સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના સાથથી બારાકે જીત મેળવી

યહોવાહના સાથથી બારાકે જીત મેળવી

યહોવાહના સાથથી બારાકે જીત મેળવી

કલ્પના કરો કે તમારી સામે સૈનિકોની મોટી સેના તીડોની જેમ આવી ચઢી છે. તેઓ પાસે જાત-જાતનાં હથિયારો છે અને લડાઈમાં જીતી જવાની પૂરી તૈયારી કરીને તેઓ આવ્યા છે. જાણે કે તેઓ સામે તમે ચોક્કસ હારી જવાના છો!

આવો જ સંજોગ ઈસ્રાએલના ન્યાયાધીશોના સમયમાં ઊભો થયો. બારાક, દબોરાહ અને ૧૦,૦૦૦ સૈનિકો સામે તેઓના દુશ્મન ચઢી આવ્યા. એ કનાની લોકો હતા અને તેઓનો સેનાપતિ સીસરા હતો. આ લડાઈ તાબોર પર્વત પાસે કીશોન નદીની ખીણમાં થઈ. કનાનીઓ પાસેના હથિયારોમાં ખાસ લોઢાના રથો હતા, જેના પૈડાંમાં ખતરનાક છરા હતા. તેમ છતાં, બારાક લડાઈ જીતી ગયો. ચાલો આપણે જોઈએ કે બારાકે આ મોટી જીત કેવી રીતે મેળવી. વળી, આ બનાવ બતાવે છે કે બારાકને યહોવાહ પર કેટલો અતૂટ વિશ્વાસ હતો.

યહોવાહને મદદ માટે પોકાર

ઈસ્રાએલી લોકોએ વારંવાર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું. તેથી, તેઓને પોતાનું કરેલું ભોગવવું પડ્યું. દરેક વખતે તેઓએ યહોવાહ પાસે દયાની ભીખ માંગી અને યહોવાહે કોઈકને મોકલીને તેઓને બચાવ્યા. પરંતુ, તેઓ યહોવાહને ભૂલી ગયા અને ફરી પાછા મન ફાવે તેમ વર્તીને, પાપમાં ફસાતા ગયા. આમ ન્યાયાધીશ એહૂદ, જેણે તેઓને મોઆબીના જુલમમાંથી છોડાવ્યા, ‘એના મરણ પછી ઈસ્રાએલપુત્રોએ ફરી યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.’ એટલે કે “તેઓએ નવા દેવોને પસંદ કર્યા.” એનું પરિણામ શું આવ્યું? “તેથી યહોવાહે તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં વેચી દીધા . . . અને ઈસ્રાએલપુત્રોએ યહોવાહને પોકાર કર્યો; કેમકે તેની [સીસરાની] પાસે લોઢાના નવસો રથ હતા; અને તેણે વીસ વર્ષ સુધી ઇસ્રાએલપુત્રો પર બહુ જ જુલમ કર્યો.”—ન્યાયાધીશો ૪:૧-૩; ૫:૮.

એ સમયમાં “રાજમાર્ગો અવડ [ઉજ્જડ] પડ્યા હતા, અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા. ઈસ્રાએલમાં ગામો ઉજ્જડ થયાં.” (ન્યાયાધીશો ૫:૬, ૭) વળી, લૂંટારૂઓ લૂંટફાટ કરવા આવતા હોવાથી, લોકો ખૂબ જ ગભરાતા હતા. બાઇબલના એક સ્કોલર કહે છે: “ઈસ્રાએલમાં લોકો ડરી-ડરીને જીવતા હતા. તેઓને મદદ કરનાર કોઈ ન હોવાથી, તેઓ સાવ નિરાશ થઈ ગયા હતા.” તેથી હંમેશની માફક, લોકોએ યહોવાહને મદદ માટે પોકાર કર્યો.

યહોવાહનું માર્ગદર્શન

ઈસ્રાએલી લોકો જુલમથી હેરાન-પરેશાન થઈ ગયા હતા. તેથી યહોવાહે પોતે પ્રબોધિકા દબોરાહને જણાવ્યું કે તે શું કરવાના છે. આમ, યહોવાહે દબોરાહને જાણે ઈસ્રાએલની મા જેવી બનાવીને મોકલી.—ન્યાયાધીશો ૪:૪; ૫:૭.

દબોરાહે બારાકને બોલાવીને કહ્યું: “ઈસ્રાએલના દેવ યહોવાહે શું તને એવી આજ્ઞા આપી નથી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો જા, ને નાફતાલીપુત્રોમાંથી તથા ઝબુલૂનપુત્રોમાંથી દશ હજાર પુરુષને તારી સાથે લે? અને યાબીનની ફોજના સેનાપતિ સીસરાને તેના રથો તથા સૈન્ય સુદ્ધાં હું તારી પાસે કીશોન નદીને કાંઠે લાવીશ; અને હું તેને તારા હાથમાં સોંપી દઈશ.” (ન્યાયાધીશો ૪:૬, ૭) ‘યહોવાહે શું તને એવી આજ્ઞા આપી નથી,’ એમ કહીને દબોરાહે પોતાને નહિ, પણ યહોવાહને માન આપ્યું. આમ, દબોરાહ પોતે ફુલાઈ ગઈ નહિ, પણ યહોવાહે જેમ કહ્યું તેમ જ કર્યું. એ સાંભળીને બારાકે શું કર્યું?

બારાકે કહ્યું: “જો તું મારી સાથે આવે, તો હું જાઉં; પણ જો તું મારી સાથે નહિ આવે, તો હું નહિ જાઉં.” (ન્યાયાધીશો ૪:૮) શું બારાક આ યુદ્ધમાં જવા માટે ગભરાતો હતો? શું તેને યહોવાહમાં ભરોસો ન હતો? એવું જરાય ન હતું. યહોવાહે જેમ કહ્યું તેમ જ બારાકે કર્યું. પરંતુ, તેને એકલા જવું ન હતું. દબોરાહને પોતાની સાથે લઈ જઈને, બારાકને યહોવાહનો સો ટકા સાથ જોઈતો હતો. તેથી, અહીં દેખાય આવે છે કે બારાકને યહોવાહમાં પૂરો ભરોસો હતો.

મુસા, ગિદઓન અને યિર્મેયાહની જેવી જ બારાકની સ્થિતિ હતી. તેઓને પણ લાગ્યું હતું કે યહોવાહે સોંપેલું કામ તેઓ પોતે કરી શકશે નહિ. પરંતુ, તેઓ કંઈ અવિશ્વાસુ ન હતા. (નિર્ગમન ૩:૧૧–૪:૧૭; ૩૩:૧૨-૧૭; ન્યાયાધીશો ૬:૧૧-૨૨, ૩૬-૪૦; યિર્મેયાહ ૧:૪-૧૦) દબોરાહ વિષે શું? તે અભિમાનથી ફુલાઈ ગઈ નહિ, પણ હંમેશાં યહોવાહના કહેવા પ્રમાણે જ કર્યું. તેણે બારાકને કહ્યું: “હું તારી સાથે ખચીત આવીશ.” (ન્યાયાધીશો ૪:૯) જો દબોરાહ ધારે તો તેને યુદ્ધમાં જવાની કોઈ જરૂર ન હતી, કેમ કે તે પોતાના ઘરમાં સલામત હતી. પરંતુ, તેને યહોવાહ પર પૂરો ભરોસો હોવાથી, તે બારાક સાથે જવા નીકળી પડી.

યહોવાહ પર પૂરો ભરોસો

યહોવાહે ઈસ્રાએલી સેનામાંથી બધાને નહિ, પણ ફક્ત નાફતાલી અને ઝબુલૂનના ૧૦,૦૦૦ સૈનિકોને લઈ જવાનું કહ્યું. તેઓ તાબોર પર્વતની નજીકમાં જ રહેતા હતા. તેથી, યહોવાહે આપેલી આજ્ઞા પ્રમાણે, દબોરાહ અને એ દસ હજાર સૈનિકો બારાક સાથે પર્વત પર ચઢી ગયા.

બારાક અને તેના સાથીઓને યહોવાહમાં પૂરા ભરોસાની જરૂર હતી. શા માટે? યહોવાહે વચન આપ્યું હતું કે તે બારાકને ચોક્કસ જીત અપાવશે. પરંતુ, બારાક અને તેની સેના પાસે કયા હથિયાર હતા? ન્યાયાધીશો ૫:૮કહે છે: ‘ઇસ્રાએલના ચાળીસ હજાર મધ્યે કોઇની પાસે ઢાલ કે બરછી દેખાતી ન હતી.’ અરે, જો કોઈ હથિયારો હોય, તોપણ કનાનીઓના લોઢાના રથોની સામે એ શું કામનાં? બારાક પર્વત પર ચઢી ગયો હતો, એ સીસરાએ સાંભળ્યું. એટલે તે પણ તેના રથો અને સેનાને લઈને કીશોન નદીની ખીણમાં પહોંચી ગયો. (ન્યાયાધીશો ૪:૧૨, ૧૩) જો કે સીસરા એ ભૂલી ગયો કે તે માણસ સામે નહિ, પણ પરમેશ્વરની સામે લડી રહ્યો હતો.

બારાકને જીત મળી

બારાક અને તેની સેનાએ તાબોર પર્વત પરથી નીચે ખીણમાં ઊતરવાનું હતું. તેથી, સીસરા માટે આસાન હતું કે પોતાના રથોનો ભરપૂર ઉપયોગ કરી શકે. જો તમે બારાકની સેનામાં હોત તો શું કર્યું હોત? શું તમે એમ વિચાર્યું હોત કે કંઈ વાંધો નહિ, યહોવાહ આપણી સાથે જ છે? જ્યારે ખરી લડાઈ શરૂ થઈ, ત્યારે દબોરાહે બારાકને કહ્યું: “આજે યહોવાહે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે; યહોવાહ તારી આગળ ગયો નથી શું?” બારાક અને તેના દસ હજાર સાથીઓએ યહોવાહના કહેવા પ્રમાણે જ કર્યું. તેથી, “યહોવાહે સીસરાનો, તથા તેના સર્વ રથોનો, તથા તેના સર્વ સૈન્યનો બારાકની આગળ તરવારથી પરાભવ [વિનાશ] કર્યો.”—ન્યાયાધીશો ૪:૧૪, ૧૫.

યહોવાહના સાથથી બારાકને સીસરા સામે મોટી જીત મળી. જો કે યુદ્ધ વખતે જે બન્યું એની ઝીણી ઝીણી વિગતો આપવામાં આવી નથી. પરંતુ, લડાઈના સમયે એવો ધોધમાર વરસાદ વરસ્યો કે સીસરાના રથો ત્યાં જ કાદવ-કીચડમાં ફસાય ગયા. આમ, બારાકને સીસરાની સેના પર હુમલો કરવાનો મોકો મળી ગયો. કનાનીઓ જેના પર ભરોસો રાખતા હતા, એ રથો જ ખરા સમયે નકામા બની ગયા. સીસરા અને તેની સેનાએ મોટી હાર ખાધી. ત્યાર પછી બારાક અને દબોરાહે જીતની ખુશીમાં જે ગીત ગાયું, એમાં જણાવ્યું: “આકાશ પણ ટપક્યું, હા, મેઘોમાંથી પાણી ટપક્યું. . . . કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઇ.”—ન્યાયાધીશો ૫:૪, ૨૧.

આ દૃશ્ય જોઈને તમને કેવું લાગ્યું હોત? કીશોનની ખીણમાં આમ તો ફક્ત નાનું ઝરણું વહેતું હતું. પરંતુ, ધોધમાર વરસાદથી ખીણમાં પાણી ભરાઈ ગયું. ત્યાં ભયાનક, ખળખળતી નદી વહેવા લાગી. પહેલા વિશ્વયુદ્ધમાં, એ જ જગ્યા પર ફક્ત ૧૫ મિનિટ ભારે વરસાદ પડ્યો. એ કારણે ઘોડેસવારો ત્યાં જ કાદવ-કીચડમાં ફસાઈ ગયા હતા. વળી એપ્રિલ ૧૬, ૧૭૯૯માં તાબોર પર્વત પર નેપોલિયન અને તૂર્કીઓ વચ્ચે યુદ્ધ થયું હતું. એ વખતે પણ “ઘણા તૂર્કીઓ જીવ લઈને નાસી છૂટવા માંગતા હતા. પણ તેઓ કીશોન નદીના ધસમસતા પાણીમાં ડૂબી મર્યા.”

એક યહૂદી ઇતિહાસકાર, ફ્લેવિયસ જોસેફસ આ બનાવ વિષે કહે છે: સીસરા અને બારાક પોતપોતાના સૈન્ય લઈને સામસામે આવી જ ગયા હતા. એવામાં “આકાશમાંથી ધોધમાર વરસાદ અને કરા પડ્યા. સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાતો હતો. એ વરસાદને સીધો કનાનીઓના મોં પર ખેંચી જતો હતો. એનાથી જાણે તેઓની આંખે અંધારા છવાઈ ગયા. આમ, તેમનું બાણ કે કોઈ પણ હથિયાર કામ ન લાગ્યું.”

ન્યાયાધીશો ૫:૨૦કહે છે: “આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું; તેઓએ પોતપોતાની કક્ષાઓમાં સીસરાની સામે યુદ્ધ કર્યું.” પરંતુ, સીસરા સાથે તારા કઈ રીતે લડ્યા? ઘણા કહે છે કે સીસરાની સામે દેવ લડ્યા હતા. જ્યારે ઘણા કહે છે કે, એ તો સ્વર્ગદૂતો હતા અથવા તો એ તારાઓનો વરસાદ હતો. અથવા તો જાણે જ્યોતિષીઓએ સીસરાનું ભાવિ ભાખ્યું હતું એ ખોટું પડ્યું. જો કે, બાઇબલ જણાવતું નથી કે તારાઓએ કઈ રીતે યુદ્ધ કર્યું. પરંતુ, એક બાબત ચોક્કસ છે કે, ઈસ્રાએલી સેનાને યહોવાહનો પૂરો સાથ હતો. વળી, ઈસ્રાએલી લોકોએ એ મોકાનો પૂરો ફાયદો ઉઠાવ્યો: “બારાક તે રથોની તથા સૈન્યની પાછળ પડ્યો; અને સીસરાનું આખું સૈન્ય તરવારથી પડ્યું; એક પણ માણસ બચ્યું નહિ.” (ન્યાયાધીશો ૪:૧૬) પરંતુ, સીસરાનું શું થયું?

સીસરા એક સ્ત્રીના હાથમાં આવી પડ્યો

બાઇબલ કહે છે: “[યુદ્ધમાંથી] નાસી છૂટેલો સીસરા હેબેર કેનીની પત્ની યાએલના તંબુએ પહોંચી ગયો, કારણ કે હાસોરના રાજા યાબીન તથા હેબેર કેનીના વંશજોની વચ્ચે મૈત્રી સંબંધો હતા.” તેથી, થાકેલા-પાકેલા સીસરાને યાએલે તંબુમાં બોલાવ્યો. યાએલે તેને પીવા માટે દૂધ આપ્યું અને ધાબળો આપ્યો જે ઓઢીને તે સૂઈ ગયો. તે ભર ઊંઘમાં હતો ત્યારે, યાએલે “પોતાના હાથમાં હથોડી તથા તંબુનો ધારદાર ખીલો લઇને ધીમે ધીમે તેની પાસે ગઇ ને તેના લમણામાં એવો સજ્જડ ઠોકી દીધો કે તે આરપાર થઇને જમીનમાં પેસી ગયો. આમ સીસરા મરણ પામ્યો.”—ન્યાયાધીશો ૪:૧૭-૨૧, IBSI.

ત્યાર પછી, યાએલ બારાકને મળવા બહાર આવી અને કહ્યું: “અંદર આવ તું જેને શોધે છે તે માણસ તને બતાવું. બારાક તંબુમાં તેની સાથે ગયો અને જોયું કે સીસરા મૂએલો પડયો હતો ને તેના લમણામાં ખીલો હતો.” (ન્યાયાધીશો ૪:૨૨, IBSI) ખરેખર, આ જોઈને બારાકનો વિશ્વાસ કેટલો દૃઢ થઈ ગયો હશે! બારાકને દબોરાહના શબ્દો યાદ આવ્યા હશે: “તું જે કૂચ કરવાનો છે તેમાં તને જશ મળશે નહિ; કેમકે યહોવાહ એક સ્ત્રીના હાથમાં સીસરાને વેચી દેશે.”—ન્યાયાધીશો ૪:૯.

શું યાએલે સીસરાને છેતર્યો હતો? ના, યહોવાહની નજરે એમ ન હતું. એના બદલે બારાક અને દબોરાહનું વિજયી ગીત જણાવે છે કે, “તંબુમાંની સ્ત્રીઓના કરતાં તેને ધન્ય છે.” ખરેખર, સીસરા મરણને યોગ્ય જ હતો. હવે બીજી બાજુ, સીસરાની મા તો કાગ ડોળે રાહ જોઈ રહી છે કે તે હમણાં યુદ્ધમાંથી પાછો આવશે. તે પૂછે છે: “તેના રથને આવતાં આટલી વાર કેમ?” ત્યારે “તેની શાણી સખીઓએ” તેને શાંત પાડતા સમજાવ્યું કે કેમ સીસરાને મોડું થયું હોય શકે. તેની સખીઓ પૂછે છે: “શું તેઓને લૂટ તો મળી નહિ હોય, શું તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુમારિકાઓ આવી હશે; શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો, તથા રંગબેરંગી જરીકામનો હિસ્સો, એટલે ગળાની બન્‍ને બાજુએ રંગબેરંગી જરીકામવાળા વસ્ત્રની લૂટનો હિસ્સો મળ્યો હશે?”—ન્યાયાધીશો ૫:૨૪, ૨૮-૩૦.

આપણા માટે સુંદર દાખલો

આ બનાવ આપણને ઘણું શીખવે છે. દાખલા તરીકે, યહોવાહને છોડી જનારા લોકોના જીવનમાં ઘણાં દુઃખ આવે છે. એવા લોકોએ પસ્તાવો કરીને યહોવાહની માફી માંગવાની જરૂર છે. વળી, જો તેઓ યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખે, તો તે ચોક્કસ તેઓને મદદ કરશે. યાદ છે કે બારાકે યહોવાહ પર પૂરો ભરોસો રાખ્યો અને તેમના કહ્યા પ્રમાણે જ કર્યું. તેથી જ તે “વિદેશીઓની ફોજોને નસાડી” શક્યો. (હેબ્રી ૧૧:૩૨-૩૪) એ બહુ જ મહત્ત્વનું છે કે આપણે યહોવાહ જે કહે એ જ કરીએ. ભલેને પછી તેમનું કહેવું અઘરું લાગતું હોય, છતાં પણ એ આપણા ભલા માટે જ છે.—યશાયાહ ૪૮:૧૭, ૧૮.

દબોરાહ અને બારાકનું ગીત છેલ્લે કહે છે: “હે યહોવાહ, તારા સર્વ વેરી એમજ નાશ પામે; પણ જેઓ તેના પર પ્રીતિ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ તેજથી ઉદય પામે છે, તેના જેવા થાઓ.” (ન્યાયાધીશો ૫:૩૧) શેતાનના જગતનો વિનાશ થશે ત્યારે, યહોવાહના આ શબ્દો ચોક્કસ સાચા પડશે!

[પાન ૨૯ પર ચિત્ર]

યહોવાહે બારાકને સંદેશો આપવા દબોરાહને પસંદ કરી

[પાન ૩૧ પર ચિત્ર]

બંને કિનારે ઉભરાતી કીશોન નદી

[ક્રેડીટ લાઈન]

Pictorial Archive (Near Eastern History) Est

[પાન ૩૧ પર ચિત્ર]

તાબોર પર્વત