સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હું ઈશ્વરભક્તિમાં કેવી રીતે આનંદ માણી શકું?

હું ઈશ્વરભક્તિમાં કેવી રીતે આનંદ માણી શકું?

યુવાનો પૂછે છે. . .

હું ઈશ્વરભક્તિમાં કેવી રીતે આનંદ માણી શકું?

યશ સોળ વર્ષનો છે. તેની મમ્મી ચાહે છે કે તે એક યહોવાહનો સાક્ષી બને. તેઓ અઠવાડિયામાં ત્રણ વાર યહોવાહના સાક્ષીઓની સભામાં જાય છે. એક વખત યશની મમ્મીએ તેના રૂમમાં આવીને કહ્યું કે ‘યશ ઊઠ. જલદી કર! મિટિંગમાં નથી જવાનું?’ પણ તેણે કહ્યું: ‘મારે નથી આવવું.’ મમ્મીએ કહ્યું કે ‘આવું ના બોલ! ચલ તૈયાર થા. મોડું થાય છે.’ એમ કહીને મમ્મી જતા જ હતા એટલામાં યશે ગુસ્સામાં કહ્યું કે ‘મમ્મી સાંભળો. ભલે તમે મને આજે ફોર્સ કરો પણ હું મોટો થઈશ ત્યારે આ બધું છોડી દઈશ.’ મમ્મીએ તેની વાત સાંભળી ના સાંભળી કરીને જતા રહ્યા. યશ મનમાં ને મનમાં દુઃખી થતો હતો, કે શું મમ્મીને ખોટું લાગ્યું હશે. પણ તે માફી માંગતા અચકાય છે. તે મિટિંગમાં જવા કમને તૈયાર થાય છે. તે મનમાં ને મનમાં વિચારે છે કે ‘હું મોટો થઈશ ત્યારે શું કરવું એનો નિર્ણય હું જાતે લઈશ.’

શુંતમે પણ યશની જેમ વિચારો છો? શું તમે મિટિંગમાં જઈને બૉર થઈ જાવ છો? અથવા શું તમને:

બાઇબલ સ્ટડી કરવાનો કંટાળો આવે છે?

પ્રચારમાં જવાનું મન નથી થતું?

મિટિંગમાં જવાનું ગમતું નથી?

જો તમને પણ આવું લાગતું હોય તો નિરાશ ન થતા. જો તમે નાના-મોટા ફેરફાર કરશો તો તમને પણ ઈશ્વરની ભક્તિ કરવી ગમશે. ચાલો જોઈએ કે તમે કેવા ફેરફારો કરી શકો.

પહેલું: બાઇબલ સ્ટડી કરવી

શા માટે એ સહેલું નથી? કદાચ તમને વાંચવાનું ગમતું નથી. અથવા થોડોક સમય વાંચીને તમે કંટાળી જાવ છો. કે પછી આખો દિવસ સ્કૂલનું ભણી ભણીને, બાઇબલ સ્ટડી કરવાનું મન જ નથી થતું!

શા માટે જરૂરી છે? બાઇબલમાં ઈશ્વરના વિચારો છે. “પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં, ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે.” (૨ તિમોથી ૩:૧૬, IBSI) બાઇબલ સ્ટડી કરીને એના પર મનન કરવાથી જીવનમાં ઘણો ફાયદો થાય છે. એટલે તમારે બાઇબલ સ્ટડી કરવા સમય કાઢવો જોઈએ. જોકે એ તમારા માટે સહેલું નહીં હોય. પણ એ જાણે નવી ગેમ શીખવા જેવું છે. નવી ગેમ શીખવા તમે ચોક્કસ એની પ્રૅક્ટિસ માટે સમય કાઢશો. અથવા તમારે તંદુરસ્તી જાળવવી છે, માટે કસરત કરવા સમય કાઢશો. એવી જ રીતે જો પરમેશ્વર યહોવાહને ઓળખવા હોય તો બાઇબલ સ્ટડી કરવા તમારે સમય કાઢવો જોઈએ.

અમુક યુવાનો શું કહે છે? “જ્યારે હું સત્તરેક વર્ષની હતી ત્યારે ખરું-ખોટું શું છે એની મને ખબર ન હતી. એટલે મારા દોસ્તો અમુક કામ કરતા ત્યારે મને પણ એમાં ભાગ લેવાનું મન થતું. પણ બીજી બાજુ મારા મમ્મી-પપ્પા મને સત્ય વિષે શીખવતા. એટલે મારે નક્કી કરવાનું હતું કે દોસ્તો સાથે ખોટાં કામ કરવા કે સત્યના માર્ગે ચાલવું.”—શેઝા.

“મારા મમ્મી-પપ્પાએ મને નાનપણથી સત્ય શીખવ્યું છે. હું નાનો હતો ત્યારે એ મેં સાચું માની લીધું. પણ જ્યારે હું મોટો થયો ત્યારે એ ખરેખર સત્ય છે કે નહીં એ મારે પોતે જાણવું હતું.”—નેલીસ.

તમારે શું કરવું જોઈએ? બાઇબલ સ્ટડી કરવા તમે એવા વિષયો પસંદ કરો જે તમને ગમતા હોય. દાખલા તરીકે સત્યની અમુક માન્યતાઓ પર સ્ટડી કરી શકાય. એ માટે તમે પવિત્ર બાઇબલ શું શીખવે છે બુક વાપરી શકો. *

કેવી રીતે શરૂ કરી શકો? નીચે અમુક બાઇબલ વિષયો છે. જે વિષય પર તમારે વધારે જાણવું હોય એના પર ટિક કરજો. બીજા કોઈ વિષયો પર વધારે જાણવું હોય તો તમે એ પણ લખી શકો.

શું ઈશ્વર ખરેખર છે?

બાઇબલમાં ઈશ્વરના વિચારો છે એ કેવી રીતે જાણી શકો?

શા માટે ઉત્ક્રાંતિમાં ન માનવું જોઈએ?

ઈશ્વરનું રાજ્ય શું છે? બીજાને એ કેવી રીતે સમજાવી શકો?

મર્યા પછી વ્યક્તિનું શું થાય છે એ બીજાઓને કેવી રીતે સમજાવી શકો?

મૂએલા સજીવન થશે એવા યહોવાહના વચનમાં શા માટે ભરોસો રાખવો જોઈએ?

તમે કેવી રીતે ખાતરી રાખી શકો કે યહોવાહના સાક્ષીઓ સાચા માર્ગમાં ચાલે છે?

․․․․․

બીજું: પ્રચારમાં જવું

શા માટે એ સહેલું નથી? બીજાને અને ખાસ કરીને સ્કૂલમાં બાઇબલનો સંદેશ જણાવવો સહેલું નથી. અરે એ કરવા તમને બીક લાગતી હશે.

શા માટે જરૂરી છે? ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે ‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. અને મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’ (માત્થી ૨૮:૧૯, ૨૦) ઈસુએ આપણને પ્રચાર કરવાની આજ્ઞા આપી છે. આજે આખી દુનિયામાં ઘણા યુવાનો છે જેઓને બાઇબલ અને ઈશ્વરમાં ભરોસો છે. પણ ઈશ્વરે સુંદર જીવનની જે આશા આપી છે એ વિષે તેઓને ખબર નથી. એટલે એવા યુવાનોને ઈશ્વરનો સંદેશો જણાવીશું તો તેઓને પણ સુંદર જીવનની આશા મળશે.

અમુક યુવાનો શું કહે છે? “હું અને મારો ફ્રેન્ડ પ્રચારમાં જવા સાથે તૈયારી કરતા. અમે અમુક રજૂઆતોની પ્રૅક્ટિસ કરતા. જો ઘરમાલિક ના પાડે તો તેમને શું કહેવું એ પણ વિચારી રાખતા. ફરી મુલાકાતમાં વ્યક્તિને શું કહેવું એની પણ તૈયારી કરતા. આ બધું કરવાથી મને પ્રચારમાં બહુ મજા આવતી.”—નેલીસ.

‘હું સારી રીતે પ્રચાર કરી શકું એ માટે એક બહેને મને બહુ મદદ કરી. તે મારા કરતાં છ વર્ષ મોટા છે. એક વખત તેમણે મને એવી કલમો બતાવી જેનાથી હું પ્રચાર કરવાનું મહત્ત્વ સમજી શકી. આ બહેન તન-મનથી બીજાને બાઇબલનો સંદેશ જણાવે છે. તેમને જોઈને હું પણ સંદેશો જણાવવા તન-મનથી પ્રયત્ન કરું છું. આ બહેને મને જે મદદ કરી એ હું કદીએ ભૂલીશ નહીં.’—શાન્ટા.

તમારે શું કરવું જોઈએ? તમારાથી મોટી હોય એવી મંડળની કોઈ વ્યક્તિ સાથે પ્રચારમાં જવા માબાપને પૂછી શકો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧-૩) બાઇબલ જણાવે છે કે “લોઢું લોઢાને તેજદાર બનાવે છે; તેમ જ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે.” (નીતિવચનો ૨૭:૧૭) તમારા મંડળમાં પણ ઘણા અનુભવી ભાઈ-બહેનો હશે. તેઓ સાથે પ્રચારમાં ભાગ લેશો તો તમને ઘણા આશીર્વાદો મળશે. એક ઓગણીસ વર્ષના છોકરાએ કહ્યું કે “અનુભવી ભાઈ-બહેનો સાથે પ્રચાર કરવાની મને બહુ મજા આવે છે.”

કેવી રીતે શરૂ કરી શકો? તમારા માબાપ સિવાય મંડળમાંથી કોઈ અનુભવી ભાઈ કે બહેનનું નામ લખો જેની સાથે તમને પ્રચારમાં જવાનું ગમે.

ત્રીજું: મિટિંગમાં જવું

શા માટે એ સહેલું નથી? મોટા ભાગનો તમારો ટાઇમ સ્કૂલમાં જતો રહે છે. એટલે તમને લાગશે કે શું મારે સાંજે મિટિંગમાં જઈને બે કલાક બેસી રહેવાનું.

શા માટે જરૂરી છે? બાઇબલ જણાવે છે કે “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.”—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

અમુક યુવાનો શું કહે છે? “હું માનું છું કે મિટિંગ માટે તૈયારી કરવી એ દરેક વખતે સહેલું નથી. પણ જો સારી તૈયારી કરીશું તો, શું ચાલવાનું છે એની આપણને ખબર હશે. અને મિટિંગમાં સારી રીતે ભાગ પણ લઈ શકીશું.”—એલ્ડા.

“હું જે મિટિંગમાં જવાબ આપતી એ મિટિંગ મને વધારે ગમતી.”—જૅસિકા

તમારે શું કરવું જોઈએ? જો તમે સારી તૈયારી કરશો તો મિટિંગમાં સારી રીતે જવાબ આપી શકશો. એનાથી તમને મિટિંગમાં જવાનું ગમશે.

દાખલા તરીકે, જો આપણને કોઈ ગેમ ગમતી હોય તો એને જોવા કરતા રમવાની વધારે મજા આવે ખરું ને? એવી જ રીતે મિટિંગમાં આવીને સાંભળવાની સાથે સાથે એમાં જવાબ આપશો તો તમને વધારે મજા આવશે.

કેવી રીતે શરૂ કરી શકો? મિટિંગની તૈયારી કરવા તમે વીકમાં ઓછામાં ઓછો અડધો કલાક કાઢવાનો પ્રયત્ન કરો. અને એ સમય નીચે લખી લો.

બાઇબલ જણાવે છે કે “અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૮) એ સમજવા, કોઈ સ્વીટનો વિચાર કરો. જ્યાં સુધી તમે એને મોંમાં મૂકશો નહીં ત્યાં સુધી એનો સ્વાદ નહીં ચાખી શકો. એવી જ રીતે જો તમે મિટિંગમાં જઈને બેસી રહેશો તો તમને મજા નહીં આવે. પણ જો તમે સારી તૈયારી કરશો તો તમને મિટિંગમાં મજા આવશે, અને પ્રચારમાં જવાનું મન થશે. અને તમે યહોવાહનો પ્રેમ અને આશીર્વાદ પણ ચાખી શકશો. બાઇબલ જણાવે છે કે ‘સાંભળનાર નહિ પણ કામ કરનાર ધન્ય છે.’ (યાકૂબ ૧:૨૫) આજે ઘણા યુવાનો એમ કરે છે. જો એમ કરશો તો યહોવાહ તમને પણ આશીર્વાદ આપશે. (g 7/08)

“યુવાનો પૂછે છે. . .” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype

આના વિષે વિચાર કરો

▪ શા માટે અમુક યુવાનોને યહોવાહની ભક્તિ કરવાનો કંટાળો આવે છે?

▪ આ લેખમાં આપેલી ત્રણ બાબતોમાંથી તમે શાના પર સુધારો કરવા માગો છો? સુધારો કરવા કેવાં પગલાં લેશો?

[Footnote]

^ આ બુક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.

[Picture on page 13]

સારી બોડી બનાવવા કસરત કરવી પડે, એવી જ રીતે ઈશ્વરમાં શ્રદ્ધા મૂકવા બાઇબલ સ્ટડી કરવી પડે