સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અંતઃકરણનું સાંભળો

અંતઃકરણનું સાંભળો

અંતઃકરણનું સાંભળો

‘વિદેશીઓની પાસે નિયમશાસ્ત્ર નથી, છતાં તેઓ પોતે પોતાને માટે નિયમરૂપ છે.’—રૂમી ૨:૧૪.

૧, ૨. (ક) બીજાના ભલા માટે ઘણાએ શું કર્યું છે? (ખ) બાઇબલમાંથી પણ એવા દાખલા આપો.

 વીસેક વર્ષનો યુવાન પ્લૅટફૉર્મ પર ઊભો હતો. તેને ઓચિંતી જ ખેંચ (એપીલેપ્સી) આવી, તે રેલવેના પાટા પર પડી ગયો. તેને બચાવવા એક મુસાફર પોતાની નાની દીકરીઓના હાથ છોડી પાટા પર કૂદી પડ્યો. એ વ્યક્તિને લઈને બે પાટા વચ્ચેના ખાડામાં ખેંચી લીધો. ચીચવાટા કરતી ટ્રેન તેઓ પર ઊભી રહી. એ વ્યક્તિને બચાવનારને લોકો હિરો કહેશે. પણ તેણે કહ્યું: ‘દરેકે બીજાનું ભલું કરવું જોઈએ. મેં હિરો બનવા નહિ પણ મને તેના પર દયા આવી એટલે મદદ કરી.’

બીજાને બચાવવા પોતાનું જીવન જોખમમાં મૂક્યું હોય એવા ઘણા લોકોને તમે જાણતા હશો. દાખલા તરીકે, બીજા વિશ્વયુદ્ધમાં હિટલરથી બચાવવા ઘણાએ યહુદીઓને સંતાડી રાખ્યા. લોકોએ બીજાને મદદ કરી હોય એવા ઘણા દાખલા બાઇબલમાં પણ છે. જેમ કે, પ્રેરિત પાઊલ અને બીજા ૨૭૫ લોકો વહાણમાં મુસાફરી કરતા હતા. માલ્ટા ટાપુ પાસે તેઓનું વહાણ ભાંગી ગયું. માલ્ટાના લોકોએ તેઓને “અસાધારણ” કે હદ ઉપરાંત “માયા” બતાવી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૨૭–૨૮:૨) હવે ઈસ્રાએલી નાની છોકરીનો વિચાર કરો. અરામના લુટારાઓ તેને ઉપાડી લાવ્યા હતા. કદાચ તેનું જીવન જોખમમાં ન હતું. તોપણ એ છોકરીએ પોતાના નવા માલિકને દયા બતાવી. (૨ રાજાઓ ૫:૧-૪) ત્રીજો દાખલો એક સમરૂનીનો છે. ઈસુએ તેની વાર્તા કહી હતી. યાજક ને લેવીએ રસ્તામાં અધમૂઆ પડેલા યહૂદીને જોયો. પણ તેઓએ મોં ફેરવી લીધું. જ્યારે કે સમરૂનીએ યહૂદીને મદદ કરવા બધું જ કર્યું. સદીઓ પછી પણ આ વાર્તાની ઘણા લોકો પર ઊંડી અસર છે.—લુક ૧૦:૨૯-૩૭.

૩, ૪. નિઃસ્વાર્થનો ગુણ કઈ રીતે ઉત્ક્રાંતિના શિક્ષણને જૂઠું પાડે છે?

આપણે દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં” જીવી રહ્યાં છીએ. ઘણા લોકો હિંસક ને “પ્રેમરહિત” છે. (૨ તીમોથી ૩:૧-૩) તોપણ અમુક લોકોએ બીજાને લાભ કે ફાયદો થાય એવાં કામો કર્યાં છે. આજે ઘણા પોતાનું જીવન જોખમમાં મૂકીને બીજાને મદદ કરે છે. એને લોકો “માનવતા” કહે છે.

બધા જ સમાજમાં એવા લોકો છે જેઓ પોતાના ગજા ઉપરાંત બીજાને મદદ કરે છે. પણ ઉત્ક્રાંતિવાદીઓ માને છે કે કુદરતી નિયમ પ્રમાણે કોઈ પણ જીવ ફક્ત પોતાનો જ ખ્યાલ રાખશે. તે બીજા કોઈનો વિચાર નહિ કરે. તેમ જ, તેઓ શીખવે છે કે ‘સૌથી શક્તિશાળી જીવ બચે છે. નબળા મોત પામે છે.’ ફ્રાન્સીસ એસ. કૉલિન્ઝ જીવશાસ્ત્રી છે. તેમણે અમેરિકાની સરકાર માટે ઇન્સાનોના ડીએનએ વિષે સંશોધન કરવાની આગેવાની લીધી હતી. તેમણે કહ્યું: ‘ઉત્ક્રાંતિવાદીઓ માને છે કે કુદરતી રીતે આપણામાં સ્વાર્થના જીન્સ છે, જે વધતા જ જાય છે. પણ ઇન્સાનમાં નિઃસ્વાર્થનો ગુણ ક્યાંથી આવ્યો એ તેઓ સમજી શકતા નથી. અમુકને બીજા લોકો સાથે કોઈ લેવા દેવા નથી. તોપણ બીજા માટે તેઓ પોતાને કુરબાન કરે છે. તેઓ એવું કેમ કરે છે એ ઉત્ક્રાંતિનું શિક્ષણ સમજાવી શકતું નથી.’

અંતઃકરણનો પોકાર

૫. ઇન્સાનમાં કેવો ગુણ જોવા મળે છે?

ડૉ. કૉલિન્ઝે નિઃસ્વાર્થ વિષે એક વાત કહી: “કોઈ પણ લાભ વિના બીજાને મદદ કરવા આપણું અંતઃકરણ પોકારે છે.” * અહીં ડૉ. કૉલિન્ઝે ‘અંતઃકરણની’ વાત કરી. એ વિષે પ્રેરિત પાઊલે કહ્યું: ‘વિદેશીઓની પાસે નિયમશાસ્ત્ર નથી. તોય તેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે. તેઓ પાસે નિયમશાસ્ત્ર ન હોવા છતાં પોતાને સારું નિયમરૂપ છે. તેઓના અંતઃકરણમાં નિયમ લખેલો છે એવું તેઓનાં કામ દેખાડી આપે છે. તેઓની બુદ્ધિ એ વિષે સાક્ષી આપે છે. તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે.’—રૂમી ૨:૧૪, ૧૫.

૬. દરેકે કેમ ઈશ્વરને હિસાબ આપવો પડશે?

યહોવાહ વિશ્વના માલિક છે. “જગત ઉત્પન્‍ન થયું ત્યારથી” સૃષ્ટિમાં તેમના ગુણો જોવા મળે છે. એ કારણે પાઊલે કહ્યું કે દરેકે ઈશ્વરને હિસાબ આપવો પડશે. (રૂમી ૧:૧૮-૨૦; ગીતશાસ્ત્ર ૧૯:૧-૪) ખરું કે ઘણા લોકો ઈશ્વરને ગણકારતા નથી. પણ ઈશ્વર ચાહે છે કે દરેક જણ તેમનામાં શ્રદ્ધા મૂકે અને ખોટાં કામોનો પસ્તાવો કરે. (રૂમી ૧:૨૨–૨:૬) યહુદીઓ પાસે ઈશ્વરના નિયમો હતા. એટલે તેઓએ ઈશ્વરમાં શ્રદ્ધા મૂકવાની ખાસ જરૂર હતી. ખરું કે બીજા લોકો પાસે ‘ઈશ્વરનાં વચનો’ ન હતાં. તોય તેઓએ સ્વીકારવું જોઈતું હતું કે ઈશ્વર છે જ.—રૂમી ૨:૮-૧૩; ૩:૨.

૭, ૮. શું બધાંને સાચાં-ખોટાંની સમજણ છે? એ શું બતાવે છે?

ઈશ્વરમાં માનવાનું મહત્ત્વનું કારણ આપણું અંતર પણ છે. એ અંતર ખરું-ખોટું, સારું-ખરાબ પારખી શકે છે. એક દાખલો લઈએ. બાળકો હીંચકા ખાવા લાઇનમાં ઊભા છે. એવામાં એક બાળક વચ્ચેથી આવીને હીંચકા ખાવા બેસી જાય છે. બીજાં બાળકો તરત બૂમો પાડે છે કે ‘તેણે ચિટીંગ કરી.’ બાળકોને કેવી રીતે ખબર પડી કે એ “ચિટીંગ” કહેવાય? તેઓના અંતરે જ કહ્યું હશે ને? પાઊલે અંતર વિષે લખ્યું: ‘વિદેશીઓની પાસે નિયમશાસ્ત્ર નથી, છતાં તેઓ સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે.’ એ બતાવે છે કે મોટા ભાગના લોકો હંમેશા તેઓના અંતર પ્રમાણે વર્તે છે. ‘સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તવાનો’ શું અર્થ થાય? એ જ કે ઈશ્વરના નિયમો જાણતા નથી છતાં, તેઓનું અંતર ખરું-ખોટું પારખે છે અને સારી રીતે વર્તે છે.

મોટે ભાગે બધા જ લોકો એ રીતે ખરું-ખોટું નક્કી કરે છે. કેમ્બ્રિજના એક પ્રોફેસરે બાબેલોન, ઇજિપ્ત, ગ્રીક, ઑસ્ટ્રેલિયા ને અમેરિકાના આદિવાસીઓના સંસ્કારનો અભ્યાસ કર્યો. તેમને જોવા મળ્યું કે ‘જુલમ, ખૂનખરાબી, બેવફાઈ અને જુઠાણા વિષે તેઓનાં ધોરણ લગભગ સરખા છે. તેમ જ ઘરડાઓ, યુવાનો અને નબળાઓને દયા બતાવવા વિષેનાં ધોરણો પણ મોટાભાગે સરખા છે.’ ડૉ. કૉલિન્ઝે લખ્યું: ‘દુનિયાના બધા જ લોકો સાચા-ખોટાનો અર્થ સમજે છે.’ એ જાણવાથી શું તમને રૂમી ૨:૧૪ના શબ્દો યાદ આવતા નથી?

આપણું અંતઃકરણ કેવી રીતે કામ કરે છે?

૯. અંતઃકરણ શું છે? એ આપણને કઈ રીતે મદદ કરી શકે?

બાઇબલ કહે છે કે અંતઃકરણ દિલના વિચારો, ભાવનાઓ ને વર્તન પારખે છે. એ આપણને ખરો કે ખોટો માર્ગ પારખવામાં મદદ કરે છે. પાઊલે પોતાના વિષે કહ્યું: ‘મારું અંતઃકરણ પણ પવિત્ર આત્માની’ સાથે સાક્ષી છે. (રૂમી ૯:૧) દાખલા તરીકે, આપણે ખોટા વિચારો કરીએ ત્યારે આપણું મન ડંખી શકે. એ કદાચ કહેશે કે એમ કરવાથી આપણને કેવું લાગશે. આમ અંતરનું સાંભળવાથી આપણને ફાયદો થઈ શકે.

૧૦. દિલ ક્યારે ડંખી શકે?

૧૦ મોટે ભાગે કંઈક ખોટું કર્યા પછી દિલ ડંખે છે. દાખલા તરીકે, શાઊલ રાજાથી દાઊદ નાસતા હતા. એ વખતે તેમને ઈસ્રાએલના રાજાનું અપમાન કરવાનો મોકો મળ્યો. તેમણે એનો ફાયદો ઉઠાવ્યો. એમ કર્યા પછી “દાઊદના મને તેને માર્યો.” (૧ શમૂએલ ૨૪:૧-૫; ગીતશાસ્ત્ર ૩૨:૩,) ખરું કે આ અહેવાલમાં “અંતઃકરણ” શબ્દ વાપર્યો નથી. પણ એ બતાવે છે કે એમ કર્યા પછી દાઊદનું દિલ ડંખતું હતું. ઘણી વાર આપણને પણ કંઈક કર્યા પછી દિલ ડંખે છે. અમુક લોકોએ ટૅક્સ ન ભર્યો હોવાથી તેઓનું દિલ ડંખવા લાગ્યું. ટૅક્સ ભર્યા પછી જ તેઓને શાંતિ થઈ. એ જ રીતે કેટલાકે દિલ ડંખવાથી પોતે કરેલા વ્યભિચાર વિષે લગ્‍નસાથીને જણાવ્યું. (હેબ્રી ૧૩:૪) વ્યક્તિ પોતાના અંતઃકરણ પ્રમાણે વર્તે છે ત્યારે, તેને મનની શાંતિ મળે છે.

૧૧. અંતરના કહેવા પ્રમાણે કરવાથી શું થઈ શકે? સમજાવો.

૧૧ શું આપણે પોતાના અંતઃકરણના કહેવા પ્રમાણે જ કરવું જોઈએ? ખરું કે એનું સાંભળવાથી લાભ થઈ શકે. પણ ‘આંતરિક મનુષ્યત્વ’ એટલે કે અંતર આપણને છેતરી પણ શકે. (૨ કોરીંથી ૪:૧૬) એક દાખલો લઈએ. બાઇબલ કહે છે કે સ્તેફન ઈશ્વરની “કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો.” અમુક યહુદીઓએ તેને યરૂશાલેમ બહાર પથ્થરે મારી નાખ્યો. એમાં શાઊલનો પણ હાથ હતો. એ યહુદીઓ માનતા હતા કે પોતે કંઈ ખોટું કર્યું નથી. એટલે તેઓનું દિલ ડંખ્યું નહિ. શાઊલ પણ એવું જ માનતો હતો. એટલે તે ‘પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકી આપતો રહ્યો.’ એ બતાવે છે કે શાઊલનું અંતર બરાબર કામ કરતું ન હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૬:૮; ૭:૫૭–૮:૧; ૯:૧.

૧૨. કોની અસરથી આપણું અંતર ઘડાઈ શકે?

૧૨ કેવી બાબતોને લીધે શાઊલનું અંતર એવું ઘડાયું હશે? કદાચ બીજા યહુદીઓનો તેમને રંગ લાગ્યો હશે. દાખલા તરીકે, ઘણી વાર તમે કોઈને ફોન કરો ત્યારે અવાજ પરથી તે જ વ્યક્તિ લાગે. પણ હકીકતમાં તેમનો દીકરો હોય. તેને વારસામાં પપ્પા જેવો અવાજ મળ્યો હોય. અથવા તેના બોલ-ચાલમાં પપ્પાની અસર પડી હોય. એ જ રીતે શાઊલ પર યહુદીઓની અસર પડી હોઈ શકે. તેઓ ઈસુ ને તેમના શિક્ષણને નફરત કરતા હતા. (યોહાન ૧૧:૪૭-૫૦; ૧૮:૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૭, ૨૮, ૩૩) એટલે જ શાઊલને તેઓનો રંગ લાગ્યો હોઈ શકે.

૧૩. શાના આધારે અંતર ઘડાઈ શકે?

૧૩ વ્યક્તિની બોલીથી ઓળખાઈ આવે છે કે તે ક્યાંની છે. એ જ રીતે આપણે જે સમાજ કે દેશમાં મોટા થઈએ એના આધારે અંતઃકરણ ઘડાઈ શકે. (માત્થી ૨૬:૭૩) આશ્શૂરના બાળકો વિષે પણ એ સાચું હતું. તેઓનું અંતર એ સમાજથી ઘડાયું. આશ્શૂરીઓ લોકોને લડાઈમાં ક્રૂર રીતે મારી નાખતા અને ગુલામોને રિબાવી રિબાવીને મારતા. એ તેઓની દીવાલો પરના કોતરકામથી દેખાઈ આવે છે. (નાહૂમ ૨:૧૧, ૧૨; ૩:૧) તેઓનાં બાળકો મોટા થયા ત્યારે ‘પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એ જાણતા ન હતા.’ એટલે તેઓ પાસે યહોવાહના નિયમો ન હોવાથી ખરું-ખોટું જાણતા ન હતા. (યૂના ૩:૪, ૫; ૪:૧૧) એ બતાવે છે કે વ્યક્તિ જે માહોલમાં મોટી થાય એના આધારે તેનું અંતર ઘડાઈ શકે.

કેવી રીતે અંતઃકરણ કેળવી શકીએ?

૧૪. ઉત્પતિ ૧:૨૭ કઈ રીતે પુરાવો આપે છે કે આપણામાં અંતઃકરણ છે?

૧૪ યહોવાહે આદમ અને હવાને અંતઃકરણ આપ્યું હતું. એ એક આશીર્વાદ હતો. એટલે આપણને પણ વારસામાં એ મળ્યું છે. ઉત્પત્તિ ૧:૨૭ કહે છે કે યહોવાહે આપણને તેમના સ્વરૂપમાં બનાવ્યા છે. એનો અર્થ એ નથી કે આપણે ઈશ્વર જેવા દેખાઈએ છીએ. ઈશ્વરને કોઈએ જોયા નથી ને જોઈ પણ ન શકે. ઈશ્વરના સ્વરૂપમાં બનાવવાનો અર્થ એ થાય કે તેમણે ઇન્સાનમાં તેમના જેવા ગુણો મૂક્યા છે. એમાં અંતઃકરણ પણ આવી જાય છે. તેથી, સારું અંતર કેળવવા માટે ઈશ્વરને ઓળખવા જોઈએ. તેમની સાથે પાક્કો નાતો બાંધવો જોઈએ.

૧૫. યહોવાહ પિતાને ઓળખવાથી શું લાભ થઈ શકે?

૧૫ બાઇબલ શીખવે છે કે યહોવાહ આપણા પિતા કહેવાય. (યશાયાહ ૬૪:૮) સ્વર્ગ કે પૃથ્વી પર જીવવાની આશા ધરાવતા સર્વ ભક્તોના યહોવાહ પિતા છે. (માત્થી ૬:૯) દરેકે દરરોજ યહોવાહની સાથે પાક્કો નાતો બાંધવો જોઈએ. તેમના વિચારો ને ધોરણો શીખવાની તરસ કેળવવી જોઈએ. (યાકૂબ ૪:૮) ઘણાને એમ કરવામાં રસ નથી. તેઓ ઈસુના જમાનાના યહુદીઓ જેવા છે. ઈસુએ તેઓને કહ્યું: “તમે કદી તેની [ઈશ્વરની] વાણી નથી સાંભળી, અને તેનું રૂપ પણ દીઠું નથી. તેની વાત તમારામાં રહેલી નથી.” (યોહાન ૫:૩૭, ૩૮) જોકે આપણે પણ યહોવાહની વાણી સાંભળી નથી. પણ આપણી પાસે બાઇબલ છે. એમાં તેમની વાણી એટલે તેમના વિચારો છે. એ વાંચીને તેમની પસંદ-નાપસંદ પારખી શકીશું.

૧૬. યુસફે કેવું અંતર કેળવ્યું હતું? એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ યુસફનો દાખલો લઈએ. તેમના જમાનામાં બાઇબલ કે એના કોઈ ભાગ ન હતા. યહોવાહે ઈસ્રાએલીઓને હજી દસ નિયમ આપ્યા ન હતા. તેમ છતાં, યુસફે સારું અંતર કેળવ્યું. પોટીફારની પત્નીએ યુસફને વ્યભિચાર કરવા લલચાવ્યો ત્યારે તેણે કહ્યું: “એવું મોટું કુકર્મ કરીને, હું દેવનો અપરાધી કેમ થાઉં?” (ઉત્પત્તિ ૩૯:૯) તેમણે કુટુંબની આબરૂ રાખવા એમ કહ્યું ન હતું. યુસફ માટે સૌથી મહત્ત્વનું ઈશ્વરની કૃપા પામવી હતી. તે લગ્‍ન વિષે યહોવાહનો નિયમ જાણતા હતા: એક પુરુષની એક પત્ની. લગ્‍ન પછી તેઓ એક બને છે. તેમણે અબીમેલેખ અને રિબકાહ વિષે સાંભળ્યું હશે. અબીમેલેખ રિબકાહ સાથે સંબંધ બાંધવા ચાહતો હતો. પણ તેને ખબર પડી કે રિબકાહ પરણેલી છે, ત્યારે તેને થયું કે એ ખોટું છે. એનાથી પોતાની પ્રજા પર પણ દુઃખ આવશે. તેણે વ્યભિચાર ન કર્યો એટલે યહોવાહે કોઈને સજા ન કરી. આ અહેવાલ કદાચ યુસફ જાણતા હશે. આ કારણોના લીધે તેમનું અંતર તેમને વ્યભિચારથી દૂર રહેવા કહેતું હતું.—ઉત્પત્તિ ૨:૨૪; ૧૨:૧૭-૧૯; ૨૦:૧-૧૮; ૨૬:૭-૧૪.

૧૭. યહોવાહની જેમ વિચારવા આપણને શું મદદ કરી શકે?

૧૭ આજે આપણી પાસે આખું બાઇબલ છે. એમાં યહોવાહના વિચારો, ભાવનાઓ, પસંદ-નાપસંદ છે. એને દિલમાં ઉતારીશું તેમ, યહોવાહને સારી રીતે ઓળખી શકીશું. તેમના જેવા વિચારો કેળવવા લાગીશું. દિવસે દિવસે આપણું અંતર તેમની રીતે કામ કરવા લાગશે.—એફેસી ૫:૧-૫.

૧૮. અંતઃકરણને ઘડવા શું કરવું જોઈએ?

૧૮ શું આસપાસની દુનિયા આપણું અંતર ઘડતી નથી? કદાચ આપણા પર સમાજની અસર હશે. એ કારણે આપણું અંતર બૂઠું હોઈ શકે. એ દુનિયાની જેમ બોલતું હોઈ શકે. ભલેને અંતર પર ગમે તે વીતી હોય, પણ એને સુધારવા દિલમાં ગાંઠ વાળવી જોઈએ. એમ કરવા શું મદદ કરી શકે? વર્ષોથી યહોવાહની ભક્તિ કરતા ભાઈ-બહેનોની સંગત રાખવી જોઈએ. બધી જ મિટિંગમાં જવું જોઈએ. મિટિંગ શરૂ થયા પહેલાં ને પછી ભાઈ-બહેનો સાથે ટાઇમ કાઢવો જોઈએ. તેઓના દિલમાં બાઇબલના વિચારો છે એ તેઓના વાણી-વર્તનમાંથી શીખવા મળશે. તેઓનું કેળવેલું અંતઃકરણ આપણા માટે સારો દાખલો બેસાડે છે. યહોવાહના ભક્તોની સંગત કરીશું તો, સમય જતાં આપણું અંતઃકરણ બાઇબલના સિદ્ધાંતોથી ઘડાશે. યહોવાહ જેવાં ગુણો બતાવી શકીશું. આ બધું કરવાથી આપણું અંતર સારી રીતે કેળવી શકીશું અને યહોવાહ કહે એ પ્રમાણે કરવા તરત પગલાં લઈશું.—યશાયાહ ૩૦:૨૧.

૧૯. આપણે અંતઃકરણ વિષે બીજું શું શીખીશું?

૧૯ ઘણા ભાઈ-બહેનોને પોતાના અંતરનું દરરોજ સાંભળવું અઘરું લાગે છે. તેઓને કેવા સંજોગમાં અઘરું લાગે છે એ હવે પછીના લેખમાં ચર્ચા કરીશું. આપણે જોઈશું કે અંતઃકરણ કેવો ભાગ ભજવે છે. દરેકનું અંતઃકરણ કેમ સરખું નથી. તેમ જ અંતરનું વધારે સાંભળવા શું કરી શકીએ.—હેબ્રી ૬:૧૧, ૧૨. (w07 10/15)

[Footnote]

^ હાર્વર્ડ યુનિવર્સિટીના ઓવિન જિનગરિચ ખગોળશાસ્ત્રી છે. તેમણે લખ્યું: ‘પ્રાણીઓનો અભ્યાસ ર્ક્યા પછી વૈજ્ઞાનિકો સમજી નથી શકતા કે નિઃસ્વાર્થનો ગુણ ક્યાંથી આવે છે. કદાચ ઈશ્વરે માનવને બનાવ્યો ત્યારે એ ગુણ અને અંતઃકરણ આપ્યા છે. એમાંથી માનવતા જાગે છે.’

તમે કેવો જવાબ આપશો?

• કેમ કહી શકીએ કે આપણામાં અંતઃકરણ છે?

• આપણે અંતરનું સાંભળીએ ત્યારે કેમ સાવધ રહેવું જોઈએ?

• સારું અંતર કેળવવા આપણે શું કરવું જોઈએ?

[Study Questions]

[Picture on page 8]

આપણે પોતાના અંતઃકરણને ઘડી શકીએ