સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“એકબીજાને માટે તમારા ઘરના દરવાજા ખુલ્લા મૂકો”

“એકબીજાને માટે તમારા ઘરના દરવાજા ખુલ્લા મૂકો”

“એકબીજાને માટે તમારા ઘરના દરવાજા ખુલ્લા મૂકો”

પ્રથમ સદીમાં ફેબી નામની એક બહેન હતી. તે ગ્રીસમાં આવેલા કિંખ્રિયાથી રોમ જઈ રહી હતી. પણ એક મુશ્કેલી ઊભી થઈ. કેમ કે, એ શહેરના કોઈ પણ ભાઈ-બહેનને તે ઓળખતી ન હતી. (રૂમી ૧૬:૧, ૨) બાઇબલ ભાષાંતરકાર એડગર ગુડસ્પીડ કહે છે, “[એ જમાનામાં] રોમન સામ્રાજ્ય બહુ જ ખરાબ અને ક્રૂર હતું. રોમમાં હરેક લોજની છાપ બહુ જ હલકી હતી. કોઈ પણ સારા ઘરની સ્ત્રીઓ એમાં રહેવા ન જતી. ખાસ કરીને ખ્રિસ્તી બહેન તો એમાં પગ જ ન મૂકતી.” તેથી, હવે ફેબીએ ક્યાં રહેવું એ મોટી મુશ્કેલી હતી.

બાઇબલ સમયમાં લોકો ઘણી મુસાફરી કરતા હતા. ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યોએ આખા યહુદા અને ગાલીલમાં પ્રચાર કરવા મુસાફરી કરી. ત્યાર પછી, પાઊલ જેવા મિશનરિઓએ ભૂમધ્ય સમુદ્રની આસપાસના અનેક વિસ્તારોમાં શુભસંદેશાનો પ્રચાર કર્યો. એમાં રોમન સામ્રાજ્યના પાટનગર રોમનો પણ સમાવેશ થતો હતો. પ્રથમ સદીના ખ્રિસ્તીઓ યહુદાહની અંદર કે બહાર ગમે ત્યાં મુસાફરી કરતા ત્યારે, તેઓ ક્યાં રોકાતા? શું રહેવાની જગ્યા મેળવવા તેઓને મુશ્કેલી પડી? મહેમાનગતિ બતાવવા વિષે આપણે તેઓ પાસેથી શું શીખી શકીએ?

“આજ મારે તારે ઘેર ઊતરવાનું છે”

આપણે દિલથી એકબીજાનો આવકાર કરીએ એને મહેમાનગતિ કહેવાય. યહોવાહના સેવકો એના માટે જાણીતા છે. દાખલા તરીકે, ઈબ્રાહીમ, લોત અને રિબકાહે સારી પરોણાગત બતાવી. (ઉત્પત્તિ ૧૮:૧-૮; ૧૯:૧-૩; ૨૪:૧૭-૨૦) અયૂબે પણ અજાણી વ્યક્તિને મહેમાનગતિ બતાવી: “પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો; પણ મુસાફરને માટે મારાં બારણાં હમેશાં ઉઘાડાં હતા.”—અયૂબ ૩૧:૩૨.

ઈસ્રાએલીઓ મુસાફરોની મહેમાનગતિ કરવા માટે, શહેરના ચોકમાં બેસતા. મહેમાનગતિ માટે કોઈ બોલાવે એની રાહ જોતા. (ન્યાયાધીશો ૧૯:૧૫-૨૧) તેઓને ઘેર મહેમાન આવે તો હંમેશાં તેઓના પગ ધોતા અને તેઓને ખોરાક પાણી આપતા. તેમના ઢોરઢાંક માટે પણ ઘાસચારો આપતા. (ઉત્પત્તિ ૧૮:૪, ૫; ૧૯:૨; ૨૪:૩૨, ૩૩) અમુક મુસાફરો પોતાની સાથે ખોરાક-પાણી અને ઢોરઢાંક માટે ઘાસચારો પણ લઈ જતા. આથી, તેઓને ફક્ત રાત્રે સૂવા જગ્યાની જ જરૂર પડતી.

બાઇબલમાં ભાગ્યે જ જણાવવામાં આવ્યું છે કે ઈસુએ અને તેમના શિષ્યોએ પોતાના પ્રચાર કાર્ય દરમિયાન કઈ રીતે રહેઠાણ મેળવ્યું. પણ તેઓ ક્યાંક રાત રોકાયા જ હશે. (લુક ૯:૫૮) યરીખોની મુલાકાત લેતી વખતે, ઇસુએ જાખીને ફક્ત એટલું જ કહ્યું: “આજ મારે તારે ઘેર ઊતરવાનું છે.” (લુક ૧૯:૫, ૬) જાખીએ પોતાના મહેમાન ઈસુનો ‘આનંદથી આવકાર’ કર્યો. (લુક ૧૯:૫, ૬) ઈસુ હંમેશાં તેમના મિત્રો મારથા, મરિયમ અને લાજરસને ઘરે રહેતા હતા. (લુક ૧૦:૩૮; યોહાન ૧૧:૧, ૫, ૧૮) કાપરનાહુમમાં તે સીમોન પીતરને ઘરે રહ્યા હોય શકે.—માર્ક ૧:૨૧, ૨૯-૩૫.

ઈસુએ પોતાના ૧૨ પ્રેષિતોને પ્રચાર સંબંધી જે સૂચના આપી એનાથી જોવા મળે છે કે તેઓ ઈસ્રાએલમાંથી કેવા પ્રકારના આવકારની અપેક્ષા રાખી શકે. ઈસુએ તેમને કહ્યું: “સોનું કે રૂપું કે તાંબું તમારા કમરબંધમાં ન રાખો. મુસાફરીને સારૂ જોણ્ણું અથવા બે અંગરખા, અથવા જોડા, અથવા લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે. અને જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ને ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.” (માત્થી ૧૦:૯-૧૧) તે જાણતા હતા કે નમ્ર હૃદયના લોકો તેમના શિષ્યોનો આવકાર કરી તેઓને ખોરાક, રહેઠાણ અને બીજી જરૂરિયાતો પૂરી પાડશે.

તેમ છતાં, એવો સમય આવવાનો હતો કે જ્યારે યહોવાહના ભક્તો શુભસંદેશ ફેલાવે ત્યારે પોતે જ પોતાની જરૂરિયાતો પૂરી કરવાની હતી. પોતાના શિષ્યો ઈસ્રાએલ સિવાયના બીજા વિસ્તારોમાં શુભસંદેશો જણાવવા જશે ત્યારે તેઓની સ્થિતિ કેવી હશે એને ધ્યાનમાં રાખતા ઈસુએ કહ્યું: “જેની પાસે પૈસાનું પાકીટ કે થેલી હોય, તે પોતાની સાથે લઈ લે.” (લૂક ૨૨:૩૬, પ્રેમસંદેશ) દરેક લોકોને શુભસંદેશો જણાવવા માટે મુસાફરી કરવા ઠેકાણે ઠેકાણે રોકાવાનું પણ જરૂરી હતું.

“મહેમાનોને આવકાર આપો”

રોમન સામ્રાજ્યમાં એકંદરે શાંતિ હતી. તેમ જ મુસાફરી કરવા માટે આખા રોમમાં પથ્થરના બનેલા રસ્તાઓ હતા. પ્રથમ સદીમાં લોકો સૌથી વધારે મુસાફરી કરી શકતા હતા. * આવી સખત આવ-જાને લીધે રહેઠાણની મોટી માંગ ઊભી થઈ. આથી, એક દિવસની મુસાફરીના અંતરે મુખ્ય રસ્તાઓ પાસે લોજ રાખવામાં આવતી હતી. જોકે, ધ બુક ઓફ એક્સ ઈન ઇટ્‌સ ગ્રીસીઓ-રોમન સેટિંગ બતાવે છે: “સાહિત્ય બતાવે છે કે રોમની હોટલ કે લોજની છાપ સાવ હલકી હતી. પુરાતત્ત્વ વૈજ્ઞાનિકો જણાવે છે કે, એમાં કોઈ ફર્નિચર ન હતું. ખાટલાઓ હતા એ પણ માંકડોથી ભરેલા. ખોરાક અને પાણી પણ ગંદા. માલિક અને કર્મચારીઓનો ભરોસો ન થઈ શકે. એમાં ખાસ કરીને અનૈતિકતા જોવા મળતી હતી.” આથી, દેખીતી રીતે જ સારા લોકો બને ત્યાં સુધી આવી લોજમાં રહેવાનું ટાળતા હતા.

તેથી, શાસ્ત્રવચનોમાં વારંવાર ખ્રિસ્તીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓએ મહેમાનગતિ બતાવવી જોઈએ. પાઊલે રોમના ખ્રિસ્તીઓને કહ્યું: “સંતોની જરૂરીયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો.” (રૂમી ૧૨:૧૩) તેમણે યહુદી ખ્રિસ્તીઓને પણ યાદ કરાવ્યું: “તમારા ઘરોમાં અજાણ્યાઓને આવકાર આપવાનું યાદ રાખો. કેટલાકે તેમ કર્યું, અને અજાણતા જ દૂતોને આવકાર આપ્યો હતો.” (હિબ્રૂ ૧૩:૨ પ્રેમસંદેશ) પ્રેષિત પીતરે ભાઈબહેનોને ઉત્તેજન આપ્યું, જીવ કચવાયા વગર “એકબીજાને માટે તમારાં ઘરો ખુલ્લાં મૂકો.”—૧ પીતર ૪:૯, પ્રેમસંદેશ.

તેમ છતાં, એવી પણ પરિસ્થિતિ હતી કે જ્યારે મહેમાનગતિ ન બતાવવી જોઈએ. એ વિષે પ્રેષિત યોહાને કહ્યું: “જે કોઈ હદબહાર જાય છે, અને ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી, . . . તો તેને ઘરમાં પેસવા ન દો, ને તેને ક્ષેમકુશળ ન કહો; કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્કર્મોનો ભાગીદાર થાય છે.” (૨ યોહાન ૯-૧૧) પસ્તાવો નહિ કરનાર પાપી વ્યક્તિઓ વિષે પાઊલે લખ્યું: “જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ; અને એવાની સાથે બેસીને ખાવું પણ નહિ.”—૧ કોરીંથી ૫:૧૧.

કપટી લોકો સાચા ખ્રિસ્તીઓની ભલાઈનો ગેરફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી શકે. ઈસવીસન બીજી સદીમાં ધ ડીડસ અથવા ટીચીંગ ઑફ ધ ટ્‍વેલ્વ એપોસલ્સ નામનું એક પુસ્તક લખવામાં આવ્યું. આ પુસ્તકમાં એવી ભલામણ કરવામાં આવી છે કે દરેક જગ્યાએ શુભસંદેશો જણાવનારની “એક કે બે દિવસ માટે” મહેમાનગતિ કરી શકાય. ત્યાર પછી તે વિદાય લે ત્યારે “તેને ખોરાક સિવાય કંઈ દેવું ન જોઈએ . . . જો તે પૈસા માંગે તો, એ સાચો પ્રબોધક નથી.” પછી એ પુસ્તક કહે છે: “જો તે તમારા જ ઘરમાં રહેવા માંગે અને તેની પાસે કોઈ કામ કરવાની આવડત હોય તો, તેણે પોતાનું પેટ ભરવા કામ કરવું જોઈએ. પરંતુ તમને એવું લાગે કે તેની પાસે કોઈ આવડત નથી, તોપણ તે વ્યક્તિએ કામ-ધંધા વગર બેસી રહેવું જોઈએ નહિ, કેમ કે તે ખ્રિસ્તી છે. પરંતુ, જો તે આળસુ હોય, કામચોર હોય તો, તે ખ્રિસ્તી ભલાઈનો લાભ ઉઠાવે છે; આવા માણસોથી સાવચેત રહો.”

પ્રેષિત પાઊલ અમુક શહેરમાં એક જ જગ્યાએ લાંબો સમય રોકાતા ત્યારે, પોતાના ભાઈ-બહેનોને બોજરૂપ ન બને એની ખાસ કાળજી રાખતા હતા. તે પોતાના ખર્ચા માટે તંબૂ બનાવવાનું કામ કરતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧-૩; ૨ થેસ્સાલોનીકી ૩:૭-૧૨) કોઈને ત્યાં મહેમાન બનવા માટે અમુક મુસાફરો ભલામણ પત્રનો ઉપયોગ કરતા હતા, જેથી ઘરમાલિક તેઓની પ્રમાણિકતા જાણી શકે. જેમ પાઊલે ફેબી માટે કરી. પાઊલે લખ્યું: ‘આપણી બહેન ફેબી માટે હું તમને ભલામણ કરું છું કે જે જે બાબતોમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો.’—રૂમી ૧૬:૧, ૨.

મહેમાનગતિ કરવાથી મળતા આશીર્વાદો

પ્રથમ સદીના મિશનરીઓ પોતાની બધી જ જરૂરિયાતો માટે યહોવાહ પર આધાર રાખતા હતા. પરંતુ, શું તેઓ ભાઈ-બહેનોની મહેમાનગતિ કરવાનો આનંદ માણતા હતા? લુદીઆએ પાઊલ અને બીજાઓ માટે પોતાના ઘરના દરવાજા ખોલી નાખ્યા હતા. પછી પાઊલ કોરીંથમાં આકુલા અને પ્રિસ્કીલા સાથે રહ્યા. ફિલીપ્પીના દરોગાએ પાઊલ અને સીલાસને જમાડ્યા. થેસ્સાલોનીકાના યાસન, કાઈસારીઆના ફિલિપ અને કાઈસારીઆથી યરૂશાલેમના રસ્તા પર નાસોને પણ પાઊલને પરોણા રાખ્યા. રોમ જતા રસ્તામાં પુતીઓલીના ભાઈઓએ પણ પાઊલની પરોણાગત કરી. પાઊલને પોતાના ઘરે આવકાર આપનાર આ ભાઈઓએ પરમેશ્વરનું જ્ઞાન લેવાનો કેવો આનંદ માણ્યો હશે!—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૩૩, ૩૪; ૧૭:૭; ૧૮:૧-૩; ૨૧:૮, ૧૬; ૨૮:૧૩, ૧૪.

ફેડ્રિક એફ. બ્રૂસ નામના એક વિદ્વાને કહ્યું: “મિત્રો, સાથે કામ કરનારાઓ અને બીજા ભાઈ-બહેનો પાઊલને અને યહોવાહને પ્રેમ કરતા હોવાથી તેમની આટલી બધી મહેમાનગતિ કરી. તેઓ જાણતા હતા કે પાઊલની સેવા કરીને તેઓ ખ્રિસ્તની સેવા કરી રહ્યા છે.” આ મહેમાનગતિ કરવાની સૌથી ઉત્તમ પ્રેરણા છે.

આજે પણ ભાઈબહેનોની મહેમાનગતિ કરવાની જરૂર છે. ભાઈબહેનો હજારો પ્રવાસી નિરીક્ષકોની હોંશે હોંશે મહેમાનગતિ કરે છે. કેટલાક લોકો શુભસંદેશો કદી સાંભળ્યો ન હોય એવા વિસ્તારમાં પોતાને ખર્ચે જાય છે. ભલે આપણે બંગલાઓમાં ન રહેતા હોઈએ, પરંતુ આપણાં ઘરો ખુલ્લા રાખવાથી ઘણા આશીર્વાદો મળે છે. ઉષ્માભરી મહેમાનગતિમાં ભલે સાદું ભોજન હોય પરંતુ એનાથી “અરસપરસ એકબીજાના વિશ્વાસથી” ઉત્તેજન મળે છે. એનાથી આપણા ભાઈ-બહેનો અને પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ બતાવી શકીએ છીએ. (રૂમી ૧:૧૧, ૧૨) આવી મહેમાનગતિથી ખાસ કરીને ભાઈબહેનોને આશીર્વાદ મળે છે. કેમ કે “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

[ફુટનોટ]

^ એવો અંદાજ લગાવવામાં આવે છે કે ઈસવિસન ૧૦૦ સુધીમાં, રોમમાં પથ્થરના બનાવેલા ૮૦,૦૦૦ કિલોમીટરના રસ્તાઓ હતા.

[પાન ૨૩ પર ચિત્ર]

ખ્રિસ્તીઓ ‘મહેમાનોનો આવકાર કરવા તેઓનાં ઘર ખુલ્લાં રાખે છે’