સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંદેશો ફેલાવવાના કામમાં ઉત્સાહ જાળવી રાખીએ

સંદેશો ફેલાવવાના કામમાં ઉત્સાહ જાળવી રાખીએ

ખુશખબર ફેલાવવાનું કામ આજે દુનિયાભરમાં થઈ રહેલું સૌથી મહત્ત્વનું કામ છે. યહોવાના એક સાક્ષી તરીકે તમે પણ શિષ્ય બનાવવાના કામમાં ભાગ લેવાને ચોક્કસ લહાવો ગણતા હશો. જોકે, તમે સહમત થશો કે એ કામમાં કેટલાક પડકારો આવે છે. એના લીધે, અમુક વાર પાયોનિયરો અને પ્રકાશકો માટે ઉત્સાહ જાળવી રાખવો અઘરો બને છે.

સાક્ષીકાર્યમાં ઉત્સાહી બની રહેવા તમને શું મદદ કરશે?

ઘર-ઘરના પ્રચારકાર્યમાં અમુક પ્રકાશકોને સંદેશો સાંભળે એવા લોકો સહેલાઈથી મળતા નથી. અરે, મોટા ભાગે તેઓના વિસ્તારમાં ઘરો બંધ મળે છે. એમાંય જો કોઈ ઘરે મળે, તો તે રાજ્યના સંદેશામાં એટલો રસ બતાવતા નથી અથવા વિરોધ કરે છે. કેટલાક બીજા પ્રકાશકોનો પ્રચાર વિસ્તાર ખૂબ જ મોટો છે. ઉપરાંત, ત્યાં સારાં પરિણામો આવતાં હોવાથી તેઓને ચિંતા છે કે શું ક્યારેય આખા પ્રચાર વિસ્તારને આવરી શકાશે. મંડળમાં એવા પણ પ્રકાશકો છે, જેઓ ખૂબ લાંબા સમયથી ખુશખબર ફેલાવવાના કાર્યમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ, એ કાર્ય તેઓના ધાર્યા કરતાં લાંબું ચાલ્યું હોવાથી તેઓ નાહિંમત થઈ ગયા છે.

સાક્ષીકાર્યમાં આવતા પડકારોને લીધે યહોવાના લોકો માટે ઉત્સાહ જાળવી રાખવો મુશ્કેલ બને છે. શું એ જાણીને આપણને નવાઈ લાગે છે? ના. કારણ કે, આ જગત “દુષ્ટ”ની એટલે કે, શેતાનની સત્તામાં છે. (૧ યોહા. ૫:૧૯) તેથી, આપણામાંથી કોઈ પણ એવી આશા નહિ રાખે કે, ઈશ્વરે આપેલા જીવન બચાવનાર સંદેશાને જાહેર કરવું સહેલું હશે.

ખુશખબર જાહેર કરવામાં કદાચ તમે પણ પડકારોનો સામનો કરી રહ્યા હશો. ભલે એ પડકાર ગમે તેવો હોય, પણ તમે ખાતરી રાખી શકો કે યહોવા ચોક્કસ તમને મદદ કરશે. એ ઉપરાંત, ખુશખબર ફેલાવવાના કામમાં ઉત્સાહ વધારવા તમે શું કરી શકો? ચાલો અમુક સૂચનો જોઈએ.

નવા પ્રકાશકોને મદદ આપો

દર વર્ષે, હજારો લોકો બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બને છે. શું તમે પણ યહોવાને સમર્પણ કરીને હાલમાં જ બાપ્તિસ્મા લીધું છે? એમ હોય તો, સાક્ષીકાર્યમાં અનુભવી ભાઈ-બહેનો પાસેથી તમે ઘણું શીખી શકો છો, જેની તમે ચોક્કસ કદર કરશો. અથવા એમ પણ બને કે, તમે ઘણાં વર્ષોથી ખુશખબર ફેલાવવાનું કામ કરો છો. જો એમ હોય તો કેટલું સારું રહેશે કે આપણે નવાઓને તાલીમ આપીએ. એમ કરવાનાં ઘણાં સારાં પરિણામો આવશે.

ઈસુ જાણતા હતા કે તેમના શિષ્યો અસરકારક રીતે શીખવી શકે માટે તેઓને માર્ગદર્શનની જરૂર છે. તેઓને તાલીમ આપવા ઈસુએ એ કામ કરી બતાવ્યું. (લુક ૮:૧) આજે પણ બીજા લોકોને સારી રીતે શીખવી શકે એ માટે પ્રકાશકોને તાલીમની જરૂર છે.

આપણે એમ ન માની લેવું જોઈએ કે નવા પ્રકાશક પ્રચારમાં ભાગ લેશે તેમ બધું જાતે શીખી જશે. એ પ્રકાશકને પણ એવા શિક્ષકની જરૂર છે જે તેમને પ્રેમાળ અને નમ્ર રીતે શીખવે. અનુભવી પ્રકાશકો, તમે નવા પ્રકાશકને એ તાલીમ આ રીતે આપી શકો: (૧) રજૂઆતની તૈયારી અને એની પ્રેક્ટિસ કરાવો, (૨) ઘરમાલિકનો રસ જગાડવા વાત કઈ રીતે કરવી એ શીખવો, (૩) સાહિત્ય આપતા શીખવો, (૪) રસ ધરાવતી વ્યક્તિની ફરી મુલાકાત લેતા અને (૫) બાઇબલ અભ્યાસ શરૂ કરતા શીખવો. નવા પ્રકાશકે પણ અનુભવી વ્યક્તિ જે રીતે સંદેશો આપે છે, એના પર ધ્યાન આપવું જોઈએ. તેમની રીતને અનુસરવાથી નવી વ્યક્તિને ચોક્કસ સારાં પરિણામ મળશે. (લુક ૬:૪૦) એમાં કોઈ શંકા નથી કે નવા પ્રકાશક એવાં ભાઈ-બહેનોની કદર કરશે, જેઓ તેમનું ધ્યાનથી સાંભળે અને જરૂર પડે ત્યારે મદદ આપવા તૈયાર હોય. જો ભાઈ-બહેનો નવા પ્રકાશકની પ્રશંસા કરે અને જરૂરી સૂચનો આપે તો તેમને મદદ મળશે.—સભા. ૪:૯, ૧૦.

સાથે કામ કરનારને ઉત્તેજન આપો

ખરું કે, અમુક વાર પ્રચારકાર્ય દરમિયાન ઘણી મહેનત કર્યા છતાં સારાં પરિણામ ન આવે. એવા દિવસોમાં સાથે કામ કરનાર ભાઈ કે બહેન જોડે કરેલી વાતચીત ઉત્સાહ વધારે છે. યાદ રાખીએ કે ઈસુએ “બબ્બે” શિષ્યોને રાજ્યનો સંદેશો જણાવવા મોકલ્યા હતા. (લુક ૧૦:૧) શા માટે? તેઓ સાથે કામ કરે ત્યારે એકબીજાનો ઉત્સાહ અને ધગશ વધારી શકે, એ માટે. તેથી, સાક્ષીકાર્ય દરમિયાન “એકબીજાને ઉત્તેજન” આપવાની સરસ તક રહેલી છે.—રોમ. ૧:૧૨, IBSI.

તમે સાથે કામ કરનાર જોડે કયા વિષયો પર વાતચીત કરી શકો? તમારામાંથી કોઈકને સારો અનુભવ થયો હોય તો એના વિશે કહી શકો. કદાચ તમને કુટુંબ તરીકેની ભક્તિ કે પછી વ્યક્તિગત અભ્યાસ દરમિયાન ઉત્તેજન આપતો કોઈ મુદ્દો મળ્યો છે. કે પછી, સભામાં ઉત્તેજન આપનાર કોઈ વિચાર સાંભળવામાં આવ્યો છે. એવા વિષયો પર તમે વાત કરી શકો. અમુક વાર તમને એવા પ્રકાશક સાથે કામ કરવાની તક મળે, જેમની જોડે તમે અગાઉ બહુ કામ કર્યું નથી. કેમ નહિ કે તેમના વિશે વધુ જાણો! જેમ કે, તે સત્યમાં કઈ રીતે આવ્યા, તેમને શા માટે ભરોસો થયો કે આ સંગઠન યહોવાનું છે, તેમને કેવા લહાવાઓ મળ્યા અથવા અનુભવો થયા છે. તમે પોતાના અનુભવ વિશે પણ જણાવી શકો. આમ, ભલે લોકો ખુશખબર સાંભળે કે ન સાંભળે તમને “એકબીજાને દૃઢ” કરવાની સારી તક મળશે.—૧ થેસ્સા. ૫:૧૧.

વ્યક્તિગત અભ્યાસની ટેવ જાળવી રાખો

સાક્ષીકાર્યમાં ઉત્સાહી રહેવા નિયમિત રીતે વ્યક્તિગત અભ્યાસ કરવાની ટેવ કેળવવી અને એને જાળવી રાખવી બહુ જરૂરી છે. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” આપણને અઢળક વિષયો પર સાહિત્ય પૂરું પાડે છે. (માથ. ૨૪:૪૫) તેથી, યહોવામાં તમારી શ્રદ્ધાને મજબૂત કરવા તમે એમાંના કોઈ પણ વિષય પર અભ્યાસ કરી શકો. દાખલા તરીકે, તમારા વ્યક્તિગત અભ્યાસ દરમિયાન આવા કોઈ પ્રશ્ન પર મનન કરી શકો: રાજ્યનો સંદેશો બધાને જણાવવો શા માટે મહત્ત્વનો છે? એનો જવાબ આપતાં અમુક કારણો લેખના બૉક્સમાં જોવાં મળે છે.

બૉક્સમાં આપેલાં કારણો પર મનન કરવાથી રાજ્યની ખુશખબર જણાવવાના કામ માટે તમારી ધગશ વધશે. શું એ ઉપરાંત તમે બીજાં કોઈ કારણો વિશે વિચારી શકો? કેમ નહિ કે, વ્યક્તિગત અભ્યાસમાં તમે એનાં પર મનન કરો! એ કારણો પર મનન કરો ત્યારે એને લગતી કલમો પણ લખો. એમ કરવાથી તમારો પ્રચારકાર્યમાં ઉત્સાહ ખૂબ વધશે.

સૂચનો અજમાવી જુઓ

આપણે સંદેશો ફેલાવવાનું કામ વધુ ને વધુ અસરકારક રીતે કરી શકીએ માટે યહોવાનું સંગઠન નિયમિત રીતે સૂચનો પૂરાં પાડે છે. આપણે ઘર-ઘરના પ્રચારકાર્ય સિવાય બીજી રીતોએ પણ ખુશખબર જણાવી શકીએ. જેમ કે, પત્રો અથવા ટેલીફોન દ્વારા. રસ્તે આવતાં-જતાં કે જાહેર સ્થળોમાં આપણે લોકોને પ્રચાર કરી શકીએ. નોકરીના સ્થળે અથવા બીજી કોઈ જગ્યાએ લોકો સાથે વાતચીતમાં ખુશખબર વિશે કહી શકીએ. આપણે કદાચ રોજિંદા કામોમાં થોડીક ફેરગોઠવણ કરીને અમુક સમય ફાળવી શકીએ. અને એવા વિસ્તારમાં પ્રચાર કરવા જઈએ, જ્યાં પ્રચારકામ ખાસ કંઈ થયું નથી.

શું તમે એ સૂચનોને લાગુ પાડવા ચાહશો? જેઓએ એ સૂચનો અજમાવ્યાં છે, તેઓને સારાં પરિણામો મળ્યાં છે. અરે, એટલાં સારાં કે તેઓની ખુશીનો કોઈ પાર નથી. ચાલો, એવાં ત્રણ ભાઈ-બહેનોના અનુભવો જોઈએ.

પહેલો અનુભવ આપણે અપ્રીલ નામનાં બહેનનો જોઈશું. તેમણે આપણી રાજ્ય સેવામાં આવેલાં લેખમાંનું એક સૂચન અજમાવી જોયું. બાઇબલ અભ્યાસ કઈ રીતે શરૂ કરવો એના વિશે લેખમાં માર્ગદર્શન હતું. બહેનને એમાંથી એટલું ઉત્તેજન મળ્યું કે તેમણે પોતાની સાથે નોકરી કરનાર ત્રણ વ્યક્તિઓને બાઇબલ અભ્યાસ કરવા વિશે પૂછ્યું. એ ત્રણે વ્યક્તિઓએ તેમને હા પાડી અને સભાઓમાં આવવાનું પણ શરૂ કર્યું. એ જોઈને આપણાં બહેનને ઘણી નવાઈ લાગી અને ખૂબ ખુશી થઈ.

બીજો અનુભવ, અમેરિકાના એક સરકીટ નિરીક્ષકનો છે. સંગઠન આપણને ઉત્તેજન આપતું હોય છે કે વ્યક્તિને રસ પડે, એવા વિષયનું મૅગેઝિન તેને આપીએ. એ સરકીટ નિરીક્ષક ભાઈએ એને લાગુ પાડ્યું. ગાડીના ટાયરો વિશેના લેખવાળું સજાગ બનો! તેમણે પોતાના વિસ્તારમાં ટાયર વેચતી બધી દુકાનોના મૅનેજરને આપ્યું. બીજી એક વખતે, એ ભાઈ અને તેમના પત્નીએ ૧૦૦થી વધુ ડૉક્ટરની મુલાકાત લીધી. ત્યાં તેઓએ ડૉક્ટરને લગતા લેખોવાળાં મૅગેઝિન આપ્યાં. એ ભાઈ જણાવે છે, ‘લોકો સાથે આપણી ઓળખાણ વધારવાની અને સાહિત્ય આપવાની એ ખૂબ અસરકારક રીત છે. એ વિસ્તારની વ્યક્તિઓ સાથે સારી ઓળખાણ થઈ ગઈ છે. હવે અમે તેઓની ફરી મુલાકાતો સહેલાઈથી લઈ શકીએ છીએ.’

ત્રીજો અનુભવ, ટેલીફોન દ્વારા સાક્ષીકાર્યને લગતો છે. જૂડી નામનાં બહેને એ વિશે કદર વ્યક્ત કરતો પત્ર આપણા મુખ્ય મથકે મોકલ્યો. તેમણે જણાવ્યું કે તેમનાં ૮૬ વર્ષનાં મમ્મીની તબિયત સારી રહેતી ન હતી. તેથી, ટેલીફોન દ્વારા ખુશખબર જણાવવાની રીત તેમને ખૂબ કામ આવતી હતી. આમ, તે નિયમિત રીતે પવિત્ર સેવાનો લહાવો લઈ શકતાં હતાં. તે એક ૯૨ વર્ષની સ્ત્રીનો બાઇબલ અભ્યાસ ટેલીફોન દ્વારા ચલાવતાં, જેમાં તેમને બહુ આનંદ આવતો.

આપણાં સાહિત્યમાં આવતાં સૂચનો ખરેખર ઘણાં કામ લાગે છે. તમે પણ એ અજમાવી જુઓ! એનાથી તમને સાક્ષીકાર્યમાં ઉત્સાહ અને આનંદ જાળવી રાખવા મદદ મળશે.

પૂરા કરી શકાય એવા ધ્યેય રાખો

આપણે લોકોને કેટલું સાહિત્ય આપીએ છીએ અથવા કેટલા બાઇબલ અભ્યાસો ચલાવીએ છીએ કે પછી કેટલાં લોકોને સત્યમાં લાવીએ છીએ, એ બધા પરથી આપણી સફળતા માપવામાં આવતી નથી. જરા વિચારો, નુહ પોતાના કુટુંબ સિવાય કેટલા લોકોને યહોવાના ભક્તો બનાવી શક્યા? એકને પણ નહિ, છતાં તે ચોક્કસ ખૂબ સફળ પ્રચારક હતા. પૂરી વફાદારીથી યહોવાની સેવા કરવી, એ જ સૌથી મહત્ત્વનું છે.—૧ કોરીં. ૪:૨.

ઘણા પ્રકાશકોને જોવા મળ્યું છે કે પૂરા કરી શકાય એવા ધ્યેયો રાખવાથી તેઓનો ઉત્સાહ વધે છે. એ કઈ રીતે કરી શકાય? બૉક્સમાં એવી અમુક રીતો જણાવેલી છે.

તમારું સાક્ષીકાર્ય વધુ સારું અને સફળ બનાવવાની રીતો જાણવા યહોવા પાસે મદદ માંગો. તમારા ધ્યેયો જ્યારે પૂરા થશે ત્યારે સફળ થવાની ખુશી મળશે. તમને સંતોષ થશે કે ખુશખબર ફેલાવવામાં તમારાથી બનતું તમે કરી રહ્યા છો.

ખરું કે ખુશખબર જણાવવાનું કાર્ય સહેલું નથી, પડકારભર્યું છે. છતાં, એમાં ઉત્સાહ જાળવી રાખવા તમે આવી રીતો અજમાવી શકો. જેમ કે, પ્રચારમાં સાથે કામ કરનારને ઉત્તેજન આપો, તેમની પાસેથી પણ ઉત્તેજન મેળવી શકો, સારા વ્યક્તિગત અભ્યાસની ટેવ કેળવો અને જાળવી રાખો, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પાસેથી મળતાં સૂચનો અજમાવી શકો અને પૂરા થઈ શકે એવા ધ્યેયો રાખી શકો. એ બધાં ઉપરાંત, હંમેશાં યાદ રાખો કે યહોવાના સાક્ષી તરીકે તમને ખુશખબર જણાવવાનો અજોડ લહાવો મળ્યો છે. (યશા. ૪૩:૧૦) એ કામ માટે ઉત્સાહ જાળવી રાખવાથી તમને અનેરો આનંદ મળશે.