સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું હું ઈલેકટ્રોનિક્સ સાધનોનો ગુલામ છું?

શું હું ઈલેકટ્રોનિક્સ સાધનોનો ગુલામ છું?

યુવાનો પૂછે છે

શું હું ઈલેકટ્રોનિક્સ સાધનોનો ગુલામ છું?

આ ત્રણેયમાં શું જોવા મળે છે?

“એસ.એમ.એસ. કરવાનું મને ખૂબ, ખૂબ જ ગમે છે! મને લાગે છે એના જેવું બીજું કંઈ નથી. અમુક અંશે તમે કહી શકો કે એ જ મારા ધબકારા છે.”—એલન. *

“મારા રૂમમાં જ્યારે મમ્મી ટીવી લઈ આવી ત્યારે હું ખુશીથી ઝૂમી ઊઠી. રાત્રે ઊંઘવાને બદલે હું મોડે સુધી ટીવી જોયા કરતી. હું કુટુંબ અને મિત્રો સાથે સમય પસાર કરવાને બદલે ટીવી જોવાને વધારે પસંદ કરતી.”—ટેરિસા.

“એક સમયે હું ક્યાંય જઈ ન શકતી કે કંઈ કરી ન શકતી. કાયમ એમ થતું કે કોઈકે મારા વેબ પેજ પર કંઈ લખ્યું હશે. અડધી રાતે પણ આંખ ખુલે તો સીધી કૉમ્પ્યુટર ચાલુ કરીને બેસી જતી. જ્યારે પણ તક મળે કે મારો બ્લૉગ અપડેટ કરતી.”—ઍના.

ત્રણેયમાંથી કોને ઈલેકટ્રોનિક્સ સાધનોનું વ્યસન થઈ ગયું છે, તમને શું લાગે છે?

એલનટેરિસાઍના

તમારા માબાપ કિશોર વયના હતા ત્યારે આજના જેવા ઈલેકટ્રોનિક્સ સાધનો ન હતા. ટીવી અને રેડિયો જ હતા. પછીથી ફોન આવ્યા, જેને દીવાલ પર લટકાવી રાખતા. એનાથી ફક્ત વાતચીત થતી. શું એ જૂનવાણી લાગે છે? ઍના એ વિષે કહે છે, “મારા મમ્મી-પપ્પાના સમયમાં તો આજના જેવી ટૅક્નોલૉજી ન હતી. તેઓ મોબાઈલ સરખી રીતે વાપરવાનું પણ આજે શીખી રહ્યાં છે!”

આજે ખિસ્સામાં આવી જાય એવા નાનકડા મોબાઈલથી તમે ઘણું કરી શકો છો. જેમ કે વાતચીત કરવી, ગીત-સંગીત સાંભળવું, ઈ-મેઇલ કરવું, ગેમ રમવી, વિડીયો અને ઇન્ટરનેટ જોવું અને ફોટા પાડવા. તમે કૉમ્પ્યુટર, મોબાઇલ, ટીવી અને ઇન્ટરનેટ યુગમાં જીવતા હોવાથી કદાચ એ બધું વાપરવું સામાન્ય લાગે. પણ તમારા માબાપને લાગે કે તમે એના વ્યસની છો. જો તેઓ એવું કહે તો એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી ન નાખશો. શાણા રાજા સુલેમાને કહ્યું કે “સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.”—નીતિવચનો ૧૮:૧૩.

તમારા માબાપ એમ શું કામ કહે છે એ તમે કદી વિચાર્યું છે? નીચે આપેલા સવાલો બતાવશે કે તમને ઈલેકટ્રોનિક્સ સાધનોની લત લાગી છે કે નહિ.

શું હું વ્યસની છું?

એક એન્સાયક્લોપેડિયા પ્રમાણે વ્યસન એટલે “કોઈ વસ્તુની આદત પડી જવી, જે વ્યક્તિ છોડી શકતો નથી અથવા છોડવા તૈયાર નથી. જો એમ કરવાનું છોડે નહિ, તો ઘણું નુકસાન થઈ શકે.” આ વ્યાખ્યા પ્રમાણે લેખની શરૂઆતના બૉક્સમાં જણાવેલા ત્રણ યુવાનો ઈલેકટ્રોનિક્સ સાધનોના બંધાણી બની ગયા છે. તમારા વિષે શું? ચાલો એ વ્યાખ્યાના અલગ-અલગ પાસાઓ જોઈએ. અમુક લોકોએ શું કહ્યું છે એ જુઓ અને તપાસો કે તમે પણ એવું જ કંઈ કરો છો કે નહિ. પછી જવાબો લખો.

એમાં ડૂબેલાં રહેવું. “હું કલાકો સુધી વિડીયો ગેમ રમતો. એનાથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. હું હંમેશા એના વિષે જ વાત કરવા માંગતો હતો. હું હાથે કરીને કુટુંબથી દૂર થઈ ગયો. ગેમમાં બતાવેલી સપનાની દુનિયામાં રચ્યાં કરતો.”—એન્ડ્રુ.

તમારા મને ઈલેકટ્રોનિક્સ સાધનોની પાછળ રોજ કેટલો સમય ગાળવો જોઈએ? ______

તમારે કેટલો સમય ગાળવો જોઈએ એ વિષે માબાપ શું કહે છે? ______

આખા દિવસમાં તમે કેટલો સમય આવી બાબતો પાછળ પસાર કરો છો? જેમ કે, એસ.એમ.એસ. મોકલવા, ટીવી જોવું, ફોટા ઇન્ટરનેટ પર મૂકવા, વેબ સાઇટ પર કોમેન્ટ લખવી, વિડીયો ગેમ રમવી અને વગેરે વગેરે? ______

ઉપરના તમારા જવાબો પરથી શું લાગે છે કે તમે એ બધાનો અતિશય ઉપયોગ કરો છો? ❑ હા ❑ ના

છોડી શકતો નથી અથવા છોડવા તૈયાર નથી. “મારા માબાપ કહે છે કે ‘જ્યારે જોઈએ ત્યારે તું મોબાઇલ પર મૅસેજ જ મોકલતો હોય છે.’ પણ મારી ઉંમરના બીજા બાળકો કરતાં હું ઘણા ઓછા મૅસેજ કરું છું. હા, મારા માબાપની સરખામણીમાં વધારે મૅસેજ મોકલું છું. પણ એ સરખામણી તો વાજબી ન કહેવાય. ક્યાં તેઓ અને ક્યાં હું. તેઓ ચાળીસના અને હું પંદરનો.”—એલન.

શું તમારા માબાપ કે મિત્રો એવું કહે છે કે તમે ઈલેકટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ કરવામાં હદ વટાવી દીધી છે?

❑ હા ❑ ના

શું તમે એ વસ્તુઓ છોડવા ચાહતા નથી કે છોડી શકતા નથી?

❑ હા ❑ ના

નુકસાન થઈ શકે. “મારા મિત્રો હંમેશા મૅસેજ મોકલવામાં મંડ્યા રહે છે. અરે, વાહન ચલાવતી વખતે પણ જંપતા નથી. એ કેટલું ખતરનાક કહેવાય!”—જુલી.

“મેં પહેલી વાર મોબાઈલ લીધો ત્યારે, હંમેશાં કોઈને ને કોઈને ફોન કરતી કે મૅસેજ મોકલતી. એમાં જ મશ્ગુલ થઈ ગઈ હતી. એની અસર મારા કુટુંબીજનો અને અમુક મિત્રો સાથેના સંબંધ પર પડી હતી. આજે હું મિત્રો સાથે ફરવા જઉં અને અમે વાત કરતા હોઈએ ત્યારે, તેઓ વારંવાર કહે છે કે ‘એક મિનિટ, હું આ મૅસેજનો જવાબ મોકલી દઉં.’ એના લીધે હું એવા મિત્રો સાથે પહેલાં જેવો સંબંધ નથી રાખતી.”—શર્લી.

શું તમે ક્લાસમાં કે વાહન ચલાવતી વખતે હંમેશાં મૅસેજ વાંચો કે મોકલો છો?

❑ હા ❑ ના

જ્યારે તમે મિત્રો કે કુટુંબીજનો સાથે વાતચીત કરતા હોવ, ત્યારે શું તમને ઘડી ઘડી ઈ-મેઈલ, ફોન કે મેસેજ આવે છે જેનો જવાબ આપવો જ પડે?

❑ હા ❑ ના

શું એવી બાબતો તમારી ઊંઘ અને અભ્યાસમાં ભંગ પડાવે છે?

❑ હા ❑ ના

યોગ્ય ઉપયોગ કરવો

જો તમે કૉમ્પ્યુટર, મોબાઈલ જેવા સાધનો વાપરતા હોવ, તો પોતાને નીચે આપેલા ચાર સવાલો પૂછો. બાઇબલની સલાહ અને કેટલાક સૂચનો લાગુ પાડવાથી તમને જરૂર લાભ થશે.

૧. સંતોષ એટલે શું? બાઇબલ કહે છે, ‘જે કંઈ સત્ય, જે કંઈ માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ આદરણીય, જે કંઈ સદ્‍ગુણ કે જે કંઈ પ્રશંસાપાત્ર છે’ એનાથી પોતાનું મન ભરી દેવું જોઈએ.—ફિલિપી ૪:૮.

આમ કરો: કુટુંબ અને મિત્રોના સંપર્કમાં રહો અને ઉત્તેજન આપતી બાબતો વિષે વાત કરો.—નીતિવચનો ૨૫:૨૫; એફેસી ૪:૨૯.

આમ ન કરો: કોઈની ચુગલી ન કરશો, જાતીય લાગણીઓ ઉશ્કેરતા સંદેશાઓ, ચિત્રો, વિડિયો ક્લીપ કે પ્રોગ્રામ ન મોકલશો.—કોલોસી ૩:૫; ૧ પીતર ૪:૧૫.

૨. હું ક્યારે વાપરું છું? ‘દરેક બાબતને માટે યોગ્ય વખત હોય છે.’—સભાશિક્ષક ૩:૧.

આમ કરો: પહેલેથી નક્કી કરો કે સંદેશો મોકલવા અને વાંચવા, ફોન કરવામાં, ટીવી જોવામાં અને ગેમ રમવામાં કેટલો સમય વિતાવશો. કોઈ મહત્ત્વના પ્રસંગે તમે જાઓ ત્યારે માન બતાવવા ફોન બંધ કરી દો. જેમ કે, સભામાં હોવ. પછી પણ તમે સંદેશો વાંચીને મોકલી શકો.

આમ ન કરો: તમે કુટુંબ કે મિત્રો સાથે સમય ગાળતા હોવ, અભ્યાસ કરતા હોવ કે ભક્તિને લગતી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેતા હોવ ત્યારે, વારંવાર એસ.એમ.એસ. કે ફોન જેવી બાબતોથી ભંગ ન પડવા દો.—એફેસી ૫:૧૫-૧૭; ફિલિપી ૨:૪.

૩. હું કોની સંગત રાખું છું? “ભૂલશો મા; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.”—૧ કોરીંથી ૧૫:૩૩.

આમ કરો: જેઓ તમને સારી આદતો કેળવવા ઉત્તેજન આપે છે તેઓ સાથે ફોન કે ઈ-મેઇલ દ્વાર સંબંધ મજબૂત કરો.—નીતિવચનો ૨૨:૧૭.

આમ ન કરો: પોતાને છેતરશો નહિ. ટીવી-ફિલ્મ જોઈએ, ઈ-મેઈલ કરીએ, મેસેજ મોકલીએ કે ઇન્ટરનેટ વાપરીએ. આપણે જેવી સંગત રાખીશું એની અસર આપણા પર થશે. તેઓની જેમ આપણે બોલવા-વિચારવા લાગીશું.—નીતિવચનો ૧૩:૨૦.

૪. હું કેટલો સમય પસાર કરું છું? “જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો.”—ફિલિપી ૧:૧૦.

આમ કરો: ઈલેકટ્રોનિક્સ સાધનો પાછળ કેટલો સમય વાપરો છો એનું ધ્યાન રાખો.

આમ ન કરો: જો માબાપ કંઈ સલાહ સૂચનો આપે કે મિત્રો કહે કે તમે ઈલેકટ્રોનિક્સ સાધનો પાછળ ઘણો સમય વેડફો છો, તો એને હવામાં ન ઉડાવી દો.—નીતિવચનો ૨૬:૧૨.

આવા સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા વિષે, આગળ જણાવેલો એન્ડ્રુ આમ કહે છે: “ખરું કે ઈલેકટ્રોનિક્સ સાધનોથી આનંદ મળે છે. પણ થોડા સમય પૂરતું જ. મને શીખવા મળ્યું કે ટૅક્નોલૉજીને લીધે મારા માબાપ અને મિત્રો વચ્ચેના સંબંધમાં તિરાડ ન પડવી જોઈએ.” (g11-E 01)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ]

^ આ લેખમાં અમુક નામો બદલવામાં આવ્યા છે.

[પાન ૧૭ પર ચિત્રનું મથાળું]

બીજા યુવાનો શું કહે છે?

મારા માબાપ કહેતા કે ‘તું મોબાઇલ એટલો વાપરે છે કે એને તારા હાથમાં ચોંટાડી દેવો જોઈએ.’ પહેલાં તો મને મજાક લાગી. પણ પછી ખબર પડી કે તેઓ મજાક નહોતા કરતા. આજે મેં એસ.એમ.એસ. ઘટાડ્યા છે, તોય મારી ખુશી વધી છે.

પહેલાં જ્યાં પણ ઇન્ટરનેટ મળે ત્યાં મૅસેજ તપાસવા બેસી જતી. એના લીધે સ્કૂલનું લેશન અને બીજું વાંચવાનું રહી જતું. આજે મેં ઇન્ટરનેટ ઓછું કરી નાખ્યું છે ત્યારે જાણે મારા માથાનો ભાર હળવો થઈ ગયો છે. ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ એ જ એની ચાવી છે.

ચિત્રો

જૉવાર્ની

મારિયા

[પાન ૧૮ પર ચિત્રનું મથાળું]

“હું સોશિયલ નેટવર્કિંગ સાઇટની બંધાણી હતી”

“થોડા વર્ષો પહેલાં અમારું કુટુંબ બીજે રહેવા ગયું. હું મારા મિત્રોના સંપર્કમાં રહેવા માંગતી હતી. તેઓએ મને ફોટો-શેરિંગ સાઇટમાં જોડાવવા આમંત્રણ આપ્યું. આ રીતે સંપર્કમાં રહેવાનું મને બહુ જ ગમ્યું. મેં નક્કી કર્યું કે હું ફક્ત ઓળખતા લોકો સાથે જ વાત કરીશ, અજાણ્યા સાથે નહિ. એનાથી શું બૂરું થવાનું?

“શરૂઆતમાં બધું બરાબર હતું. હું અઠવાડિયામાં એક વાર મારા મિત્રોના ફોટા જોતી અને એના પર કોમેન્ટ લખતી. મારા ફોટા પરની કોમેન્ટ વાંચતી. પરંતુ બહુ જલદી એ બધાએ મારા મન પર કબજો જમાવી લીધો. મને ખબર પણ ન પડતી અને એ સાઇટ પર કલાકોના કલાકો પસાર થઈ જતા. એના લીધે હું મિત્રોના પણ મિત્રોના ધ્યાનમાં આવી. તેઓ મને પણ મિત્ર બનાવવા આમંત્રણ મોકલતા. પછી શું થાય એ તો તમે જાણો છો. મિત્રો કહેતા એ વ્યક્તિ સારી છે, આમંત્રણ સ્વીકારી લે. આમ જોત-જોતામાં એ સાઇટ પર મારા ૫૦ મિત્રો બની ગયા.

“થોડા સમય પછી મને સમજાયું કે મારા મનમાં હંમેશા એ સાઇટ વિષે વિચારો ભમ્યા કરે છે. અરે, હું એ સાઇટ પર હોઉં ત્યારે પણ વિચારતી કે હું ફરી ક્યારે આ સાઇટ ખોલીશ. ક્યારે મારા ફોટા મૂકીશ, કોમેન્ટ વાંચીશ. આને વિડીયો મોકલીશ. અને આમ કલાકો વીજળીની જેમ પસાર થઈ જતા.

“આખરે દોઢ વર્ષે મને ભાન થયું કે હું એની વ્યસની થઈ ગઈ છું. હવે હું ઇન્ટરનેટ વાપરવા પર કાબૂ રાખું છું. જેઓ મારા જેવા નૈતિક ધોરણો ધરાવે છે તેઓને વ્યક્તિગત રીતે મળું છું, મિત્રો બનાવું છું. ઇન્ટરનેટ દ્વારા કેમ સંપર્ક રાખતી નથી એ મારા અમુક મિત્રોને સમજાતું નથી. પણ અનુભવથી જે શીખવા મળ્યું છે એ કદી ભૂલીશ નહિ.”—૧૮ વર્ષની એલન.

[પાન ૧૮ પર ચિત્રનું મથાળું]

તમારા માબાપને પૂછો

તમારા મનોરંજન વિષે તેઓને કેવું લાગે છે એ પૂછી શકો. તેઓના જવાબથી કોઈ વાર તમને નવાઈ પણ લાગશે. શેરલ નામની યુવતી કહે છે, “મ્યુઝિકની મારી એક સીડી વિષે પપ્પાને શંકા જાગી. એટલે મેં તેમને કહ્યું કે આપણે સાથે મળીને એ સીડી સાંભળીએ. એ સાંભળ્યા પછી તેમને એમાં કંઈ વાંધાજનક લાગ્યું નહિ.”

ઈલેકટ્રોનિક્સ સાધનોના તમારા વપરાશ વિષે માબાપને પૂછવાનો હોય એ સવાલ નીચે લખો.

[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]

માબાપ માટે સૂચના

શું તમારા બાળકો આવી બાબતો પાછળ ઘણો સમય ગાળે છે? જેમ કે, ઇન્ટરનેટ, મોબાઈલ પર મૅસેજ જોવા કે મોકલવા. તમારી સાથે વાત કરવાના બદલે વધારે સમય એમ.પી.થ્રી. પ્લેયરને આપે છે. જો એમ હોય તો, તમે શું કરશો?

કદાચ તમે બાળકો પાસેથી એ સાધનો છીનવી લો. તમને લાગે કે એ એક ઇલાજ છે. પણ એમ ન ધારો કે એ સાધનો દુશ્મનો છે. તમે પણ કેટલાક સાધનો વાપરો છો જે તમારા માબાપ પાસે ન હતા. જો ખરેખર પરિસ્થિતિ ઘણી જ બગડી ગઈ હોય તો, એ સાધનો છીનવી લઈ શકો. આવા સમયે સાધનોનો યોગ્ય ઉપયોગ કરતા શીખવવું મહત્ત્વનું છે. તમે એ કેવી રીતે કરી શકો?

બાળક સાથે એ વિષે ચર્ચા કરો. પહેલું, તેને જણાવો કે તમને શાની ચિંતા છે. બીજું, તે જે કંઈ કહે એ ધ્યાનથી સાંભળો. (નીતિવચનો ૧૮:૧૩) ત્રીજું, યોગ્ય ઇલાજ શોધો. કેટલીક મર્યાદાઓ મૂકતા અચકાશો નહિ. પણ વાજબી રીતે એ કરો. (ફિલિપી ૪:૫) આગળ જણાવેલી એલન કહે છે, “જ્યારે મને એસ.એમ.એસ. કરવાની ટેવ પડી ગઈ હતી, ત્યારે મારા માબાપે મારો મોબાઈલ લઈ લેવાને બદલે અમુક માર્ગદર્શન આપ્યું. તેઓએ પરિસ્થિતિ જે રીતે હાથ ધરી એનાથી હવે જરૂર પૂરતા જ એસ.એમ.એસ. મોકલું છું. ભલે, તેઓ આજુ બાજુ હોય કે ન હોય.”

જો તમારા બાળકો પોતાનો બચાવ કરે તો શું? એવું ન વિચારો કે તમારી સલાહ બહેરા કાને અથડાઈ છે. એના બદલે થોડી ધીરજ રાખો અને બાળકને એ વિષે વિચારવા સમય આપો. એનાથી કદાચ તેને ખ્યાલ આવશે કે ફેરફારો કરવાની જરૂર છે. ઘણા યુવાનો હેલીની જેમ કહે છે: “મારા માબાપે કહ્યું કે તું કૉમ્પ્યુટરની બંધાણી થઈ ગઈ છે ત્યારે મને એ જરાય ન ગમ્યું. પણ પછી મેં એ વિષે વિચાર્યું અને મને અહેસાસ થયો કે તેઓ સાચા છે.”

[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]

ઈલેકટ્રોનિક્સ સાધનો, શું એ તમારા હાથમાં છે કે તમે એના હાથમાં છો?