સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના કોપના દિવસ પહેલાં તેમને શોધો

યહોવાહના કોપના દિવસ પહેલાં તેમને શોધો

યહોવાહના કોપના દિવસ પહેલાં તેમને શોધો

‘યહોવાહને શોધો; નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો. કદાચિત યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.’—સફાન્યાહ ૨:૩.

૧. સફાન્યાહે પ્રબોધક તરીકે સેવા કરવાનું શરૂ કર્યું ત્યારે યહુદાહની આત્મિક પરિસ્થિતિ કેવી હતી?

 યહુદાહની ધાર્મિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી એવા સમયે, સફાન્યાહે પ્રબોધક તરીકે સેવા કરવાનું શરૂ કર્યું હતું. આખું રાષ્ટ્ર આત્મિક રીતે અંધકારમય હતું. યહોવાહ પરમેશ્વરમાં ભરોસો રાખવાને બદલે લોકો, વિદેશી યાજકો અને જ્યોતિષશાસ્ત્રીઓ પાસે માર્ગદર્શન મેળવતા હતા. બઆલની ભક્તિ પૂરજોશમાં વધી રહી હતી. રાજાઓ, અધિકારીઓ અને ન્યાયાધીશો લોકોનું રક્ષણ કરવાને બદલે તેઓ પર જુલમ કરતા હતા. (સફાન્યાહ ૧:૯; ૩:૩) આથી, યહુદાહ અને યરૂશાલેમનો નાશ કરવા માટે યહોવાહ ‘પોતાનો હાથ લંબાવે’ એમાં કંઈ આશ્ચર્ય નથી!—સફાન્યાહ ૧:૪.

૨. યહુદામાં પરમેશ્વરના વિશ્વાસુ સેવકો માટે કઈ આશા રહી હતી?

આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં, ત્યાં આશાનું એક કિરણ હતું. આમ્મોનના પુત્ર યોશીયાહ હવે રાજગાદી પર બેઠા હતા. તરુણ હોવા છતાં, તેમને યહોવાહ માટે ખરો પ્રેમ હતો. આ નવા રાજાએ યહુદામાં ફરીથી શુદ્ધ ઉપાસના શરૂ કરી ત્યારે, યહોવાહની સેવા કરનારાઓ માટે એ કેટલું ઉત્તેજનકારક હશે! તેથી યહોવાહના ક્રોધના દિવસે બચી જવા, બીજા લોકોને પણ તેઓ સાથે જોડાવા ઉત્તેજન મળ્યું હશે.

બચવા માટેની જરૂરિયાતો

૩, ૪. ‘યહોવાહના કોપના દિવસે’ બચવા માટે કઈ ત્રણ જરૂરિયાતો મહત્ત્વની છે?

શું કોઈ પણ વ્યક્તિ યહોવાહના કોપના દિવસે બચી શકે? હા, એ માટે તેણે સફાન્યાહ ૨:૨, ૩માં બતાવવામાં આવેલી ત્રણ જરૂરિયાતો પ્રમાણે જીવવાનું હતું. આપણે આ કલમો વાંચીએ તેમ ચાલો, આ જરૂરિયાતો પર ખાસ ધ્યાન આપીએ. સફાન્યાહે લખ્યું કે “તે પહેલાં તમે એકઠા થાઓ, હા, એકત્ર થાઓ. હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાહના હુકમોનો અમલ કર્યો છે, માટે તમે તેને શોધો; નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો: કદાચિત યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.”

આમ, યહોવાહના કોપના દિવસે બચવા માટે વ્યક્તિએ (૧) યહોવાહને શોધવા, (૨) નેકીનો માર્ગ શોધવો અને (૩) નમ્રતા શોધવાની હતી. આ જરૂરિયાતો આજે આપણા માટે પણ ઘણી મહત્ત્વની છે. શા માટે? કેમ કે જેવી રીતે યહુદાહ અને યરૂશાલેમ સાતમી સદી બી.સી.ઈ.માં યહોવાહના કોપના દિવસ તરફ જઈ રહ્યા હતા તેમ, ખ્રિસ્તીરાષ્ટ્રો અને સર્વ દુષ્ટ લોકો આવનાર “મોટી વિપત્તિ” તરફ જઈ રહ્યા છે. (માત્થી ૨૪:૨૧) એ સમયે જેઓ બચવા ઇચ્છે છે તેઓ સર્વએ મહત્ત્વના પગલાં લેવા જ જોઈએ. કઈ રીતે? બહુ મોડું થાય એ પહેલાં, તેઓએ યહોવાહ, નેકીનો માર્ગ અને નમ્રતા શોધતા રહેવું જોઈએ.

૫. આજે ‘યહોવાહને શોધવામાં’ શાનો સમાવેશ થાય છે?

તમે કહી શકો કે, ‘મેં તો બાપ્તિસ્મા લીધું છે અને હું એક યહોવાહનો સાક્ષી છું. શું હું આ બધી જરૂરિયાતો પૂરી નથી કરતો?’ પરંતુ, યહોવાહને પોતાનું સમર્પણ કર્યું હોય એટલું જ પૂરતું નથી. ઈસ્રાએલ એક સમર્પિત રાષ્ટ્ર હતું, પરંતુ સફાન્યાહના સમયમાં યહુદાહના લોકો પોતાના સમર્પણ પ્રમાણે જીવતા ન હતા. તેથી, એ રાષ્ટ્રને ત્યજી દેવામાં આવ્યું. આજે ‘યહોવાહને શોધવા,’ આપણે તેમના પૃથ્વી પરના સંગઠન સાથે ગાઢ સંબંધ રાખવો જોઈએ. એટલે કે, આપણે યહોવાહની રીતે વિચારવું જોઈએ અને તેમની લાગણીઓ સમજવી જોઈએ. આપણે બાઇબલનો કાળજીપૂર્વક અભ્યાસ કરીએ છીએ, એના પર મનન કરીએ છીએ અને એની સલાહોને પોતાના જીવનમાં લાગુ પાડીએ છીએ ત્યારે, યહોવાહને શોધીએ છીએ. તેમ જ આપણે વારંવાર પ્રાર્થનામાં યહોવાહનું માર્ગદર્શન માંગીએ છીએ અને તેમના પવિત્ર આત્માના માર્ગદર્શન પ્રમાણે કરીએ છીએ ત્યારે, આપણો તેમની સાથેનો સંબંધ ગાઢ થાય છે. અને આપણને ‘આપણા પૂરેપૂરા હૃદય, મન અને બળથી’ સેવા કરવાનું ઉત્તેજન મળે છે.—પુનર્નિયમ ૬:૫; ગલાતી ૫:૨૨-૨૫; ફિલિપી ૪:૬, ૭; પ્રકટીકરણ ૪:૧૧.

૬. આપણે કઈ રીતે આ દુષ્ટ જગતમાં પણ ‘નેકીનો માર્ગ શોધી’ શકીએ અને શા માટે એ જરૂરી છે?

બીજી જરૂરિયાત સફાન્યાહ ૨:૩માં બતાવ્યા પ્રમાણે છે કે, ‘નેકીનો માર્ગ શોધવો.’ મોટા ભાગે આપણામાંના બધાએ બાપ્તિસ્મા પામેલા ખ્રિસ્તી બનવા માટે મોટા મોટા ફેરફારો કર્યા છે. પરંતુ ખ્રિસ્તી બન્યા પછી આપણે મરણ સુધી પરમેશ્વરના ન્યાયી ધોરણો પ્રમાણે જીવવું જોઈએ. અમુક લોકો યહોવાહના સેવક બન્યા પછી ફરીથી આ દુષ્ટ જગતમાં ભળી ગયા છે. આથી, નેકીનો માર્ગ શોધવો કંઈ સહેલું નથી, કેમ કે આપણે વ્યભિચારીઓથી, જૂઠું બોલનારાઓથી અને બીજા ખરાબ કામ કરનારાઓથી ઘેરાયેલા છીએ. તોપણ, યહોવાહને ખુશ કરવાની આપણી તીવ્ર ઇચ્છા આપણને આ જગતથી અલગ રહેવા મદદ કરશે. યહુદાહે પરમેશ્વરની કૃપા ગુમાવી કારણ કે તેઓ પડોશી રાષ્ટ્રોની નકલ કરતા હતા. તો પછી, જગતનું અનુકરણ કરવાના બદલે, ચાલો આપણે “નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલું છે તે પહેરી” લઈએ અને “દેવનું અનુકરણ કરનારાં” બનીએ.—એફેસી ૪:૨૪; ૫:૧.

૭. આપણે કઈ રીતે ‘નમ્રતા શોધવી’ જોઈએ?

ત્રીજી જરૂરિયાત સફાન્યાહ ૨:૩માં બતાવી છે કે આપણે યહોવાહના કોપને દિવસે સંતાઈ રહેવું હોય તો, ‘નમ્રતા શોધવી’ જ જોઈએ. દરરોજ આપણે એવા લોકોના સંપર્કમાં આવીએ છીએ કે જેઓ અભિમાની હોય છે. તેઓ માટે નમ્રતા એક મૂર્ખામી છે. આધીનતાને એક મોટામાં મોટી નબળાઈ તરીકે જોવામાં આવે છે. તેઓ હક્ક જમાવનાર, સ્વાર્થી અને પોતાનો જ કક્કો સાચો રાખનાર, તેમ જ કોઈ પણ ભોગે પોતાના “હક્ક” મેળવનાર છે. આવા વલણે યહોવાહના કેટલાક સેવકોને પણ અસર કરી છે એ કેટલી દુઃખદ બાબત છે! તેથી આજે જ સમય છે કે આપણે ‘નમ્રતા શોધીએ.’ કેવી રીતે? પરમેશ્વરને આધીન રહીને, તેમની શિસ્તને નમ્રપણે સ્વીકારીને અને તેમની ઇચ્છા પ્રમાણે કરીને આપણે નમ્રતા શોધી શકીએ.

શા માટે “કદાચિત” સંતાઈ રહેવાનું મળે?

૮. સફાન્યાહ ૨:૩માં “કદાચિત” શબ્દનો ઉપયોગ શું બતાવે છે?

સફાન્યાહ ૨:૩ કહે છે કે, “કદાચિત યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.” શા માટે એમ કહેવામાં આવ્યું કે “પૃથ્વીના નમ્ર માણસો” “કદાચિત” બચશે? કેમ કે આ નમ્ર લોકોએ યહોવાહની સેવા કરવા પગલાં તો લઈ લીધા હતા, પરંતુ તેઓએ આત્મવિશ્વાસી બની જવાનું ન હતું. તેઓના જીવનનો વિશ્વાસુ તરીકે અંત આવ્યો ન હતો. વળી, તેઓમાંના કેટલાક પાપમાં પણ પડી શકતા હતા. એ જ બાબત આપણા કિસ્સામાં પણ બની શકે છે. ઈસુએ કહ્યું કે “અંત સુધી જે કોઈ ટકશે તેજ તારણ પામશે.” (માત્થી ૨૪:૧૩) હા, યહોવાહના કોપના દિવસે બચવું એ તેમની નજરમાં જે સાચું છે એ કરવા પર આધારિત છે. શું તમે એમ કરવા ઇચ્છો છો?

૯. યુવાન યોશીયાહ રાજાએ કયા પગલાં લીધા?

દેખીતી રીતે જ, સફાન્યાહની ચેતવણી સાંભળ્યા પછી, યોશીયાહ રાજા ‘યહોવાહને શોધવા’ લાગ્યા. શાસ્ત્રવચન કહે છે કે, “તેના રાજ્યને આઠમે વર્ષે, તે [યોશીયાહ] હજી તો કિશોર અવસ્થામાં [લગભગ ૧૬ વર્ષનો] હતો, એટલામાં તો તેણે પોતાના પિતા દાઊદના દેવની ઉપાસના [“શોધ,” NW] કરવા માંડી.” (૨ કાળવૃત્તાંત ૩૪:૩) યોશીયાહ ‘નેકીનો માર્ગ શોધતો’ રહ્યો, “બારમે વર્ષે [યોશીયાહ ૨૦ વર્ષનો હતો ત્યારે] ઉચ્ચસ્થાનો તથા અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મુર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને દૂર કરીને યહુદાહ તથા યરૂશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો. લોકોએ તેની સમક્ષ બઆલીમની વેદીઓ તોડી પાડી.” (૨ કાળવૃત્તાંત ૩૪:૩, ૪) યહોવાહને ખુશ કરવા યોશીયાહે મૂર્તિઓ અને જૂઠાં ધાર્મિક આચરણો દૂર કરીને ‘નમ્રતા [પણ] શોધી.’ યહોવાહના ન્યાયી સેવકો આ ફેરફારથી કેટલા ખુશ થયા હશે!

૧૦. યહુદાહનું ૬૦૭ બી.સી.ઈ.માં શું થયું, પરંતુ કોણ બચી શક્યું?

૧૦ યોશીયાહના રાજમાં ઘણા યહુદીઓ યહોવાહની ફરીથી ઉપાસના કરવા લાગ્યા. તેમ છતાં, રાજાના મરણ પછી ઘણા લોકો પોતાના અગાઉના માર્ગે પાછા ફર્યા કે જે પરમેશ્વરને જરાય પસંદ ન હતો. યહોવાહે ભાખ્યું હતું તેમ, બાબેલોને યહુદાહ પર કબજો કર્યો અને તેના પાટનગર યરૂશાલેમનો ૬૦૭ બી.સી.ઈ.માં વિનાશ કર્યો. તેમ છતાં, પરિસ્થિતિ પર પાણી ફરી વળ્યું ન હતું. યિર્મેયાહ પ્રબોધક, એબેદ-મેલેખ, યહોનાદાબના વંશજો અને બીજા પરમેશ્વરના વિશ્વાસુ સેવકો યહોવાહના ક્રોધના દિવસે બચી ગયા હતા.—યિર્મેયાહ ૩૫:૧૮, ૧૯; ૩૯:૧૧, ૧૨, ૧૫-૧૮.

પરમેશ્વરના દુશ્મનો—ધ્યાન આપો!

૧૧. આજે પરમેશ્વરને વફાદાર રહેવું શા માટે મુશ્કેલ છે, પરંતુ યહોવાહના લોકોના વિરોધીઓએ શું ભૂલવું ન જોઈએ?

૧૧ આ દુષ્ટ વ્યવસ્થા પર યહોવાહનો કોપનો દિવસ આવે એની રાહ જોઈએ છીએ તેમ, આપણા પર “તરેહ તરેહનાં પરીક્ષણો” આવે છે. (યાકૂબ ૧:૨) ઘણાં દેશો ઉપાસનાની સ્વતંત્રતા આપવાનો દાવો કરે છે. પરંતુ એ જ દેશોમાં પાદરીઓએ લુચ્ચાઈથી પરમેશ્વરના લોકો પર સખત સતાવણી લાવવા સરકારી અધિકારીઓનો ઉપયોગ કર્યો છે. આ કપટી લોકો યહોવાહના સાક્ષીઓની નિંદા કરીને આરોપ મૂકે છે કે તેઓ “ખતરનાક પંથ” છે. પરમેશ્વર તેઓના કારસ્તાનથી અજાણ નથી અને તે તેઓને સજા કર્યા વિના છોડશે નહિ. આ વિરોધીઓએ પ્રાચીન સમયના દુશ્મનો, પલિસ્તીઓના શા હાલ થયા હતા એ પર વિચાર કરવાની જરૂર છે. ભવિષ્યવાણી કહે છે: “કેમકે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઈ જશે; આશ્દોદને તેઓ ખરે બપોરે હાંકી કાઢશે, ને એક્રોનને ઉખેડી નાખવામાં આવશે.” પલિસ્તીઓના શહેરો ગાઝા, આશ્કલોન, આશ્દોદ અને એક્રોનનો યહોવાહે વિનાશ કર્યો હતો જે પછી ખંડેરો બની ગયા હતા.—સફાન્યાહ ૨:૪-૭.

૧૨. પલિસ્તીઓ, મોઆબીઓ અને આમ્મોનીઓનું શું થયું?

૧૨ ભવિષ્યવાણી આગળ કહે છે: “મોઆબના રહેવાસીઓએ મારા લોકને મહેણાં માર્યાં છે તથા આમ્મોનીઓએ નિંદા કરીને મહેણાં માર્યાં છે, ને તેમની સીમા દબાવીને તેઓએ પોતાના મુલકનો વિસ્તાર વધાર્યો છે, એ બાબતો મેં સાંભળી છે.” (સફાન્યાહ ૨:૮) ખરું કે ઇજિપ્ત અને ઈથિયોપિયાનો બાબેલોન દ્વારા નાશ થયો હતો. પરંતુ મોઆબ, આમ્મોન અને ઈબ્રાહીમના ભત્રીજા લોતના વંશજોમાંથી આવેલા બીજા રાષ્ટ્રો પર તો પરમેશ્વરનો ન્યાયચુકાદો આવી પડ્યો. યહોવાહે ભાખ્યું: ‘મોઆબ સદોમની પેઠે તથા આમ્મોનીઓ ગમોરાહ જેવા બની જશે.’ સદોમ અને ગમોરાહના વિનાશમાંથી લોતની બે દીકરીઓ બચી ગઈ હતી તેમ, અભિમાની મોઆબ અને આમ્મોન યહોવાહના ન્યાયચુકાદાથી બચી શક્યા નહિ. (સફાન્યાહ ૨:૯-૧૨; ઉત્પત્તિ ૧૯:૧૬, ૨૩-૨૬, ૩૬-૩૮) આજે, પલિસ્તીઓ અને તેઓનાં શહેરો ક્યાં છે? એક સમયના અભિમાની મોઆબ અને આમ્મોન વિષે શું? આજે એઓનું નામોનિશાન જોવા મળતું નથી.

૧૩. પુરાતત્ત્વશાસ્ત્રીઓએ નીનવેહમાં શું શોધી કાઢ્યું?

૧૩ સફાન્યાહના દિવસોમાં, આશ્શૂરનું રાજ હતું. આશ્શૂરના પાટનગર નીનવેહના મહેલનો એક ભાગ મળી આવ્યો ત્યારે, પુરાતત્ત્વશાસ્ત્રી ઑસ્ટન લૅયાડને આમ કહ્યું: “એની છત . . . ટાઈલ્સની જેમ નાના નાના ચોરસમાં વહેંચાયેલી હતી . . . એના પર પ્રાણીઓ અને ફૂલો દોરવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ હાથીદાંત લગાવવામાં આવ્યા હતા. દરેક ચોરસને સુંદર કિનારીથી ચિતરવામાં આવ્યા હતા. થાંભલાઓ તેમ જ બાજુઓ સોનાચાંદીથી મઢેલી હતી; લાકડાંની વસ્તુઓ બનાવવા માટે દેવદારનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.” સફાન્યાહની ભવિષ્યવાણીમાં ભાખવામાં આવ્યું હતું તેમ, આશ્શૂરનો વિનાશ થઈ જવાનો હતો અને એનું પાટનગર નીનવેહ “વેરાન” થઈ જવાનું હતું.—સફાન્યાહ ૨:૧૩.

૧૪. નીનવેહ વિષેની સફાન્યાહની ભવિષ્યવાણી કેવી રીતે પરિપૂર્ણ થઈ?

૧૪ સફાન્યાહે એ ભવિષ્યવાણી ભાખી એના ફક્ત ૧૫ વર્ષ પછી, મહાન નીનવેહનો નાશ થયો અને એના ભવ્ય મહેલો ખંડેર થઈ ગયા. હા, એ અભિમાની શહેર વેરાન થઈ ગયું. એના વિનાશ વિષે અગાઉથી ભાખવામાં આવ્યું હતું કે, “બગલાં તથા શાહુડીઓ તેના પડેલા સ્તંભોનાં મથાળાં મધ્યે રહેશે; તેમના સાદનું ગાયન બારીઓમાં સંભળાશે; ઉંબરાઓ ઉજ્જડ થઈ જશે.” (સફાન્યાહ ૨:૧૪, ૧૫) નીનવેહના ભવ્ય મહેલો બગલાં તથા શાહુડીઓનું રહેઠાણ બન્યા. ઉજ્જડ પડેલાં શહેરોના રાજમાર્ગો પરથી વેપારીઓનો અવાજ, સૈનિકોની ચહલપહલ કે યાજકોની પ્રાર્થના હવે સંભળાતી ન હતી. એક સમયના આ વ્યસ્ત શહેરના રસ્તાઓ પર હવે બારીઓમાંથી અમુક પક્ષીઓનો ગમગીન અવાજ અને પવનના સુસવાટા જ સંભળાતા હતા. એવી જ રીતે પરમેશ્વરના બધા દુશ્મનોનો અંત આવશે!

૧૫. પલિસ્તીઓ, મોઆબ, આમ્મોન અને આશ્શૂરીઓ સાથે જે બન્યું એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૫ પલિસ્તીઓ, મોઆબ, આમ્મોન અને આશ્શૂર સાથે બનેલી બાબતોમાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે, યહોવાહના સેવકો તરીકે, આપણે દુશ્મનોથી ડરવાની કોઈ જરૂર નથી. પોતાના લોકોનો વિરોધ કરવા શું થઈ રહ્યું છે એ યહોવાહ જુએ છે. યહોવાહે ભૂતકાળમાં પોતાના દુશ્મનો વિરુદ્ધ પગલાં લીધા હતા અને આજે પણ એ આખી પૃથ્વી પર પોતાનો ન્યાયચુકાદો લાવશે. તોપણ, “સર્વ દેશમાંથી” બચી જનારાઓ હશે. (પ્રકટીકરણ ૭:૯) આથી જો તમે યહોવાહને, નેકીના માર્ગને અને નમ્રતાને શોધતા રહેશો તો, બચનારાઓમાં તમે પણ હોય શકો.

જુલમીઓને અફસોસ!

૧૬. યહુદાહના રાજાઓ અને ધાર્મિક આગેવાનો વિષે સફાન્યાહ શું કહે છે અને શા માટે એ ખ્રિસ્તી રાષ્ટ્રોને પણ લાગુ પડે છે?

૧૬ સફાન્યાહની ભવિષ્યવાણી ફરીથી યહુદાહ અને યરૂશાલેમ પર ધ્યાન દોરે છે. સફાન્યાહ ૩:૧, ૨ કહે છે, “એ બંડખોર તથા ભ્રષ્ટ થએલી જુલમી નગરીને અફસોસ! મારૂં કહ્યું તેણે માન્યું નહિ; તેણે શિખામણ માની નહિ; તેણે યહોવાહ ઉપર વિશ્વાસ રાખ્યો નહિ; તે પોતાના દેવની પાસે આવી નહિ.” કેટલું દુઃખદ કહેવાય કે યહોવાહે પોતાના લોકોને શિસ્ત આપવા જે પ્રયત્નો કર્યા હતા એને તેઓએ ધ્યાન આપ્યું નહિ! ખરેખર, રાજાઓ, અધિકારીઓ અને ન્યાયાધીશો પણ જુલમી હતા. સફાન્યાહે ધાર્મિક આગેવાનોના વર્તન વિષે કહ્યું: “તેઓના પ્રબોધકો બેપરવા તથા કપટી પુરુષો છે; તેના યાજકોએ પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે, તેઓએ નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે.” (સફાન્યાહ ૩:૩, ૪) આ શબ્દો આજે ખ્રિસ્તી રાષ્ટ્રના પ્રબોધકો અને યાજકો માટે કેટલા બંધબેસતા છે! અભિમાનથી ચકચૂર થઈને, તેઓએ પરમેશ્વરનું નામ તેઓના બાઇબલમાંથી કાઢી નાખ્યું છે અને લોકોને જૂઠાં સિદ્ધાંતો શીખવ્યા છે.

૧૭. ભલે લોકો સાંભળે કે નહિ, શા માટે આપણે પ્રચાર કરતા રહેવું જોઈએ?

૧૭ યહોવાહ પોતે જે પગલાં લેવાના હતા એ વિષે તેમણે પોતાના લોકોને વારંવાર ચેતવ્યા હતા. તેમણે સફાન્યાહ અને યિર્મેયાહ જેવા પોતાના પ્રબોધકો દ્વારા લોકોને પસ્તાવો કરવા માટે વિનંતી કરી હતી. હા, “યહોવાહ . . . અન્યાય કરતો નથી; દર સવારે તે પોતાનો ઈન્સાફ જાહેર કરે છે, તે ચૂક કરતો નથી.” પરંતુ શું લોકોએ સાંભળ્યું? સફાન્યાહે કહ્યું કે, દુષ્ટો “અધર્મી બેશરમ છે.” (સફાન્યાહ ૩:૫) આપણા સમયમાં પણ એવી જ ચેતવણી સાંભળવા મળે છે. જો તમે યહોવાહના રાજ્યના પ્રચારકાર્યમાં ભાગ લઈ રહ્યા હોવ તો, તમે આ ચેતવણી આપવાનું કાર્ય કરી રહ્યાં છો. એ પડતું મૂક્યા વગર પ્રચાર કરતા જ રહો! પછી ભલે લોકો તમારું સાંભળે કે ન સાંભળે. જ્યાં સુધી તમે વિશ્વાસુપણે પ્રચારકાર્ય કરો છો ત્યાં સુધી, એ યહોવાહની નજરમાં શરમજનક નથી.

૧૮. કઈ રીતે સફાન્યાહ ૩:૬ પરિપૂર્ણ થશે?

૧૮ પરમેશ્વરનો ન્યાયચુકાદો ફક્ત ખ્રિસ્તીરાષ્ટ્ર પૂરતો જ નથી. પરંતુ યહોવાહ પોતાના ન્યાયચુકાદામાં સર્વ રાષ્ટ્રોનો પણ સમાવેશ કરશે: “મેં પ્રજાઓને નાબૂદ કરી છે, તેમના બુરજો ઉજ્જડ થએલા છે; મેં તેમની શેરીઓ એવી વેરાન કરી નાખી છે કે ત્યાં થઈને કોઈ જતું નથી; તેમનાં નગરોનો એવો નાશ થયો છે.” (સફાન્યાહ ૩:૬) આ શબ્દો કેટલા ભરોસાપાત્ર છે! જાણે ખરેખર વિનાશ થઈ ગયો હોય એ રીતે યહોવાહ બોલી રહ્યા છે. પલિસ્તીઓ, મોઆબ અને આમ્મોનનાં શહેરોનું શું થયું? વળી, આશ્શૂરના પાટનગર નીનવેહનું શું થયું? તેમના ઉદાહરણો આજના રાષ્ટ્રો માટે ચેતવણી પૂરી પાડે છે. પરમેશ્વરની મશ્કરી કરાય નહિ.

યહોવાહને શોધતા રહો

૧૯. આપણે પોતાને કયા પ્રશ્નો પૂછવા જોઈએ?

૧૯ સફાન્યાહના દિવસમાં, પરમેશ્વરનો કોપ દુષ્ટો પર આવી રહ્યો હતો, કેમ કે ‘તેઓના સર્વ કામો ભ્રષ્ટ’ હતા. (સફાન્યાહ ૩:૭) આપણા સમયમાં પણ એવું જ બનશે. યહોવાહના કોપનો દિવસ નજીક છે, શું તમે એના પુરાવા જોઈ શકો છો? શું તમે નિયમિત તેમ જ દરરોજ બાઇબલ વાંચીને ‘યહોવાહને શોધવાનું’ ચાલુ રાખો છો? શું તમે પરમેશ્વરના ધોરણો પ્રમાણે જીવીને ‘નેકીનો માર્ગ શોધો’ છો? શું તમે પરમેશ્વરે કરેલી તારણની ગોઠવણને આધીન રહીને ‘નમ્રતા શોધો’ છો?

૨૦ જો આપણે વિશ્વાસુપણે યહોવાહને, નેકીના માર્ગને અને નમ્રતાને શોધતા રહીએ તો, આપણે આ ‘છેલ્લા સમયના’ કપરા સંજોગોમાં પણ ભરપૂર આશીર્વાદ મેળવી શકીશું. (૨ તીમોથી ૩:૧-૫; નીતિવચન ૧૦:૨૨) પરંતુ આપણે વિચારી શકીએ કે, ‘યહોવાહના સેવકો હાલમાં કઈ રીતે આશીર્વાદ મેળવી રહ્યાં છે? તેમ જ, ઝડપથી આવી રહેલા યહોવાહના કોપના દિવસથી સંતાઈ રહેનારાઓ માટે સફાન્યાહની ભવિષ્યવાણી કયા ભાવિના આશીર્વાદો બતાવે છે?’

તમે કેવો જવાબ આપશો?

• લોકો કઈ રીતે ‘યહોવાહને શોધી’ રહ્યા છે?

• ‘નેકીનો માર્ગ શોધવાનો’ શું અર્થ થાય છે?

• આપણે કઈ રીતે ‘નમ્રતા શોધી’ શકીએ?

• શા માટે આપણે યહોવાહ, નેકીનો માર્ગ અને નમ્રતા શોધતા રહેવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

૨૦. સફાન્યાહની ભવિષ્યવાણીને લગતા કયા પ્રશ્નો પર હવે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે?

[પાન ૧૮ પર ચિત્ર]

શું તમે બાઇબલ અભ્યાસ અને અવારનવાર પ્રાર્થના દ્વારા યહોવાહને શોધો છો?

[પાન ૨૧ પર ચિત્ર]

મોટું ટોળું યહોવાહને સતત શોધતું રહ્યું છે એ કારણે તેઓ યહોવાહના કોપના દિવસે બચી જશે