સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિચાર્યું પણ ન હોય એવી જગ્યાએથી સત્ય મેળવવું

વિચાર્યું પણ ન હોય એવી જગ્યાએથી સત્ય મેળવવું

રાજ્ય પ્રચારકોના અનુભવ

વિચાર્યું પણ ન હોય એવી જગ્યાએથી સત્ય મેળવવું

પરમેશ્વરની ઇચ્છા છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમોથી ૨:​૩, ૪) એ માટે, યહોવાહના સાક્ષીઓએ કરોડો બાઇબલ અને બાઇબલ અભ્યાસ માટેનાં પ્રકાશનો છાપીને એનું વિતરણ કર્યું છે. ઘણી વાર, આ પ્રકાશનોએ નમ્ર હૃદયના લોકોને અનોખી રીતે સત્ય શીખવામાં મદદ કરી છે. આ બાબતે, ફ્રીટાઉન, સિએરા લીઓનના રાજ્ય પ્રચારકો નીચે પ્રમાણેનો અહેવાલ આપે છે.

ઉસ્માન નવ બાળકોવાળાં એક કુટુંબમાં બીજા નંબરે જન્મ્યો હતો. તેનો ઉછેર ચુસ્ત ધાર્મિક કુટુંબમાં થયો હોવાથી, તે તેના પિતા સાથે નિયમિત ભક્તિ કરવા જતો હતો. તેમ છતાં, તેના ધર્મમાં નરક વિષે જે શીખવવામાં આવતું હતું એનાથી તે બહુ મૂંઝવણમાં હતો. તે સમજી શકતો ન હતો કે એક દયાળુ પરમેશ્વર કેવી રીતે દુષ્ટ લોકોને આગમાં રિબાવીને શિક્ષા કરી શકે. નર્કાગ્‍નિના સિદ્ધાંતને સમજવા માટે ઉસ્માનને આપવામાં આવેલી કોઈ પણ સમજણથી તેના મનને શાંતિ મળી નહિ.

ઉસ્માન વીસ વર્ષનો હતો ત્યારે, એક દિવસ તેણે કચરાપેટીમાં ભૂરા રંગનું એક પુસ્તક જોયું. તેને વાંચવાનો શોખ હોવાથી એ પુસ્તક લઈ લીધું. તેણે એને સાફ કર્યું અને એનું શીર્ષક વાંચ્યું, સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે. *

ઉસ્માનને જીજ્ઞાસા થઈ કે ‘આ સત્ય શું છે?’ તેને એમાં વધુ રસ પડ્યો અને તે પુસ્તક ઘરે લઈ ગયો. તેણે તરત જ આખું પુસ્તક વાંચી નાખ્યું. પરમેશ્વરનું વ્યક્તિગત નામ યહોવાહ છે એ જાણીને તેને કેટલો આનંદ થયો! (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) ઉસ્માનને એ પણ જાણવા મળ્યું કે પરમેશ્વરનો મુખ્ય ગુણ પ્રેમ છે અને નરકની આગમાં પીડા આપવાનો વિચાર પણ તેમના માટે ઘૃણાસ્પદ છે. (યિર્મેયાહ ૩૨:૩૫; ૧ યોહાન ૪:૮) છેવટે, ઉસ્માને એ પણ વાંચ્યું કે બહુ જ જલદી યહોવાહ પૃથ્વી પર પારાદેશ લાવવાના છે જેમાં લોકો હંમેશ માટે રહેશે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪) પ્રેમાળ, દયાળુ પરમેશ્વર પાસેથી કેવું અદ્‍ભુત સત્ય! વિચાર્યું પણ ન હોય એવી જગ્યાએથી પોતાને સત્ય મળ્યું એ માટે ઉસ્માને પરમેશ્વરનો હૃદયપૂર્વક આભાર માન્યો.

થોડા દિવસ પછી, કેટલાક મિત્રોની મદદથી ઉસ્માને યહોવાહના સાક્ષીઓનું રાજ્યગૃહ શોધી કાઢ્યું અને ત્યાં પહેલી વાર સભામાં હાજરી આપી. ત્યાં તેણે એક ભાઈને પોતાની સાથે બાઇબલ અભ્યાસ કરવાનું કહ્યું. કુટુંબના સખત વિરોધ છતાં, ઉસ્માને આત્મિક પ્રગતિ કરીને બાપ્તિસ્મા લીધું. (માત્થી ૧૦:૩૬) આજે તે મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે. કેવું અદ્‍ભુત કહેવાય કે આ બધી જ બાબતો, તેને કચરાપેટીમાંથી મળેલા પ્રકાશનને કારણે પરિણમી!

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા ૧૯૬૮માં પ્રકાશિત.