સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇન્ટરવ્યૂ | ફૉંગ-લીંગ યાંગ

સૂક્ષ્મજીવવૈજ્ઞાનિક પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે

સૂક્ષ્મજીવવૈજ્ઞાનિક પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે

ફૉંગ-લીંગ યાંગ પોતે જીવવૈજ્ઞાનિક છે. તે તાઇવાનના પાટનાગર તાઈપેઈમાં આવેલી સેન્ટ્રલ રીસર્ચ એકેડેમીમાં સંશોધનનું કામ કરે છે. તેમણે કરેલું અમુક સંશોધન વૈજ્ઞાનિક મૅગેઝિનમાં છપાયું છે. શરૂઆતમાં તે ઉત્ક્રાંતિવાદમાં માનતા હતા. સમય જતાં, તેમણે પોતાના વિચારો બદલ્યા. સજાગ બનો!એ તેમને વિજ્ઞાન અને તેમની શ્રદ્ધા વિશે અમુક સવાલો પૂછ્યા.

તમારા વિશે કંઈ જણાવશો?

મારાં મમ્મી-પપ્પા બહુ ગરીબ હતાં અને મમ્મી તો અભણ હતાં. અમે તાઈપેઈ શહેરની નજીકના વિસ્તારમાં રહેતા જ્યાં વારંવાર પૂર આવતું. ત્યાં અમે ભૂંડો ઉછેરતાં અને શાકભાજી વાવતા. મારાં મમ્મી-પપ્પાએ સખત મહેનત કરવાનું અને બીજાઓને મદદ કરવાનું પણ શીખવ્યું.

તમારું કુટુંબ ધાર્મિક હતું?

અમારું કુટુંબ તાઓ ધર્મ પાળતું. અમે ઈશ્વરને બલિદાનો ચઢાવતા, પણ તેના વિશે કંઈ જાણતા નહિ. મને ઘણી વાર થતું: ‘લોકો પર દુઃખ કેમ આવે છે? લોકો કેમ સ્વાર્થી છે?’ મેં તાઓ અને બૌદ્ધ ધર્મ તેમ જ, પૂર્વ અને પશ્ચિમ દેશોના ઇતિહાસનાં પુસ્તકો પણ વાંચ્યાં છે. હું અમુક ચર્ચમાં પણ ગઈ છું. તોપણ, મને મારા સવાલોના સંતોષકારક જવાબો ન મળ્યા.

તમે કેમ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો?

મને ગણિત બહુ ગમતું. તેમ જ, કોઈ વસ્તુના બંધારણમાં ભૌતિક અને રસાયણિક નિયમો જે રીતે કામ કરે છે, એનાથી હું નવાઈ પામી હતી. જેમ કે, વિશાળ વિશ્વથી લઈને નાનામાં નાના જીવાણુનું બંધારણ નિયમોને આધારે ઘડાયેલું છે. એટલે, મને એ નિયમો વિશે શીખવું હતું.

તમે કેમ ઉત્ક્રાંતિવાદને હકીકત માનવા લાગ્યા?

એ સિવાય મને બીજું કંઈ શીખવવામાં આવ્યું ન હતું. સ્કૂલથી લઈને યુનિવર્સિટી સુધી ઉત્ક્રાંતિ વિશે જ શીખવવામાં આવ્યું હતું. હું જીવવિજ્ઞાનની સંશોધક હોવાથી મારી પાસેથી અપેક્ષા રાખવામાં આવતી કે ઉત્ક્રાંતિવાદ જ સ્વીકારું.

હું જીવવિજ્ઞાનની સંશોધક હોવાથી મારી પાસેથી અપેક્ષા રાખવામાં આવતી કે ઉત્ક્રાંતિવાદ જ સ્વીકારું

તમે શા કારણે બાઇબલ વાંચવા લાગ્યા?

૧૯૯૬માં હું પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા જર્મની રહેવા ગઈ. પછીના વર્ષે હું સીમોન નામના બહેનને મળી. તે યહોવાના એક સાક્ષી હતાં. તેમણે કહ્યું કે મારા સવાલોના જવાબ બાઇબલમાંથી બતાવશે. જ્યારે તેમણે બાઇબલમાંથી જીવનના હેતુ વિશે બતાવ્યું, ત્યારે હું નવાઈ પામી. હું રોજ સવારે સાડા ચારે ઊઠતી જેથી એક કલાક બાઇબલ વાંચી શકું. પછી, ચાલવા જતી અને જે વાંચ્યું એના પર મનન કરતી. એ પછીનું વર્ષ પૂરું થતા સુધીમાં મેં આખું બાઇબલ વાંચી નાખ્યું. એમાં આપેલી મોટા ભાગની ભવિષ્યવાણીઓ સમયસર પૂરી થઈ છે એનાથી હું પ્રભાવિત થઈ. ધીરે ધીરે મને ખાતરી થઈ કે બાઇબલ ઈશ્વર પાસેથી આવ્યું છે.

જીવનની શરૂઆત વિશે તમે શું માનતા?

ખરું કહું તો, ૧૯૯૦ના દાયકાના અંતના ભાગમાં મેં એ વિશે વિચારવાનું શરૂ કર્યું. એ સમયે પરમાણુ જીવવૈજ્ઞાનિકોને પણ અણસાર થવા માંડ્યો કે જીવંત વસ્તુઓ પાછળની રચના કોઈએ ધારી હોય એના કરતાં ખૂબ જટિલ છે. જોકે, વૈજ્ઞાનિકો ઘણા લાંબા સમયથી જાણે છે કે જીવિત કોષોમાં રહેલા પ્રોટીન સૌથી જટિલ રસાયણિક તત્ત્વોથી બન્યા છે. પરંતુ, વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યાં હતા કે કામ કરતા મશીનની જેમ કઈ રીતે બધા પ્રોટીન વ્યવસ્થિત રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આવા પરમાણુ ૫૦થી વધારે પ્રોટીનથી બનેલા હોય શકે. અરે, સાદામાં સાદા કોષ માટે પણ એવા મશીનની જરૂર હોય છે, જે ઊર્જા ઉત્પન્ન કરવાથી લઈને માહિતીની નકલ કરી શકે. તેમ જ, કોષના પાતળા પડમાંથી અમુક પદાર્થોની આવ-જા કરવાનું નિયંત્રણ રાખી શકે.

તમે કયા નિર્ણય પર આવ્યા?

હું વિચારતી કે, ‘કામ કરતા મશીનની જેમ પ્રોટીન કઈ રીતે વ્યવસ્થિત રીતે જોડાયેલા છે?’ એ જ સમયે, કોષોમાં થતી અણધારી જટિલ રસાયણિક પ્રક્રિયાઓ જોઈને ઘણા વૈજ્ઞાનિકોને એ જ સવાલ થતો હતો. જીવરસાયણ વિજ્ઞાનના અમેરિકાના એક પ્રોફેસરે એક પુસ્તક બહાર પાડ્યું. એમાં તેમણે દલીલ કરી કે જીવંત કોષોમાં રહેલા પરમાણુ એટલા જટિલ છે કે પોતાની મેળે આવી જ ન શકે. હું પણ તેમની સાથે સહમત થઈ. મને લાગ્યું કે જીવનની રચના કરવામાં આવી છે.

હું વિચારતી કે, ‘કામ કરતા મશીનની જેમ પ્રોટીન કઈ રીતે વ્યવસ્થિત રીતે જોડાયેલા છે?’

તમે શા માટે યહોવાના એક સાક્ષી બન્યા?

સીમોનને શારીરિક તકલીફો હતી. તેમ છતાં, લગભગ ૫૬ કિલોમીટરની મુસાફરી કરીને તે દર અઠવાડિયે મને બાઇબલ શીખવવા આવતાં, એનાથી હું ખૂબ પ્રભાવિત થઈ. હું શીખી કે જર્મનીમાં નાઝીના સમયમાં યહોવાના સાક્ષીઓ રાજકારણમાં ભાગ લેતા ન હતા. એના લીધે અમુકને જુલમી છાવણીમાં કેદ કરવામાં આવ્યા હતા. તેઓની એ હિંમત મારા હૃદયને સ્પર્શી ગઈ. તેઓનો ઈશ્વર માટેનો પ્રેમ જોઈને મને પણ સાક્ષી બનવાની પ્રેરણા મળી.

ઈશ્વરમાં માનવાથી તમને શું લાભ થયો?

મારા સાથી કામદારો કહે છે કે હવે હું વધારે ખુશ છું. મારું કુટુંબ ગરીબ હોવાને લીધે પહેલાં હું શરમ અનુભવતી હતી. એટલે, મારાં માતાપિતા અને મારો ઉછેર ક્યાં થયો એ વિશે ક્યારેય કોઈને કહેતી નહિ. પણ, બાઇબલમાંથી હું શીખી કે ઈશ્વરની નજરે સામાજિક દરજ્જાની કોઈ કિંમત નથી. હકીકતમાં, ઈસુનો ઉછેર પણ મારા જેવા ગરીબ કુટુંબમાં જ થયો હતો. હવે, હું મારાં માતાપિતાની સંભાળ રાખું છું અને તેમની ઓળખાણ મારા મિત્રો સાથે ખુશીથી કરાવું છું. (g14-E 01)