સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

 જીવન સફર

યહોવાએ ખરેખર મને મદદ કરી છે

યહોવાએ ખરેખર મને મદદ કરી છે

હું મારી દુલહન સાથે હૉર્નપાન પહોંચ્યો, જે કેનેડામાં આવેલા ઑન્ટેરીઓ રાજ્યના ઉત્તરમાં આવેલું એક છૂંટું-છવાયું ગામ છે. કડકડતી ઠંડીની એ એક વહેલી સવાર હતી. ત્યાંના એક ભાઈ અમને રેલવે સ્ટેશન પર લેવા આવ્યા. અમે તેમના નાના કુટુંબ સાથે ભરપેટ નાસ્તો કર્યો. એ પછી ભાઈ, તેમની પત્ની અને દીકરા સાથે અમે બરફીલા રસ્તે ચાલતાં ઘરે-ઘરે સંદેશો આપવાં નીકળ્યાં. એ બપોરે સરકીટ નિરીક્ષક તરીકે મેં પહેલી ટૉક આપી. જોકે, એ સભામાં ફક્ત અમે પાંચ જણ હતાં, બીજું કોઈ આવ્યું નહિ.

વર્ષ ૧૯૫૭માં આપેલી એ ટૉકમાં ઘણા ઓછા લોકો હતા, એ વાતનો મને જરાય અફસોસ ન હતો. કારણ કે, હું પહેલેથી જ ખૂબ શરમાળ છું. અરે, એટલો કે નાનપણમાં ઘરે કોઈ ઓળખીતા મહેમાન આવે તોપણ હું સંતાઈ જતો.

જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે મને એવી સોંપણીઓ મળી છે, જેમાં ઓળખીતી અને અજાણી વ્યક્તિઓ સાથે મારે વાતચીત કરવી પડી છે. મારા જેવી શરમાળ અને પોતાના પર ભરોસો ન હોય એવી વ્યક્તિ, કઈ રીતે એ સોંપણીઓ પૂરી કરી શકે? એ માટે, હું બધો જ યશ યહોવાને આપું છું. મેં યહોવાના આ શબ્દો અનુભવ્યા છે: “મેં તને બળવાન કર્યો છે; વળી મેં તેને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.” (યશા. ૪૧:૧૦) ભાઈ-બહેનોના સાથ દ્વારા યહોવાએ મને સૌથી વધારે મદદ આપી છે. ચાલો, તેઓમાંના અમુક વિશે હું તમને જણાવું. શરૂઆત મારા નાનપણથી કરીએ.

તેમણે બાઇબલ અને એક કાળી ડાયરીનો ઉપયોગ કર્યો

ઑન્ટેરીઓના દક્ષિણ-પૂર્વમાં આવેલા અમારા ખેતરમાં

ઑન્ટેરીઓના દક્ષિણ-પૂર્વમાં અમારું ખેતર અને ઘર હતું. વર્ષ ૧૯૪૦માં, એક રવિવારની સુંદર સવારે અમારા ઘરનો દરવાજો  એલ્સી હંટિંગફર્ડ નામના બહેને ખખડાવ્યો. મારા મમ્મીએ દરવાજો ખોલ્યો. હું અને પપ્પા, બંને જ શરમાળ હતા. તેથી, અમે અંદર બેસીને તેઓની વાતો સાંભળતા હતા. પપ્પાને લાગ્યું કે બહેન કંઈક વેચવાં આવ્યાં છે. મમ્મી ન જોઈતી વસ્તુ ખરીદી લેશે, એમ વિચારીને પપ્પા દરવાજે ગયા. તેમણે બહેનને કહ્યું કે અમને રસ નથી. બહેને પૂછ્યું, ‘શું તમને બાઇબલનો અભ્યાસ કરવામાં રસ નથી?’ પપ્પાએ કહ્યું, ‘એવું નહિ. એમાં તો અમને રસ છે!’

સૌથી સારા સમયે બહેન હંટિંગફર્ડે અમારી મુલાકાત લીધી હતી. મમ્મી-પપ્પા કેનેડાના યુનાઇટેડ ચર્ચના ઘણાં આગળ પડતાં સભ્યો હતાં. પરંતુ, તેઓએ હાલમાં જ ત્યાંથી રાજીનામું આપી દીધું હતું. શા માટે? કારણ કે, પાદરીએ ચર્ચની લૉબીમાં દાનની એક યાદી લગાડી. એમાં, વધારે પૈસા આપનારનાં નામો ઉપર હતાં. અમે ઓછું આપી શકતા હોવાથી અમારું નામ યાદીમાં ઘણું નીચે રહેતું. ચર્ચના આગેવાનો મમ્મી-પપ્પાને મોટું દાન આપવા બહુ દબાણ કરતા. ઉપરાંત, મમ્મી-પપ્પાને એક પાદરીએ જણાવ્યું કે, પોતે જે માને છે એ શીખવશે તો તેને નોકરીથી હાથ ધોવા પડશે. તેથી, મમ્મી-પપ્પાએ ચર્ચમાં જવાનું છોડી દીધું, પણ તેઓને હજી ભક્તિની ભૂખ તો હતી.

એ સમયે કેનેડામાં સાક્ષીઓના કામ પર પ્રતિબંધ હતો. તેથી, બહેન હંટિંગફર્ડ અમારા કુટુંબનો અભ્યાસ ચલાવવા બાઇબલ અને નોંધ લખેલી એક કાળી ડાયરીનો ઉપયોગ કરતા. બહેનને જ્યારે લાગ્યું કે અમે લોકો દગો નહિ આપીએ, ત્યારે તેમણે બાઇબલ સાહિત્ય અમને આપવાનું શરૂ કર્યું. દરેક અભ્યાસ પછી અમે એ સાહિત્ય સંતાડી દેતાં. *

મારાં મમ્મી-પપ્પાએ સંદેશો સ્વીકાર્યો અને ૧૯૪૮માં બાપ્તિસ્મા લીધું

વિરોધ અને બીજી તકલીફો હોવાં છતાં, બહેન હંટિંગફર્ડ ઉત્સાહથી ખુશખબર જણાવતાં. તેમનો ઉત્સાહ જોઈને મને ઘણું ઉત્તેજન મળ્યું અને મેં યહોવાની જ ભક્તિ કરવાનું નક્કી કર્યું. મમ્મી-પપ્પાના બાપ્તિસ્માનાં એક વર્ષ પછી મેં પણ ઈશ્વરને સમર્પણ કર્યું. ઢોરઢાંકને પાણી પીવડાવવા વપરાતી એક લોખંડની નાની ટાંકીમાં, ફેબ્રુઆરી ૨૭, ૧૯૪૯ના દિવસે મેં બાપ્તિસ્મા લીધું. એ સમયે હું ૧૭ વર્ષનો હતો. ત્યાર બાદ, મેં પૂરા સમયની સેવામાં જવાનું નક્કી કર્યું.

હિંમતથી કામ લેવા યહોવાએ મને મદદ કરી

૧૯૫૨માં બેથેલનું આમંત્રણ મળતા મને ઘણી નવાઈ લાગી

બાપ્તિસ્મા પછી તરત જ પાયોનિયરીંગ કરતા હું અચકાયો. તેથી, મેં થોડો સમય બૅન્કમાં અને પછી એક  ઑફિસમાં નોકરી કરી. હું માનતો કે મારા પાયોનિયરીંગને ટેકો આપવા પહેલેથી થોડા પૈસા ભેગા કરી રાખું. પરંતુ, બિનઅનુભવી યુવાન હોવાને કારણે, હું જે કમાતો તે ખર્ચી નાખતો. એ માટે, ટેડ સારજેંટ નામના ભાઈએ મને હિંમત અને યહોવા પર ભરોસો રાખવાની સલાહ આપી. (૧ કાળ. ૨૮:૧૦) એ પ્રેમાળ ઉત્તેજનને લીધે, હું નવેમ્બર ૧૯૫૧માં પાયોનિયરીંગ શરૂ કરી શક્યો. એ સમયે મારી પાસે ફક્ત એક જૂની સાયકલ, એક નવી બૅગ અને ૪૦ ડૉલર હતાં. પરંતુ, યહોવા હંમેશાં મારી જરૂરિયાતો પૂરી કરતા. હું ભાઈ ટેડનો ઘણો આભારી છું કે તેમણે મને પાયોનિયરીંગ માટે ઉત્તેજન આપ્યું! એ નિર્ણય લેવાથી મને આગળ જતાં ઘણા આશીર્વાદો મળ્યા.

ઑગસ્ટ ૧૯૫૨ની એક સાંજે, ટોરોંટોથી મને એક ફોન આવ્યો. યહોવાના સાક્ષીઓની કેનેડાની શાખા કચેરી તરફથી મને સપ્ટેમ્બરથી બેથેલ સેવા શરૂ કરવા આમંત્રણ મળ્યું. હું ઘણો શરમાળ હતો અને કદી બેથેલની મુલાકાત લીધી ન હતી. છતાં, હું બહુ ઉત્સુક હતો કારણ કે બીજા પાયોનિયરો પાસેથી મેં બેથેલ વિશે ઘણી સારી વાતો સાંભળી હતી. બેથેલ પહોંચ્યા પછી મને ઘરથી દૂર હોઉં, એવું જરાય લાગ્યું નહિ.

‘ભાઈઓની તમે કાળજી રાખો છો એ તેઓને બતાવો’

બેથેલમાં બે વર્ષ થયાં પછી ટોરોંટોના એક મંડળમાં ભાઈ બિલ યાકોસની જગ્યાએ મને જવાબદારી મળી. મંડળમાં એ જવાબદારી લેનાર, આજે વડીલોના સેવક કહેવાય છે. એ વખતે હું તો ફક્ત ૨૩ વર્ષનો જ હતો અને પોતાને ગામમાંથી આવેલો નવો નિશાળિયો ગણતો. પરંતુ, ભાઈ યાકોસે નમ્રતા અને પ્રેમથી શીખવ્યું કે શું કરવું જોઈએ. યહોવાએ પણ મને ઘણી મદદ આપી.

ભાઈ યાકોસ કદમાં નાના પણ હટ્ટાકટ્ટા હતા. તે હસમુખા હતા અને લોકોને મદદ કરવા હંમેશાં તૈયાર રહેતા. તે બધાં ભાઈ-બહેનોને પ્રેમ કરતા અને તેઓ પણ તેમને ચાહતાં. ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય ફક્ત ત્યારે જ નહિ, પણ તે નિયમિત તેઓની મુલાકાત લેતા. ભાઈએ મને પણ એમ જ કરવાનું અને તેઓ સાથે પ્રચારમાં કામ કરવાનું ઉત્તેજન આપ્યું. તેમણે કહ્યું, ‘ભાઈઓની તમે કાળજી રાખો છો એ તેઓને બતાવો. એમ કરવાથી આપણે તેઓને સમજી શકીએ અને માફ કરી શકીએ છીએ.’

મારી પત્ની યહોવાને અને મને વળગી રહી

જાન્યુઆરી ૧૯૫૭થી યહોવાએ મને ખાસ રીતે મદદ કરી. એ મહિનામાં એવલીન સાથે મારા લગ્ન થયા. તે ગિલયડ શાળાના ૧૪મા વર્ગમાંથી ગ્રૅજ્યુએટ થઈ હતી. લગ્ન પહેલાં તે ક્વિબેકમાં ફ્રેંચ ભાષા બોલતા વિસ્તારમાં સેવા આપતી હતી. એ સમયે ક્વિબેકમાં રોમન કૅથલિક ચર્ચનું ઘણું પ્રભુત્વ હતું. તેથી, એ સોંપણી એવલીન માટે ઘણી અઘરી હતી. છતાં, તે એમાં લાગુ રહી અને યહોવાને વળગી રહી.

૧૯૫૭માં મારા લગ્ન એવલીન સાથે થયા

એવલીને મને હંમેશાં સાથ આપ્યો. (એફે. ૫:૩૧) અરે, લગ્નના બીજા જ દિવસે એની પરખ થઈ. અમે હનીમુન માટે અમેરિકાના ફ્લોરિડા શહેર જવાનું નક્કી કર્યું હતું. પરંતુ, લગ્નના બીજા જ દિવસે કેનેડા બેથેલમાં થનાર એક અઠવાડિયાની સભામાં જવા શાખામાંથી મને જણાવવામાં આવ્યું. આ સભાને લીધે ફરવા જવાની યોજનાને અમારે પડતી મૂકવી પડી. પણ, એવલીન અને મેં નક્કી કર્યું કે યહોવા જે ચાહે એ કરીશું. એ અઠવાડિયા દરમિયાન એવલીને શાખાની નજીકના વિસ્તારમાં પ્રચારકાર્ય કર્યું. એ વિસ્તાર ક્વિબેક કરતાં ઘણો અલગ હોવા છતાં, તે પ્રચારમાં લાગુ રહી.

 અઠવાડિયાને અંતે મને ચોંકાવનારી બીજી એક ખબર મળી. ઑન્ટેરીઓના ઉત્તર વિસ્તારમાં સરકીટ નિરીક્ષક તરીકેની મને સોંપણી મળી. હું ૨૫ વર્ષનો જ હતો, મારા હાલમાં જ લગ્ન થયા હતા અને મને ખાસ કંઈ અનુભવ ન હતો. છતાં, યહોવામાં ભરોસો રાખીને અમે ત્યાં ગયાં. ભર ઠંડીની મોસમમાં અમે કેનેડા જવા ટ્રેનમાં બેઠાં. એ ટ્રેનમાં ઘણા અનુભવી પ્રવાસી નિરીક્ષકો પણ હતા, જેઓ પોતાની સોંપણીની જગ્યાએ પાછા જઈ રહ્યા હતા. તેઓએ અમને ઘણું ઉત્તેજન આપ્યું. એમાંના એક ભાઈએ પોતાની સ્લીપર ક્લાસની જગ્યા અમને આપી દીધી, જેથી અમને ઊંઘવા મળે અને આખી રાત બેઠાં બેઠાં કાઢવી ન પડે. બીજી સવારે એટલે કે, અમારા લગ્નના ૧૫ દિવસ પછી અમે હૉર્નપાનના નાના ગ્રૂપની મુલાકાત લેવા પહોંચ્યાં, જેના વિશે મેં શરૂઆતમાં જણાવ્યું.

એવલીન અને મારે હજી ઘણા ફેરફારો જોવાના બાકી હતા. વર્ષ ૧૯૬૦ના અંત ભાગમાં હું ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકની સેવા આપતો હતો. એ સમયે મને ન્યૂ યૉર્ક, બ્રુકલિનમાં ગિલયડ શાળાના ૩૬મા વર્ગ માટે આમંત્રણ મળ્યું. એ ૧૦ મહિનાનો કાર્યક્રમ હતો, જે ફેબ્રુઆરી ૧૯૬૧થી શરૂ થવાનો હતો. હું ઘણો ઉત્સુક હતો પણ સાથે સાથે દુઃખી હતો, કારણ કે એવલિનને આમંત્રણ ન હતું. ઉપરાંત, બીજી પત્નીઓની જેમ એવલીને પણ પત્ર લખવાનો હતો કે, તે ૧૦ મહિના પતિથી જુદી રહેવા તૈયાર છે. એવલીન આંસુ રોકી શકી નહિ, પણ અમે બંને સહમત હતાં કે મારે ત્યાં જવું જોઈએ. તે એક રીતે ખુશ પણ હતી કે ગિલયડમાં મને કીમતી તાલીમ મળશે.

હું બ્રુકલિન હતો ત્યારે એવલીન કેનેડાની શાખામાં સેવા આપતી હતી. તેને અભિષિક્ત બહેન મારગ્રેટ લોવેલ સાથે એક રૂમમાં રહેવાનો ખાસ લહાવો મળ્યો હતો. અમને એકબીજાની ખૂબ યાદ આવતી. પરંતુ, યહોવાની મદદથી અમે એ સોંપણીમાં લાગુ રહી શક્યાં. યહોવા અને તેમના સંગઠન માટે હું વધુ કરી શકું એ કારણે એવલીને જે ભોગ આપ્યો, એ મારા દિલને સ્પર્શી ગયો.

ગિલયડમાં હજી તો મને ત્રણ મહિના જ થયા હતા એટલામાં ભાઈ નાથાન નોરે એક આમંત્રણ આપ્યું. ભાઈ નોર એ વખતે દુનિયા ફરતેના પ્રચારકાર્યમાં આગેવાની લઈ રહ્યા હતા. તેમણે મને પૂછ્યું કે શું હું ગિલયડ શાળા છોડીને પાછો કેનેડા જઈશ? ત્યાં મારે શાખામાં થનાર રાજ્ય સેવા શાળાના શિક્ષક તરીકે થોડો સમય સેવા આપવાની હતી. ભાઈ નોરે એમ પણ કહ્યું કે એ આમંત્રણ ફરજિયાત નથી. હું ચાહું તો ગિલયડ શાળા પતાવી શકું અને પછી મિશનરી કામ માટે મને બીજે મોકલવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે જો હું શાળા છોડી પાછો કેનેડા જઈશ, તો કદાચ ફરી કદી ગિલયડ શાળામાં આવવાનો મોકો નહિ મળે. તેમણે મને પત્ની સાથે વાત કરીને નિર્ણય જણાવવા કહ્યું.

મારે એવલીનને પૂછવાની જરૂર ન હતી, કારણ કે હું તેનો વિચાર જાણતો હતો. અમે પહેલેથી જ નક્કી કર્યું હતું કે યહોવાએ આપેલી સોંપણી ભલે મનગમતી ન હોય, તોપણ કરીશું. તેથી, મેં ભાઈ નોરને તરત જણાવ્યું કે ‘યહોવાનું સંગઠન અમારા માટે જે ઇચ્છે એ અમે ખુશી ખુશી કરીશું.’

 એપ્રિલ ૧૯૬૧માં, રાજ્ય સેવા શાળામાં શીખવવા હું બ્રુકલિન છોડીને કેનેડા પાછો ગયો. સમય જતાં, હું બેથેલમાં સેવા આપવા લાગ્યો. પછી, મને એક આમંત્રણ મળ્યું જેનાથી અમને ખૂબ નવાઈ લાગી. એ આમંત્રણ ગિલયડના ૪૦મા વર્ગ માટે હતું, જે ૧૯૬૫માં શરૂ થવાનો હતો. ફરી એકવાર એવલીને પત્ર લખવાનો હતો કે તેને જુદા રહેવામાં વાંધો નથી. જોકે, થોડાક જ અઠવાડિયાઓમાં એવલીનને પણ ગિલયડ માટે આમંત્રણ મળ્યું, જે જોઈ અમે બંને ઘણાં ખુશ થયાં.

અમે ગિલયડ શાળામાં આવ્યાં એ પછી ભાઈ નોરે જણાવ્યું કે, અમારી જેમ ફ્રેંચ ભાષા શીખતા બધા વિદ્યાર્થીઓને આફ્રિકા મોકલવામાં આવશે. પરંતુ, ગ્રૅજ્યુએશન વખતે ફરી એકવાર અમને એ જાણીને નવાઈ લાગી કે અમે પાછા કેનેડા જઈશું. ત્યાં મને શાખાના નવા નિરીક્ષક (આજના શાખા સમિતિ સેવક) તરીકેની સોંપણી મળી. મેં ભાઈ નોરને જણાવ્યું કે હજી તો હું ૩૪ વર્ષનો જ છું. પરંતુ, તેમણે મારી હિંમત બાંધી. એ સોંપણી શરૂ કર્યા પછી કોઈ પણ મહત્ત્વના નિર્ણય લેતા પહેલા, હું વધારે અનુભવી ભાઈઓને પૂછતો.

બેથેલમાં ઘણું શીખવા અને શીખવવા મળે છે

બેથેલ સેવાને લીધે મને બીજાઓ પાસેથી શીખવાની અદ્ભુત તકો મળી છે. શાખા સમિતિના બધા સભ્યો માટે મને માન છે અને તેઓને હું ખૂબ ચાહું છું. અહીં બેથેલના કે પછી અમે જ્યાં સેવા આપી એ મંડળોનાં નાનાં-મોટાં સેંકડો ભાઈ-બહેનોની અમારા જીવન પર બહુ સારી અસર થઈ છે.

કેનેડાના બેથેલમાં સવારની ઉપાસનાની સભા ચલાવતી વખતે

બેથેલ સેવાએ મને બીજાઓને શીખવવાનો અને તેઓની શ્રદ્ધા મજબૂત કરવાનો મોકો પણ આપ્યો છે. પ્રેરિત પાઊલે તીમોથીને કહ્યું હતું: “જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.” (૨ તીમો. ૨:૨; ૩:૧૪) અમુક ભાઈ-બહેનો મને પૂછે છે કે ૫૭ વર્ષની બેથેલ સેવામાંથી મને શું શીખવા મળ્યું. હું સાદો જવાબ આપતા કહું છું કે ‘યહોવાનું સંગઠન તમારી પાસેથી જે ઇચ્છે તે ખુશીથી તરત કરો. મદદ માટે યહોવા પર આધાર રાખો.’

મને તો એ જાણે ગઈ કાલની વાત લાગે છે, જ્યારે એક શરમાળ અને ખાસ કંઈ જાણતો ન હોય એવો છોકરો પહેલી વાર બેથેલ આવ્યો હતો. આટલાં બધાં વર્ષોથી યહોવાએ જાણે મારો ‘હાથ પકડી રાખ્યો’ છે. મને જ્યારે સૌથી વધારે જરૂર હતી, ત્યારે તેમણે ભાઈ-બહેનો દ્વારા મદદ પૂરી પાડી. આમ, યહોવા મને હજી પણ ખાતરી આપે છે કે, ‘તું ડરીશ નહિ, હું તને સહાય કરીશ.’—યશા. ૪૧:૧૩.

^ ફકરો. 10 મે ૨૨, ૧૯૪૫માં કેનેડાની સરકારે આપણા કામ પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો.