સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુ ખ્રિસ્ત વિષે યશાયાહ ૫૩:૧૦ ભાખે છે: “યહોવાહની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુઃખી કર્યો.” એનો શું અર્થ થાય છે?

યશાયાહ ૫૩:૧૦ની ભવિષ્યવાણી વિષે પ્રશ્ન ઊભો થાય એ દેખીતુ છે. આપણા દયાળુ અને પ્રેમાળ પરમેશ્વર કોઈને દુઃખી કરે એવું તો આપણે વિચારી પણ ન શકીએ. બાઇબલ આપણને ખાતરી આપે છે કે, પરમેશ્વર નિર્દોષ લોકોને કોઈ જ દુઃખ આપતા નથી. (પુનર્નિયમ ૩૨:૪; યિર્મેયાહ ૭:૩૦, ૩૧) સદીઓ દરમિયાન, યહોવાહ પરમેશ્વરે અમુક પ્રસંગોએ પોતાના ડહાપણ અને પ્રેમના કારણે દુઃખોને પરવાનગી આપી હોય શકે. પરંતુ તેમણે પોતાના વહાલા દીકરા ઈસુને માટે દુઃખ ઊભું કર્યું ન હતું. એમ હોય તો, આ કલમ ખરેખર શું કહે છે?

ચાલો આપણે આખી કલમ વાંચીએ અને એના પર મનન કરીને સમજીએ. એ કલમમાંના “મરજી” અને “હેતુ” શબ્દો પર ધ્યાન આપો. યશાયાહ ૫૩:૧૦માં વાંચવા મળે છે: “તોપણ યહોવાહની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુઃખી કર્યો; તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાહનો હેતુ સફળ થશે.”

અહીં કલમના અંતે ‘યહોવાહના હેતુ’ વિષે જણાવાય છે. આખા બાઇબલનો સંદેશ એ જ છે કે, યહોવાહ પરમેશ્વરના રાજ્ય દ્વારા તેમનો હેતુ પૂરો થશે. આમ, યહોવાહની ઇચ્છા પૂરી થશે, એટલે કે, તેમની સર્વોપરિતા દોષમુક્ત થશે, અને સર્વ આજ્ઞાંકિત મનુષ્યોમાંથી વારસામાં મળેલું પાપ દૂર થશે. (૧ કાળવૃત્તાંત ૨૯:૧૧; ગીતશાસ્ત્ર ૮૩:૧૮; પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪; હેબ્રી ૨:૧૪, ૧૫; ૧ યોહાન ૩:૮) પરંતુ, એ માટે પરમેશ્વરના દીકરાએ માણસ તરીકે જન્મીને, ખંડણી તરીકે પોતાનું બલિદાન આપવું પડે. આપણે જાણીએ છીએ તેમ, એ બલિદાન આપવામાં ઈસુએ ઘણું જ સહન કરવું પડ્યું. બાઇબલ જણાવે છે કે તેમણે ‘જે જે સંકટો સહન કર્યાં તેથી તે આજ્ઞાપાલન શીખ્યા.’ તેથી, ઈસુએ એ દુઃખોમાંથી લાભ મેળવ્યો.—હેબ્રી ૫:૭-૯.

ઈસુ પહેલેથી જાણતા હતા કે એમ કરવામાં ઘણાં દુઃખો સહન કરવા પડશે. એ આપણને યોહાન ૧૨:૨૩, ૨૪માંથી જોવા મળે છે: “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. હું તમને ખચીત ખચીત કહું છું, જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી નહિ જાય, તો તે એકલો રહે છે; પણ જો તે મરી જાય, તો તે ઘણાં ફળ આપે છે.” ઈસુ જાણતા હતા કે પરમેશ્વર યહોવાહને વફાદાર રહેવા તેમણે મરવું પડશે. તે આગળ કહે છે: “હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે બાપ, મને આ ઘડીથી બચાવ. પણ એજ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે બાપ, તારા નામનો મહિમા પ્રગટ કર. ત્યારે એવી આકાશવાણી થઈ, કે મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે, અને ફરી કરીશ.”—યોહાન ૧૨:૨૭, ૨૮; માત્થી ૨૬:૩૮, ૩૯.

આમ, આ અર્થમાં આપણે યશાયાહ ૫૩:૧૦ સમજી શકીએ છીએ. યહોવાહ જાણતા હતા કે તેમના દીકરાને કચડવામાં એટલે કે, મારી નાખવામાં આવશે. તોપણ એનાથી જે ભવ્ય આશીર્વાદો આવવાના હતા, એ જોતાં, યહોવાહ પરમેશ્વરની મરજી હતી કે ઈસુ ખ્રિસ્ત એ સહન કરે. એ અર્થમાં યહોવાહ પરમેશ્વરની “મરજી તેને કચરવાની હતી,” એટલે કે, મસીહને કચરવાની મરજી હતી. તેમ જ, ઈસુએ પણ પોતે જે કરી શક્યા એમાં આનંદ મેળવ્યો. સાચે જ, યશાયાહ ૫૩:૧૦ કહે છે તેમ, “તેને હાથે યહોવાહનો હેતુ સફળ થશે.”