સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ‘અર્થ સમજો’ છો?

શું તમે ‘અર્થ સમજો’ છો?

‘ધર્મલેખો સમજવા માટે તેમણે તેઓનાં મન ખોલ્યાં.’ લુક ૨૪:૪૫.

૧, ૨. ઈસુએ સજીવન થયા પછી કઈ રીતે શિષ્યોની હિંમત વધારી?

ઈસુના બે શિષ્યો યરૂશાલેમથી આશરે ૧૧ કિ.મી. દૂર આવેલા એક ગામ તરફ ચાલીને જઈ રહ્યા હતા. ઈસુના મરણને લીધે તેઓ ઘણા દુઃખી હતા. ઈસુને સજીવન કરવામાં આવ્યા છે, એ વાત તેઓ હજુ જાણતા ન હતા. તેઓ ચાલી રહ્યા હતા એટલામાં, સજીવન થયેલા ઈસુ પણ તેઓ સાથે જોડાયા. ત્યાર પછી ઈસુએ તેઓને ‘મુસાથી અને સઘળા પ્રબોધકોથી માંડીને, બધાં શાસ્ત્રવચનોમાંથી પોતાના વિશેની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.’ (લુક ૨૪:૧૩-૧૫, ૨૭) એ વાતચીતથી શિષ્યોને ઘણો દિલાસો મળ્યો અને તેઓનાં મન આનંદી થયાં. કારણ કે, ઈસુએ તેઓને શાસ્ત્રવચનોનો “ખુલાસો” કરી બતાવ્યો હતો.—લુક ૨૪:૩૨.

એ જ સાંજે, બંને શિષ્યો યરૂશાલેમ પાછા ફર્યા. તેઓ પ્રેરિતોને મળ્યા અને જે બન્યું હતું એ કહી સંભળાવ્યું. તેઓ એ વાતો કહી રહ્યા હતા એટલામાં ઈસુ બધાને દેખાયા. ઈસુને જોઈને પ્રેરિતો ગભરાયા અને તેઓને થયું કે શું એ સાચે જ ઈસુ છે. બાઇબલ જણાવે છે કે ‘ઈસુએ તેઓનાં મન ધર્મલેખો સમજવા માટે ખોલ્યાં’ અને તેઓની હિંમત વધારી.—લુક ૨૪:૪૫.

૩. આપણે શા માટે અમુક વાર નિરાશા અનુભવીએ છીએ, પરંતુ કઈ રીતે સાક્ષીકાર્યમાં આનંદ જાળવી રાખી શકીએ?

કેટલીક વાર એ શિષ્યોની જેમ આપણે પણ ઉદાસી અનુભવીએ છીએ. યહોવાની ભક્તિમાં ઘણું કરવા છતાં, જો લોકો આપણો સંદેશો ન સ્વીકારે તો કદાચ આપણે નિરાશા અનુભવીએ. (૧ કોરીં. ૧૫:૫૮) એમ પણ બને કે જેઓનો અભ્યાસ ચલાવીએ છીએ તેઓ પ્રગતિ કરી રહ્યા નથી. અરે, કદાચ તેઓમાંના અમુક તો યહોવાને નકારી દે. એવા સંજોગોમાં પણ સેવાકાર્યમાં આપણો આનંદ જાળવવા શું કરવું જોઈએ? ઈસુએ આપેલાં દૃષ્ટાંતોનો અર્થ પૂરી રીતે સમજવાથી મદદ મળશે. ચાલો એવાં ત્રણ દૃષ્ટાંતોની ચર્ચા કરીએ અને એમાંથી શીખીએ.

બી વાવીને ઊંઘનાર

૪. બી વાવીને ઊંઘનારના દૃષ્ટાંતનો શો અર્થ થાય છે?

માર્ક ૪:૨૬-૨૯ વાંચો. બી વાવીને ઊંઘનારના દૃષ્ટાંતનો શો અર્થ થાય છે? બી વાવનાર વ્યક્તિ રાજ્યના પ્રચારકોને દર્શાવે છે. “બી,” રાજ્યના સંદેશાને રજૂ કરે છે. પ્રચારકો એને નમ્ર દિલના લોકો સુધી પહોંચાડે છે. બી વાવનાર વ્યક્તિ બીજા લોકોની જેમ જ રોજબરોજનાં કામ કરે છે, જેમ કે તે ‘રાતે ઊંઘે છે અને દિવસે જાગે છે.’ કોઈ પણ બીને વાવ્યા પછી એને ઊગતાં સમય લાગે છે. કાપણીના સમય સુધી એ “બી ઊગે ને વધે” છે. એ વૃદ્ધિ સમય જતાં “પોતાની મેળે” ધીરે ધીરે થાય છે. એ જ રીતે, કોઈ વ્યક્તિ ભક્તિમાં ધીરે ધીરે પ્રગતિ કરીને યહોવાની નજીક આવે છે. છેવટે, એ વ્યક્તિ જ્યારે યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લે છે, ત્યારે જાણે તે “ફળ આપે છે.”

૫. બી વાવીને ઊંઘનારના દૃષ્ટાંતથી ઈસુ શું સમજાવવા માંગતા હતા?

ઈસુ, એ દૃષ્ટાંતથી શું સમજાવવા માંગતા હતા? ઈસુ સમજાવવા માંગતા હતા કે યહોવા જ નમ્ર વ્યક્તિના દિલમાં સત્યના બીજને વૃદ્ધિ આપે છે. (પ્રે.કૃ. ૧૩:૪૮; ૧ કોરીં. ૩:૭) સત્યનું બી વાવવું અને એને પાણી પાવું જ આપણા હાથમાં છે. પરંતુ, એની વૃદ્ધિને ઝડપી બનાવવી આપણા હાથમાં નથી. દૃષ્ટાંતમાં જણાવેલ ‘બી વાવનાર વ્યક્તિ’ની જેમ આપણે પણ જાણતા નથી કે એ વૃદ્ધિ કઈ રીતે થાય છે. આપણે રોજિંદા કામકાજમાં હોવાથી, કદાચ ખ્યાલ નહિ આવે કે વ્યક્તિના દિલમાં સત્યનું બીજ વૃદ્ધિ કરી રહ્યું છે. સમય જતાં, કદાચ સત્યનું એ બીજ ફળ આપવાં લાગે. એ વ્યક્તિ ઈસુનો શિષ્ય બનીને આપણી સાથે કાપણીના કામમાં જોડાય.—યોહા. ૪:૩૬-૩૮.

૬. બાઇબલ વિદ્યાર્થીની પ્રગતિ વિશે આપણે શું સ્વીકારવું જોઈએ?

એ દૃષ્ટાંત આપણને શું શીખવે છે? એ આપણને ત્રણ બાબતો શીખવે છે. પહેલી, આપણા બાઇબલ વિદ્યાર્થી વિશે સ્વીકારવું જોઈએ કે તેની પ્રગતિની ઝડપ આપણા હાથમાં નથી. ખરું કે, આપણે તેને મદદ અને ટેકો આપવા બનતું બધું કરીશું પણ તેને બાપ્તિસ્મા લેવા કદી દબાણ કરીશું નહિ. આપણે નમ્રતાથી સ્વીકારવું જોઈએ કે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય ફક્ત એ વ્યક્તિ જ લઈ શકે છે. સમર્પણ કરવા વ્યક્તિના દિલમાં યહોવા માટે પ્રેમ હોવો જોઈએ. એવા ખરાં દિલથી કરેલા સમર્પણને જ યહોવા સ્વીકારે છે.—ગીત. ૫૧:૧૨; ૫૪:૬; ૧૧૦:૩.

૭, ૮. (ક) બી વાવીને ઊંઘનારના દૃષ્ટાંતમાંથી શું શીખવા મળે છે? ઉદાહરણ આપો. (ખ) એ દૃષ્ટાંત આપણને યહોવા અને ઈસુ વિશે શું શીખવે છે?

બીજી, દૃષ્ટાંત શીખવે છે કે સાક્ષીકાર્યમાં સારાં પરિણામો તરત ન દેખાય તો નિરાશ ન થવું જોઈએ. આપણે ધીરજ રાખવાની જરૂર છે. (યાકૂ. ૫:૭, ૮) આપણે વિદ્યાર્થીને શીખવવા બનતો પ્રયત્ન કરીએ છીએ. છતાં, જો વ્યક્તિના દિલમાં સત્ય ન ઊતરે તો એમ ન વિચારીએ કે આપણે સારી રીતે શીખવી શકતા નથી. કેમ કે, વ્યક્તિના દિલમાં સત્યના બીજને યહોવા વૃદ્ધિ આપે છે. જો તે વ્યક્તિ નમ્ર હશે તો પોતાના જીવનમાં બદલાણ લાવશે. (માથ. ૧૩:૨૩) તેથી, એવું ન માનીએ કે સારા શિક્ષક બનવા ઘણા લોકોને સત્યમાં લાવવા જ પડશે. યહોવા પણ એ નથી જોતા કે આપણે કેટલા લોકોને સત્યમાં લાવ્યા. યહોવા તો સાક્ષીકાર્યમાં દિલથી કરેલી આપણી મહેનતને જુએ છે.—લુક ૧૦:૧૭-૨૦; ૧ કોરીંથી ૩:૮ વાંચો.

ત્રીજી, વ્યક્તિના દિલમાં થઈ રહેલું બદલાણ હંમેશાં પારખી શકાતું નથી. એક મિશનરી ભાઈ સાથે અભ્યાસ કરતા પતિ-પત્નીનો દાખલો લઈએ. એ યુગલે ભાઈને જણાવ્યું કે તેઓ બાપ્તિસ્મા ન પામેલાં પ્રકાશકો બનવાં ઇચ્છે છે. ભાઈએ તેઓને યાદ અપાવ્યું કે એ પહેલા તેઓએ ધૂમ્રપાનની લત છોડવી પડશે. ભાઈને સાંભળીને નવાઈ લાગી કે તેઓએ અમુક મહિનાઓ અગાઉ એ લત છોડી દીધી છે. યુગલ જાણી ગયું હતું કે યહોવા તેઓને જોઈ શકે છે અને કોઈ પણ ઢોંગ ચલાવી લેતા નથી. તેથી, યુગલે ખાનગીમાં પણ ધૂમ્રપાન કરવાનું છોડી દીધું હતું. તેઓએ નિર્ણય લીધો હતો કે મિશનરી ભાઈ હોય કે ન હોય તેઓ ધૂમ્રપાન કરશે નહિ. યુગલના જીવનમાં આવેલા એ બદલાણની મિશનરી ભાઈને કોઈ જાણ ન હતી. પરંતુ, યહોવા માટે પ્રેમ વધવાને લીધે એ યુગલ યોગ્ય નિર્ણય લઈ શક્યું.

માછીમારની જાળ

૯. માછીમારની જાળના દૃષ્ટાંતનો શો અર્થ થાય છે?

માથ્થી ૧૩:૪૭-૫૦ વાંચો. માછીમારની જાળના દૃષ્ટાંતનો શો અર્થ થાય છે? ઈસુએ કહ્યું હતું કે રાજ્યની ખુશખબર જણાવવાનું કામ સમુદ્રમાં મોટી જાળ નાખવા જેવું છે. માછીમારની જાળમાં “હરેક જાત”ની માછલીઓ આવે છે. એ જ રીતે, આપણા સાક્ષીકાર્યને લીધે જુદી જુદી નાતજાતના લાખો લોકો ઈશ્વરની પાસે આવે છે. (યશા. ૬૦:૫) દર વર્ષે સ્મરણપ્રસંગ અને મહાસંમેલનમાં હાજર રહેતા લોકો પરથી એ વાત સાબિત થાય છે. એ લોકોમાંના અમુક ‘સારી’ માછલી જેવા હતા અને તેઓ ખ્રિસ્તી મંડળનો ભાગ બન્યા છે. જ્યારે કે, બીજા કેટલાક ‘ખરાબ’ માછલી જેવા છે, એટલે યહોવાએ તેઓનો સ્વીકાર કર્યો નહિ.

માથ્થી ૧૩:૪૭-૫૦ વાંચ્યા પછી . . .

૧૦. માછીમારની જાળના દૃષ્ટાંતથી ઈસુ શું સમજાવવા માંગતા હતા?

૧૦ ઈસુ એ દૃષ્ટાંતથી શું સમજાવવા માંગતા હતા? માછલીઓને જુદી કરવી એ મોટી વિપત્તિમાં થનાર આખરી ન્યાયને દર્શાવતું નથી. એના બદલે, છેલ્લા દિવસોમાં જે બની રહ્યું છે એને દર્શાવે છે. દૃષ્ટાંતથી ઈસુ સમજાવવા માંગતા હતા કે, રાજ્યના સંદેશાને પસંદ કરનાર દરેક વ્યક્તિ યહોવાની સેવક નહિ બને. આજે, સભાઓમાં આવનાર અને આપણી પાસેથી બાઇબલ શીખનાર ઘણા લોકો યહોવાને પોતાનું જીવન સમર્પણ કરવા ઇચ્છતા નથી. (૧ રાજા. ૧૮:૨૧) અમુકે તો સભાઓમાં આવવાનું પણ બંધ કરી દીધું છે. અમુક યુવાનોનો ઉછેર સાક્ષી કુટુંબમાં થયો હોવા છતાં, તેઓ યહોવાને પ્રેમ કરતા નથી. ઈસુએ એ વાત પર ભાર આપ્યો કે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય દરેકે જાતે લેવો જોઈએ. આપણે યોગ્ય નિર્ણય લઈશું તો યહોવાની નજરે “કીમતી” બનીશું.—હાગ્ગા. ૨:૭.

. . . વિચારો કે આપણા સમયમાં એ કઈ રીતે લાગુ પડે છે

૧૧, ૧૨. (ક) માછીમારની જાળનું દૃષ્ટાંત આપણને શું શીખવે છે? (ખ) એ દૃષ્ટાંત આપણને યહોવા અને ઈસુ વિશે શું શીખવે છે?

૧૧ એ દૃષ્ટાંત આપણને શું શીખવે છે? એ દૃષ્ટાંતને સમજવાથી આપણને નિરાશ ન થવા ઉત્તેજન મળે છે. આપણો કોઈ બાઇબલ વિદ્યાર્થી કે પછી આપણું સંતાન પણ, જો યહોવાને ન સ્વીકારે તો આપણે વધુ પડતા દુઃખી ન થઈએ. તેઓને સત્ય શીખવવા આપણે બનતો પ્રયાસ કર્યો હશે. છતાં, ફક્ત બાઇબલ અભ્યાસ સ્વીકારવાથી કે માબાપ સત્યમાં હોવાથી કોઈ વ્યક્તિ આપ મેળે યહોવાની મિત્ર બની જતી નથી. યહોવાના અધિકારનો જેઓ સ્વીકાર ન કરે, તેઓ યહોવાના સેવક બની શકતા નથી.

રાજ્યના સંદેશાને પસંદ કરનાર અમુક વ્યક્તિઓ જ યહોવાની સેવક બનશે (ફકરા ૯-૧૨ જુઓ)

૧૨ તો શું એનો અર્થ એવો થાય કે જેઓ યહોવાથી દૂર ગયા છે, તેઓને મંડળ ફરી ક્યારેય સ્વીકારશે નહિ? અથવા જેઓએ હજુ સુધી યહોવાને સમર્પણ કર્યું નથી, શું તેઓ પાસે હવે કોઈ આશા નથી? ના. એમ નથી. મહાન વિપત્તિ શરૂ થાય એ પહેલા તેઓ પાસે યહોવાના મિત્ર બનવાની તક છે. યહોવા તેઓને પ્રેમથી કહી રહ્યા છે: ‘મારી તરફ પાછા ફરો, તો હું તમારી તરફ પાછો ફરીશ.’ (માલા. ૩:૭) એની સાબિતી આપણને ઉડાઉ દીકરાના દૃષ્ટાંત પરથી મળે છે.—લુક ૧૫:૧૧-૩૨ વાંચો.

ઉડાઉ દીકરો

૧૩. ઉડાઉ દીકરાના દૃષ્ટાંતનો શો અર્થ થાય છે?

૧૩ એ દૃષ્ટાંતનો શો અર્થ થાય છે? દૃષ્ટાંતમાં જોવા મળે છે કે દીકરો પોતાના પિતાને ત્યજી દે છે અને પોતાના ભાગની સંપત્તિ લઈને “દૂર દેશમાં” જતો રહે છે. એ દયાળુ પિતા આપણા પ્રેમાળ પિતા યહોવાને રજૂ કરે છે. ઉડાઉ દીકરો એવા લોકોને દર્શાવે છે જેઓ યહોવાથી દૂર થઈ ગયા છે. તેઓ હવે શેતાનના જગતનો ભાગ બની ગયા છે. (એફે. ૪:૧૮; કોલો. ૧:૨૧) સમય જતાં, તેઓમાંના અમુકને પોતાની એ ગંભીર ભૂલનો અહેસાસ થાય છે અને યહોવા પાસે પાછા ફરે છે. પરંતુ, એમ કરવું ઘણા પ્રયત્નો માંગી લે છે. જો વ્યક્તિ નમ્ર બનીને પોતાની ભૂલનો પસ્તાવો કરે તો યહોવા તેને માફી આપવા અને પાછી સ્વીકારવા આતુર છે.—યશા. ૪૪:૨૨; ૧ પીત. ૨:૨૫.

૧૪. ઉડાઉ દીકરાના દૃષ્ટાંતથી ઈસુ શું સમજાવવા માંગતા હતા?

૧૪ ઈસુ, એ દૃષ્ટાંતથી શું સમજાવવા માંગતા હતા? જેઓ યહોવાથી દૂર થઈ ગયા છે તેઓ પાછા ફરે એવું યહોવા દિલથી ચાહે છે. દૃષ્ટાંતમાં જણાવેલ પિતાએ દીકરાના પાછા આવવાની આશા કદી ગુમાવી નહિ. પાછો આવેલો દીકરો હજી ઘરથી ‘ઘણો દૂર હતો’ એટલામાં તેને જોઈને પિતા તેને મળવા દોડી જાય છે. એમ કરીને તે પોતાના દીકરાને આવકાર આપવા ઇચ્છતા હતા. જેઓ સત્યથી દૂર થઈ ગયા છે તેઓને એ દૃષ્ટાંત યહોવા પાસે પાછા આવવાનું ઉત્તેજન આપે છે. પરંતુ, પાછા ફરવું તેઓને અઘરું લાગી શકે. કારણ કે, યહોવા સાથેનો તેઓનો સંબંધ કદાચ ખૂબ નબળો પડી ગયો હશે અને તેઓને શરમની લાગણી થતી હશે. તોપણ, પાછા ફરવા તેઓ જે મહેનત કરે છે એ કદી નકામી નહિ જાય. તેઓના પાછા ફરવાથી યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતો ઘણા ખુશ થાય છે.—લુક ૧૫:૭.

૧૫, ૧૬. (ક) ઉડાઉ દીકરાનું દૃષ્ટાંત આપણને શું શીખવે છે? ઉદાહરણ આપો. (ખ) એ દૃષ્ટાંત આપણને યહોવા અને ઈસુ વિશે શું શીખવે છે?

૧૫ એ દૃષ્ટાંત આપણને શું શીખવે છે? આપણે પણ યહોવા જેવો પ્રેમ બતાવીએ. કોઈ વ્યક્તિ મંડળમાં પાછી ફરે તો તેને આવકાર આપીએ. તેને આવકાર નહિ આપીને જો પોતાને ‘વધુ પડતાં નેક’ સાબિત કરવા જઈશું, તો યહોવા સાથેની મિત્રતા જોખમમાં આવી શકે છે. (સભા. ૭:૧૬) આપણે આ દૃષ્ટાંતમાંથી બીજી એક વાત શીખી શકીએ છીએ. મંડળથી દૂર થઈ ગયેલી વ્યક્તિ ‘ભૂલા પડેલા ઘેટા’ જેવી છે, જે મંડળમાં પાછી ફરી શકે છે. (ગીત. ૧૧૯:૧૭૬) એવી કોઈ વ્યક્તિ જો તમને મળે તો તેને મંડળમાં પાછી આવવા શું તમે બનતી મદદ કરશો? શું તમે મંડળના વડીલોને એ વ્યક્તિ વિશે તરત જણાવશો, જેથી તેઓ તેને મદદ કરી શકે? એમ કરીશું તો જ કહી શકીએ કે ઈસુએ આપેલા દૃષ્ટાંતને આપણે સારી રીતે સમજ્યા છીએ અને એને લાગુ પાડીએ છીએ.

૧૬ મંડળમાં પાછી આવનાર વ્યક્તિ યહોવાએ બતાવેલી દયા માટે આભારી હોય છે. ઉપરાંત, મંડળનાં ભાઈ-બહેનોએ બતાવેલા પ્રેમ અને સાથની તે કદર કરે છે. એક ભાઈ ૨૫ વર્ષો બહિષ્કૃત રહ્યા હતા. તે જણાવે છે: ‘મંડળે મારો સ્વીકાર કર્યા પછી મારી ખુશી વધતી ગઈ છે. યહોવા તરફથી મને “તાજગીના સમય” મળ્યા છે. (પ્રે.કૃ. ૩:૧૯) મંડળનાં બધાં ભાઈ-બહેનો ઘણો ટેકો આપે છે અને પ્રેમ બતાવે છે. મારું મંડળ જ મારું કુટુંબ છે!’ એક યુવાન બહેન પાંચ વર્ષ બહિષ્કૃત રહ્યાં. તે મંડળમાં પાછાં જોડાયાં એ પછી જણાવે છે: ‘ઈસુએ જેવા પ્રેમ વિશે વાત કરી હતી, તેવો પ્રેમ મને બતાવવામાં આવ્યો છે. એનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. યહોવાના સંગઠનનો ભાગ હોવા કરતાં મૂલ્યવાન કશું નથી!’

૧૭, ૧૮. (ક) આપણે જે ત્રણ દૃષ્ટાંતોની ચર્ચા કરી એમાંથી શું શીખવા મળે છે? (ખ) આપણો મક્કમ નિર્ણય શો હોવો જોઈએ?

૧૭ ઈસુના એ ત્રણ દૃષ્ટાંતો પરથી આપણને શું શીખવા મળે છે? પહેલું, આપણે એ યાદ રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિની સત્યમાં પ્રગતિની ઝડપ આપણા હાથમાં નથી. એને યહોવાના હાથમાં સોંપી દઈએ. બીજું, આપણે એવી આશા ન રાખીએ કે સભાઓમાં આવનાર અને આપણી પાસેથી બાઇબલ શીખનાર દરેક વ્યક્તિ યહોવાને પોતાનું જીવન સમર્પણ કરશે. ત્રીજું, જેઓએ યહોવાને છોડી દીધા છે તેઓ પાછા ફરે એવી આશા રાખીએ. અને જો તેઓ પાછા ફરે તો આપણે પણ તેમનો આવકાર કરીએ. એમ કરીને આપણે યહોવા જેવો પ્રેમ બતાવીએ છીએ.

૧૮ ચાલો આપણે નિર્ણય કરીએ કે જ્ઞાન, સમજણ અને ડહાપણમાં વધતા રહીશું. આપણે જ્યારે પણ ઈસુના દૃષ્ટાંતો વાંચીએ ત્યારે આ સવાલો પર વિચાર કરીએ: આ દૃષ્ટાંતનો શો અર્થ થાય? શા માટે એ દૃષ્ટાંત બાઇબલમાં નોંધવામાં આવ્યું છે? એ દૃષ્ટાંતથી શીખેલી વાતો હું કઈ રીતે લાગુ પાડી શકું? એ દૃષ્ટાંત મને યહોવા અને ઈસુ વિશે શું શીખવે છે? આ રીતે મનન કરવાથી આપણે સાબિતી આપીશું કે ઈસુએ કહેલા શબ્દો આપણે સમજ્યા છીએ.