને કામ કરવાની ખૂબ મજા આવતી. પછી, ઑગસ્ટ ૨૦૦૫માં મને નિયામક જૂથના સભ્ય બનવાનો લહાવો મળ્યો. મેં પોતાને એ સોંપણી સામે ખૂબ નજીવો અનુભવ્યો. એ જવાબદારીમાં આવતું કામ અને મુસાફરીનો વિચાર કરવાથી મારી વહાલી પત્ની ચિંતામાં પડી ગઈ. સુઝનને વિમાનમાં મુસાફરી કરવી ગમતી નથી, તેમ છતાં અમે એવી મુસાફરીઓ કરીએ છીએ. સુઝન મને બને તેટલો સાથ-સહકાર આપે છે. તે કહે છે કે એમ કરવા તેને નિયામક જૂથના બીજા સભ્યોની પત્નીઓ પાસેથી ઉત્તેજન મળ્યું છે. તેના એ પ્રેમ અને સહકાર માટે હું તેને ખૂબ ચાહું છું.

મારી ઑફિસમાં ઘણા ફોટા છે, જે મારા માટે બહુ મહત્ત્વના છે! એ મને યાદ અપાવે છે કે અમારું જીવન કેટલું આનંદી રહ્યું છે. યહોવા માટેનો મારો પહેલો પ્રેમ યાદ રાખવા મેં બનતું બધું કર્યું છે. અને એના લીધે મને ઘણા અદ્ભુત આશીર્વાદો મળ્યા છે!

કુટુંબ સાથે સમય પસાર કરવામાં અમને ઘણો આનંદ મળે છે

^ ફકરો. 31 ભાઈ મોરીસની પૂરા સમયની સેવા વિશે વધારે માહિતી માટે એપ્રિલ ૧, ૨૦૦૬ના ચોકીબુરજમાં પાન ૧૨ જુઓ.