સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લગ્‍નસાથીને વફાદાર રહેવું એટલે શું?

લગ્‍નસાથીને વફાદાર રહેવું એટલે શું?

બાઇબલ શું કહે છે

લગ્‍નસાથીને વફાદાર રહેવું એટલે શું?

મોટાભાગના લોકો ચાહે છે કે લગ્‍નસાથી એકબીજાને વફાદાર રહે. બાઇબલ પણ એવું જ ઉત્તેજન આપે છે. એ કહે છે: “સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે; કેમકે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.”—હેબ્રી ૧૩:૪.

લગ્‍નસાથીને વફાદાર રહેવું એટલે કે બીજી કોઈ વ્યક્તિ સાથે સેક્સ ન માણવું. પણ પતિ બીજી કોઈ સ્ત્રી વિષે સેક્સના સપનાં જુએ તો એ ખોટું છે? * પતિનું કોઈ સ્ત્રી સાથે વધારે પડતું સારું બનતું હોય તો શું એનાથી તે જીવનસાથીને બેવફા બની જશે?

સેક્સનાં સપનાં જોવા કેમ ખોટાં છે?

બાઇબલ જણાવે છે કે લગ્‍નજીવનમાં સેક્સ માણવું ખોટું નથી. એ રીતે આપણને બનાવવામાં આવ્યા છે. (નીતિવચનો ૫:૧૮, ૧૯) પણ આજે ઘણા એક્સપર્ટનું માનવું છે કે પરિણીત વ્યક્તિ બીજી વ્યક્તિ વિષે સેક્સના સપનામાં ખોવાઈ જાય તો એમાં કંઈ ખોટું નથી. તો સવાલ થાય કે એવાં સપનાં જોવા જોઈએ?

પતિ બીજી સ્ત્રી વિષે આવા સપના જુએ તો તે સ્વાર્થી છે ને પોતાની વાસના સંતોષવા એમ કરે છે. બાઇબલ સાફ જણાવે છે કે પરિણીત વ્યક્તિએ એવું ન કરવું જોઈએ: “પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; એમ જ પતિને પણ પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.” (૧ કોરીંથી ૭:૪) પતિ બાઇબલની સલાહ પ્રમાણે જીવશે તો, ખોટા વિચારો દિલમાં આવવા નહિ દે. આમ લગ્‍નસાથી સાથે સુખેથી જીવશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫; ફિલિપી ૨:૪.

પતિ બીજી સ્ત્રી વિષે સેક્સના સપનાં વિચાર કરે તો, મોકો મળતા તે વ્યભિચાર પણ કરશે. એનાથી પત્નીનું કાળજું કપાઈ જશે. બાઇબલ કહે છે કે વ્યક્તિ જેવું વિચારશે એવું કામ કરશે. એટલે “દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે.”—યાકૂબ ૧:૧૪, ૧૫.

ઈસુએ કહ્યું: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:૨૮) તમારા “હૃદયની સંભાળ” રાખવા મનમાંથી ગંદા વિચાર કાઢી નાખવા જોઈએ. એનાથી લગ્‍નજીવનની દોરી તૂટશે નહિ.—નીતિવચનો ૪:૨૩.

કેમ દિલથી વફાદાર રહેવું જોઈએ?

સુખી લગ્‍નજીવન માટે પતિ-પત્નીએ દિલથી એકબીજાને વળગી રહેવું જોઈએ. (નીતિવચનો ૫:૧૫-૧૮) પતિ-પત્નીના ફ્રેન્ડ-સર્કલ હોય એમાં કાંઈ ખોટું નથી. પણ જો પતિ બીજી કોઈ સ્ત્રીને વધારે પડતો સમય અને ધ્યાન આપે તો એ ખોટું છે. જો પતિ એમ કરે તો અમુક હદે તે બેવફા કહેવાય, પછી ભલેને તેની સાથે વ્યભિચાર કર્યો ન હોય. *

પતિ કયા કારણને લીધે કદાચ બીજી સ્ત્રી સાથે વધારે પડતી દોસ્તી બાંધે? પોતાની પત્ની કરતાં તે વધારે સુંદર હોય, વધારે પડતો પ્રેમભાવ બતાવતી હોય. કેવા સંજોગોમાં એવા સંબંધ બંધાય છે? નોકરી ધંધામાં, હરવા-ફરવામાં, ટેલિફોન કે ઇન્ટરનેટ પર ચેટિંગ દ્વારા પતિ બીજી સ્ત્રી સાથે ખોટો સમય કાઢે ત્યારે એવું બને છે. એ ઉપરાંત લગ્‍નમાં આવતી મુશ્કેલીઓ કે કોઈ બાબત વિષે બીજી કોઈ સ્ત્રીને દિલ ઠાલવીને વાત કરવાથી. પતિ-પત્નીએ ધ્યાન રાખવું જોઈએ કે અમુક ‘ગુપ્ત વાતોની’ ત્રીજી વ્યક્તિને જાણ થવી ન જોઈએ.—નીતિવચનો ૨૫:૯.

બીજી વ્યક્તિ માટે રોમેન્ટિક પ્રેમ હોય, તો પોતાને ન છેતરો. બાઇબલ કહે છે, “હૃદય સહુથી કપટી છે.” (યિર્મેયાહ ૧૭:૯) પતિઓ, જો કોઈ સ્ત્રી સાથે તમારું બહુ બનતું હોય તો, આ સવાલ પર વિચાર કરો: ‘આવા સંબંધ વિષે કોઈ પૂછપરછ કરે ત્યારે શું હું ગુસ્સે થઈ જાઉં છું? કે પછી છુપાવું છું? અમે વાત કરતા હોય એ પત્ની સાંભળી જાય, તો તેને કેવું લાગશે? મારી પત્ની પણ કોઈ પુરુષ સાથે એવી દોસ્તી બાંધે તો મને કેવું લાગશે?’—માત્થી ૭:૧૨.

પતિ કોઈ સ્ત્રી સાથે વધુ પડતી દોસ્તી રાખે તો લગ્‍નજીવન છિન્‍ન-ભિન્‍ન થઈ શકે. તેની સાથે વધુ નિકટ સંબંધ રાખવાથી એ વ્યભિચાર તરફ દોરી જઈ શકે. એટલે ઈસુએ ચેતવ્યા કે ‘વ્યભિચાર’ કરવાની ઇચ્છા “હૃદયમાંથી નીકળે છે.” (માત્થી ૧૫:૧૯) જોકે વ્યભિચાર કરી ન બેસે તોપણ લગ્‍નસાથીનો વિશ્વાસ ગુમાવશે. પછીથી ફરી માન મેળવવું બહુ અઘરું છે. કેરન કહે છે, ‘મારો પતિ બીજી સ્ત્રીને દિવસમાં અનેક વાર ચોરીછૂપીથી ફોન કરતો હતો. એ મને ખબર પડી ત્યારે મારું દિલ તૂટી ગયું. તેઓ વચ્ચે જાતીય સંબંધ ન હોય એ માનવું અઘરું છે. હું તેનો કઈ રીતે ભરોસો કરી શકું!’ *

કોઈ સ્ત્રી સાથે દોસ્તી બાંધવામાં કંઈ ખોટું નથી. પણ એ હદ ઉપરાંત ન હોવી જોઈએ. જો તમારા દિલમાં તેના માટે રોમેન્ટિક લાગણી હોય તો, પોતાને છેતરો નહિ. એ માટે બહાના ન કાઢો. જલદી જ એવી દોસ્તીને કાબૂમાં રાખો કે એનો અંત લાવવા પગલાં લો. બાઇબલ કહે છે, “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.”—નીતિવચનો ૨૨:૩.

લગ્‍ન જીવન ટકાવી રાખો

યહોવાહે પ્રથમ સ્ત્રી-પુરુષના લગ્‍ન કરાવ્યા ત્યારે તેમનો મકસદ હતો કે તેઓ એકબીજાના જિગરી દોસ્ત બને. તેઓ જાણે ‘એક દેહ બને.’ (ઉત્પત્તિ ૨:૨૪) એ માટે જાતીય સંબંધ જ બધું નથી. પણ તેઓ દિલથી એક બને. એકબીજા માટે ઊંડું માન અને વિશ્વાસ બતાવે. (નીતિવચનો ૩૧:૧૧; માલાખી ૨:૧૪, ૧૫; એફેસી ૫:૨૮, ૩૩) જો આ સિદ્ધાંતો જીવનમાં લાગુ પાડીશું તો બેવફા નહિ બનીએ. લગ્‍નજીવન સુખી થશે. (g09 04)

[ફુટનોટ્‌સ]

^ આ લેખ પતિને સંબોધીને લખવામાં આવ્યો છે. જોકે, એ પત્નીને પણ લાગુ પડે છે.

^ લગ્‍નસાથી સિવાય બીજી વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધ્યો હોય, તો જ બાઇબલ પ્રમાણે છૂટાછેડા લઈ શકાય.—માત્થી ૧૯:૯.

^ નામ બદલ્યું છે.

શું તમે કદી વિચાર્યું છે?

◼ શું સેક્સના સપના જોવાથી ખોટાં કામ થઈ શકે?—યાકૂબ ૧:૧૪, ૧૫.

◼ પતિ કોઈ સ્ત્રી સાથે વધુ પડતી દોસ્તી રાખે તો, લગ્‍નજીવન જોખમમાં આવી શકે?—યિર્મેયાહ ૧૭:૯; માત્થી ૧૫:૧૯.

◼ લગ્‍નજીવન મજબૂત કરવા તમે શું કરશો?—૧ કોરીંથી ૭:૪; ૧૩:૮; એફેસી ૫:૨૮, ૩૩.

[પાન ૧૯ પર બ્લર્બ]

“સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”—માત્થી ૫:૨૮