સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શિષ્ય બનાવો અને બાપ્તિસ્મા આપો

શિષ્ય બનાવો અને બાપ્તિસ્મા આપો

શિષ્ય બનાવો અને બાપ્તિસ્મા આપો

‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ્તિસ્મા આપતા જાઓ અને મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’—માત્થી ૨૮:૧૯, ૨૦.

૧. સિનાય પર્વત પાસે ઈસ્રાએલીઓએ કયું વચન આપ્યું?

 લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં ઈસ્રાએલી પ્રજા સિનાય પર્વત પાસે ભેગી મળી. ત્યાં તેઓએ પરમેશ્વરને વચન આપ્યું કે: “યહોવાહે જે ફરમાવ્યું તે સઘળું અમે કરીશું.” ત્યારથી ઈસ્રાએલીઓએ મનમાં ગાંઠ વાળી કે તેઓ યહોવાહને જ ભજશે. એના લીધે ઈસ્રાએલીઓ યહોવાહનું “ખાસ ધન” એટલે ખાસ પ્રજા બની. (નિર્ગમન ૧૯:૫, ૮; ૨૪:૩) હવે તેઓ આશા રાખવા લાગ્યા કે યહોવાહ તેઓનું દરેક પળે રક્ષણ કરશે. તેમ જ, તેઓ પેઢી દર પેઢી ‘દૂધમધની રેલછેલવાળા દેશમાં’ રહેશે.—લેવીય ૨૦:૨૪.

૨. આજે આપણે પરમેશ્વર સાથે કેવો સંબંધ બાંધી શકીએ છીએ?

ગીતકર્તા આસાફે કહ્યું તેમ, ઈસ્રાએલીઓએ “દેવનો કરાર પાળ્યો નહિ, અને તેના નિયમ પ્રમાણે વર્તવાને ના પાડી.” (ગીતશાસ્ત્ર ૭૮:૧૦) ઈસ્રાએલીઓએ બાપદાદાઓનાં સમયમાં યહોવાહને આપેલા વચનો પાળ્યા નહિ. આખરે એ પ્રજાએ પરમેશ્વર સાથેનો સંબંધ ગુમાવ્યો. (સભાશિક્ષક ૫:૪; માત્થી ૨૩:૩૭, ૩૮) તેથી યહોવાહે “વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪) આ અંતના છેલ્લા દિવસોમાં તે “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા” ભેગી કરે છે. આ મોટી સભા સ્વીકારે છે કે “દેવ, જે રાજ્યાસન પર બેઠેલો છે, તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો.”—પ્રકટીકરણ ૭:૯, ૧૦.

૩. પરમેશ્વર સાથે મૂલ્યવાન સંબંધ જાળવવા શું કરવાની જરૂર છે?

પરમેશ્વર સાથે મૂલ્યવાન સંબંધ રાખવા આપણે સમર્પણ કરવું જોઈએ. એટલે કે જીવનભર યહોવાહની ભક્તિ કરવાનું નક્કી કરવું જોઈએ. પછી જાહેરમાં લોકો સામે પાણીનું બાપ્તિસ્મા લેવું જોઈએ. આમ કરવાથી આપણે ઈસુએ શિષ્યોને આપેલી આજ્ઞા પાળીએ છીએ: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) મુસાએ ઈસ્રાએલીઓને “કરારનું પુસ્તક” વાંચી સંભળાવ્યું. (નિર્ગમન ૨૪:૩, ૭, ૮) એને લીધે તેઓ સારી રીતે જાણી શક્યા કે જીવનભર યહોવાહને ભજવામાં કઈ જવાબદારી રહેલી છે. એવી જ રીતે આજે બાપ્તિસ્મા લેતા પહેલાં પરમેશ્વરની મરજી વિષે બાઇબલમાંથી સારી રીતે જાણવાની જરૂર છે.

૪. બાપ્તિસ્મા લેવા માટે શું કરવાની જરૂર છે? (ઉપરનું બૉક્સ પણ જુઓ.)

ઈસુના શબ્દો પરથી આપણે જોઈ શકીએ છીએ કે બાપ્તિસ્મા પહેલાં શિષ્યોએ વિશ્વાસ મજબૂત કરવાનો હતો. તેથી ઈસુએ શિષ્યો બનાવવાનું કહ્યું ત્યારે તેઓએ ઈસુએ ‘જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું બીજાઓને શીખવવાનું હતું.’ (માત્થી ૭:૨૪, ૨૫; એફેસી ૩:૧૭-૧૯) બાપ્તિસ્મા લેતા પહેલાં, લોકો મહિનાઓ સુધી કે એક-બે વર્ષ સુધી બાઇબલમાંથી શીખે છે. એ બતાવે છે કે તેઓએ ઉતાવળે નિર્ણય લેવાને બદલે દિલથી યહોવાહને ભજવાનું નક્કી કર્યું છે. એ પછી બાપ્તિસ્મા લેતી વખતે તેઓને બે સવાલ પૂછવામાં આવે છે. જેનો તેઓ ‘હાʼમાં જવાબ આપે છે. ઈસુએ શીખવ્યું હતું કે આપણી ‘હાʼનું હા, ને ‘નાʼનું ના હોવું જોઈએ. તેથી આપણે સર્વએ જાણવાની જરૂર છે કે બાપ્તિસ્મા સમયે પૂછવામાં આવતા બે સવાલોનું મહત્ત્વ કેટલું છે. ચાલો આપણે એ સવાલો વિષે વધારે જોઈએ.—માત્થી ૫:૩૭.

પસ્તાવો અને સમર્પણ

૫. બાપ્તિસ્માનો પહેલો સવાલ કઈ બે બાબતો કરવા પર ભાર મૂકે છે?

બાપ્તિસ્મા માટે પહેલો સવાલ પૂછવામાં આવે છે: શું તમે પાપોનો પસ્તાવો કર્યો છે અને યહોવાહની સેવા કરવા માટે તમારું જીવન અર્પણ કર્યું છે? આ સવાલથી ખબર પડે છે કે બાપ્તિસ્મા પહેલા વ્યક્તિએ પસ્તાવો અને સમર્પણ કરવાની જરૂર છે.

૬, ૭. (ક) બાપ્તિસ્મા લેતા પહેલાં પસ્તાવો કરવો શા માટે જરૂરી છે? (ખ) પસ્તાવો કર્યા પછી કેવો સુધારો કરવો જોઈએ?

શા માટે વ્યક્તિએ બાપ્તિસ્મા લેતા પહેલાં પસ્તાવો કરવાની જરૂર છે? પ્રેષિત પાઊલ કહે છે: આપણે “સઘળા આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતા હતા.” (એફેસી ૨:૩) પરમેશ્વરના જ્ઞાન વિષે શીખ્યા પહેલાં આપણે આ દુનિયાના સિદ્ધાંતો પ્રમાણે જીવતા હતા. તેમ જ, આ જગતનો દેવ, શેતાન છે તેથી એની અસર આપણા પર હતી. (૨ કોરીંથી ૪:૪) પરમેશ્વરની ઇચ્છા જાણ્યા પછી આપણે “માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહિ, પણ દેવની ઇચ્છા પ્રમાણે” ચાલવાનો પાકો નિર્ણય કર્યો.—૧ પીતર ૪:૨.

આપણા જીવનમાં ફેરફાર કરવાથી ઘણા આશીર્વાદો મળે છે. સૌથી મોટો આશીર્વાદ એ છે કે યહોવાહ સાથેનો આપણો નાતો પાકો થાય છે. દાઊદ એની સરખામણી પરમેશ્વરના “મંડપમાં” જવાની અને “પવિત્ર પર્વતમાં” વસવાનું આમંત્રણ મળ્યું હોય એની સાથે કરે છે. (ગીતશાસ્ત્ર ૧૫:૧) એ આપણા માટે કેવો મોટો લહાવો કહેવાય. જોકે, પરમેશ્વર આવું આમંત્રણ કોઈ પણ વ્યક્તિને એમ જ આપી દેતા નથી. તે ફક્ત એવા લોકોને આપે છે, જેઓ ‘ન્યાયથી વર્તતા હોય અને પોતાના હૃદયમાં સત્ય બોલતા હોય.’ (ગીતશાસ્ત્ર ૧૫:૨) સત્ય શીખ્યા પહેલાં આપણે આ કલમ પ્રમાણે જીવતા ન હોઈએ. તેથી, આપણા વાણી-વર્તનમાં અમુક સુધારા કરવાની જરૂર પડે. (૧ કોરીંથી ૬:૯-૧૧; કોલોસી ૩:૫-૧૦) કઈ બાબત આપણને સુધારો કરવા માટે પ્રેરે છે? પસ્તાવો. એના દ્વારા આપણે વીતી ગએલા જીવનનો ખેદ કરીએ છીએ. અને યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવાનો પાકો નિર્ણય કરીએ છીએ. એનાથી આપણું જીવન બદલાઈ જાય છે. હવેથી આપણે દુનિયાની રીતે જીવતા નથી કે સ્વાર્થી બનતા નથી. પણ પરમેશ્વર ખુશ થાય એવું જીવન જીવીએ છીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯.

૮. આપણે કઈ રીતે સમર્પણ કરીએ છીએ? એનો બાપ્તિસ્મા સાથે શું સંબંધ છે?

બાપ્તિસ્માના પહેલાં સવાલનો બીજો ભાગ છે સમર્પણ. એટલે કે બાપ્તિસ્મા લેનારને પૂછવામાં આવે છે કે શું તે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે પોતાની આખી જિંદગી યહોવાહને જ ભજશે? બાપ્તિસ્મા પહેલા વ્યક્તિએ પોતે એ નક્કી કરવું જ જોઈએ. તે કઈ રીતે કરી શકે? વ્યક્તિએ પ્રાર્થનામાં પરમેશ્વરને કહેવું જોઈએ કે ઈસુ ખ્રિસ્ત દ્વારા તે પોતાનું આખું જીવન યહોવાહને ખુશ કરે એ રીતે જીવશે. (રૂમી ૧૪:૭, ૮; ૨ કોરીંથી ૫:૧૫) એનાથી યહોવાહ આપણા જીવનના માલિક બને છે. અને ઈસુની જેમ આપણે પણ યહોવાહની ઇચ્છા પ્રમાણે વર્તીએ છીએ. (ગીતશાસ્ત્ર ૪૦:૮; એફેસી ૬:૬) સમર્પણ કરવું એક ગંભીર બાબત છે, જે જીવનમાં ફક્ત એક જ વખત કરવામાં આવે છે. આપણે પ્રાર્થનામાં કહીએ કે પરમેશ્વરને જ ભજીશું તો, યહોવાહની નજરમાં સમર્પણ કરીએ છીએ. પરંતુ બાપ્તિસ્મા લોકો આગળ જાહેરમાં લઈએ છીએ. એનાથી લોકો જાણી શકે છે કે આપણે પરમેશ્વરની મરજી પ્રમાણે જીવવાનું પસંદ કર્યું છે.—રૂમી ૧૦:૧૦.

૯, ૧૦. (ક) પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવામાં શાનો સમાવેશ થાય છે? (ખ) નાઝી અધિકારીઓને કઈ રીતે આપણા સમર્પણ વિષે ખબર પડી?

ઈસુના પગલે ચાલી પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવામાં શાનો સમાવેશ થાય છે? ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.” (માત્થી ૧૬:૨૪) અહીં ઈસુએ આપણને ત્રણ બાબતો કરવાની કહી. પહેલું, આપણે “પોતાનો નકાર” કરવો જોઈએ. એનો શું અર્થ થાય? એનો અર્થ પોતાની સ્વાર્થી ઇચ્છાઓને જતી કરીને યહોવાહની સલાહને ધ્યાન આપવી અને તેમના માર્ગમાં ચાલવું. બીજી બાબત છે, ‘પોતાનો વધસ્તંભ ઊંચકવો.’ ઈસુના સમયમાં વધસ્તંભ શું બતાવતો હતો? એ બતાવતો હતો કે જેઓ ઈસુના પગલે ચાલતા હતા તેઓએ સહન કરવું પડ્યું. બીજાઓ તેઓની મજાક કરતા હતા. આપણે યહોવાહના ભક્તો છે. તેથી તેમના રાજ્યના સુસમાચાર જણાવવા આપણે પણ ઘણું સહન કરવું પડે. (૨ તીમોથી ૧:૮) ભલે દુનિયા આપણી મજાક ઉડાવે, પણ આપણે ઈસુની જેમ ‘શરમને તુચ્છ ગણીશું.’ કેમ કે આપણે જાણીએ છીએ કે દુઃખો સહીને આપણે પરમેશ્વરને ખુશ કરીએ છીએ. (હેબ્રી ૧૨:૨) ત્રીજી બાબત આપણે ઈસુની “પાછળ” ચાલવાનું છે. એટલે કે હંમેશા ઈસુના પગલે ચાલવાનું છે.—ગીતશાસ્ત્ર ૭૩:૨૬; ૧૧૯:૪૪; ૧૪૫:૨.

૧૦ આપણા અમુક દુશ્મનો પણ માને છે કે યહોવાહના સાક્ષીઓના માલિક ફક્ત યહોવાહ પરમેશ્વર છે. દાખલા તરીકે, જર્મનીની બુકનવોલ્ડ છાવણીના નાઝીઓનો વિચાર કરો. તેઓએ પોતાના વિશ્વાસમાંથી ડગવાની ના પાડી ત્યારે તેઓને આ પ્રમાણે લખેલાં પર સહી કરવાનું કહ્યું: ‘હું હજુ પણ એક બાઇબલ સ્ટુડન્ટ્‌સ (યહોવાહના સાક્ષી) છું. અને યહોવાહને જે વચન આપ્યા હતા એ જીવનભર પાળીશ.’ ખરેખર, યહોવાહના સર્વ ભક્તોનો આ જ નિર્ણય છે!—પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૨.

યહોવાહના એક સાક્ષી તરીકે ઓળખાવું

૧૧. બાપ્તિસ્મા લેનારને કયો લહાવો મળે છે?

૧૧ બાપ્તિસ્મા લેનારને બીજો સવાલ પણ પૂછવામાં આવે છે. એનો એક ભાગ આમ છે: શું તમે સમજો છો કે બાપ્તિસ્મા લીધા પછી તમે યહોવાહના એક સાક્ષી તરીકે ઓળખાશો? બાપ્તિસ્મા પછી એક વ્યક્તિ યહોવાહનો ભક્ત બને છે. તે યહોવાહનું નામ ધારણ કરે છે. એ એક ગર્વની વાત છે. એની સાથે મોટી જવાબદારી પણ છે. બાપ્તિસ્મા લેનાર વ્યક્તિ જીવનના અંત સુધી યહોવાહને વફાદાર રહે તો, તેને હંમેશાનું જીવન મળવાની આશા છે.—માત્થી ૨૪:૧૩.

૧૨. યહોવાહનું નામ ધારણ કરવામાં કઈ જવાબદારી રહેલી છે?

૧૨ વિશ્વના માલિક યહોવાહ પરમેશ્વરનું નામ ધારણ કરવું એ બહુ ગર્વની વાત છે. ઈશ્વરભક્ત મીખાહે કહ્યું: “સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, અને અમે સદાસર્વકાળ અમારા દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.” (મીખાહ ૪:૫) આ ગર્વની સાથે એક જવાબદારી પણ આવે છે. આપણે પોતાનું જીવન એવી રીતે જીવવું જોઈએ કે જેનાથી યહોવાહનું નામ રોશન થાય. પાઊલે રોમના ખ્રિસ્તીઓને યાદ દેવડાવ્યું કે યહોવાહના ભક્તે બીજાઓને જે શીખવે છે એ પ્રમાણે પોતે પણ જીવવું જોઈએ. જો એમ નહિ કરે તો, પરમેશ્વરના નામની “નિંદા” થશે એટલે કે પરમેશ્વરનું નામ બદનામ થશે.—રૂમી ૨:૨૧-૨૪.

૧૩. યહોવાહના સાક્ષીઓ શા માટે તેમના પરમેશ્વર વિષે પ્રચાર કરે છે?

૧૩ વ્યક્તિ યહોવાહની સાક્ષી બને છે ત્યારે બીજાઓને રાજ્યના સુસમાચાર જણાવવાની જવાબદારીને તે દિલથી ઉપાડે છે. પહેલાંના સમયમાં યહોવાહે પોતાની પસંદ કરેલી ઈસ્રાએલી પ્રજાને આ જવાબદારી સોંપી હતી. ઈસ્રાએલીઓએ પ્રચાર કરવાનો હતો કે યહોવાહ જ સાચા પરમેશ્વર છે. તે પરાત્પર ઈશ્વર છે. (યશાયાહ ૪૩:૧૦-૧૨, ૨૧) પરંતુ, ઈસ્રાએલી પ્રજા પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ. તેથી તેઓએ યહોવાહની કૃપા ગુમાવી. આજે યહોવાહના નામનો પ્રચાર કરવો સાચા ભક્તો માટે એક લહાવો છે. આપણે પ્રચાર કરીએ છીએ, કેમ કે આપણે તેમને દિલથી પ્રેમ કરીએ છીએ અને એ દિવસની રાહ જોઈએ છીએ જ્યારે યહોવાહનું નામ પવિત્ર થશે. માટે આપણે બધાને જણાવીએ છીએ કે સ્વર્ગમાં રહેનાર આપણા પરમેશ્વરનો મકસદ શું છે. આપણને પાઊલની જેમ આપણી જવાબદારીને પૂરો અહેસાસ છે: “એમ કરવું મારી ફરજ છે; અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.”—૧ કોરીંથી ૯:૧૬.

૧૪, ૧૫. (ક) પરમેશ્વરની સેવામાં આગળ વધીએ માટે યહોવાહનું સંગઠન કેવી રીતે મદદ કરે છે? (ખ) યહોવાહની સેવામાં આગળ વધવા માટે કેવી જોગવાઈઓ છે?

૧૪ બાપ્તિસ્મા સમયનો બીજો સવાલ બીજી એક જવાબદારી પર ધ્યાન દોરે છે. બાપ્તિસ્મા લેનારઓએ યહોવાહના સંગઠન સાથે એક રાગથી કામ કરવું જોઈએ. કેમ કે આ સંગઠન યહોવાહના પવિત્ર આત્મા કે શક્તિથી કામ કરે છે. એ બતાવે છે કે આપણે એકલા પોતાની મેળે યહોવાહની સેવા કરી શકતા નથી. આપણને ‘બંધુમંડળ’ એટલે કે ભાઈઓની મદદ, સહારો અને ઉત્તેજનની જરૂર છે. (૧ પીતર ૨:૧૭; ૧ કોરીંથી ૧૨:૧૨, ૧૩) પરમેશ્વરની ભક્તિમાં આગળ વધીએ એ માટે યહોવાહનું સંગઠન ખરેખર મદદ કરે છે. કેવી રીતે? એ આપણા માટે બાઇબલની સમજણ આપતા ઘણા પુસ્તક અને મૅગેઝિન છાપે છે. એનાથી આપણું જ્ઞાન વધે છે. મુશ્કેલીઓનો સમજદારીથી સામનો કરી શકીએ છીએ. પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધી શકીએ છીએ. જેવી રીતે એક મા પોતાના બાળકની ખાવા-પીવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખે છે, તેની સારી રીતે સંભાળ રાખે છે. એવી જ રીતે, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પણ આપણે પરમેશ્વરની સેવામાં આગળ વધતા રહીએ માટે આપણને સમયસર સાહિત્યો આપે છે.—માત્થી ૨૪:૪૫-૪૭; ૧ થેસ્સાલોનીકી ૨:૭, ૮.

૧૫ યહોવાહના ભક્તોને દર અઠવાડિયે મિટિંગમાંથી જરૂરી તાલીમ મળે છે. યહોવાહને વફાદાર રહેવા માટેનું ઉત્તેજન મળે છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) જેમ કે, દેવશાહી સેવા શાળામાંથી આપણે લોકો સાથે કેવી રીતે વાત કરવી એ શીખીએ છીએ. સેવા સભામાં આપણે શીખીએ છીએ કે રાજ્યનો સંદેશો લોકોના હૃદય સુધી કઈ રીતે પહોંચે, અને એને કઈ રીતે આપવો. મિટિંગમાં અને બાઇબલ આધારિત પ્રકાશનની સ્ટડી કરવાથી આપણે જોઈ શકીએ છીએ કે યહોવાહ પોતે તેમના સંગઠનને દોરી રહ્યા છે. મિટિંગમાં અને બાઇબલ સ્ટડી કરવાથી પરમેશ્વર આપણને દુનિયાના ફાંદાઓથી સાવધાન કરે છે. એક કુશળ સેવક બનવાની તાલીમ આપે છે. અને પરમેશ્વરની સેવામાં લાગુ રહેવા મદદ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮, ૧૧; ૧ થેસ્સાલોનીકી ૫:૬, ૧૧; ૧ તીમોથી ૪:૧૩.

શા માટે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ?

૧૬. શા માટે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ?

૧૬ બાપ્તિસ્માના બે સવાલ યાદ કરાવે છે કે પાણીનું બાપ્તિસ્મા લેવાનો શું અર્થ છે અને એમાં કેવી જવાબદારી રહેલી છે. પણ શા માટે બાપ્તિસ્મા લેવું જોઈએ? કોઈના દબાવમાં આવીને આપણે બાપ્તિસ્મા લેતા નથી. પરંતુ, યહોવાહ આપણને પોતાની તરફ ‘ખેંચે’ છે. (યોહાન ૬:૪૪) પરમેશ્વર “પ્રેમ છે.” અને તે આખા વિશ્વમાં પ્રેમથી રાજ કરે છે. તે કોઈને પણ પોતાની ભક્તિ કરવા બળજબરી કરતા નથી. તે ચાહે છે કે આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ. (૧ યોહાન ૪:૮) યહોવાહના ગુણો અને પ્રેમાળ માર્ગદર્શનથી પ્રેરાઈને આપણે તેમની સાથે નાતો બાંધીએ છીએ. યહોવાહે આપણા માટે પોતાના એકના-એક દીકરાનું બલિદાન આપ્યું. આપણને ભાવિમાં હંમેશ માટે સુખી જીવનની આશા આપી છે. (યોહાન ૩:૧૬) આ બધી ગોઠવણને લીધે આપણે નક્કી કર્યું છે કે બાપ્તિસ્મા લઈને આખી જિંદગી યહોવાહની ભક્તિ કરીશું.—નીતિવચનો ૩:૯; ૨ કોરીંથી ૫:૧૪, ૧૫.

૧૭. કઈ બાબત માટે આપણે જીવન સમર્પિત નથી કર્યું?

૧૭ બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે આપણે એમ નક્કી નથી કરતા કે કોઈ માણસજાતના વિચાર પ્રમાણે કામ કરીશું. એને બદલે આપણે યહોવાહનું જ કામ કરવાનો નિર્ણય કરીએ છીએ. ખરું કે યહોવાહે પોતાના લોકોને જે કામ સોંપ્યું છે એ સમય સાથે બદલાઈ શકે છે. તોપણ આપણે યહોવાહને ભજીશું. દાખલા તરીકે, યહોવાહે ઈબ્રાહીમને જે કામ સોંપ્યું હતું એ યિર્મેયાહના કામથી અલગ હતું. (ઉત્પત્તિ ૧૩:૧૭, ૧૮; યિર્મેયાહ ૧:૬, ૭) છતાં બંનેએ યહોવાહે સોંપેલું કામ પૂરું કર્યું. કેમ કે, તેઓ યહોવાહને ચાહતા હતા. વફાદારીથી યહોવાહની ઇચ્છા પૂરી કરવા માંગતા હતા. આજે આપણે અંતના સમયમાં જીવીએ છીએ. બાપ્તિસ્મા પામેલા સર્વ લોકો ખ્રિસ્તની આજ્ઞા પ્રમાણે રાજ્યના સુસમાચારનો પ્રચાર કરીને શિષ્યો બનાવે છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) દિલથી પ્રચાર કાર્ય કરવાથી આપણે બતાવીએ છીએ કે આપણે યહોવાહને ચાહીએ છીએ. અને આપણે તેમને જ ભજીએ છીએ.—૧ યોહાન ૫:૩.

૧૮, ૧૯. (ક) પાણીનું બાપ્તિસ્મા લઈને આપણે લોકો સમક્ષ શું જણાવીએ છીએ? (ખ) આપણે બીજા લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૮ ખરેખર બાપ્તિસ્મા લેવાથી આપણને ઘણા આશીર્વાદ મળે છે. પરંતુ, આપણે સમજી-વિચારીને બાપ્તિસ્મા લેવાનું પગલું ભરવું જોઈએ. (લુક ૧૪:૨૬-૩૩) બાપ્તિસ્મા લેવાનો નિર્ણય બહુ મહત્ત્વનો છે. તેથી બીજી જવાબદારીઓ કરતા એના પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ. (લુક ૯:૬૨) બાપ્તિસ્મા લેનાર લોકો સમક્ષ જણાવે છે કે “આ દેવ આપણો સનાતન દેવ છે; તે મરણ પર્યંત આપણો દોરનાર થશે.”—ગીતશાસ્ત્ર ૪૮:૧૪.

૧૯ પાણીના બાપ્તિસ્મા સાથે જોડાયેલા બીજા અમુક સવાલોની બીજા લેખમાં ચર્ચા કરવામાં આવશે. બાપ્તિસ્માથી દૂર ભાગવા માટે મનુષ્ય પાસે શું કોઈ વાજબી કારણ છે? બાપ્તિસ્મા લેવા માટે કોઈ ખાસ ઉંમર જરૂરી છે? બાપ્તિસ્માના પ્રસંગે આપણે સર્વ કઈ રીતે આદરથી વર્તી શકીએ? (w06 4/1)

શું તમે સમજાવી શકો?

• શા માટે દરેકે બાપ્તિસ્મા લેતા પહેલાં પસ્તાવો કરવાની જરૂર છે?

• પરમેશ્વરને સમર્પણ કરવામાં શાનો સમાવેશ થાય છે?

• યહોવાહના સાક્ષી તરીકે ઓળખાવામાં કઈ જવાબદારી રહેલી છે?

• કયા કારણોથી આપણે બાપ્તિસ્મા લઈએ છીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૨ પર બોક્સ/ચિત્ર]

બાપ્તિસ્માના બે સવાલો

ઈસુના બલિદાનમાં વિશ્વાસ રાખીને શું તમે પાપોનો પસ્તાવો કર્યો છે અને યહોવાહની સેવા કરવા માટે તમારું જીવન સમર્પણ કર્યું છે?

શું તમે સમજો છો કે સમર્પણ અને બાપ્તિસ્મા લીધા પછી તમે યહોવાહની સંસ્થાનો એક ભાગ બનશો અને યહોવાહના એક સાક્ષી તરીકે ઓળખાશો?

[પાન ૨૩ પર ચિત્ર]

સમર્પણ એટલે કે પ્રાર્થનામાં યહોવાહને આપેલું વચન

[પાન ૨૫ પર ચિત્ર]

પ્રચાર કરીને આપણે બતાવીએ છીએ કે આપણે યહોવાહને સમર્પણ કર્યું છે