સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મૅક્સિકોના લોકો શુભસંદેશો સાંભળે છે

મૅક્સિકોના લોકો શુભસંદેશો સાંભળે છે

મૅક્સિકોના લોકો શુભસંદેશો સાંભળે છે

સૅન મિગેલ, મૅક્સિકોના કેટસાલટૅપેક, વહાકા રાજ્યનું એક સુંદર શહેર છે. આ શહેરમાં નવેમ્બર ૧૦, ૨૦૦૨ના રોજ મૅક્સિકોની મિકે ભાષાના લોકો ભેગા મળ્યા. શા માટે? તેઓ યહોવાહના સાક્ષીઓના ડિસ્ટ્રીક્ટ મહાસંમેલન માટે ભેગા મળ્યા હતા. આ દિવસે સવારના કાર્યક્રમનો મુખ્ય ભાગ બાઇબલ નાટક હતો.

આ બાઇબલ નાટકનો સૌથી પહેલો શબ્દ સાંભળતા જ લોકો તો આભા જ બની ગયા. તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. અરે, ઘણા લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા. શા માટે? કારણ કે, આ નાટક તેઓની મિકે ભાષામાં હતું! નાટક પૂરું થયા પછી, ઘણા લોકોએ આ આશીર્વાદ માટે ઊંડી કદર બતાવી. એક બહેને કહ્યું: “હું પહેલી વાર જ નાટક સમજી શકી. એ મારા હૃદયને સ્પર્શી ગયું.” બીજા એક બહેને કહ્યું: “હવે મારું મૃત્યુ થાય તોપણ મને એનો કોઈ રંજ નથી, કેમ કે યહોવાહે મને મારી ભાષામાં નાટક સાંભળવાનો આશીર્વાદ આપ્યો છે.”

આ નાટક મૅક્સિકોના યહોવાહના સાક્ષીઓએ કરેલી સખત મહેનતનું પરિણામ હતું. કેમ કે તેઓ મૅક્સિકોની ભાષાઓમાં લોકોને શુભસંદેશો પહોંચાડવા સખત મહેનત કરે છે.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.

યહોવાહે પ્રાર્થના સાંભળી

મૅક્સિકોમાં ૬૦,૦૦,૦૦૦ કરતાં વધારે આદિવાસીઓ છે. તેઓની લગભગ ૬૨ ભાષાઓ છે. તેઓ જુદી જુદી સંસ્કૃતિમાંથી આવે છે. એમાં એક લાખ કરતાં વધારે લોકો બોલતા હોય એવી જુદી જુદી ૧૫ ભાષાઓ છે. મૅક્સિકોની ભાષા સ્પૅનિશ છે. પરંતુ, લગભગ ૧૦,૦૦,૦૦૦ લોકો એ નથી બોલી શકતા. સ્પૅનિશ બોલતા લોકો પોતાની ભાષામાં બાઇબલ સમજી શકે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૬; ૨૨:૨) કેટલાક લોકો સત્ય શીખીને વર્ષોથી મિટિંગોમાં જાય છે. તેમ છતાં તેઓ સત્યની પૂરી સમજણ મેળવી શક્યા નથી. તેથી, કેટલાય લોકો પોતાની ભાષામાં સત્ય શીખવા માટે પ્રાર્થના કરતા હતા.

આ જોઈને મૅક્સિકોની બ્રાન્ચ ઑફિસે ૧૯૯૯માં અલગ અલગ ભાષાઓમાં મંડળની સભાઓની ગોઠવણ કરી. બીજી ભાષાઓમાં અનુવાદ કરવાની પણ ગોઠવણ કરવામાં આવી. વર્ષ ૨૦૦૦માં માયા ભાષામાં બાઇબલ નાટક રજૂ કરવામાં આવ્યું. ત્યાર પછી બીજી ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવ્યું.

પછી લોકોને બાઇબલમાંથી શીખવવા માટે સાહિત્યનું બીજી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું. સૌ પ્રથમ, પારાદેશ પૃથ્વી પર સદાકાળ જીવનનો આનંદ માણો! પુસ્તિકાનું ભાષાંતર કરવામાં આવ્યું. એ પુસ્તિકા વાવે, માયા, માસાટીકો, ટોટોનાકો, ત્સેલટાલ અને ત્સોટ્‌સીલ ભાષાઓમાં તૈયાર કરવામાં આવી. પછીથી ઘણાં પ્રકાશનો બહાર પાડવામાં આવ્યાં. હવે માયા ભાષામાં આપણી રાજ્ય સેવા નિયમિત બહાર પડે છે. કેટલાક પ્રકાશનો ઑડિયો કૅસેટમાં પણ બહાર પાડવામાં આવ્યા. લોકો પોતાની ભાષામાં લખતા-વાંચતા શીખી શકે એ માટે અપ્લાય યોરસેલ્ફ ટુ રીડીંગ ઍન્ડ રાઈટીંગ પુસ્તિકા બહાર પાડવામાં આવી. હવે મૅક્સિકોની બીજી ૧૫ ભાષાઓમાં બાઇબલ સાહિત્ય મળી આવે છે. બીજાં ઘણાં પ્રકાશનો નજીકમાં બહાર પડશે.

“આકાશ-પાતાળ એક કરવા”

ભાષાંતર કાર્ય કંઈ સહેલું ન હતું. એનું એક કારણ એ છે કે મૅક્સિકોની અલગ અલગ ભાષાઓમાં બહુ જ થોડા દુન્યવી સાહિત્ય મળી આવે છે. ઘણી ભાષાઓમાં તો શબ્દકોશ પણ નથી. વળી, કેટલીક ભાષાઓમાં ઘણી બોલીઓ છે. દાખલા તરીકે, ફક્ત સાપોટેકમાં જ પાંચ બોલીઓ છે. આ બોલીઓ એકબીજાથી એટલી બધી ભિન્‍ન છે કે એક વિસ્તારના લોકો બીજા વિસ્તારની સાપોટેક્સ બોલી સમજી શકતા નથી.

વધુમાં, આ ભાષાઓના કોઈ ચોક્કસ ધોરણો ન હોવાથી ભાષાંતરકારોએ પોતે અમુક ધોરણો બેસાડવા પડ્યા છે. એ માટે તેઓએ ઘણું સંશોધન કરવું પડ્યું છે. તેઓમાંના ઘણા વાવે ટીમની એલીડા જેવું અનુભવે છે. તે કહે છે: “મને મૅક્સિકન બ્રાન્ચમાં ભાષાંતર કાર્ય માટે બોલાવવામાં આવી ત્યારે, મારી ખુશીનો પાર ન રહ્યો. સાથે મને એ ડર પણ હતો કે હું એ કામ કરી શકીશ કે કેમ.”

જોકે, તેઓ માટે આ કામ કંઈ સહેલું ન હતું. એ માટે પહેલાં તેઓએ કૉમ્પ્યુટરનું જ્ઞાન લેવું પડે છે, શેડ્યૂલમાં કામ કરવું પડે છે, અને ભાષાંતરની કળા પણ શીખવાની હોય છે. તેઓને આ વિષે કેવું લાગે છે? માયા ટીમની ગ્લોરિયા કહે છે: “અમારી પોતાની ભાષા, માયામાં બાઇબલ સાહિત્યનું ભાષાંતર કરવાથી જે આનંદ મળે છે એનું વર્ણન કરવાને મારી પાસે શબ્દ નથી.” એ વિભાગના ઓવરસીયર ભાષાંતરકારો વિષે કહે છે: “પોતાની ભાષામાં બાઇબલ સાહિત્ય હોવાની તીવ્ર તમન્‍ના હોવાથી, તેઓ કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છે.” શું તેઓની મહેનત પાણીમાં જાય છે?

“યહોવાહ, તમારો ઘણો આભાર!”

ખરેખર, તેઓની મહેનત પર યહોવાહે ભરપૂર આશીર્વાદ આપ્યો છે. ખ્રિસ્તી સભાઓ અને સંમેલનોમાં આવનારાઓની સંખ્યા વધતી જાય છે. દાખલા તરીકે, ૨૦૦૧માં મિકે ભાષા બોલતા ૨૨૩ સાક્ષીઓ ખ્રિસ્તના સ્મરણપ્રસંગની ઉજવણી માટે ભેગા મળ્યા હતા. તમે નહિ માનો, પણ એ સભામાં ૧,૬૭૪ લોકો આવ્યા હતા. જરા વિચાર કરો, આપણા સાક્ષી ભાઈબહેનો કરતાં સાત ગણા વધારે લોકો હતા!

સત્ય સ્વીકારનારાઓ હવે એને બરાબર સમજી શકે છે. પણ માયા ભાષામાં સભાઓ શરૂ થઈ એ પહેલાં જે બન્યું એ યાદ કરતા મ્રિના કહે છે, “હું ત્રણ મહિના બાઇબલ અભ્યાસ કર્યા પછી બાપ્તિસ્મા પામી. મને સમજણ પડી કે મારે બાપ્તિસ્મા લેવું જોઈએ. પરંતુ હકીકતમાં હું બાઇબલ સત્યને બરાબર સમજી શકતી ન હતી. કારણ કે મારી ભાષા માયા છે અને મને સ્પેનિશ ભાષામાં કંઈ ખાસ સમજણ પડતી ન હતી. ખરેખર, સત્ય સમજવામાં મને થોડો સમય લાગ્યો.” આજે, તે અને તેમના પતિ આનંદથી માયા ભાષાંતર ટીમમાં સેવા આપે છે.

મંડળમાં પણ સર્વ ભાઈબહેનો પોતાની ભાષામાં બાઇબલ પ્રકાશનો મેળવીને ખૂબ ખુશ છે. ત્સોટ્‌સીલ ભાષામાં પારાદેશ પૃથ્વી પર સદાકાળ જીવનનો આનંદ માણો! મોટી પુસ્તિકા બહાર પાડવામાં આવી ત્યારે, એક સ્ત્રીએ એને ગળે લગાડીને કહ્યું: “યહોવાહ, તમારો ઘણો આભાર!” અહેવાલ બતાવે છે કે ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ બાપ્તિસ્મા માટે ઝડપથી પ્રગતિ કરે છે. ઘણા ખ્રિસ્તી ભાઈઓને હવે એવું લાગે છે કે તેઓ મંડળમાં વધારે જવાબદારીઓ ઉપાડવા લાયક બન્યા છે. અમુક લોકો તો પોતાની ભાષામાં બાઇબલ સાહિત્ય મેળવવા અને એમાંથી શીખવા તરત જ તૈયાર થઈ જાય છે.

એક બહેન કોઈ સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ ચલાવતી હતી. એક વાર બહેન તેના ઘરે ગઈ તો, એ સ્ત્રી ઘરે ન હતી. પણ તેનો પતિ બહાર આવ્યો ત્યારે, બહેને તેને પુસ્તિકા ઑફર કરી. તે માણસે કહ્યું, “મને કંઈ નથી જોઈતું.” પણ બહેને તેને ટોટોનાકોમાં કહ્યું કે આ પુસ્તિકા તેમની પોતાની ભાષામાં છે. આ સાંભળતા જ તે ખુરશી ખેંચીને બેસી ગયો. બહેન તેની સામે વાંચતી ગઈ તેમ, તે કહેવા લાગ્યો, “આ સત્ય છે. હા, આ જ સત્ય છે!” હવે તે બધી સભાઓમાં આવે છે.

યુખટન રાજ્યમાં એક સાક્ષી બહેનનો પતિ સત્યનો ઘણો વિરોધ કરતો હતો. ઘણી વાર તો બહેન સભા પછી ઘરે જાય ત્યારે તેને મારતો પણ હતો. પરંતુ, માયા ભાષામાં સભાઓ શરૂ થઈ ત્યારે, તેણે તેના પતિને સાથે લઈ જવાનું નક્કી કર્યું. તે સભામાં આવ્યો અને તેને ખૂબ ખુશી થઈ. હવે તે નિયમિત સભાઓમાં આવે છે અને બાઇબલ અભ્યાસ કરે છે. તેણે પોતાની પત્નીને મારવાનું પણ બંધ કરી દીધું છે.

ટોટોનાકા ભાષા બોલતા એક માણસે બે સાક્ષી બહેનોને કહ્યું કે તે કદી પરમેશ્વરને પ્રાર્થના કરતો નથી. કેમ કે કૅથલિક પાદરીએ તેને કહ્યું હતું કે પરમેશ્વર ફક્ત સ્પેનિશ ભાષામાં જ પ્રાર્થના સાંભળે છે. આ કારણે તે પાદરીને પૈસા આપતો હતો જેથી તે ટોટોનાકા બોલતા લોકો માટે પ્રાર્થના કરી શકે. પછી બહેને સમજાવ્યું કે પરમેશ્વર દરેક ભાષામાં પ્રાર્થના સાંભળે છે. તેઓએ તેને ટોટોનાકા ભાષામાં પુસ્તિકા પણ આપી, જે જોઈને તેની ખુશીનો પાર ન રહ્યો.—૨ કાળવૃત્તાંત ૬:૩૨, ૩૩; ગીતશાસ્ત્ર ૬૫:૨.

“કુઆલ્સીન ટાક્ટોઉઆ”

ઘણા ભાઈ-બહેનો મૅક્સિકોની જુદી જુદી ભાષા શીખવા, કે પછી તેઓ જાણે છે એ ભાષામાં સુધારો કરવા ખૂબ મહેનત કરી રહ્યા છે. ઉત્તર પ્યુએબ્લા રાજ્યના નાવાટલ ભાષાના પાંચ મંડળોમાં સેવા આપતા પ્રવાસી નિરીક્ષક પણ આવું જ કરે છે. તે કહે છે: “સભા શરૂ થતાની સાથે જ સૂઈ જતા બાળકો હું નાવાટલમાં બોલું ત્યારે ધ્યાનથી સાંભળે છે. એક વાર સભા પૂરી થયા પછી, ચાર વર્ષના છોકરાએ મારી પાસે આવીને કહ્યું, ‘કુઆલ્સીન ટાક્ટોઉઆ’ (તમે બહુ સરસ બોલો છો). એનાથી મેં અનુભવ્યું કે મારી મહેનત પાણીમાં ગઈ નથી.”

મૅક્સિકોની ભાષાઓનું આ ક્ષેત્ર ખરેખર ‘કાપણીને સારૂ પાકી ચૂક્યું છે.’ (યોહાન ૪:૩૫) આ કાપણીમાં ભાગ લેનારાઓને બહુ ઉત્તેજન મળે છે. ભાષાંતર ટીમોની દેખરેખ રાખતા ભાઈ રોબેર્ટો છેલ્લે કહે છે: “ભાઈબહેનો પોતાની ભાષામાં સત્ય સાંભળીને એને સમજે છે ત્યારે, તેઓ કેટલા આનંદિત થઈ જાય છે! એ અનુભવ ક્યારેય ભૂલી શકાય એમ નથી. એ વિચારતા જ મારું હૃદય ભરાઈ આવે છે.” ખરેખર, આ નમ્ર લોકોને રાજ્યનું જ્ઞાન લેવામાં મદદ કરવાથી યહોવાહના હૃદયને પણ અનહદ આનંદ થાય છે.—નીતિવચનો ૨૭:૧૧.

[પાન ૧૦, ૧૧ પર બોક્સ]

કેટલાક ભાષાંતરકારોને મળો

• “હું બહુ નાની હતી ત્યારથી જ મારા માબાપે મને બાઇબલ સત્ય શીખવ્યું હતું. હું ૧૧ વર્ષની થઈ ત્યારે, મારા પપ્પાએ મંડળની સંગત છોડી દીધી. બે વર્ષ પછી, મારી મમ્મી અમને છોડીને જતી રહી. પાંચ ભાઈબહેનોમાં હું જ મોટી હતી, આથી મારે મમ્મીની જવાબદારીઓ ઉપાડી લેવી પડી. જોકે, એ સમયે હજુ હું સ્કૂલમાં જ હતી.

“અમારા મંડળના ભાઈબહેનો અમને બહુ પ્રેમાળ રીતે મદદ કરતા હતા. તોપણ જીવન કંઈ સહેલું ન હતું. અમુક સમયે મને થતું: ‘શા માટે મારી સાથે જ આવું થાય છે? હું તો હજુ કેટલી નાની છું!’ ફક્ત યહોવાહની મદદથી જ હું ટકી શકી. ગ્રેજ્યુએટ થયા પછી, હું પૂરા સમયની સેવિકા બની. એનાથી મને ઘણી મદદ મળી. નાહુઆટલ ભાષાંતર ટીમની શરૂઆત થઈ ત્યારે, મને એમાં કામ કરવા આમંત્રણ મળ્યું.

“મારા પપ્પા હવે પાછા મંડળમાં આવે છે, મારા નાના ભાઈબહેનો પણ યહોવાહની સેવા કરે છે. યહોવાહને વિશ્વાસુ રહેવું ખૂબ મહત્ત્વનું છે. તેમણે મારા કુટુંબને ઘણા આશીર્વાદો આપ્યા છે.”—આલીસીયા.

• “એક વાર અમારી સ્કૂલની છોકરીએ જીવનના ઉદ્‍ભવ વિષે ટૉક આપી હતી. તે યહોવાહની સાક્ષી હતી. ત્યારે હું ક્લાસમાં ગયો ન હોવાથી મેં એ ટૉક સાંભળી ન હતી. મને ચિંતા થતી હતી કે એ વિષે પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાશે તો હું શું કરીશ. આથી, મેં તેને એ વિષે કંઈક સમજાવવા કહ્યું. હું હંમેશાં વિચાર કરતો હતો કે શા માટે લોકો મરી જાય છે. તેણે મને ક્રિએશન પુસ્તક * અને બાઇબલ અભ્યાસની ઑફર કરી, મેં એ સ્વીકારી. સરજનહારનો હેતુ અને પ્રેમ ખરેખર મારા હૃદયને સ્પર્શી ગયા.

“સ્કૂલ પૂરી કર્યા પછી, મને સ્પેનિશ અને ત્સોટ્‌સીલ એમ બંને ભાષાના શિક્ષક બનવાની તક હતી. પરંતુ, એ માટે મારે બીજી જગ્યાએ જવું પડે એમ હતું. વધુમાં, શનિ-રવિ પણ વધારાના ક્લાસ લેવા પડે. એનાથી હું આપણી સભાઓ ચૂકી જાઉં એમ હતું. આથી, મેં કડિયાનું કામ શરૂ કર્યું. મારા પપ્પા સાક્ષી ન હતા, તેમને તો એ જરાય ગમ્યું નહિ. પછી મેં પાયોનિયર તરીકે સેવા આપવાનું શરૂ કર્યું. એ જ સમયે ત્સોટ્‌સીલ ભાષામાં આપણા સાહિત્યનું ભાષાંતર કરવા ટીમની શરૂઆત થઈ. છેવટે હું પણ એ ટીમમાં જોડાયો.

“મેં જોયું છે કે ભાઈબહેનોને પોતાની ભાષામાં પ્રકાશનો મેળવીને ખૂબ આનંદ થાય છે અને તેઓ એની ખૂબ કદર કરે છે. એનાથી મને ખૂબ સંતોષ થાય છે. ભાષાંતર કરવાનો આ એક અમૂલ્ય લહાવો હોય એવું હું અનુભવું છું.”—ઉંબર્ટો.

• “હું છ વર્ષની હતી ત્યારે મારી મમ્મી અમને છોડીને જતી રહી. હું તરુણ વયે પહોંચી ત્યારે મારા પપ્પા યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગ્યા. એક દિવસ એક બહેને મને પણ બાઇબલ અભ્યાસની ઑફર કરી. એમાં તેમણે યુવાનો માટેની સલાહ પણ આપી. મારી મમ્મી ન હોવાથી મને એવું લાગતું હતું કે યુવાનીમાં મને એની જ જરૂર હતી. પછી મેં ૧૫ વર્ષની વયે બાપ્તિસ્મા લીધું.

“વર્ષ ૧૯૯૯માં, મારા પપ્પાને અમુક ગુંડા જેવા લોકોએ મારી નાખ્યા કેમ કે તેઓને અમારી જમીન જોઈતી હતી. હું તો એકદમ ભાંગી પડી હતી. હું સાવ નિરાશામાં ડૂબી ગઈ હતી અને મને એમ જ લાગતું હતું કે હવે હું જીવી શકીશ નહિ. પરંતુ, શક્તિ માટે હું યહોવાહને સતત પ્રાર્થના કરતી હતી. પ્રવાસી નિરીક્ષક અને તેમની પત્નીએ મને બહુ ઉત્તેજન આપ્યું. ટૂંક સમયમાં જ હું નિયમિત પાયોનિયર બની.

“એક પ્રસંગે મેં જોયું કે કેટલાક લોકો ટોટોનૉકો ભાષામાં ફક્ત ૨૦ મિનિટની ટૉક સાંભળવા છ કલાક ચાલીને આવ્યા હતા. જોકે બાકીનો કાર્યક્રમ સ્પેનિશમાં હતો જે તેઓ જરાય સમજી શકતા ન હતા. તેથી, જ્યારે મને ટોટોનૉકો ભાષામાં બાઇબલ સાહિત્ય ભાષાંતર કરવાનું આમંત્રણ મળ્યું ત્યારે હું ખુશીથી ઊછળી પડી.

“હું મારા પપ્પાને કાયમ કહેતી કે મને યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચમાં કામ કરવાની તીવ્ર તમન્‍ના છે. તેમણે મને કહ્યું કે મારી ઉંમરની કુંવારી બહેનોને બેથેલમાં બોલાવવામાં આવતી નથી. હવે તો તે મરણની ઊંઘમાં પોઢી ગયા છે. પણ વિચાર કરો, તે સજીવન થઈને પાછા આવશે ત્યારે એ જાણીને તેમને કેટલી ખુશી થશે કે હું અમારી ભાષામાં બાઇબલ સાહિત્યનું ભાષાંતર કરવા માટે બેથેલમાં હતી!—ઈડીથ.

[ફુટનોટ]

^ લાઈફ—હાઉ ડીડ ઈટ ગેટ હીયર? બાય ઇવોલ્યૂશન ઓર બાય ક્રિએશન? યહોવાહના સાક્ષીઓએ ૧૯૮૫માં પ્રકાશિત કર્યું.

[પાન ૯ પર ચિત્ર]

ત્સોટ્‌સીલ ટીમ ભાષાંતરમાં મુશ્કેલ હોય એવા શબ્દની ચર્ચા કરે છે