સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજા માબાપ શું કહે છે

બીજા માબાપ શું કહે છે

બીજા માબાપ શું કહે છે

બાળકો મોટા થાય તેમ તેઓને આજ્ઞા પાળવાનું કેવી રીતે શીખવી શકો? તેઓને જીવનમાં કામ આવે એવી આવડતો કેવી રીતે શીખવી શકો? ચાલો જોઈએ કે દુનિયાના અલગ અલગ દેશોમાંથી આવતા માતા-પિતા શું કહે છે.

ઘરના કામ અને વ્યવહાર

“અમે કુટુંબ સાથે જમવા બેસીએ છીએ અને દિવસના બનાવો વિષે ચર્ચા કરીએ છીએ. એનાથી અમારા બાળકોને શીખવા મળે છે કે કઈ રીતે સારા સાંભળનારા બનવું. તેઓ જુએ છે કે અમે તેઓનું ધ્યાનથી સાંભળીએ છીએ. એનાથી તેઓને એકબીજા માટે અને ખુદના માટે પણ માન વધે છે.”—બ્રિટનના રિચર્ડ ભાઈ.

“અમારા બાળકો એકબીજા સાથે માનથી વર્તે છે. તેઓની વચ્ચે થતી નાની-મોટી તકરારને તેઓ જાતે હલ કરે છે. એ જોઈને અમને બહુ સારું લાગે છે. તેઓ મોટા લોકો સાથે પણ અચકાયા વિના વાત કરે છે.”—દક્ષિણ આફ્રિકાના જોન ભાઈ.

“મારામાં પણ ઘણી ખામી છે. હું કોઈ વાર અજાણતા મારા બાળકોની લાગણીઓને ઠેસ પહોંચાડું છું. એવું થાય તો હું ભૂલની માફી માંગું છું. એ મારા માટે મહત્ત્વનું છે.”—ઑસ્ટ્રેલિયાના જેનલ બહેન.

“અમે બાળકોને ઘરના અમુક નાના કામ કરવાનું શીખવ્યું છે. બીજાઓના ફાયદા માટે મદદ કરવાનું પણ શીખવ્યું છે. એનાથી અમારા બાળકોને સંતોષ મળે છે અને બધા સંપીને રહે છે.”—ઑસ્ટ્રેલિયાના ક્લાઈવ ભાઈ.

“એકબીજાને કેમ માન આપવું જોઈએ, સમજવું જોઈએ અને માફી આપવી જોઈએ. બાળકોને એ શીખવવું સહેલું નથી, પણ મહત્ત્વનું છે.”—જાપાનના યુકો ભાઈ.

ચોખ્ખાઈ અને તંદુરસ્તી

“અમારી બંને દીકરીઓ નાની હતી ત્યારથી અમે તેઓને જાતે નાહતા શીખવ્યું હતું. તેઓને મઝા આવે એ માટે કાર્ટૂનવાળા સાબુ અને સેમ્પૂની બોટલ વાપરતા. તેમ જ, નાહવા માટેના સ્પંજ કોઈ પ્રાણીના આકારવાળા વાપરતા.”—મેક્સિકોના એડ્‌ગર ભાઈ.

“અમે રહેતાં હતાં ત્યાં નળનું પાણી આવતું ન હતું. હું સાબુ અને પાણી ભરેલું વાસણ હંમેશા હાથવગું રાખતી. જ્યારે અમે બહાર જઈને પાછા આવતા ત્યારે એનાથી હાથ ધોઈ શકતા.”—નાઇજીરિયાના ઈન્ડોરન્સ બહેન.

“અમે બાળકોને આચર-કુચર નહિ પણ સારો ખોરાક આપીએ છીએ. તેઓને સમજાવીએ છીએ કે સંતુલિત આહાર લેવો કેમ જરૂરી છે. મારા બાળકોને જાણવું ગમે છે કે જુદી જુદી વાનગીમાં કયા મરી-મસાલા વપરાય છે. એટલે હું જમવાનું બનાવું ત્યારે તેઓને મદદ કરવાનું કહું છું. તેઓ સાથે સમય પસાર કરવાથી અમને વાત કરવાનો મોકો મળે છે.”—બ્રિટનના સાન્દ્રા બહેન.

“કસરત કરવી જરૂરી છે. માબાપ તરીકે અમે પહેલાં સારો દાખલો બેસાડીએ છીએ. અમે બાળકો સાથે દોડવા જઈએ છીએ. ટેનિસ કે બાસ્કેટ બોલ રમીએ છીએ. તરવા કે સાયકલ ચલાવવા જઈએ છીએ. આ બધું અમારા બાળકોને બહુ ગમે છે. તેઓને શીખવા મળે છે કે કસરત કરવાની સાથે સાથે થોડી મજા-મસ્તી પણ હોવી જોઈએ.”—ઑસ્ટ્રેલિયાના કેરન બહેન.

“બાળકો પોતાના માબાપ સાથે જે સમય પસાર કરે છે એ બહુ જરૂરી છે. પૈસા, ભેટ કે કોઈ પ્રવાસ એની સરખામણી કરી ન શકે. સવારે બાળકો સ્કૂલે હોય ત્યારે હું નોકરીએ જઉં છું. બપોરે ઘરે પાછા આવે ત્યારે તેઓ સાથે રહું છું.”—ઇટાલીના રોમિના બહેન.

શિસ્ત

“અમે જોયું છે કે શિસ્ત આપવાની કોઈ એક જ રીત નથી. પણ સંજોગોને આધારે જરૂરી શિસ્ત આપવી જોઈએ. કેટલીક વાર શિસ્તમાં ભારપૂર્વક પણ નિખાલસ રીતે વાત કરવી પડે. જ્યારે અમુક સમયે તેઓને ગમતું ન કરવા દઈને અમે શિસ્ત આપીએ છીએ.”—નાઇજીરિયાના ઓગ્બેટે ભાઈ.

“અમે બાળકોને જે કંઈ કરવાનું કહ્યું હોય એ તેઓના મોઢેથી બોલાવીએ છીએ. એનાથી અમને ખબર પડે છે કે તેઓ અમારી વાત સમજ્યા છે કે નહિ. પછી અમે તેઓને જે કંઈ કીધું હોય એ જ કરીએ છીએ. બાળકો ધ્યાનથી સાંભળનારા બને એવું આપણે ચાહીએ છીએ. પણ તેઓ કીધા મુજબ ન કરે, તો ઠરાવ્યા પ્રમાણે તેઓને શિક્ષા કરવી પડે.”—ઑસ્ટ્રેલિયાના ક્લાઈવ ભાઈ.

“હું મારા દીકરાઓને શિસ્ત આપું ત્યારે તેઓ સાથે નજર મિલાવવા માટે હું ઘૂંટણના ટેકે બેસું છું. આમ કરવું મને વધારે સારું લાગે છે. કેમ કે એનાથી હું તેઓનું ધ્યાન ખેંચી શકું છું. તેઓ મારા મોઢાના હાવ-ભાવ જોઈ શકે છે. એની અસર પણ મારા શબ્દો જેટલી જ છે.”—ઑસ્ટ્રેલિયાના જેનિફર બહેન.

“તમે ‘ક્યારેય સાંભળતા નથી,’ એવું બાળકોને કહેવાનું અમે ટાળીએ છીએ. ભલેને પછી અમુક વાર ખરેખર તેઓ સાંભળતા ન હોય. અમે અમારા બાળકોને એકબીજાની સામે ઠપકો પણ આપતા નથી. અમે તેઓને ધીરા અવાજમાં જણાવીએ કાં તો એક બાજુ લઈ જઈને જણાવીએ.”—મોઝામ્બિકના રૂડી ભાઈ.

“બાળકો સહેલાઈથી છેતરાઈ જઈ શકે છે. તેઓને બીજાઓનું અનુકરણ કરવાનું ગમતું હોય છે. પણ અમે સારા સિદ્ધાંતોને આધારે બાળકોમાં સંસ્કારોનું સિંચન કર્યું છે. એનાથી મિડીયા, સાથે ભણતા વિદ્યાર્થીઓ અને સમાજની ખોટી અસરથી તેઓ દૂર રહી શકે છે. તેમ જ, તેઓ નુકસાનકારક કે ખોટી બાબતોનો સાફ નકાર કરે છે.”—કોંગો લોકશાહી પ્રજાસત્તાકના ગ્રેગરી ભાઈ.

“શિસ્ત આપો ત્યારે યોગ્ય, સતત અને મક્કમ રીતે આપો. બાળકોને ખબર હોવી જોઈએ કે ખોટું કરવાનું કેવું પરિણામ આવશે. તમે જે કહ્યું હોય એમ કરો.”—ઇંગ્લૅંડના ઓવિન ભાઈ. (g11-E 10)

[પાન ૧૪ પર બ્લર્બ]

“તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.”—કોલોસી ૩:૨૧

[પાન ૧૫ પર બોક્સ/ચિત્ર]

કુટુંબનો પરિચય

એકલા હાથે બાળકોનો સારો ઉછેર કર્યો

લુસિન્ડા ફોસ્ટર સાથે મુલાકાત

એકલી મા હોવાથી તમને કયો મોટો પડકાર છે?

મા-બાપ હોવું જ એક પડકાર છે, એમાંય જો એકલા હોઈએ તો એ બહુ અઘરું છે. મારા માટે સમય-શક્તિનું કેવી રીતે આયોજન કરવું, એ મોટો પડકાર છે. હું મારા બાળકોમાં સારા સંસ્કાર સિંચું છું ત્યારે, આનંદ-પ્રમોદ માટે પણ સમય કાઢું છું. એ બધું કરવા ઘણો સમય માંગી લે છે. ઉપરાંત, ઘરના કામકાજ કરવા માટે હું મારા આરામનો સમય જતો કરું છું.

દીકરીઓ સાથે સારો વાતચીત વ્યવહાર રાખવા શું કરો છો?

મારા છૂટાછેડા થયા હોવાથી બાળકો અમુક વાર ગુસ્સે થાય અને અસલામતી અનુભવે એ સ્વાભાવિક છે. અમારી વચ્ચે કોઈ તકરાર કે ગેરસમજ ઊભી થાય ત્યારે, હું દીકરીઓ સાથે આંખો મિલાવીને અને શાંતિથી વાત કરું છું. અમે ત્રણેવ શાંત પડી જઈએ ત્યાં સુધી હું કંઈ બોલતી નહિ. પછી વાતનું વતેસર કરવાને બદલે હું મારી ચિંતા તેઓને જણાવું છું. હું તેઓના વિચારો જાણવાની કોશિશ કરું છું. તેઓ બોલે ત્યારે ધ્યાનથી સાંભળું છું. હું તેઓની લાગણીઓની કદર કરું છું. હું તેઓના ભણતરમાં પણ રસ લઉં છું અને તેઓની મહેનતના વખાણ કરું છું. અમે હંમેશા સાથે બેસીને જમીએ છીએ ત્યારે મજાનું વાતાવરણ હોય છે. હું વારંવાર તેઓને જણાવું છું કે મને તેઓ કેટલા વહાલા છે!

કેવી રીતે દીકરીઓને શિસ્ત આપો છો?

બાળકોએ જાણવાની જરૂર છે કે કુટુંબના નિયમો શું છે અને એને તોડવાનું કેવું પરિણામ આવશે. એ નિયમોને વળગી રહેવું જોઈએ. હું તેઓ સાથે પ્રેમથી અને મક્કમ રીતે વર્તું છું. હું મારી દીકરીઓ સાથે તર્ક કરું છું અને સમજાવું છું કે કેમ અમુક પ્રકારનું વલણ ખોટું છે. શિસ્ત આપતા પહેલા તેઓના વિચારો જાણવા ઘણા સવાલ પૂછું છું. પછી પારખું છું કે તેઓના વર્તન પાછળ શું કારણ હતું. જો હું ખોટી હોઉં કે મારી ગેરસમજ થતી હોય તો માફી માંગું છું.

માન આપવાનું દીકરીઓને કેવી રીતે શીખવો છો?

હું તેઓને ઈસુના શબ્દો યાદ અપાવું છું. જેમ કે, બીજાઓ પાસેથી જેવો વ્યવહાર ચાહતા હોઈએ, તેવો વ્યવહાર આપણે પણ કરવો જોઈએ. (લુક ૬:૩૧) હું દીકરીઓને ઉત્તેજન આપું છું કે તેઓ વચ્ચે થયેલી તકરારને જલદીથી જાતે થાળે પાડે. તેમ જ, શીખવું છું કે નારાજ હોય તોપણ પ્રેમથી જવાબ આપવો જોઈએ.

મનોરંજન માટે શું કરો છો?

અમારી પાસે પૂરતા પૈસા ન હોવાથી અમે વેકેશનમાં ફરવા જઈ શકતા નથી. એટલે અમે છાપામાંથી ઓછી ખર્ચાળ પ્રવૃત્તિ જોઈને ત્યાં જઈએ છીએ. તેમ જ, પિકનિક કરીએ અથવા ચાલીને નર્સરી ગાર્ડનમાં છોડ જોવા જઈએ. અમારા ગાર્ડનમાં અમે અમુક હર્બના છોડ ઉગાડ્યા છે. જમવાનું બનાવવા માટે અમે અમુક હર્બ પસંદ કરવામાં મજા લઈએ છીએ. મનોરંજન કરવું મહત્ત્વનું છે, પછી ભલેને નજીકના પાર્કમાં જ કેમ ન ગયા હોઈએ!

તમે કેવા આશીર્વાદો અનુભવ્યા છે?

એકલા હાથે દીકરીઓને ઉછેરવી સહેલું નહોતું. અમે એકબીજાના બહુ સારા મિત્રો બન્યા છીએ. યહોવાહ ઈશ્વરે અમારા માટે જે કર્યું છે એની અમને કદર છે. દીકરીઓનો સ્વભાવ જે રીતે વિકસે છે, એ જોઈને મને આનંદ થાય છે. આ ઉંમરે તેઓને મારી સાથે રહેવાનું ગમે છે અને મને પણ. તેઓ પારખી શકે છે કે હું ખુશ છું કે નારાજ. એટલે ઘણી વાર તેઓ મને આવીને ભેટે છે. તેઓની વહાલ કરવાની રીતથી મને ઘણી ખુશી થાય છે. સૌથી મહત્ત્વનું તો અમે ઈશ્વરનો પ્રેમ અનુભવી શક્યા છીએ. તેમણે મુશ્કેલ સંજોગોમાં અમને મદદ કરી છે. સારી મા બનવા માટે મને બાઇબલમાંથી ઘણું ઉત્તેજન મળ્યું છે.યશાયાહ ૪૧:૧૩.

[ચિત્ર]

લુસિન્ડા પોતાની દીકરીઓ બ્રૅય અને શૅય સાથે