સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચિંતાની બીમારીના દર્દીને કેવી રીતે મદદ કરવી?

ચિંતાની બીમારીના દર્દીને કેવી રીતે મદદ કરવી?

ચિંતાની બીમારીના દર્દીને કેવી રીતે મદદ કરવી?

“ઘણી વારી મારા હૃદયના ધબકારા વધી જાય છે. આમ જ પસીનો છૂટી જાય છે. શ્વાસ લેવાનું અઘરું બને છે. ડર અને ચિંતા સતાવ્યા કરે છે. હું અંદરને અંદર મૂંઝાયા કરું છું.”—ચાલીસેક વર્ષની ઇઝેબેલાને પૅનિક ડિસઓર્ડર (ચિંતાની બીમારીનો એક પ્રકાર) છે.

એન્કઝાઇટી (ચિંતા) એટલે, ‘બેચેની કે ગભરાટની લાગણી અનુભવવી.’ દાખલા તરીકે, અચાનક જ કોઈ કૂતરો તમારી સામે આવીને ભસવા લાગે, ત્યારે શું તમે ગભરાટ અને બેચેની અનુભવી છે? એક વાર કૂતરો જતો રહે પછી કેવું લાગે? બેચેની અને ગભરાટ પણ જતા રહે, ખરું ને? તો પછી, ચિંતા ક્યારે બીમારી બની જઈ શકે?

ચિંતા કરવાનું કોઈ કારણ ન હોય તોપણ ચિંતા કરતા રહીએ તો એ આખરે ‘ચિંતાની બીમારી’ બની જાય છે. યુ. એસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થનો અહેવાલ જણાવે છે કે ‘અમેરિકામાં દર વર્ષે ૧૮ વર્ષ કે તેથી મોટી ઉંમરના લગભગ ૪ કરોડ લોકો ચિંતાની બીમારીથી પીડાય છે.’ શરૂઆતમાં જણાવેલી ઇઝેબેલાનો વિચાર કરો. તેને જે ‘ચિંતાની બીમારી’ છે, એવી બીમારીના દર્દીને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે.

એટલું જ નહિ, દર્દીના કુટુંબના સભ્યોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. છતાં એક ખુશીના સમાચાર છે! આગળ જણાવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટનું સાહિત્ય કહે છે: ‘ચિંતાની બીમારી માટે અસરકારક થેરપી કે સારવાર પદ્ધતિ મળી રહે છે. આવા દર્દીઓ સુખચેનથી જીવી શકે, એ માટે બીજી મદદરૂપ સારવાર પદ્ધતિઓ પણ શોધાઈ રહી છે.’

ચિંતાની બીમારીથી પીડાતા દર્દીઓને તેમના કુટુંબના સભ્યો અને મિત્રો મદદ કરી શકે છે. કેવી રીતે?

કેવી રીતે મદદ કરવી

દર્દીને સહારો આપો: મોનિકાને જનરલાઇઝ્ડ એન્ક્‌ઝાઇટી અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર છે. તે કેવી મુશ્કેલીનો સામનો કરે છે એ જણાવતા કહે છે: ‘મારી લાગણીને લગતી સમસ્યા સમજવી ઘણા લોકોને અઘરું લાગે છે.’

તેથી, દર્દીઓ એમ માનતા હોય છે કે તેઓ જે કંઈ કહેશે એને લોકો ખોટી રીતે સમજશે, એટલે તેઓ પોતાની સમસ્યાઓ બીજાઓને કહેતા ડરે છે. એના લીધે, તેઓ ખુદને દોષ દેવા લાગે છે અને વધારે પરેશાન થાય છે. એટલે, કુટુંબના સભ્યો અને મિત્રો તેઓને સહારો આપે, એ ખૂબ જરૂરી છે.

બીમારી વિષે વધુ જાણો: આ સૂચન ખાસ એવા લોકો માટે છે, જેઓ દર્દી સાથે વધારે સમય વિતાવે છે. એમાં કુટુંબના સભ્યો અથવા નજીકના મિત્રોનો સમાવેશ થઈ શકે.

એકબીજાને દિલાસો આપતા રહો: પહેલી સદીમાં ઈશ્વરભક્ત પાઊલે થેસ્સાલોનીકીમાં રહેતા પોતાના મિત્રોને અરજ કરી કે એકબીજાને દિલાસો અને “ઉત્તેજન” આપે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૧, IBSI) આપણે વાણીથી અને બોલવાની રીતથી એમ કરી શકીએ. આપણે તેઓને દિલથી ચાહીએ છીએ એ બતાવીએ અને તેઓને દુઃખ થાય એવું કંઈ ન બોલીએ.

ઈશ્વરભક્ત અયૂબના નામ પરથી બાઇબલમાં એક પુસ્તક છે. તેમના ત્રણ કહેવાતા મિત્રોનો વિચાર કરો. કદાચ તમને યાદ હશે, એ મિત્રોએ અયૂબ પર આરોપ મૂક્યો કે તેમણે પાપ છુપાવી રાખ્યું હોવાથી, તેમના પર દુઃખ-તકલીફ આવી.

દર્દી કેવું અનુભવે છે એ સમજો. તેમને ધ્યાનથી સાંભળો. કોઈ પણ બાબત પોતાની નજરે નહિ, પણ દર્દીની નજરે જોવાનો પ્રયત્ન કરો. તેઓને તમે સાંભળતા હો ત્યારે, તરત કોઈ નિર્ણય પર આવી ન જાવ. અયૂબના કહેવાતા મિત્રોએ એવું જ કર્યું હતું. એટલે જ અયૂબે તેઓને ‘કંટાળાજનક દિલાસો આપનારા’ કહ્યા. અરે, તેઓએ અયૂબને વધારે દુઃખી કર્યા!—અયૂબ ૧૬:૨.

દર્દીઓને ધ્યાનથી સાંભળવાનું ભૂલશો નહિ. તેઓ કેવું અનુભવે છે, એ તેઓને કહેવા દો. એનાથી તમે સમજી શકશો કે તેઓ કેવી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે. આમ કરવાથી શું પરિણામ આવશે, એનો વિચાર કરો! તમે દર્દીને જીવનની પૂરી મઝા માણવા મદદ કરી શકશો, તેઓને જીવવાનો હેતુ આપી શકશો. (g12-E 03)

[પાન ૨૫ પર બોક્સ/ચિત્ર]

ચિંતાની બીમારીના પ્રકાર પારખવા

એન્ક્‌ઝાઇટી ડિસઓર્ડરને (ચિંતાની બીમારી) સમજવું જરૂરી છે, ખાસ કરીને દર્દી કુટુંબનો સભ્ય અથવા મિત્ર હોય. નીચે આપેલા પાંચ પ્રકારના ડિસઓર્ડરનો વિચાર કરો.

પૅનિક ડિસઓર્ડર: ઇઝેબેલા વિષે આપણે આગળના લેખમાં જોઈ ગયા, તે આના દર્દી છે. એવું નથી કે ચિંતાના હુમલાથી તે લાચાર બની જાય છે, પરંતુ તે કહે છે કે ‘મને સતત ડર રહે છે કે એ હુમલો ફરીથી થશે.’ એટલે, આવા દર્દીઓ એવી જગ્યાએ જવાનું ટાળે છે, જ્યાં તેઓને પહેલાં હુમલો થયો હોય. ઘણા તો ઘરથી બહાર જવાનું પણ ટાળે છે, પોતાને ઘરમાં કેદ કરી રાખે છે. તેઓને ડરાવતા સંજોગોનો સામનો ત્યારે જ કરી શકે છે, જ્યારે કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે હોય. ઇઝેબેલા સમજાવે છે કે ‘હું એકલી હોઉં ત્યારે એ હુમલો થવાની વધારે શક્યતા રહે છે. પણ જ્યારે હું મમ્મી સાથે હોઉં, ત્યારે સલામતી અનુભવું છું. મમ્મી વગર હું લાચાર બની જઉં છું.’

ઑબ્સેસીવ-કમ્પલ્સીવ ડિસઓર્ડર: આના દર્દીને જંતુ અને ગંદકીથી મુક્ત થવા વારંવાર હાથ ધોવાની તીવ્ર આદત હોય છે. આવી જ એક આદત વિષે રેનન કહે છે: ‘પહેલાં કરેલી ભૂલો મારા મગજમાં ભમ્યા કરે છે. હું એ ભૂલો પર વારંવાર વિચાર્યા કરું છું.’ પરિણામે, વ્યક્તિ પોતાની ભૂલો બીજાઓને જણાવ્યા કરે છે. રેનનભાઈને સતત આશ્વાસનની જરૂર પડે છે. પણ દવાઓ તેમની બીમારી કાબૂ રાખવામાં મદદ કરે છે. *

પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર: કોઈ ભયજનક બનાવમાં લોકોને શારીરિક નુકસાન થયું હોય કે એનો ડર મનમાં પેસી ગયો હોય શકે. આવા લક્ષણો માટે આ નામ તાજેતરના વર્ષોમાં વપરાશમાં આવે છે. આના દર્દી કદાચ સહેલાઈથી ચોંકી જાય, ચિડાઈ જાય, તેઓની લાગણીઓ બહેર મારી જાય, પહેલાં જે બાબતોમાં મઝા આવતી એમાંથી રસ ઊડી જાય. જેઓ સાથે પહેલાં સારું બનતું હતું, તેઓને પ્રેમ બતાવવું અઘરું બની જઈ શકે. અમુક લોકો ઝઘડાખોર કે મારપીટ કરનારા બની જાય છે. સૌથી પહેલો ભયજનક હુમલો થયો હોય, ત્યાં જવાનું તેઓ ટાળે છે.

સોશિયલ ફોબિયા અથવા સોશિયલ એન્ક્‌ઝાઇટી ડિસઓર્ડર: એવા લોકોને દર્શાવે છે જેઓ રોજિંદા જીવનના કાર્યોની અને પોતાની વધારે પડતી ચિંતા કરતા રહે છે. અમુક દર્દીઓને વધારે પડતો ડર સતત રહેતો હોય છે કે બીજાઓ તેમને જોશે અને ભૂલો શોધશે. તેઓ કોઈ પ્રસંગમાં જતા પહેલાં દિવસો અને અઠવાડિયાઓ સુધી એની ચિંતા કરતા રહે છે. તેઓનો આવો ડર એ હદ સુધી પહોંચી જાય છે કે એના લીધે તેઓ નોકરી-ધંધા પર, સ્કૂલમાં અથવા રોજિંદા કામમાં ધ્યાન આપી શકતા નથી. તેઓ માટે નવા મિત્રો બનાવવા અને સંબંધો સાચવવા અઘરું બની જાય છે.

જનરલાઇઝ્ડ એન્ક્‌ઝાઇટી ડિસઓર્ડર: મોનિકા વિષે આપણે આગળના લેખમાં જોઈ ગયા, તે આના દર્દી છે. ચિંતા કરવાનું નજીવું અથવા કોઈ જ કરણ ન હોય તોપણ, મોનિકા આખો દિવસ ‘વધારે પડતી ચિંતા’ કરતી રહે છે. આ બીમારીના દર્દીઓ કોઈ આફત આવશે એવું વિચારતા રહે છે. તેઓ તંદુરસ્તી, પૈસા, કુટુંબની મુશ્કેલીઓ અથવા નોકરી-ધંધા વિષે વધુ પડતી ચિંતા કરવા લાગે છે. દિવસ કેવી રીતે પસાર કરશે, એના વિચાર માત્રથી તેઓ ચિંતામાં ડૂબી જાય છે. *

[ફુટનોટ્‌સ]

^ સજાગ બનો! જણાવતું નથી કે કેવો ઇલાજ કરવો જોઈએ.

^ ઉપરની માહિતી યુ. એસ. ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ હ્યુમન સર્વિસિસના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના સાહિત્ય પર આધારિત છે.

[પાન ૨૪ પર ચિત્ર]

એકબીજાને દિલાસો આપતા રહો!