સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમે હંમેશાં યહોવાહના નામમાં શ્રદ્ધા રાખીશું!

અમે હંમેશાં યહોવાહના નામમાં શ્રદ્ધા રાખીશું!

અમે હંમેશાં યહોવાહના નામમાં શ્રદ્ધા રાખીશું!

“અ સદાસર્વકાળ અમારા દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.”મીખાહ ૪:૫.

૧. મીખાહ ૩થી ૫ અધ્યાયોમાં શું જોવા મળે છે?

 યહોવાહ પોતાના લોકોને સંદેશો આપવા પ્રબોધક મીખાહને મોકલે છે. યહોવાહ, ખોટું કરનારાઓને પાઠ ભણાવવા માંગે છે. હવે તે ઈસ્રાએલી લોકોને શિક્ષા કરવાના હતા, કેમ કે તેઓ ખોટા માર્ગે ભટકી ગયા હતા. પરંતુ, ખુશીની વાત છે કે યહોવાહ પોતાના માર્ગમાં ચાલનારાઓને આશીર્વાદ આપવાના હતા. આ આપણને મીખાહના ૩થી ૫ અધ્યાયોમાં જોવા મળે છે.

૨, ૩. (ક) ઈસ્રાએલના આગેવાનોએ શું કરવાનું હતું પરંતુ તેઓ શું કરતા હતા? (ખ) મીખાહ ૩:૨, ૩ સમજાવો.

મીખાહે જણાવ્યું: “હે યાકૂબના નેતાઓ, અને ઈસ્રાએલ લોકોના અધિકારીઓ, તમે કૃપા કરીને સાંભળો: અદલ ઈન્સાફ કરવો એ શું તમારી ફરજ નથી?” એના બદલે તેઓ શું કરી રહ્યા હતા? “તમે તો ભલાને ધિક્કારો છો, ને ભૂંડાને ચાહો છો; તમે તેઓનાં અંગ પરથી તેઓની ચામડી ઉતારી લો છો, ને તેઓનું માંસ તેઓનાં હાડકાં પરથી ચૂંટી લો છો; તમે મારા લોકનું માંસ પણ ખાઓ છો; તમે તેમની ચામડી તેમના પરથી ઊતારી લો છો, ને હાંલ્લીને સારૂ તૈયાર કરે છે તેમ, અથવા કઢાઈમાંના માંસની પેઠે તેમનાં હાડકાં ભાંગીને, ને તેમને કાપીને, ટુકડેટુકડા કરો છો.”—મીખાહ ૩:૧-૩.

આગેવાનો ગરીબ લોકો પર જુલમ ગુજારતા હતા. એ સમજાવવા માટે યહોવાહ એક દૃષ્ટાંત વાપરે છે. તે બતાવે છે કે આગેવાનો જંગલી જાનવરોની જેમ વર્તતા હતા. એક કાપેલા ઘેટાને બાફતા પહેલાં, એની ચામડી ઉતારીને ટુકડા કરવામાં આવે છે. કેટલીક વાર, હાડકાંમાં રહેલી ચરબી કાઢવા માટે એને તોડવામાં આવે છે. મીખાહે બતાવ્યું તેમ, માંસ અને હાડકાંને કઢાઈ જેવા મોટા વાસણમાં બાફવામાં આવે છે. (હઝકીએલ ૨૪:૩-૫, ૧૦) મીખાહના સમયમાં ક્રૂર આગેવાનો લોકો સાથે કેવો ખરાબ વર્તાવ કરતા, એ આ દૃષ્ટાંત સારી રીતે બતાવે છે!

યહોવાહ ન્યાય ચાહે છે

૪. યહોવાહ અને ઈસ્રાએલના આગેવાનો વચ્ચે શું ફરક છે?

યહોવાહ એક પ્રેમાળ મા જેવા છે, જેમને પોતાના લોકો જીવથીયે વહાલા છે. પરંતુ, ઈસ્રાએલના આગેવાનો તો પોતાના લોકોનું રક્ષણ કરવાની વાત તો બાજુએ, પણ તેઓ સાથે અન્યાયથી વર્ત્યા. મીખાહ ૩:૧૦ પ્રમાણે તેઓએ “રક્તપાત” કર્યો. આજે આપણે એમાંથી શું શીખી શકીએ?

૫. આગેવાની લેનારાઓ પાસે યહોવાહ શાની આશા રાખે છે?

યહોવાહ ઇચ્છે છે કે તેમના ભક્તોમાં જેઓ આગેવાની લે છે, તેઓ ન્યાયથી વર્તે. આજે યહોવાહના સેવકો ન્યાયથી વર્તે છે, કેમ કે યશાયાહ ૩૨:૧ જણાવે છે: “જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે, ને સરદારો ઈન્સાફથી અધિકાર ચલાવશે.” તેમ છતાં, મીખાહના સમયમાં, આપણને ઊંધું જ જોવા મળે છે. તેઓ ‘ભલાને ધિક્કાર અને ભૂંડાને ચાહતા’ હોવાના કારણે કોઈને સાચો ન્યાય મળતો ન હતો.

કોની પ્રાર્થનાઓનો જવાબ મળે છે?

૬, ૭. મીખાહ ૩:૪માં કયો મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે?

શું મીખાહના સમયના દુષ્ટ લોકો યહોવાહની કૃપા મેળવી શકે? એનો જવાબ આપતા મીખાહ ૩:૪ બતાવે છે: “તેઓ યહોવાહના આગળ પોકાર કરશે, પણ તે તેઓને ઉત્તર આપશે નહિ; હા, તેઓએ દુષ્કર્મો કર્યાં છે તેને લીધે તે વખતે તે તેમનાથી વિમુખ થશે.” આ બહુ મહત્ત્વનો મુદ્દો છે.

આપણે પાપ કરતા રહીશું તો યહોવાહ આપણી પ્રાર્થનાનો જવાબ આપશે નહિ. જો આપણે છાની છૂપી રીતે પાપ કરીશું અને બીજી બાજુ યહોવાહની સેવા કરવાનો ઢોંગ કરીશું તો આપણી પણ પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે નહિ. ગીતશાસ્ત્ર ૨૬:૪માં દાઊદ રાજાએ કહ્યું: “દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી; કપટીઓની સાથે હું વહેવાર રાખીશ નહિ.” તો પછી, જાણીજોઈને પાપ કરતા લોકોની પ્રાર્થનાઓ પરમેશ્વર કઈ રીતે સાંભળે?

યહોવાહની શક્તિ મેળવો

૮. મીખાહના સમયના જૂઠા પ્રબોધકોને કઈ ચેતવણી આપવામાં આવી?

ઈસ્રાએલના આગેવાનો ઘોર અપરાધ કરવામાં ગળાડૂબ હતા. જૂઠા પ્રબોધકો પરમેશ્વરના લોકોને પોતાની જ માયાજાળમાં ફસાવી રહ્યા હતા. લોભી આગેવાનો પોકારતા કે “શાંતિ” થાઓ. પરંતુ જો કોઈ તેઓને ખાવા-પીવાનું ન આપે તો ધૂંવાંપૂવાં થઈ જતા. “તેને લીધે” યહોવાહ કહે છે: “તમારે માટે એવી રાત પડશે કે જેમાં તમને સંદર્શન થશે નહિ; અને તમારે માટે એવો અંધકાર થશે કે તમે જોષ જોઈ શકશો નહિ; અને પ્રબોધકોનો સૂર્ય અસ્ત પામશે, ને દિવસ તેમને માટે અંધકારમય થઈ પડશે. દૃષ્ટાઓ લજ્જિત થશે, ને જોષીઓ ભોંઠા પડશે; હા, તેઓ સર્વ પોતાના હોઠ ઢાંકી દેશે” [‘શરમથી મુખ ઢાંકશે,’ IBSI].—મીખાહ ૩:૫-૭.

૯, ૧૦. ‘મુખ ઢાંકવાનો’ શું અર્થ થાય છે, અને શા માટે મીખાહને મુખ ઢાંકવાની જરૂર ન હતી?

ખરેખર, તેઓ ‘મુખ ઢાંકશે,’ કારણ કે પોતાનાં કાર્યોને લીધે આ પાપી માણસોએ શરમાવું પડશે. વળી, તેઓને “દેવ તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી.” (મીખાહ ૩:૭) યહોવાહ દુષ્ટોની પ્રાર્થના તરફ જરાય ધ્યાન આપતા નથી.

૧૦ બીજી બાજુ, મીખાહને ‘મુખ ઢાંકવાની’ કોઈ જરૂર ન હતી. તે કંઈ શરમથી મોં છૂપાવતા ન હતા. યહોવાહે તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો. મીખાહ ૩:૮માં તે કહે છે: “હું યહોવાહના આત્મા વડે ખચીત બળથી, ન્યાયથી તથા સામર્થ્યથી ભરપૂર છું.” મીખાહ યહોવાહનો ઘણો જ આભાર માને છે, કારણ કે પોતાના સેવાકાર્યમાં તે હંમેશાં ‘યહોવાહના આત્માથી ભરપૂર’ હતા. યહોવાહ તેમને શક્તિ આપી કે તે ‘યાકૂબને તેનો અપરાધ તથા ઈસ્રાએલને તેનું પાપ કહી બતાવે.’

૧૧. આપણે કઈ રીતે પરમેશ્વરનો સંદેશો જાહેર કરી શકીએ છીએ?

૧૧ યહોવાહ લોકો પર જે શિક્ષા લાવવાના હતા, એ જાહેર કરવું શું સહેલું હતું? ના, મીખાહને એ માટે યહોવાહની શક્તિ દ્વારા મદદની ખૂબ જ જરૂર હતી. આજે આપણા વિષે શું? યહોવાહ આપણને પવિત્ર આત્મા દ્વારા શક્તિ આપે તો જ આપણે પ્રચાર કામ પૂરું કરી શકીએ છીએ. જો આપણે જાણીજોઈને પાપ કરતા રહીએ, તો આપણું પ્રચાર કામ અર્થ વગરનું છે. વળી, યહોવાહ આપણી પ્રાર્થનાઓ સાંભળશે નહિ અને શક્તિ પણ નહિ આપે. “યહોવાહનો આત્મા” આપણા પર નહિ આવે તો, આપણે યહોવાહનો સંદેશો જાહેર કરી શકીશું નહિ. પરંતુ, યહોવાહ આપણી પ્રાર્થનાઓ સાંભળીને શક્તિ આપે છે ત્યારે, આપણે પણ મીખાહની જેમ હિંમતથી પરમેશ્વરનો સંદેશો જાહેર કરી શકીએ છીએ.

૧૨. કઈ રીતે ઈસુના શિષ્યો હિંમતથી પરમેશ્વરનો સંદેશો પ્રગટ કરી શક્યા?

૧૨ પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૩-૩૧નો અહેવાલ તમે યાદ કરી શકો. કલ્પના કરો કે તમે પ્રથમ સદીના ઈસુના શિષ્યોમાંના એક છો. ધર્મ ઝનૂનીઓ ખ્રિસ્તના શિષ્યોને પ્રચાર કરતા રોકવા આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. પરંતુ આ વફાદાર લોકો પરમેશ્વરને આજીજી કરે છે: “હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે, અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ.” શું યહોવાહે તેઓની પ્રાર્થના સાંભળી? હા. તેઓએ પ્રાર્થના પૂરી કરી ત્યારે, તેઓ જે મકાનમાં ભેગા મળ્યા હતા એ હાલ્યું; તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને પરમેશ્વરનો સંદેશો હિંમતથી પ્રગટ કરવા લાગ્યા! ચાલો આપણે પણ પ્રાર્થનામાં યહોવાહ પાસે મદદ માંગતા અચકાઈએ નહિ. પ્રચાર કામમાં પણ આપણે હંમેશાં તેમની શક્તિ પર આધાર રાખીએ.

૧૩. યરૂશાલેમ અને સમરૂનનું શું થવાનું હતું અને શા માટે?

૧૩ આપણે ફરી પાછા મીખાહના સમયમાં જઈએ. મીખાહ ૩:૯-૧૨ અનુસાર, નેતાઓ લાંચ લઈને ઇન્સાફ કરે છે, ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે, ને તેના પ્રબોધકો પૈસા લઈને જોષ જુએ છે. એટલા માટે જ યહોવાહ ‘યરૂશાલેમનો ઢગલો કરી નાખશે.’ ઈસ્રાએલમાં પણ જૂઠી ઉપાસના અને ભ્રષ્ટાચાર બરાબર ફૂલ્યો-ફાલ્યો હોવાથી, યહોવાહે તેઓને ચેતવણી આપી કે સમરૂનને ‘ઢગલા જેવું’ કરી નાખવામાં આવશે. (મીખાહ ૧:૬) એ જ પ્રમાણે, ઈ.સ. પૂર્વે ૭૪૦માં આશ્શૂરે સમરૂનનો વિનાશ કરી દીધો. પ્રબોધક મીખાહે પોતે પણ એ વિનાશ જોયો! (૨ રાજાઓ ૧૭:૫, ૬; ૨૫:૧-૨૧) એનાથી જોવા મળે છે કે યહોવાહની શક્તિથી જ મીખાહ યરૂશાલેમ અને સમરૂનને આવનાર ન્યાયચુકાદો જણાવી શક્યા.

૧૪. મીખાહ ૩:૧૨ની ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડી, અને એમાંથી આપણે શું શીખીએ છીએ?

૧૪ યહુદાહ પણ યહોવાહના હાથમાંથી બચી શકે એમ નથી. મીખાહ ૩:૧૨ની ભવિષ્યવાણી પ્રમાણે, સિયોન “ખેતરની પેઠે ખેડાશે.” ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોને, યહુદાહ અને યરૂશાલેમનો નાશ કર્યો. મીખાહની આ ભવિષ્યવાણી સો વર્ષ પછી પૂરી થઈ હતી. તોપણ તેમને દૃઢ વિશ્વાસ હતો કે એ જરૂર સાચી પડશે. એવી જ રીતે આપણે પણ ખાતરી રાખી શકીએ કે આ પાપી જગતનો અંત જરૂર આવશે.—૨ પીતર ૩:૧૧, ૧૨.

યહોવાહ બાબતો થાળે પાડે છે

૧૫. મીખાહ ૪:૧-૪ની ભવિષ્યવાણી તમારા પોતાના શબ્દોમાં જણાવો.

૧૫ પછી મીખાહ આશાનો સંદેશો જણાવે છે. મીખાહ ૪:૧-૪માં સુંદર શબ્દો જોવા મળે છે. મીખાહ જણાવે છે: “પાછલા દિવસોમાં યહોવાહના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે, ને તેને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે. . . . તે ઘણી પ્રજાઓની વચ્ચે ન્યાય કરશે, ને દૂરના બળવાન લોકોનો ઈન્સાફ કરશે; અને તેઓ પોતાની તરવારોને ટીપીને હળની કોશો બનાવશે, ને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ. પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમકે સૈન્યોના યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.”

૧૬, ૧૭. મીખાહ ૪:૧-૪ની ભવિષ્યવાણી આજે કઈ રીતે પૂરી થઈ રહી છે?

૧૬ આ ભવિષ્યવાણીમાં “ઘણી પ્રજાઓ” અને “બળવાન લોકો” કોણ છે? તેઓ કંઈ આ જગતના દેશો કે સરકારો નથી. એ તો યહોવાહની ઉપાસના કરવા એકઠાં થઈ રહેલા એવા લોકોને બતાવે છે, જેઓ સર્વ દેશોમાંથી આવેલા છે.

૧૭ મીખાહની ભવિષ્યવાણી પ્રમાણે, બહુ જલદી જ આખા જગતમાં યહોવાહની ઉપાસના કરવામાં આવશે. આજે, જેઓ હંમેશ માટે જીવવાની તમન્‍ના રાખે છે, તેઓ આમ-તેમ ફંટાયા વિના યહોવાહના માર્ગ પર ચાલી રહ્યા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) યહોવાહ પોતાના ભક્તોને પૂરેપૂરું માર્ગદર્શન આપે છે. તેઓ ‘મોટી સભાના’ ભાગ તરીકે “મોટી વિપત્તિમાંથી” બચી જશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪) તેઓએ પોતાની તલવારોને ટીપીને હળ બનાવી છે. એટલે કે તેઓ એકબીજા સાથે શાંતિમાં રહે છે. તેઓ સાથે રહેવું કેવો મોટો આશીર્વાદ છે!

યહોવાહના નામમાં શ્રદ્ધા રાખવાનો નિર્ણય

૧૮. ‘પોતાની દ્રાક્ષવાડી અને અંજીરના ઝાડ નીચે બેસવાનો’ શું અર્થ થાય છે?

૧૮ આજે આખી દુનિયામાં લોકો ભયમાં જીવે છે. આવા કપરા સમયમાં પણ ઘણા લોકોને યહોવાહ વિષે શીખતા જોઈને આપણને કેટલો આનંદ થાય છે! આપણે એ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે યહોવાહના ભક્તો શાંતિથી રહેશે અને તેઓ પોતાના દ્રાક્ષાવેલા તથા પોતાની અંજીરી તળે બેસશે. અંજીરનું ઝાડ મોટે ભાગે દ્રાક્ષવાડીમાં રોપવામાં આવે છે. (લુક ૧૩:૬) પોતાના દ્રાક્ષવેલા અને અંજીરના ઝાડ નીચે બેસવાનો શું અર્થ થાય? એનો અર્થ એમ થાય કે યહોવાહના ભક્તો અપાર સુખ-શાંતિમાં રહેશે; તેઓને કશાનો ડર લાગશે નહિ. અરે, હમણાં પણ આપણે યહોવાહ સાથે ગાઢ સંબંધ રાખીએ છીએ ત્યારે, તેમના માર્ગમાં ટકી રહેવા આપણને મદદ મળે છે. વિચાર કરો કે આવી જ પરિસ્થિતિ પરમેશ્વરના રાજ્ય હેઠળ આવશે ત્યારે, આપણને કોઈ પ્રકારની બીક નહિ લાગે અને આપણે સંપૂર્ણ સલામતી અનુભવીશું.

૧૯. યહોવાહના નામમાં શ્રદ્ધા રાખીને ચાલવાનો શું અર્થ થાય?

૧૯ યહોવાહની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે, આપણે તેમના નામમાં જ શ્રદ્ધા રાખવી જોઈએ. મીખાહ ૪:પ કહે છે: “સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, અને અમે સદાસર્વકાળ અમારા દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.” યહોવાહ આપણા પરમેશ્વર છે એમ માનવું જ પૂરતું નથી. આપણે નિયમિત સભાઓમાં જવું જોઈએ, અને પ્રચાર કાર્યમાં ભાગ લેવો જોઈએ. આ બધા મહત્ત્વનાં કાર્યો છે. જો આપણે યહોવાહના નામમાં શ્રદ્ધા રાખવી હોય તો, આપણે તેમને સમર્પણ કરવું જોઈએ અને પૂરા તન-મનથી તેમની ભક્તિ કરવી જોઈએ. (માત્થી ૨૨:૩૭) યહોવાહના ઉપાસકો તરીકે, આપણે હંમેશાં તેમના નામમાં શ્રદ્ધા રાખીને ચાલવાનો પાક્કો નિર્ણય કર્યો છે.

૨૦. મીખાહ ૪:૬-૧૩માં શું ભાખવામાં આવ્યું?

૨૦ ચાલો હવે મીખાહ ૪:૬-૧૩ની ભવિષ્યવાણીને ધ્યાન આપીએ. ‘સિયોનની પુત્રીએ બાબેલની’ ગુલામીમાં જવું જ પડશે. આ ભવિષ્યવાણી ઈ.સ. પૂર્વે ૬૦૭માં પૂરી થઈ. મીખાહની ભવિષ્યવાણી એમ પણ બતાવે છે કે ‘યહુદાહના બાકી રહેલાઓ પાછા ફરશે.’ વળી, સાચી ઉપાસના ફરીથી શરૂ કરાશે ત્યારે, યહોવાહ તેમના દુશ્મનોનો અંત લાવી દેશે.

૨૧, ૨૨. મીખાહ ૫:૨ની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?

૨૧ મીખાહનો પાંચમો અધ્યાય, બીજી એક સરસ ભવિષ્યવાણી કરે છે. દાખલા તરીકે, મીખાહ ૫:૨-૪ કહે છે કે પરમેશ્વરે નિયુક્ત કરેલા રાજા બેથલેહેમમાંથી આવશે, “જેનો પ્રારંભ પુરાતન કાળથી” છે. ‘યહોવાહના સામર્થ્યથી’ તે શાસન કરશે. વધુમાં, આ રાજા ફક્ત ઈસ્રાએલમાં જ નહિ, પણ “પૃથ્વીના છેડા સુધી” રાજ કરશે. આ રાજા કોણ હશે એ જાણવા દુનિયાના લોકો હજુ ગોથા મારે છે. પરંતુ આપણા માટે એ કંઈ છૂપું નથી.

૨૨ બેથલેહેમમાં જન્મેલી આ મહત્ત્વની વ્યક્તિ કોણ છે? વળી, “પૃથ્વીના છેડા સુધી” કોણ મોટો થશે? એ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોણ હોય શકે? હેરોદે પ્રમુખ યાજક અને શાસ્ત્રીઓને પૂછ્યું કે ‘ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?’ તેઓએ જવાબ આપ્યો: “યહુદાહના બેથલેહેમમાં.” તેઓએ મીખાહ ૫:૨ની ભવિષ્યવાણી પરથી એમ કહ્યું હતું. (માત્થી ૨:૩-૬) અરે, કેટલાક સામાન્ય લોકોને પણ આ ખબર હતી. યોહાન ૭:૪૨ તેઓ વિષે કહે છે: “શું શાસ્ત્રમાં એવું નથી લખેલું, કે દાઊદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઊદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?”

લોકો માટે સાચી તાજગી

૨૩. મીખાહ ૫:૭ પ્રમાણે આજે શું બની રહ્યું છે?

૨૩ મીખાહ ૫:૫-૧૫ પ્રમાણે આશ્શૂરીઓને થોડા સમય માટે સફળતા મળશે. પરંતુ, એ બતાવે છે કે યહોવાહ પાપી રાષ્ટ્રો પર વેર વાળે છે. મીખાહ ૫:૭ પસ્તાવો કરનારા યહુદીઓને તેઓના ઘરે પાછા લાવવાનું વચન આપે છે. એ ભવિષ્યવાણી આજે આપણને પણ લાગુ પડે છે. મીખાહ જાહેર કરે છે: “યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાહે મોકલેલા ઓસ જેવા, તથા ઘાસ ઉપર પડતાં ઝાપટાં જેવા થશે.” આમ, મીખાહે દૃષ્ટાંતનો સરસ ઉપયોગ કરીને ભાખ્યું કે યહોવાહ તેમને વફાદાર રહેનારા ઈસ્રાએલીઓને ભરપૂર આશીર્વાદ આપશે. આજે ઈસુના “બીજા ઘેટાં,” એટલે કે પૃથ્વી પર જીવવાની આશા ધરાવનારાઓ “દેવના ઈસ્રાએલ” સાથે હાથમાં હાથ મિલાવીને આનંદથી સેવા કરે છે. તેઓ બીજાઓને પણ યહોવાહ સાથે સંબંધ બાંધવા મદદ કરીને તાજગી આપે છે. (યોહાન ૧૦:૧૬; ગલાતી ૬:૧૬; સફાન્યાહ ૩:૯) અહીં આપણને કઈ મહત્ત્વની વાત શીખવા મળે છે? રાજ્યના પ્રચારકો તરીકે, આપણે સર્વએ લોકોને તાજગી આપવાની આ તક મળે છે, એની કદર કરવી જોઈએ.

૨૪. મીખાહ ૩થી ૫ અધ્યાયોમાં તમને કયા મુદ્દા ગમ્યા?

૨૪ મીખાહ ૩થી ૫ અધ્યાયોમાં આપણે શું શીખ્યા? (૧) પરમેશ્વર ઇચ્છે છે કે તેમના લોકોમાં આગેવાની લેનારાઓ ન્યાયથી વર્તે. (૨) આપણે જાણીજોઈને પાપ કરીશું તો, યહોવાહ આપણી પ્રાર્થના સાંભળશે નહિ. (૩) યહોવાહ શક્તિ ન આપે તો, આપણે પ્રચારનું કામ પૂરું કરી શકીએ નહિ. (૪) પરમેશ્વરની કૃપા મેળવવા માટે, આપણે તેમના નામમાં પૂરી શ્રદ્ધાથી ચાલીએ. (૫) રાજ્ય પ્રચારકો તરીકે, લોકોને તાજગી આપી શકીએ, એની કદર કરીએ. બીજા ઘણા મુદ્દા તમને ગમ્યા હોય શકે. આપણે મીખાહના આ પુસ્તકમાંથી બીજું શું શીખી શકીએ, એ હવે પછીના લેખમાં જોઈએ.

તમે કેવો જવાબ આપશો?

• પોતાના લોકોમાં આગેવાની લેનારાઓ પાસે યહોવાહ શાની આશા રાખે છે?

• યહોવાહની ભક્તિમાં પ્રાર્થના અને પવિત્ર આત્મા શા માટે મહત્ત્વના છે?

• કઈ રીતે લોકો ‘યહોવાહના નામમાં શ્રદ્ધાથી ચાલે’ છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

મીખાહે આપેલું આ ઉદાહરણ શું જણાવે છે?

[પાન ૧૬ પર ચિત્ર]

મીખાહની જેમ આપણે હિંમતથી યહોવાહ વિષે જણાવીએ