સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કેટલા કિલોમીટર ચાલશો?

તમે કેટલા કિલોમીટર ચાલશો?

તમે કેટલા કિલોમીટર ચાલશો?

“ઓય! એ બધું પડતું મૂકીને અહીં આવ. ચાલ મારું આ પાર્સલ ઉપાડી લે.” જો આવું પ્રથમ સદીના વ્યસ્ત યહુદીને રોમન સૈનિકે કહ્યું હોત તો તેણે શું કર્યું હોત? તમને શું લાગે છે? ઈસુએ પહાડ પરના ભાષણમાં સલાહ આપી: “જો કોઈ તમને તેનો સામાન એક કિલોમીટર સુધી ઊંચકી જવા માટે બળજબરી કરે તો એકને બદલે બે કિલોમીટર સુધી લઈ જાઓ.” (માથ્થી ૫:૪૧, IBSI) લોકો ઈસુની આ સલાહ કઈ રીતે સમજ્યા હશે? આજે એનો આપણા માટે શું અર્થ થાય છે?

એનો જવાબ મેળવવા માટે, ચાલો આપણે સૌ પ્રથમ પ્રાચીન સમયમાં કરાવવામાં આવતી ફરજિયાત સેવા વિષે જોઈએ. ઈસુના સમયના ઈસ્રાએલના રહેવાસીઓ એનાથી બહુ સારી રીતે પરિચિત હતા.

ફરજિયાત સેવા

મધ્ય પૂર્વમાં લગભગ ૧૭મી સદી ઈસવીસન પૂર્વેમાં ફરજિયાત સેવા કરાવવામાં આવતી હતી એના પુરાવાઓ જોવા મળે છે. પ્રાચીન અરામના અલાલાખ શહેરના રાજકીય લખાણમાંથી જોવા મળે છે કે અમુક લોકોને અધિકારીઓ પોતાનું કામ બળજબરીથી કરાવતા હતા. અરામના કાંઠે આવેલા યુગરીટમાં પણ ખેતરનાં કામદારોનેને સેવા ફરજિયાત કરવી પડતી હતી. પરંતુ જો રાજા આવી સેવામાંથી છૂટ આપે તો વાંધો ન હતો.

જોકે, ગુલામો કે નાગરિકો પાસે હંમેશા બળજબરીથી કામ કરાવવામાં આવતું હતું. ઈસ્રાએલીઓ મિસરની ગુલામીમાં હતા ત્યારે ત્યાંના અધિકારો તેમની પાસે કાળી મજૂરી કરાવતા હતા. પછીથી, ઈસ્રાએલીઓ કનાનના રહેવાસીઓ પાસે પણ એવી જ મજૂરી કરાવતા હતા. દાઊદ અને સુલેમાને પણ ગુલામો પાસે એવી જ મજૂરી કરાવી હતી.—નિર્ગમન ૧:૧૩, ૧૪; ૨ શમૂએલ ૧૨:૩૧; ૧ રાજાઓ ૯:૨૦, ૨૧.

ઈસ્રાએલીઓએ શમૂએલ પાસે રાજાની માંગણી કરી. એ સમયે તેમણે લોકોને બતાવ્યું કે રાજા કઈ-કઈ બાબતોની માંગણી કરશે. તે પોતાના નાગરિકોને રથો ચલાવનાર તરીકે તથા ઘોડેસવારો તરીકે રાખશે. વળી, તે લોકો પાસે ખેતીકામ અને હથિયાર બનાવવાનું પણ કામ કરાવશે. (૧ શમૂએલ ૮:૪-૧૭) તેમ છતાં, યહોવાહના મંદિરના બાંધકામ માટે, પરદેશીઓને ગુલામો પણ રાખવામાં આવ્યા. તેઓ પાસે બળજબરીથી કામ કરાવવામાં આવ્યું. પરંતુ, “ઇસ્રાએલપુત્રોમાંથી કોઈના પર સુલેમાને વેઠ નાખી નહિ; પણ તેઓ તો સૈનિકો, તેના ચાકરો, તેના અધિપતિઓ, તેના સરદારો, ને તેના રથોના તથા તેના ઘોડેસવારોના અમલદારો હતા.”—૧ રાજાઓ ૯:૨૨.

ઈસ્રાએલીઓ બાંધકામના પ્રોજેક્ટમાં હતા. એ વિષે ૧ રાજાઓ ૫:૧૩, ૧૪ કહે છે, “સુલેમાન રાજાએ સર્વ ઇસ્રાએલમાંથી વેઠ કરનારૂં લશ્કર ઊભું કર્યું; તે લશ્કર ત્રીસ હજાર માણસનું હતું. તે તેઓમાંથી વાર પ્રમાણે દર માસે દશ હજારને લબાનોન મોકલતો હતો; તેઓ એક માસ લબાનોનમાં ને બે માસ ઘેર રહેતા.” આ વિષે એક નિષ્ણાત કહે છે, “ઈસ્રાએલી અને યહુદાહના રાજાઓ ગુલામોને મજૂરી આપ્યા વગર બાંધકામ અને પોતાની જમીનો ખેડવા રાખતા હતા એમા કોઈ શંકા નથી.”

સુલેમાનના સમયમાં લોકો પર વધારે બોજો નાખવામાં આવ્યો હતો. આ બોજો એટલો બધો ભારે હતો કે જ્યારે યરોબઆમે આ ભારમાં થોડો વધારો કરવાની ધમકી આપી ત્યારે, ઇસ્રાએલીઓ બળવો પોકારી ઉઠ્યા. તેઓએ વેઠ કરનારાઓના ઉપરીને એવો પથ્થરે માર્યો કે તે મરી ગયો. (૧ રાજાઓ ૧૨:૧૨-૧૮) તેમ છતાં, બળજબરીથી કામ કરાવવાની પ્રથા બંધ પડી નહિ. યરોબઆમના પૌત્ર આસાએ ગેબા અને મિસ્પાહ શહેરો બાંધવા યહુદાહમાં ઢંઢેરો પિટાવ્યો અને “કોઈને છૂટ આપવામાં આવી નહિ.”—૧ રાજાઓ ૧૫:૨૨

રોમન શાસન હેઠળ

ઈસુએ પહાડ પર આપેલા ભાષણમાંથી જોવા મળ્યું કે પ્રથમ સદીના યહુદીઓ ‘બળજબરીથી કામ’ કરાવવાની પ્રથાથી પરિચિત હતા. ‘બળજબરીથી કામ’ કરાવવાનો ગ્રીક શબ્દ આગારવો છે કે જે ઈરાની કૂરિયર સેવાઓ સાથે સંકળાયેલો હતો. ઈરાની અધિકારીઓ પૂછ્યા વગર લોકોના ઘોડાઓ, વહાણોનો ઉપયોગ કરતાં. અરે માણસોને પણ બળજબરીથી કામ કરવા લઈ જતા. જેથી તેમનો વેપાર-ધંધો ઝડપથી ચાલે.

ઈસુના સમયમાં ઈસ્રાએલ પર રાજ કરતા રોમનોએ પણ લોકોને ગુલામ બનાવીને કામ કરાવતા હતા. પૂર્વીય વિસ્તારોમાં લોકોને કર ભરવો પડતો હતો. એ ઉપરાંત તેઓ પાસે નિયમિત રીતે કે અમુક સમયે ફરજિયાત કામ પણ કરાવવામાં આવતું હતું. આવી ફરજોથી લોકો ખુશ ન હતા. વધુમાં, દેશના વાહનવ્યવહાર માટે ગેરકાનૂની રીતે પ્રાણીઓ, ગાડાંઓ લઈ લેવા એ બહુ સામાન્ય હતું. માઈકલ રોસ્ટોફિટસીક ઇતિહાસકાર અનુસાર, વહીવટકર્તાઓએ ‘આ પ્રથાને કાબૂમાં રાખવા ઘણા નિયમો બનાવ્યા. પરંતુ તેઓને એમાં સફળતા મળી નહિ. કેમ કે, આ પ્રથા ચાલુ રહી ત્યાં સુધી એની ખરાબ અસર જ થઈ. અમુક અધિકારીઓએ પણ આ પ્રથા નાબૂદ કરવા નિયમો બનાવ્યા. પરંતુ, આ જુલ્મી પ્રથા ચાલુ જ રહી.’

એક ગ્રીક નિષ્ણાત કહે છે, “કોઈને પણ અમુક અંતર સુધી લશ્કરનો સામાન ઊંચકી લેવાની બળજબરી કરવામાં આવતી હતી. અને રોમનો કોઈની પર ગમે તે કામનો બોજો નાખી શકતા હતા.” એવું જ કુરેનીના સિમોન સાથે બન્યું. રોમન સૈનિકોએ ઈસુનો વધસ્તંભ “પરાણે” ઉચકાવ્યો.—માત્થી ૨૭:૩૨.

ધર્મગુરુઓના લખાણોમાં પણ આ ખરાબ પ્રથાનો ઉલ્લેખ જોવા મળે છે. દાખલા તરીકે, એક ધર્મગુરુને રાજમહેલમાં મહેંદી લઈ જવા રાખવામાં આવ્યો હતો. માલિકે રાખેલા મજૂરોને લઈ જઈને તેની પાસે બીજું કામ કરાવવામાં આવતું હતું પરંતુ, પગાર તો માલિકે જ ચૂકવવો પડતો હતો. વજન ઉઠાવનાર પ્રાણી કે બળદ પણ લઈ લેવામાં આવતા હતા. જો એઓને પાછા મોકલવામાં આવે તોપણ એઓની હાલત એવી થઈ જતી કે તેઓ કામ કરી શકતા ન હતા. આથી “થોડા સમય” માટે સંપત્તિ કે પ્રાણી લઈ જવામાં આવતા તો પણ લોકો એને જાણે હંમેશ માટે લઈ લેવામાં આવ્યું હોય એ રીતે જોતા હતા. આમ એક યહુદી કહેવત બતાવે છે: “આગારવો એક મરણ જેવું છે.” એક ઇતિહાસકાર કહે છે: “વધારે ભાર ખેંચી શકે એવા પ્રાણીઓને બદલે ખેતીકામ કરતા બળદોને આગારવા માટે બળજબરીથી લઈ જઈને આખા ગામનો નાશ કરી શકાય છે.”

તમે કલ્પના કરી શકો છો કે આવી પ્રથાની કેટલી નફરત કરવામાં આવતી હતી. કેમ કે એ અન્યાય અને ખોટા અધિકારથી બીજાઓ પર બળજબરી કરવામાં આવતી હતી. યહુદીઓને બળજબરીથી કામ કરાવીને જે અપમાન કરવામાં આવતા હતા એના લીધે તેઓના મનમાં સરકાર પ્રત્યે સખત નફરત હતી. નાગરિકોએ ક્યાં સુધી સામાનનો બોજો ઉઠાવીને જવું જોઈએ એ વિષેનો તો કોઈ નિયમ જોવા મળતો નથી. પરંતુ, એ સ્પષ્ટ હતું કે તેઓ નિયમ કરતાં એક ડગલું પણ આગળ ભરવા તૈયાર ન હતા.

તોપણ, આ પ્રથાનો ઉલ્લેખ કરતાં ઈસુએ કહ્યું: “જો કોઈ તમને તેનો સામાન એક કિલોમીટર સુધી ઊંચકી જવા માટે બળજબરી કરે તો એકને બદલે બે કિલોમીટર સુધી લઈ જાઓ.” (માથ્થી ૫:૪૧, IBSI) તેમના આ વચનો સાંભળીને કેટલાકને લાગ્યું હશે કે, ‘શા માટે ઈસુએ આમ કહ્યું?’ પરંતુ, તેમના કહેવાનો શું અર્થ થતો હતો?

ખ્રિસ્તીઓએ કઈ રીતે વર્તવું જોઈએ?

ઈસુ કહેતા હતા કે જો યહોવાહના કાયદાનો ભંગ ન થતું હોય એવું કંઈ કામ કરવાનું અઘિકારી કહે તો, એ રાજીખુશીથી કરવું જોઈએ. આમ તેઓ “કાઈસારનાં છે તે કાઈસારને” ભરી આપે છે. અને તેઓ ‘દેવનાં છે તે દેવને ભરી આપવાની’ અવગણના ગણતા નથી.—માર્ક ૧૨:૧૭. *

વધુમાં, પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને સલાહ આપી: “દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમકે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી; જે અધિકારીઓ છે તેઓ દેવથી નીમાએલા છે. એથી અધિકારીની સામે જે થાય છે તે દેવના ઠરાવની વિરૂદ્ધ થાય છે. . . . પણ જો તું ભૂંડું કરે તો ડર રાખ, કેમકે તે કારણ વિના તરવાર રાખતો નથી.”—રૂમી ૧૩:૧-૪.

આમ, ઈસુએ અને પાઊલે બતાવ્યું કે સરકાર કે રાજાની ઇચ્છાનું ઉલ્લંઘન કરનારને તેઓ શિક્ષા કરે છે. કઈ પ્રકારની શિક્ષા? પ્રથમ અને બીજી સદી સી.ઈ.ના ગ્રીક તત્ત્વજ્ઞાની ઈપીક્ટટસ એનો જવાબ આપે છે: “જો અચાનક જ કોઈ કામ કરવાનું કહેવામાં આવે તો કરો, સૈનિક તમારા ગધેડાને લઈ જાય તો, એને લઈ જવા દો. તેની સામે થશો નહિ. કચકચ કરશો નહિ, નહિતર તમને માર-મારવામાં આવશે તેમ જ તમારા ગધેડાને પણ લઈ લેવામાં આવશે.”

તોપણ, પ્રાચીન અને આધુનિક સમયના ખ્રિસ્તીઓએ અમુક પ્રસંગે અનુભવ્યું છે કે તેઓ શુદ્ધ અંતરથી સરકારની માંગણીને પૂરી કરી શકશે નહિ. અમુક સમયે એના પરિણામો પણ ખરાબ આવ્યા છે. કેટલાક ખ્રિસ્તીઓને મરણની સજા આપવામાં આવી છે. ઘણા લોકોએ જેલમાં વર્ષો કાઢ્યા છે કેમ કે તેઓએ પરમેશ્વર નિયમો તોડવામાં ભાગ લીધો નથી. (યશાયાહ ૨:૪; યોહાન ૧૭:૧૬; ૧૮:૩૬) બીજા પ્રસંગોએ, ખ્રિસ્તીઓને એવું લાગ્યું છે કે તેઓને જે કહેવામાં આવે એ તેઓ કરી શકે. દાખલા તરીકે, કેટલાક ખ્રિસ્તીઓને લાગે છે કે તેઓ લશ્કર જેવી પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવો જોઈએ. પરંતુ, તેઓ શુદ્ધ અંતરથી સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકે છે. તેઓનો કહેવાનો અર્થ એમ હોય શકે કે ઘરડા કે અપંગને મદદ કરવી, ફાયરમેન તરીકે સેવા આપવી, બેન્ચો સાફ કરવી, પાર્ક, જંગલ કે લાયબ્રેરીમાં કામ કરી શકે.

દેખીતી રીતે જ, અલગ અલગ દેશોની અલગ અલગ પરિસ્થિતિ હોય છે. તેથી, દરેક ખ્રિસ્તીઓએ તેઓ પાસે જે કંઈ માંગણી કરવામાં આવે છે એ નક્કી કરવા માટે બાઇબલ કહે છે એ પ્રમાણે કરવું જોઈએ.

બે કિલોમીટર જવું

રાજીખુશીથી અધિકારીઓનું માનવું એ ઈસુએ શીખવ્યું એ ફક્ત સરકારી ફરજોમાં જ નહિ પરંતુ માણસો સાથેના રોજબરોજના સંબંધમાં પણ લાગુ પડે છે. દાખલા તરીકે, સત્તા હોય એવી એક વ્યક્તિ તમને એવું કામ કરવાનું કહે કે પરમેશ્વરના નિયમ વિરુદ્ધ ન હોય, પરંતુ તમે કરવા ઇચ્છતા ન હોવ. તો, તમે શું કરશો? તમને એવું લાગી શકે કે આવી માંગણીને લીધે તમારો સમય અને શક્તિ ખોટી બગડે છે અને તેથી તમે ગુસ્સે થઈ જશો. પરિણામે, તમારી પર સતાવણી પણ આવી શકે. બીજી તર્ફે, જો તમે મન વગર કામ કરશો તો, તમે તમારા મનની શાંતિ ગુમાવશો. તો શું કરી શકાય? ઈસુએ કહ્યું એમ કરો કે બીજા બે કિલોમીટર સાથે જાવ. તમારી પાસે જે કામ કરવાની આશા રાખવામાં આવે છે ફક્ત એ જ નહિ પરંતુ એથી વધારે કરો. દિલથી કરો. જો તમે એ યાદ રાખશો તો તમને એવું નહિ લાગે કે તમારો ગેરફાયદો ઉઠાવવામાં આવે છે. આમ, તમે તમારા પોતાના કાર્યોને તમારા કાબૂમાં રાખી શકશો.

એક લેખકે કહ્યું, “ઘણા લોકો જેટલું કહેવામાં આવે છે એટલું જ માંડ માંડ કામ કરતા હોય છે. આથી, જીવનનો આનંદ માણી શકતા નથી. બીજા કેટલાક લોકો તેઓને કહેવામાં આવે છે એનાથી વધારે કરીને બીજાઓને મદદ કરવા રાજી હોય છે.” જોકે, લોકોના જીવનમાં એવી ઘણી પરિસ્થિતિ આવતી હોય છે કે જેમાં તેઓએ એક કે બે કિલોમીટર જવું કે નહિ એની પોતાની મરજી હોય છે. વ્યક્તિને ફરજિયાત કરવાનું જ હોય છે ત્યાં તે પોતાના હક્કની માંગણી કરી શકે. જ્યારે કે રાજીખુશીથી કરનારને ભરપૂર બદલાઓ મળી શકે છે. તમે કઈ પ્રકારની વ્યક્તિ છો? જો તમે તમારા કાર્યોને ફક્ત એક બોજ નહિ પરંતુ બીજાઓ માટે કાર્ય કરવા ઉત્સુક રહો તો, તમે વધારે આનંદિત અને વધારે કામ કરનારા બની શકો.

જો તમે કોઈ હોદ્દા પર હોવ તો, તમે બીજાઓ પાસે કેવી રીતે કામ કઢાવો છો? તમારી સાથે કામ કરનારાઓ તમે જે કરવાનું કહો તે કરવા ઇચ્છુક ન હોય તો પણ તમે તેઓ પાસે કામ કરાવો તો એ યહોવાહ શીખવતા નથી. ઈસુએ કહ્યું, “વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે.” પરંતુ યહોવાહના સેવકો એવું નથી કરતા. (માત્થી ૨૦:૨૫, ૨૬) ભલે કડક પગલાં અને માંગણી કરવાથી પરિણામો મળી શકે, પરંતુ, જો માયાળુ અને યોગ્ય માંગણી કરવામાં આવે તો દરેક વચ્ચે કેવા સારા સંબંધો જળવાય રહે! ખરેખર, એક કરતાં બે કિલોમીટર જવા તત્પર રહેવાથી સાચે જ તમારું જીવન આશીર્વાદિત બને છે.

[ફુટનોટ]

^ “જે કાઈસારનાં છે તે કાઈસારને, ને જે દેવનાં છે તે દેવને ભરી આપો” એનો ખ્રિસ્તીઓ માટે શું અર્થ થાય છે એની પૂરી ચર્ચા માટે મે ૧, ૧૯૯૬ના ચોકીબુરજના પાન ૧૫-૨૦ પર જુઓ.

[પાન ૨૫ પર બોક્સ]

પ્રાચીન સમયમાં ઉઠાવતો ગેરફાયદો

બળજબરીથી કામ કરાવવાને હંમેશા આ પ્રથાને કાબૂમાં રાખવા તરીકે જોવામાં આવતું હતું. ઇજિપ્તના ઠાલમી યુઅરજીત્સ બીજાએ ૧૧૮ બી.સી.ઈ.માં જાહેર કર્યું કે તેના અધિકારીઓએ “પોતાના વ્યક્તિગત કામ માટે કોઈ પણ નાગરિકને બળજબરી કરવી નહિ. પોતાના ઉપયોગ માટે તેઓના ઢોરઢાંકને પણ માંગી શકશે નહિ.” વધુમાં તેણે કહ્યું: ‘કોઈ પણ વ્યક્તિગત ઉપયોગ માટે તેઓની હોડી પણ માંગી નહિ શકે.’ ગ્રેટ ઓએસીસના મંદિરમાંથી ૪૯ સી.ઈ.નું વર્ણન મળ્યું જેમાં રોમન અધિકારી વર્જીલ્યસ કૅપિટોએ કબૂલ્યું કે સૈનિકો ગેરકાનૂની માંગ કરતા હતા. આથી તેણે એવો હુકમ આપ્યો કે, ‘કોઈ પણ સૈનિકે મારી સહીવાળા લેખિત લખાણ વગર કોઈની પાસેથી કંઈ લેવું કે માંગવું જોઈએ નહિ.’

[પાન ૨૪ પર ચિત્ર]

કુરેનીના સીમોન પાસે પરાણે સેવા કરાવી

[પાન ૨૬ પર ચિત્ર]

ઘણા યહોવાહના સાક્ષીઓ યહોવાહને વળગી રહ્યાં તેથી તેઓને જેલની સજા ભોગવવી પડી