સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કોનું કહેવું માનશો, ઈશ્વરનું કે માણસનું?

તમે કોનું કહેવું માનશો, ઈશ્વરનું કે માણસનું?

તમે કોનું કહેવું માનશો, ઈશ્વરનું કે માણસનું?

‘માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ.’—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.

૧. (ક) આ અભ્યાસની મુખ્ય કલમ કઈ છે? (ખ) પ્રેરિતોને શા માટે જેલમાં પૂરવામાં આવ્યા હતા?

 પહેલી સદીમાં યહુદી સુપ્રિમ કોર્ટના જજસાહેબોએ ઈસુને મારી નંખાવ્યા. એના થોડા અઠવાડિયા પછી ઈસુના પ્રેરિતો તેમનો પ્રચાર કરતા હોવાથી તેઓને જેલમાં પુરવામાં આવ્યા. ચોકીદારો તેઓને કોર્ટમાં લાવવા માટે જેલમાં ગયા તો જેલના દરવાજા બંધ હતા, પણ તેઓ ન હતા. એ સાંભળીને સુપ્રિમ કોર્ટના જજસાહેબો ક્રોધે ભરાયા. ચોકીદારોને જાણવા મળ્યું કે ઈસુના પ્રેરિતો મંદિરમાં પૂરા જોશથી લોકોને પ્રચાર કરી રહ્યા છે. તેઓને પકડીને કોર્ટમાં પાછા લાવવા ચોકીદારો ઝડપથી દોડી ગયા.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૭-૨૭.

૨. દૂતે પ્રેરિતોને શું કરવાનું કહ્યું?

સ્વર્ગ દૂતે પ્રેરિતોને જેલમાંથી બહાર કાઢ્યા હતા. દૂતે શું કામ એવું કર્યું? પ્રેરિતોની વધારે સતાવણી ન થાય એ માટે? ના! તેઓને એટલા માટે જેલમાંથી કાઢવામાં આવ્યા, જેથી તેઓ યરૂશાલેમના લોકોને ઈસુ ખ્રિસ્ત વિષે શુભસંદેશો હજુ વધારે ફેલાવી શકે. દૂતે પ્રેરિતોને જેલમાંથી કાઢતી વખતે આમ કહ્યું કે “એ જીવન વિષેની સઘળી વાતો લોકોને કહી સંભળાવો.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૧૯, ૨૦) મંદિરના ચોકીદારો પ્રેરિતોને મંદિરમાં પકડવા ગયા ત્યારે તેઓ દૂતના કહેવા પ્રમાણે ઉપદેશ કરતા હતા.

૩, ૪. (ક) કોર્ટે પીતર અને યોહાનને પ્રચાર કરવાની મનાઈ કરી ત્યારે તેઓએ શું કહ્યું? (ખ) બીજા પ્રેરિતોએ પણ શું કહ્યું?

પીતર અને યોહાન મંદિરમાં પૂરા જોશથી પ્રચાર કરતા હોવાથી તેઓને પહેલી વાર જ કોર્ટમાં લાવવામાં આવ્યા ન હતા. જજ જોસેફ કાયાફાસે તેઓને એના વિષે કડક શબ્દોમાં કહ્યું હતું: “અમે તમને સખત મના કરેલી હતી કે તમારે બોધ કરતાં એ નામ લેવું નહિ; તે છતાં જુઓ, તમે તો તમારા બોધથી યરૂશાલેમને ગજાવી મૂક્યું છે, અને એ માણસનું લોહી પાડવાનો દોષ અમારા ઉપર મૂકવા માગો છો.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૮) પીતર અને યોહાનને કોર્ટમાં ફરીથી જોયા ત્યારે, કાયાફાસને જરાય નવાઈ લાગી નહિ. તેઓએ પહેલાં પણ પ્રચાર કરવાની મનાઈ કરી ત્યારે પીતર અને યોહાન બંનેએ કહ્યું હતું કે ‘ઈશ્વરના કરતાં તમારૂં સાંભળવું ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહિ, એ તમે જ નક્કી કરો. કેમકે અમે જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી. જેમ યિર્મેયાહ પ્રબોધકે યહોવાહનું પ્રચાર કામ પડતું ન મૂક્યું, તેમ પીતર અને યોહાને પણ પડતું ન મૂક્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૮-૨૦; યિર્મેયાહ ૨૦:૯.

પ્રેરિતોની સાથે માત્થીઅસ પણ હવે પ્રેરિત હતા. તે પણ પ્રેરિતોની જેમ પ્રચાર કરતા હોવાથી તેમને પણ કોર્ટમાં જવાનું થયું. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૨૧-૨૬) કોર્ટે તેમને પ્રચાર કરવાની મનાઈ કરી ત્યારે, તેમણે પણ પીતર ને યોહાનની જેમ પૂરી હિંમતથી કહ્યું: ‘માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ.’—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.

આપણે ઈશ્વરનું કે માણસનું માનીશું?

૫, ૬. પ્રેરિતોએ કોર્ટના ફરમાન પ્રમાણે કેમ ન કર્યું?

પ્રેરિતો આમ તો બધા જ નિયમો પાળતા. કોર્ટના કાયદા-કાનૂન પણ તેઓ પાળતા હતા. પરંતુ કોઈ અધિકારી તેઓને યહોવાહનો કોઈ પણ નિયમ તોડવાનું કહે, તો તેઓ એમ કરવા તૈયાર ન હતા. એનું કારણ એ કે ‘યહોવાહ જ આખી પૃથ્વી પર સૌથી મહાન ઈશ્વર છે.’ (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) યહોવાહ ફક્ત ‘આખી પૃથ્વીના ન્યાયાધીશ જ’ નથી, પણ તે આપણને સૌથી સારા નિયમો આપનાર છે. તે સનાતન યુગોના રાજા છે. જો કોઈ પણ અદાલત યહોવાહનો નિયમ તોડવાનો હુકમ કરે, તો યહોવાહની નજરમાં એ નિયમ માન્ય નથી.—ઉત્પત્તિ ૧૮:૨૫; યશાયાહ ૩૩:૨૨.

અમુક સારા ન્યાયાધીશો પણ એ વાત સ્વીકારે છે. દાખલા તરીકે ૧૮મી સદીમાં ઇંગ્લૅંડના જજ વિલિયમ બ્લેકસ્ટોનનો વિચાર કરો. તેમણે લખ્યું કે માણસોના નિયમોને એવી છૂટ હોવી જ ન જોઈએ કે એ બાઇબલના ‘નિયમો’ તોડી શકે. યહુદી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ પોતાની હદ ઓળંગીને પ્રેરિતોને હુકમ કર્યો કે ‘ઈસુનો પ્રચાર કરવાનું બંધ કરો.’ પ્રેરિતો તેઓની માંગ પૂરી કરી શકે એમ ન હતા.

૭. પ્રેરિતોના પ્રચારથી મુખ્ય યાજકો કેમ ક્રોધે ભરાયા?

મુખ્ય યાજકોએ પ્રેરિતોને પૂરા જોશથી પ્રચાર કરતા જોયા, એટલે તેઓને વધારે ક્રોધ ચઢ્યો. કાયાફાસ પણ એ યાજકોમાંનો એક હતો. તે સાદુકી વર્ગનો ધર્મગુરુ હતો. સાદુકીઓ માનતા ન હતા કે ગુજરી ગયેલાને પાછા ઉઠાડવામાં આવશે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧, ૨; ૫:૧૭) પ્રેરિતો પ્રચાર કરતા હતા કે ઈસુ મરણમાંથી સજીવન થયા છે. મુખ્ય યાજકોએ એ સાંભળીને રોમન અધિકારીઓને પોતાના પક્ષે કરવા બનતું બધું જ કર્યું. જ્યારે કોર્ટમાં ઈસુ પર કેસ ચાલતો હતો, ત્યારે પીલાતે મુખ્ય યાજકોને સ્વીકારવાની તક આપી કે ઈસુ તેઓનો રાજા છે. પણ તેઓ પોકારી ઊઠ્યા કે “કૈસર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.” (યોહાન ૧૯:૧૫) * પ્રેરિતો ફક્ત એટલું જ કહેતા ન હતા કે ઈસુ મરણમાંથી સજીવન થયા છે. તેઓ તો એવો પણ ઉપદેશ કરતા હતા કે ઈસુના નામ સિવાય “બીજા કોઈથી તારણ નથી; કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઇ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૬; ૪:૧૨) યાજકોને એ ડર હતો કે જો લોકો માનવા લાગશે કે મરણમાંથી સજીવન થયેલા ઈસુ તેઓના રાજા છે, તો કદાચ ‘રોમનો આવીને મંદિરનો અને આખી પ્રજાનો નાશ કરશે!’—યોહાન ૧૧:૪૮, પ્રેમસંદેશ.

૮. ગમાલીએલે યહુદી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોને કઈ સલાહ આપી?

ઈસુના પ્રેરિતોના ભાવિ પર અંધકાર છવાઈ ગયો હતો. યહુદી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો કોઈ પણ હિસાબે તેઓને મોતની સજા કરવા માંગતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૩) પણ અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. ગમાલીએલ કાયદાનો પંડિત હતો. તેણે ઊભા થઈને ન્યાયાધીશોને ચેતવણી આપી કે ‘ઉતાવળે પગલાં ન લો.’ પછી સલાહ આપી કે ‘આ માણસોથી તમે આઘા રહો અને તેમને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઊથલી પડશે; પણ જો ઈશ્વરનું હશે તો તમારાથી તે ઉથલાવી નંખાશે નહિ.’ એમ કહીને ગમાલીએલ મુદ્દાની વાત પર આવ્યા: ‘કદાપિ તમે ઈશ્વરની સામા લડનારા જણાશો.’—પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૪, ૩૮, ૩૯.

૯. પ્રેરિતોના પ્રચાર કામ પર યહોવાહે કેવો આશીર્વાદ આપ્યો?

નવાઈની વાત છે કે કોર્ટે ગમાલીએલનું માન્યું. “પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા. એનાથી પ્રેરિતો ડર્યા નહિ. પણ સ્વર્ગદૂતના કહેવા પ્રમાણે પૂરા જોશથી પ્રચાર કરવાનું મનમાં નક્કી કર્યું. તેઓ છૂટા થયા પછી “નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શિખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.” (પ્રેષિતોનાં કાર્યો ૫:૪૦, ૪૨) યહોવાહે તેઓના પ્રચાર કામ પર આશીર્વાદ આપ્યો. કઈ હદ સુધી? ‘ઈશ્વરની વાતનો પ્રચાર થતો ગયો, અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ.’ અરે, “ઘણા યાજકો પણ વિશ્વાસને [શુભસંદેશાને] આધીન થયા.” (પ્રેષિતોનાં કાર્યો ૬:૭) એ જાણીને મુખ્ય યાજકોને કેટલો આઘાત લાગ્યો હશે! ઘણા બધા પુરાવા હતા કે પ્રેરિતોના પ્રચાર કામ પર યહોવાહનો આશીર્વાદ હતો!

યહોવાહનો વિરોધ કરનારાઓ ટકશે નહિ

૧૦. કાયાફાસને પોતાની સત્તા વિષે કેવું લાગ્યું, પણ તેનો ભરોસો કેમ ખોટો સાબિત થયો?

૧૦ પહેલી સદીમાં રોમન અધિકારીઓ પ્રમુખ યાજકોને પસંદ કરતા. રોમન સમ્રાટ વાલેરિઅસ ગ્રેટશે, જોસેફ કાયાફાસને પ્રમુખ યાજક તરીકે પસંદ કર્યો હતો. કાયાફાસ ઘણો અમીર હતો. બીજા પ્રમુખ યાજકો કરતાં વધારે સમય સુધી તેણે એ જવાબદારી સંભાળી. કાયાફાસને કદાચ લાગ્યું હશે કે પોતે રાજકારણમાં હોશિયાર છે, પીલાતનો જિગરી દોસ્ત છે, એટલે સમ્રાટે પસંદ કર્યો છે. તેણે એમાં ઈશ્વરનો હાથ ન જોયો. જોકે મનુષ્યમાં મૂકેલો ભરોસો લાંબો સમય ચાલ્યો નહિ. પ્રેરિતોને પહેલી વાર સુપ્રિમ કોર્ટમાં લાવવામાં આવ્યા, એના ત્રણેક વર્ષો પછી રોમન અધિકારીઓનું કાયાફાસ પરથી મન ઊઠી ગયું. એટલે તેઓએ કાયાફાસ પાસેથી પ્રમુખ યાજકની સત્તા લઈ લીધી.

૧૧. પોંતિયસ પીલાતનું શું થયું? યરૂશાલેમનું શું થયું? આમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૧ સીરિયાના ગવર્નર લુસિઅસ વેતેલિઅસ પીલાતનો ઉપરી હતો. તેણે પીલાતને હુકમ કર્યો કે કાયાફાસને પ્રમુખ યાજકની પદવી પરથી હટાવવામાં આવે. પીલાત કાયાફાસનો જિગરી દોસ્ત હતો તોપણ કંઈ કરી ન શક્યો. આમ તો કાયાફાસની સત્તા ગઈ એના એકાદ વર્ષ પછી, પીલાતની પણ પડતી થઈ. તેના પર આરોપો મૂકવામાં આવ્યા હતા. એટલે રોમ જઈને રિપોર્ટ આપવાનો તેને હુકમ થયો. જે યહુદી આગેવાનોએ કૈસર કે સમ્રાટ પર ભરોસો મૂક્યો હતો, તેઓનું શું થયું? ‘રોમનોએ આવીને તેઓના મંદિરનો અને આખી પ્રજાનો નાશ કર્યો!’ એ સિત્તેરની સાલમાં થયું. એ સમયે રોમન લશ્કર આવીને યરૂશાલેમનો, એના મંદિરનો અને તેઓની કોર્ટનો તદ્દન નાશ કરી નાખ્યો. તેઓના કિસ્સામાં આ શબ્દો કેટલા સાચા પડ્યા: “રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમ કે તેની પાસે તારણ નથી.”—યોહાન ૧૧:૪૮; ગીતશાસ્ત્ર ૧૪૬:૩.

૧૨. ઈસુનો દાખલો કઈ રીતે પુરાવો આપે છે કે યહોવાહનું કહેવું કરીએ તો આપણું ભલું થશે?

૧૨ યહોવાહે પોતે ઈસુને મરણમાંથી સજીવન કર્યા. પછી યહોવાહે ઈસુને પ્રમુખ યાજક બનાવ્યા. પૃથ્વી પરના મંદિરના નહિ, પણ યહોવાહની શુદ્ધ ભક્તિ કરવા માટેની ગોઠવણ પ્રમાણે, સ્વર્ગમાં ઈસુને પ્રમુખ યાજક બનાવ્યા. ઈસુની એ જવાબદારી લેવા કોઈ મનુષ્ય પાસે તાકાત નથી. સાચે જ ઈસુનું “યાજકપદ અવિકારી [સનાતન] છે.” (હેબ્રી ૨:૯; ૭:૧૭, ૨૪; ૯:૧૧) યહોવાહે તો ઈસુને ‘જીવતાંઓનો તથા મૂએલાંઓનો ન્યાય કરવાનું કામ’ સોંપ્યું છે. (૧ પીતર ૪:૫) ઈસુ પાસે એ સત્તા હોવાથી તે નક્કી કરશે કે યહોવાહની નવી દુનિયામાં કાયાફાસ અને પોંતિયસ પીલાતને સજીવન કરવા કે નહિ.—માત્થી ૨૩:૩૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

આજે ડર્યા વગર પ્રચાર કરતા ભાઈ-બહેનો

૧૩. લગભગ સાઠ વર્ષો પહેલાં માણસનું કયું કામ નિષ્ફળ ગયું? કયું કામ યહોવાહ પાસેથી હતું, એમ સાબિત થયું?

૧૩ પહેલી સદીની જેમ આજે પણ અનેક લોકો યહોવાહની સામે લડી રહ્યા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૯) દાખલા તરીકે, જર્મનીમાં યહોવાહના સાક્ષીઓએ એડોલ્ફ હિટલરને સલામ ભરવાનો ઇનકાર કર્યો હતો. એટલે હિટલરે સમ ખાધા કે તે યહોવાહના સાક્ષીઓને મિટાવી દેશે. (માત્થી ૨૩:૧૦) હિટલરે એક સાથે અનેક સાક્ષીઓને મારી નાખવાની ગોઠવણો કરી હતી. તેની સરકારે યહોવાહના કેટલાક સાક્ષીઓને પકડી પકડીને મોતની છાવણીમાં મૂક્યા હતા. તેઓમાંના ઘણા મરી પણ ગયા. પરંતુ સાક્ષીઓએ મનમાં ગાંઠ વાળી હતી કે તેઓ ફક્ત યહોવાહની જ ભક્તિ કરશે. હિટલરની સરકાર તેઓને મિટાવી ન શકી. એ ઈશ્વરભક્તોને પ્રચાર કરવાનું કામ માણસો પાસેથી નહિ, યહોવાહ પાસેથી મળ્યું હતું. એ કામ કોઈ રોકી શકે એમ નથી. એ બનાવના સાઠ વર્ષ પછી જેઓ મોતની છાવણીમાંથી બચી ગયા તેઓ આજે પણ ‘પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી’ યહોવાહને ભજી રહ્યા છે. જ્યારે કે લોકો આજે હિટલરને, તેની સરકારને તેઓનાં ક્રૂર કામોના લીધે જ યાદ કરે છે.—માત્થી ૨૨:૩૭.

૧૪. (ક) યહોવાહના સાક્ષીઓનું નામ બદનામ કરવા ઘણા વિરોધીઓએ શું કર્યું છે, એના લીધે શું થયું છે? (ખ) શું વિરોધીઓ યહોવાહના ભક્તોનું નામ મિટાવી શકશે? (હેબ્રી ૧૩:૫, ૬)

૧૪ હિટલરની સરકાર પછી ઘણી સરકારોએ યહોવાહના ભક્તોને મિટાવવાની કોશિશ કરી છે. તેઓ ફાવ્યા નથી. યુરોપના અનેક દેશોમાં ધર્મગુરુઓ લુચ્ચાઈથી પોતાના દેશની સરકારો સાથે મળીને યહોવાહના સાક્ષીઓને ‘ખતરનાક પંથ’ તરીકે ઓળખાવે છે. પહેલી સદીમાં પણ ઈસુના શિષ્યો પર એવા જ આરોપ મૂકવામાં આવ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨૨) માનવ હક્કોની યુરોપિયન કોર્ટે સ્વીકાર્યું છે કે યહોવાહના સાક્ષીઓ એક ધર્મ છે, પંથ નથી. જોકે વિરોધીઓ એના વિષે જરાય અંધારામાં નથી. તોપણ તેઓ સાક્ષીઓનો વિરોધ કરવા જૂઠાણું ફેલાવે છે. એના લીધે ઘણા શેઠોએ આપણા ભાઈ-બહેનોને નોકરી પરથી કાઢી મૂક્યા છે. સ્કૂલોમાં બાળકોને પજવવામાં આવે છે. સાક્ષીઓ ઘણાં વર્ષોથી મિટિંગો માટે ભાડેથી જે હૉલ રાખતા, એના માલિકો હવે ડરને કારણે કોન્ટ્રાક્ટ કૅન્સલ કરી નાખે છે. અમુક દેશોમાં સરકારે યહોવાહના અમુક સાક્ષીઓ પાસેથી દેશના નાગરિક તરીકેના હક્ક છીનવી લીધા છે! તોપણ યહોવાહના લોકો તો પૂરા જોશથી પ્રચાર કરતા જ રહે છે.

૧૫, ૧૬. ફ્રાંસમાં યહોવાહના સાક્ષીઓનો વિરોધ થયો તોપણ તેઓ શું કરે છે? તેઓ કેમ પ્રચાર કામ બંધ કરતા નથી?

૧૫ દાખલા તરીકે, ફ્રાંસના લોકો સમજુ અને વાજબી છે. તોપણ અમુક વિરોધીઓએ એવા નિયમો બહાર પાડ્યા છે, જેથી યહોવાહના રાજ્યનું પ્રચાર કામ ધીમું પડી જાય કે સાવ બંધ કરવામાં આવે. એવા સંજોગોમાં આપણા ભાઈ-બહેનોએ શું કર્યું છે? તેઓ જે રીતે પ્રચાર કરતા હતા એનાથી પણ વધારે જોશથી હવે પ્રચાર કરે છે. એના બહુ સારા પરિણામો આવી રહ્યા છે. (યાકૂબ ૪:૭) તમે નહિ માનો, પણ ફ્રાંસમાં ફક્ત છ મહિનામાં બાઇબલમાંથી શીખતા હતા તેઓમાં ૩૩ ટકા વધારો થયો! ફ્રાંસમાં લોકો યહોવાહના રાજ્ય વિષે શીખે છે, એ જોઈને શેતાન કેવો ઊકળી ઊઠ્યો હશે! (પ્રકટીકરણ ૧૨:૧૭) ફ્રાંસમાં રહેતા આપણા ભાઈ-બહેનોને પૂરો ભરોસો છે કે પ્રબોધક યશાયાહનું વચન તેઓના કિસ્સામાં ચોક્કસ સાચું પડશે: “તારી વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક [સફળ] થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરૂદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ.”—યશાયાહ ૫૪:૧૭.

૧૬ એવું નથી કે યહોવાહના સાક્ષીઓને સતાવણી બહુ પસંદ છે. પણ યહોવાહે પોતાના લોકોને જે આજ્ઞા આપી છે, એ બીજાઓને જણાવ્યા વિના તેઓ ચૂપ રહી શકતા નથી અને રહેશે પણ નહિ! દેશના નિયમો ઈશ્વરના નિયમની વિરોધમાં ન હોય, ત્યાં સુધી તેઓ પાળે છે. પણ જો એ ઈશ્વરની આજ્ઞા તોડાવે, તો તેઓ ઈશ્વરનું જ કહેવું માનશે.

તેઓથી ડરશો નહિ!

૧૭. (ક) આપણા દુશ્મનોથી કેમ ડરવું ન જોઈએ? (ખ) આપણા વિરોધીઓ સાથે આપણે કેવી રીતે વર્તવું જોઈએ?

૧૭ આપણા દુશ્મનો સાચે જ ખતરાનો ખેલ ખેલે છે! તેઓ ઈશ્વરની સામે લડે છે. ઈસુના કહેવા પ્રમાણે આપણા વિરોધીઓથી ડરવાને બદલે, તેઓ માટે પ્રાર્થના કરવી જોઈએ. (માત્થી ૫:૪૪) જેથી જો કોઈ તાર્સસના શાઊલની જેમ અજાણતા વિરોધ કરતા હોય, તો યહોવાહ તેઓને દયા બતાવે. તેઓની આંખો ખોલે કે તેઓ યહોવાહનું સત્ય પારખી લે. (૨ કોરીંથી ૪:૪) શાઊલ યહોવાહનું સત્ય પારખ્યા પછી ખ્રિસ્તી બન્યા, ઈસુના પગલે ચાલ્યા. એટલે તેમના પર સખત સતાવણીઓ આવી. તોપણ તે ભાઈ-બહેનોને વારંવાર યાદ કરાવતા હતા કે ‘રાજસત્તા અને તેના અધિકારીઓને આધીન રહો અને તેઓની આજ્ઞા પાળવા તથા કોઈ પણ સારું કામ કરવા હંમેશાં તત્પર રહો. કોઈનું ભૂંડું બોલવું નહિ કે ઝગડા કરવા નહિ (ક્રૂર વિરોધીઓ સાથે પણ નહિ), પણ નમ્રતાથી અને વિનયથી સર્વની સાથે વર્તવું.’ (તિતસ ૩:૧, ૨; IBSI) ફ્રાંસ અને આખી દુનિયામાં રહેતા યહોવાહના સાક્ષીઓ આ સલાહ પોતાના દિલમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે.

૧૮. (ક) યહોવાહ કેવી રીતે પોતાના લોકોને બચાવી શકે છે? (ખ) આખરે શું થશે?

૧૮ યહોવાહે યિર્મેયાહ પ્રબોધકને કહ્યું હતું: “તારો છૂટકો કરવા સારૂ હું તારી સાથે છું.” (યિર્મેયાહ ૧:૮) યહોવાહ આપણને કેવી રીતે સતાવણીમાંથી બચાવી શકે? તે કદાચ ગમાલીએલ જેવા સમજુ ન્યાયાધીશ ઊભા કરી શકે. આપણા પ્રત્યે જે અધિકારીઓને સખત નફરત છે તેઓની બદલી કરાવી શકે. અમુક સમયે યહોવાહ પોતાના ભક્તોની થોડી વાર કસોટી થવા પણ દે છે. (૨ તીમોથી ૩:૧૨) યહોવાહ જો આપણા પર સતાવણી આવવા દે તો તે આપણને એમાં ટકી રહેવા શક્તિ પણ જરૂર આપશે. (૧ કોરીંથી ૧૦:૧૩) યહોવાહ જો સતાવણી ચાલવા દે, તોપણ આપણને આ ખાતરી છે: યહોવાહના ભક્તો સામે જેઓ લડે છે તેઓ તેમની સામે લડે છે. યહોવાહ સામે લડનારા કદી ફાવશે નહિ!

૧૯. વર્ષ ૨૦૦૬ માટે કઈ કલમ પસંદ થઈ છે અને કેમ એ યોગ્ય છે?

૧૯ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે તમારા પર સતાવણી જરૂર આવશે. (યોહાન ૧૬:૩૩) એમાં ટકી રહેવા પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯ના શબ્દો આપણને જરૂર હિંમત આપશે: ‘માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ. વર્ષ ૨૦૦૬માં આપણને ઉત્તેજન આપવા આ શબ્દો પસંદ કરવામાં આવ્યા છે. ચાલો આપણે મનમાં એવી ગાંઠ વાળીએ કે ભલે ગમે તે સહેવું પડે, પણ યહોવાહને હંમેશાં આપણા સનાતન રાજા તરીકે ભજીશું!

[ફુટનોટ]

^ મુખ્ય યાજકોએ લોકોની આગળ સ્વીકાર્યું કે “કૈસર” તેઓનો રાજા છે. એ રાજા કોણ હતો? રોમન સમ્રાટ તિબેરીયસ. તે ઢોંગી અને ખૂની હતો. તેના ગંદાં જાતીય કામો માટે જાણીતો હતો.—દાનીયેલ ૧૧:૧૫, ૨૧.

તમે જવાબ આપી શકશો?

• પ્રેરિતોએ જે રીતે કસોટીઓ સહન કરી, એમાંથી આપણે શું શીખી શકીએ?

• આપણે કેમ માણસો કરતાં યહોવાહનું વધારે માનવું જોઈએ?

• આપણા વિરોધીઓ ખરેખર કોની સામે લડે છે?

• સતાવણીમાં ટકી રહેનારા માટે કયા આશીર્વાદો છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૩ પર બ્લર્બ]

વર્ષ ૨૦૦૬નું વચન આ છે: ‘માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ.’ —પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯

[પાન ૧૯ પર ચિત્ર]

‘માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ’

[પાન ૨૧ પર ચિત્ર]

કાયાફાસે ઈશ્વરને બદલે માણસમાં ભરોસો મૂક્યો