સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇજિપ્તના સુખ કરતાં વધારે મોટું સુખ

ઇજિપ્તના સુખ કરતાં વધારે મોટું સુખ

ઇજિપ્તના સુખ કરતાં વધારે મોટું સુખ

ઇતિહાસમાં જે બધા મહા પુરુષો થઈ ગયા તેમાં મુસા પણ એક હતા. મુસાએ બાઇબલમાં મળી આવતા પહેલાં પાંચ પુસ્તકો લખ્યા હતા. મુસાની આગેવાની હેઠળ યહોવાહ પરમેશ્વરે ઈસ્રાએલ સાથે કેવો વ્યવહાર કર્યો હતો, એ વિષે આપણને તેમના ચાર પુસ્તકોમાં એટલે નિર્ગમનથી-પુનર્નિયમમાં જોવા મળે છે. મુસા ઈસ્રાએલીઓને મિસર કે ઇજિપ્તમાંથી છોડાવીને વચનના દેશ સુધી લઈ ગયા, એ દરમિયાન તેમના દ્વારા તેઓને નિયમકરાર આપવામાં આવ્યો હતો. મુસાને, ફારૂન રાજાના કુટુંબમાં ઉછેરવામાં આવ્યા હતા, છતાં તે યહોવાહના લોકોના આગેવાન, પ્રબોધક, ન્યાયાધીશ અને લેખક પણ બન્યા હતા. તેમ છતાં, તે “પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો.”​—⁠ગણના ૧૨:⁠૩.

ઈસ્રાએલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા પછી, ૧૨૦ વર્ષની ઉંમરે મુસા ગુજરી ગયા. તેમના જીવનના છેલ્લા ૪૦ વર્ષ વિશે જ બાઇબલમાં માહિતી મળે છે. તે ૪૦ વર્ષના હતા ત્યારે ઇજિપ્ત છોડીને મિદ્યાન નાસી ગયા હતા. પછી તેમણે ૪૦-૮૦ વર્ષનું જીવન મિદ્યાનમાં ઘેટાંપાળક તરીકે ગુજાર્યું હતું. પરંતુ એક જ્ઞાનકોશ કહે છે કે તે ૪૦ વર્ષના થયા, “એ જીવનના પ્રથમ વર્ષો વિશેની માહિતી હોવી ખુબ જ મહત્વની છે. પરંતુ, એ બારામાં બીજી કોઈ વિગત ક્યાંય નથી.” એ સમય વિશે આપણે શું શીખી શકીએ? મુસાને જે રીતે ઉછેરવામાં આવ્યા હતા, એથી તેમના જીવન પર કેવી અસર થઈ? તેમને કેવી મુશ્કેલીઓ સહેવી પડી હશે એનો વિચાર કરો! તેમ જ એમાંથી આપણે શું શીખી શકીએ?

ઇજિપ્તની ગુલામી

નિર્ગમનનું પુસ્તક જણાવે છે કે ઈસ્રાએલીઓની વસ્તી ઝડપથી વધી રહી હોવાથી, ઇજિપ્તનો ફારૂન રાજા ગભરાતો હતો. તેને થયું કે પોતે ‘ચતુર’ છે. તેથી તે, તેઓ પર ઉપરીઓ ઠરાવીને, જુલમ કરવા લાગ્યો. તે ઉપરીઓના જુલમ હેઠળ તેણે તેઓને ફરજિયાત, દરરોજ માટીનું મિશ્રણ કરીને, ઠરાવેલી ઈંટો પૂરી પાડવાનો હુકમ કર્યો જેથી ઈસ્રાએલપુત્રો ઝડપથી વધે નહિ.​—⁠નિર્ગમન ૧:૮-૧૪; ૫:૬-૧૮.

જો કે ઇતિહાસકારો પણ સહમત થાય છે કે મુસા ઇજિપ્તમાં જન્મ્યા ત્યારે ત્યાં આવું જ વાતાવરણ હતું. એક કબરમાં મળી આવતા ચિત્રો અને પપાઈરસ પરનું પ્રાચીન લખાણ બતાવે છે કે ૨ બી.સી.ઈ.માં ગુલામો દ્વારા કઈ રીતે ઈંટો બનાવવામાં આવતી હતી. ઈંટો પૂરી પાડવામાં આવે એ માટે એકસો ગુલામો પર એક ઉપરી ઠરાવવામાં આવતો, અને તેને મદદ કરવા ૬-૧૮ આગેવાન તેની સાથે કામ કરતા. ઈંટો બનાવવા માટે પ્રથમ માટી ખોદવી પડતી. તેમ જ પરાળ ભેગું કરીને ઈંટો બનાવવાની જગ્યાએ લઈ જવું પડતું. દરેક જાતિના ગુલામો પાણી લાવતા અને માટીનું પરાળ સાથે પાવડાથી મિશ્રણ કરતા. પછી તેઓ ઈંટો બનાવવાના બીબામાં મિશ્રણ નાખી, ઈંટો બનાવીને તાપમાં એને પકવતા. ઈંટો પાકી ગયા પછી મજૂરો એને કાવડમાં ઉપાડીને બાંધકામ થતી જગ્યાએ લઈ જતા હતા. એટલું જ નહિ, પરંતુ અમુક વખતે તો ગુલામોને ઈંટો ઊંચકીને ઉંચાણના સ્થળે લઈ જવી પડતી. ઇજિપ્તના ઉપરીઓ હાથમાં દંડ લઈને બેસતા અથવા ચક્કર મારીને ગુલામો પર કડક નજર રાખતા.

એક પ્રાચીન અહેવાલ એવું સુચવે છે કે ૬૦૨ મજૂરો થઈને દિવસની ૩૯,૧૧૮ ઈંટો બનાવતા, એટલે એના ભાગલા પાડીએ તો એક વ્યક્તિ દિવસની ૬૫ ઈંટો બનાવતી. તેમ જ તેરમી સદી બી.સી.ઈ.નું એક લખાણ કહે છે: “દરરોજની ઠરાવેલી . . . ઈંટો મજૂરો બનાવે છે.” નિર્ગમનના પુસ્તકમાં જે રીતે બતાવે છે કે ઈસ્રાએલીઓને કેવી ગુલામી કરવી પડતી, એની સાથે આ માહિતી બહું જ મળતી આવે છે.

હેબ્રી લોકો પર જુલમ કરવામાં આવ્યો છતાં તેઓની વસ્તીમાં ઘટાડો થયો નહિ. એનું કારણ કે, ‘જેમ જેમ [ઇજિપ્તના લોકો] તેઓ પર જુલમ કરવા લાગ્યા તેમ તેમ તેઓની વસતી વધતી ગઈ. તેથી તેઓને ઈસ્રાએલીઓ દીઠા પણ ગમતા ન હતા.’ (નિર્ગમન ૧:૧૦, ૧૨) એ કારણથી ફારૂને પ્રથમ ઈસ્રાએલી દાયણો અને પછી પોતાના લોકોને હુકમ કર્યો કે તમે જ્યારે હેબ્રી સ્ત્રીઓ પાસે દાયણનું કામ કરવા જાઓ અને તેઓને છોકરો અવતર્યો હોય તો તેને મારી નાખજો. આવા ભયાનક જુલમ હેઠળ આમ્રામ તથા યોખેબેદને ત્યાં એક સુંદર બાળકનો જન્મ થયો હતો, જે મુસા તરીકે ઓળખાયા.​—⁠નિર્ગમન ૧:૧૫-૨૨; ૬:૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૦.

સંતાડ્યો અને મળી ગયા પછી દત્તક

મુસાનાં માબાપે ફારૂનની આજ્ઞા ન માનતા, બાળકને સંતાડી દીધુ. જાસૂસો ઘરોની તલાશ કરવા ચક્કર મારતા હતા એ સમયે પણ, તેઓએ એ બાળકને સંતાડી રાખ્યું હતું? તેઓએ એમ કર્યું હશે કે કેમ એ આપણે ચોક્કસ કહી શકતા નથી. ગમે તે હોય, છતાં મુસાનાં માબાપે તેને ત્રણ જ મહિના સુધી સંતાડી રાખ્યું. તેની મમ્મીએ કોઈ પણ સંજોગે તેનું જીવન બચાવવા માટે, બરુ કે પપાઈરસની ટોપલી બનાવી અને એમાં અંદર તથા બહાર માટી અને ડામર લગાવ્યો જેથી પાણી ન જાય. પછી તેના બાળકને એમાં સુવડાવ્યું. જો કે અમુક રીતે કહીએ તો હેબ્રીઓને ફારૂનને જે હુકમ કર્યો હતો એ પ્રમાણે યોખેબેદે પોતાના બાળકને નાઈલ નદીમાં મૂકી દીધું, અને મુસાની મોટી બહેનને તેનું શું થાય એ જોવા માટે ઊભી રાખી હતી.​—⁠નિર્ગમન ૧:૨૨–​૨:⁠૪.

ફારૂનની દીકરી નદીમાં નાહવા આવે ત્યારે તેમને મુસા મળી જાય, એવું તેની મમ્મી યોખેબેદે ગોઠવ્યું હતું કે નહિ એ આપણે ચોક્કસ કહી શકતા નથી. પરંતુ, એમ જ થયું હતું. ઇજિપ્તની રાજકુમારી ઓળખી ગઈ કે એ તો હેબ્રી લોકોનું બાળક છે. હવે તે શું કરશે? શું તે તેના પિતાનું કહ્યું માનીને તેને મારી નંખાવશે? ના. તેને કુદરતી રીતે માતાની મમતા આવી હોવાથી, એમ ન કર્યું.

એ જોઈને મરિયમ જલદીથી રાજકુમારી પાસે પહોંચી ગઈ. તેણે પૂછ્યું: ‘તારે માટે બાળકને ધવડાવવા સારૂ હું હેબ્રીઓમાંથી એક સ્ત્રીને તારી પાસે તેડી લાવું?’ આ તો અજબની વાત કહેવાય કે ફારૂન પોતાના સલાહકારો સાથે મળીને “ચતુરાઇથી” બાળકને મારવાનુ કાવત્રુ રચે છે, જ્યારે કે તેની બહેન તેનો જીવ બચાવે છે. રાજકુમારી તેની સાથે સહમત થઈ એના પછી જ તેના જીવને શાંતી થઈ કે મુસાને હવે કંઈ નહિ થાય. ફારૂનની પુત્રીએ તેને કહ્યું, કે “જા” એટલે મરિયમ તરત જ તેની માને બોલાવવા ગઈ. એ તો અજોડ સોદો કહેવાય કે આ રાજાના જ રક્ષણ હેઠળ હવે યોખેબેદને પોતાનું બાળક ઉછેરવા માટે ભાડે રાખવામાં આવી.​—⁠નિર્ગમન ૨:૫-​૯.

રાજકુમારીના પિતા નિર્દય હતા, જ્યારે કે તે પોતે દયાળુ હતી. બાળક કોનું છે એ વિષે પોતે અજાણ ન હતી. તેમ જ તેને જોઈને છેતરાઈ ગઈ પણ ન હતી. તેને તેના પ્રત્યે ખુબ જ દયા આવી હોવાથી તેને દત્તક લઈને અને ધાવણ આવતી હેબ્રી સ્ત્રીને ભાડે રાખવા તૈયાર થઈ. એના પરથી એ દેખાઈ આવે છે કે જેમ તેના પિતા ઈસ્રાએલીઓને ધિક્કારતા હતા, તેમ તે કરતી ન હતી.

ઉછેર અને શિક્ષણ

યોખેબેદે “તેને લઇ જઇને ધવડાવ્યો. અને તે બાળક મોટો થયો ત્યારે તેણે તેને ફારૂનની પુત્રી પાસે આણ્યું, ને તે તેનો દીકરો થઇ રહ્યો.” (નિર્ગમન ૨:​૯, ૧૦) જો કે બાઇબલ એ જણાવતું નથી કે મુસા તેના માબાપ સાથે કેટલો સમય રહ્યા હતા. પરંતુ અમુક લોકોનું માનવું છે કે તે ત્રણેક વર્ષે ધાવણ છોડે ત્યાં સુધી અથવા થોડો લાંબો સમય સુધી રહ્યા હોય શકે. નિર્ગમનનું પુસ્તક ફક્ત એટલું જ કહે છે કે તે તેના માબાપ સાથે ‘મોટા થયા,’ જેનો અર્થ થાય કે તેમની કોઈ પણ ઉંમર હોય શકે. પછી ભલે ગમે તે હોય, પરંતુ એક બાબત ચોક્કસ છે કે આમ્રામ તથા યોખેબેદે પોતાના દીકરાને યહોવાહ પરમેશ્વર અને હેબ્રી લોકો વિષે શીખવવા સમયનો સદુપયોગ કર્યો હશે. તેઓ મુસાનાં હૃદયમાં ન્યાયીપણા માટે પ્રેમ કેળવી શક્યા કે કેમ, એ તો સમય જ બતાવશે.

પછી મુસાને ફારૂનની દીકરીને સોંપવામાં આવ્યા ત્યારે તેમને “મિસરીઓની સર્વ વિદ્યા શિખવવામાં આવી હતી.” (પ્રેરિતોનાં કૃત્યો ૭:​૨૨) એનો એવો અર્થ થાય કે મુસાને નેતાની જવાબદારી ઉપાડવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તેને ઇજિપ્તની સર્વ વિદ્યા શીખવવામાં આવી એ કંઈ જેવું તેવું શિક્ષણ ન હતું. એમાં ઇતિહાસ, ગણિતશાસ્ત્ર, ખગોળવિદ્યા, આર્કિટૅક્ટ, બાંધકામ, વિજ્ઞાન અને અનેક પ્રકારની ચિત્રકળાનો પણ સમાવેશ થાય છે. એની સાથે કદાચ રાજકુટુંબે તેમને ઇજિપ્તનો ધર્મ પણ શીખવ્યો હોય શકે.

કદાચ મુસાએ રાજકુટુંબના બીજા બાળકો સાથે શિક્ષણ મેળવ્યું હોય શકે. તેમની સાથે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા હતા, તેઓ “ઇજિપ્તના તાબેદાર રાજાઓનાં બાળકો હતાં. તેઓને પોતાનો ‘ઇતિહાસ ભૂલાવવા માટે’ ઇજિપ્તનું શિક્ષણ આપવામાં આવતું હતું. જેથી તેઓ પોતાના દેશમાં પાછા જાય ત્યારે ફારૂનના ઇશારાથી રાજ કરે.” (થુટ્‌મોસ ચોથાનાં રાજમાં (અંગ્રેજી) લેખક બેટસી એમ બ્રાયન) એવું લાગે છે કે રાજમહેલની સાથે બાળમંદિર હોવાથી તેઓ યુવાનોને રાજનીતિનું કામ સંભાળતાં શીખવી શકે. * ઇજિપ્તના મધ્ય રાજ્ય અને નવાં રાજ્યના સમયનું લખાણ એવું બતાવે છે કે, ફારૂનના અમુક સલાહકારો અને ઉચ્ચ અધિકારીઓ મોટા થયા હોવા છતાં તેઓ “બાળમંદિરના બાળક” જેવા નામથી ઓળખાતા હતા.

હવે મુસાની કસોટી થવાની હતી. હવે તેની આગળ દોલત, સત્તા અને રાજાનું જીવન રાહ જોઈ રહ્યું હતું. તેમ જ અનૈતિક જીવન પણ સામે જ ઊભું હતું. મુસા હવે શું કરશે? તે હવે કોને વફાદાર રહેશે? શું તે દિલથી યહોવાહના ભક્ત અને જુલમ અનુભવી રહેલા હેબ્રીઓમાંનો એક છે એ રીતે વર્તશે કે પછી ઇજિપ્તના સુખમાં ડૂબી જશે?

મોટો નિર્ણય

મુસા ચાળીસ વર્ષનો થયા ત્યાં સુધીમાં તે કદાચ પૂરેપૂરા ઇજિપ્તવાસી બની શક્યા હોત. એના બદલે તે ‘પોતાના ભાઈઓ ઉપર ગુજરતો જુલમ જોવા ગયો.’ તે ફક્ત દૂરથી જ જોઈને ટાઈમ પાસ કરવા ગયા ન હતા, પરંતુ તે તેઓને મદદ કરવા તલપતા હતા. તેમણે એક મિસરીને પોતાના એક હેબ્રી ભાઈને મારતાં દીઠો. એટલે તેમણે મિસરીને મારી નાખ્યો. એમ કરવાથી મુસાએ બતાવી આપ્યું કે પોતે પોતાના હેબ્રી ભાઈને ચાહે છે. તેણે જેને મારી નાખ્યો તે મોટા ભાગે એક અધિકારી હોય શકે. ઇજિપ્તના લોકોની નજરમાં મુસાને ફક્ત ફારૂનને જ વફાદાર રહેવું જોઈતું હતું. તેમ છતાં, મુસાએ જે કર્યું એ બતાવતું હતું કે પોતે ઇન્સાફમાં માને છે. તેમ જ બીજે દિવસે પણ બે હેબ્રીઓને એકબીજા સાથે વઢતા જોયા ત્યારે તેમણે ઇનસાફ માટે એવો જ પ્રેમ બતાવ્યો. મુસાની તીવ્ર ઇચ્છા હતી કે તે હેબ્રીઓને ક્રૂર ગુલામીમાંથી છોડાવે, પરંતુ ફારૂને એ વાત સાંભળી ત્યારે તેણે મુસાને મારી નાખવાને શોધ્યો. તેથી મુસા ત્યાંથી નાસીને મિદ્યાન દેશમાં ચાલ્યા ગયા.​—⁠નિર્ગમન ૨:​૧૧-​૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૭:​૨૩-​૨૯. *

મુસા પરમેશ્વરના લોકોને ગુલામીમાંથી છોડાવવા ઈચ્છતા હતા, પરંતુ હજી તેઓને છોડાવવા માટે યહોવાહનો એ સમય ન હતો. તેમ છતાં, યહોવાહ તેઓને છોડાવશે એવું મુસાના વર્તનમાં દેખાઈ આવતું હતું. એ વિષે હેબ્રી ૧૧:૨૪-૨૬ આમ કહે છે: “વિશ્વાસથી મુસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવા ના પાડી; પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું.” શા માટે? એનું કારણ કે તેણે “મિસરમાંના દ્રવ્યભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે, એમ તેણે માન્યું; કેમકે જે ફળ મળવાનું હતું તે તરફજ તેણે લક્ષ રાખ્યું.” “ખ્રિસ્તની સાથે” એ શબ્દો સામાન્ય રીતે વપરાતા નથી. પરંતુ, અહીં એનો અર્થ “અભિષિક્ત થએલો” કે “પસંદ કરાએલો” થાય છે. સમય જતાં યહોવાહે પોતે મુસાને એ કામ સોંપ્યું હોવાથી એ વક્તવ્ય તેમને લાગુ પડે છે.

આનો જરા વિચાર કરો! મુસાને જે રીતે ઉછેરવામાં આવ્યા, એવો લહાવો ફક્ત ઇજિપ્તના રાજકુટુંબને જ મળતો હતો. જો કે તે રાજા મહારાજાની માફક જીવી શક્યા હોત, છતાં તેમણે એ બધુ જ તજી દીધું. તે ઇન્સાફના ભૂખ્યા અને યહોવાહના ભક્ત હોવાથી, ફારૂન સાથે રહીને તેની ખુશામત કઈ રીતે કરી શકે. યહોવાહે તેમના પૂર્વજો ઈબ્રાહીમ, ઈસહાક અને યાકૂબને જે વચન આપ્યું હતું એના પર મનન કર્યું હોવાથી મુસા, પરમેશ્વરની સેવા કરવા તૈયાર હતા. તેથી યહોવાહે પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે મુસાને એ ખાસ કામ સોંપ્યું હતું.

આપણા માટે સૌથી મહત્ત્વનું શું છે, એ પસંદ કરવાની જરૂર છે. કદાચ મુસાની જેમ તમને પણ નિર્ણયો લેવા સહેલા નહિ લાગતા હોય. શું તમારે પણ તેમની જેમ કોઈ આદતો, રિવાજો અથવા અમુક અંશે ફાયદાકારક કામ જતું કરવું જોઈએ? જો તમારે એવું કરવું પડે તો પણ ભૂલશો નહિ કે મુસાએ ઇજિપ્તના સુખ કરતાં યહોવાહ પરમેશ્વરની મિત્રતા પસંદ કરી હતી, અને એમ કરવાથી તે જરાય પસ્તાયા ન હતા.

[ફુટનોટ્‌સ]

^ દાનીયેલ અને તેના મિત્રોને બાબેલોનમાં રાજનીતિનું કામ સંભાળવા માટે જે શિક્ષણ આપવામાં આવ્યું હતું, તેવું જ કદાચ મુસાને પણ આપવામાં આવ્યું હોય શકે. (દાનીયેલ ૧:​૩-૭) દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પ્રકરણ ૩, યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

^ મિદ્યાનમાં સ્ત્રીઓ પોતાનાં ઘેટાંને પાણી પીવડાવતી હતી એવામાં બદમાશો આવીને તેઓને તંગ કરવા લાગ્યા ત્યારે ફરીથી મુસાએ ઇન્સાફ માટે પ્રેમ બતાવ્યો હતો.​—⁠નિર્ગમન ૨:​૧૬, ૧૭.

[પાન ૧૧ પર બોક્સ]

બાળકને ઉછેરવા માટે આયા

જો કે સામાન્ય રીતે માતાઓ પોતાના બાળકોને ધવડાવતી. તેમ છતાં, પંડિત બ્રીવાડ ચાઇલ્ડ્‌ બાઇબલના સાહિત્ય વિષેના મેગેઝિનમાં (અંગ્રેજી) આમ કહે છે: “અમુક સંજોગોમાં [એશિયામાં] અમીર કુટુંબો છોકરાંને ઉછેરવા આયા રાખતા. ખાસ કરીને જ્યારે શિશુને ધવડાવવા તેની મા પાસે ધાવણ ન હોય અથવા તેની મા કોણ છે એ ખબર ન હોય ત્યારે આયાને રાખીને તેને મોટું કરવાનો રિવાજ હતો. આ રીતે આયા ઠરાવેલા સમય સુધી બાળકને ધવડાવીને મોટું કરતી.” એશિયામાં એ પ્રકારના અમુક પ્રાચીન લખાણો મળી આવ્યા છે. એ લખાણો પુરાવો આપે છે કે આ રીતે સુમેરિયાથી લઈને હેલેનીસ્ટીક યુગના છેલ્લા દિવસો સુધી અને ઇજિપ્તનું યુગ શરૂ થયું ત્યાં સુધી એમ કરવામાં આવતું હતું. એ લખાણોમાં ખાસ એવી માહિતી આપવામાં આવી છે કે, કોને અને કેટલી મુદત સુધી એ બાળકને રાખવું, કામ માટેની શરત, તેને શું ખવડાવવું જોઈએ. તેમ જ એ ફરજ પાડવામાં ન આવે તો કેટલો દંડ ભરવો પડશે, કેટલો પગાર અને કેવી રીતે આપવામાં આવશે એ પણ લખાણમાં હતું. ચાઇલ્ડ્‌ આગળ કહે છે કે સામાન્ય રીતે “બાળકને ઉછેરવા માટે આયાને બેથી-ત્રણ વર્ષ સુધી રાખવામાં આવતી. એ આયા બાળકને પોતાને ઘરે ઉછેરતી અને સમયે-સમયે તેને તેના કુટુંબ પાસે લઈ જવામાં આવતું જેથી તેઓ તેને જોઈ શકે.”

[પાન ૯ પર ચિત્રો]

જે રીતે મુસાના સમયમાં ઈંટો બનાવવામાં આવતી એવી જ રીતે આજે પણ બનાવવામાં આવી રહી છે, જેમ આ પ્રાચીન ચિત્ર બતાવે છે

[ક્રેડીટ લાઈન્સ]

ઉપર: Pictorial Archive (Near Eastern History) Est.; નીચે: Erich Lessing/Art Resource, NY