સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને ભજવા શું કરવું જોઈએ?

ઈશ્વરને ભજવા શું કરવું જોઈએ?

બાઇબલ શું કહે છે

ઈશ્વરને ભજવા શું કરવું જોઈએ?

જીવન ઈશ્વરનો આશીર્વાદ છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) તોપણ જીવન કઠિન છે. આપણને રોજ હજારો કામ હોય છે. ઈશ્વરની ભક્તિ કરવી હોય તોય કેટલો સમય આપી શકીએ? બાઇબલ એનો જવાબ આપે છે.

ઈસુ યહોવાહને સારી રીતે ઓળખે છે, એટલે તે જણાવી શકે કે તેમને કેવી ભક્તિ પસંદ છે. (માત્થી ૧૧:૨૭) તેથી જ્યારે એક જણે ઈસુને પૂછ્યું કે સૌથી મોટી આજ્ઞા કઈ છે, ત્યારે ઈસુએ કહ્યું: “તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર.” (માર્ક ૧૨:૩૦) એનો શું અર્થ થાય? શું ઈશ્વર એવી ભક્તિ ચાહે છે, જે આપણે ન કરી શકીએ?

તન-મનથી ભક્તિ કરવાનો અર્થ શું થાય?

ઈશ્વરની ભલાઈનો વિચાર કરીએ તેમ, આપણા દિલમાં તેમની ભક્તિ માટે પ્રેમ જાગશે. એમ હશે તો તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હોઈશું. એક ઈશ્વરભક્તે કહ્યું, “યહોવાહના મારા પર થએલા સર્વ ઉપકારોનો તેને શો બદલો આપું?” (ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨) ઈશ્વરની ભક્તિ માટેનો આવો પ્રેમ હોવાથી, આપણો ટાઇમ કઈ રીતે વાપરીશું?

બાઇબલ જણાવતું નથી કે કેટલા કલાક યહોવાહની ભક્તિ કરવી જોઈએ. પણ એ કરવા શું કરવું અને શા માટે કરવું, એ જરૂર જણાવે છે. ઈસુએ કહ્યું કે આપણે ઈશ્વરને ઓળખવા તેમનું જ્ઞાન લેવું જોઈએ. એમાં આપણા ‘અનંતજીવનનો’ સવાલ છે. (યોહાન ૧૭:૩) આપણે યહોવાહ વિષે બીજાને પણ શીખવવું જોઈએ. (માત્થી ૨૮:૧૯, ૨૦) આપણે યહોવાહના સાક્ષીઓની મિટિંગમાં નિયમિત ભેગા મળવું જોઈએ. એમાંથી આપણને ઉત્તેજન મળશે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) ખરું કે એ બધું કરવા ટાઇમ તો જોઈએ જ.

શું ઈશ્વર એવું ચાહે છે કે આપણે સાધુની જેમ ભક્તિમાં જ ડૂબેલા રહીએ? જરાય નહિ. કુટુંબની દેખભાળ રાખવા નોકરી-ધંધો તો કરવો જ પડે. બાઇબલ પણ જણાવે છે: ‘જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.’​—⁠૧ તીમોથી ૫:⁠૮.

યહોવાહે જિંદગી આપી છે, જેથી આપણે કુટુંબ તરીકે, દોસ્તો સાથે ભેગા મળીને મજા કરીએ. સુલેમાન રાજાએ કહ્યું, ‘હું જાણું છું, કે પોતાની જિંદગીમાં આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં મનુષ્યને માટે બીજું કંઇ શ્રેષ્ઠ નથી. વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.’​—⁠સભાશિક્ષક ૩:૧૨, ૧૩.

યહોવાહ જાણે છે કે “આપણે ધૂળના છીએ.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) એટલે આપણાથી જે ન થાય, એવું કંઈ કરવાનું તે કહેતા નથી. યહોવાહ એ પણ જાણે છે કે આપણને આરામની જરૂર છે. એક પ્રસંગે ઈસુ અને તેમના શિષ્યો બહુ થાકી ગયા હતા. ઈસુએ તેઓને કહ્યું, “ચાલો થોડો સમય અહીંથી દૂર જઈ આરામ કરીએ.”​—માર્ક ૬:૩૧, IBSI.

આપણે જીવનમાં ઘણું કરવાનું હોય છે. પણ જે કંઈ કરીએ, એ સમજી-વિચારીને કરવું જોઈએ. બાઇબલ કહે છે કે “તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો.”​—⁠૧ કોરીંથી ૧૦:૩૧.

જીવનમાં મહત્ત્વનું શું છે એ નક્કી કરો

શું જીવનમાં ઈશ્વરને પહેલા મૂકવા અશક્ય છે? ખરું કે એમાં સમય અને શક્તિ જોઈએ. ઘણું જતું પણ કરવું પડે. જીવનમાં ફેરફારો કરવા પડે. પણ આપણાથી ન થાય એવું કંઈ કરવાનું ઈશ્વર કહેતા નથી. ‘ઈશ્વરે આપેલું સામર્થ્ય’ લેતા રહીશું તો, જીવનમાં તેમને જરૂર પહેલા રાખી શકીશું.​—⁠૧ પીતર ૪:⁠૧૧.

કદાચ શરૂઆતમાં એમ કરવું અઘરું લાગશે. ઈશ્વરને પ્રાર્થના કરો, કેમ કે તે “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) તેમને જણાવો કે તમને શી નડતરો છે, શું અઘરું લાગે છે, કેમ કે “તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) દાઊદ રાજાએ પ્રાર્થના કરી કે “મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ, કેમ કે તું મારો દેવ છે.” (ગીતશાસ્ત્ર ૧૪૩:૧૦) જીવનમાં ફેરફારો કરવા ઈશ્વરની મદદ માગો.

બાઇબલ કહે છે, ‘તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.’ (યાકૂબ ૪:૮) આપણે એમ કઈ રીતે કરી શકીએ? એ માટે આપણે બાઇબલ વાંચીએ, મિટિંગમાં જઈએ. એનાથી યહોવાહ સાથેનો નાતો વધારેને વધારે પાકો થશે.

યહોવાહની ભક્તિ કરવાના ફાયદા જોઈને પણ આપણી હોંશ વધે છે. (એફેસી ૬:૧૦) જેલેના નામની સ્ત્રીનો અનુભવ લઈએ. તે બાઇબલ સ્ટડી કરે છે અને કહે છે: ‘જીવનમાં જે મહત્ત્વનું છે એ કરવું કંઈ સહેલું નથી. પણ મિટિંગમાં જવાથી બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાની મને હિંમત મળી. મંડળના ભાઈ-બહેનોએ પણ મને મદદ કરી. હવે હું મારા પતિ સાથે સારી રીતે વર્તું છું. હું બાળકોને પણ પ્રેમથી સંભાળું છું.’

ખરું કે રોજ આપણા પર અનેક દબાણો આવે છે, પણ ‘સમયનો સદુપયોગ કરીએ.’ (એફેસી ૩:૧૬; ૫:૧૫-૧૭) કઈ રીતે? જીવનમાં જે મહત્ત્વનું છે એ નક્કી કરવા ઈશ્વરની મદદ લો. ફેરફારો કરવા તે હિંમત આપશે. ઈસુએ કહ્યું, ‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’​—⁠લુક ૧૮:⁠૨૭. (g 4/08)

શું તમે કદી વિચાર્યું છે?

◼ આપણા જીવનમાં ઈશ્વરને કેમ પહેલા રાખવા જોઈએ?​ —ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨; માર્ક ૧૨:૩૦.

◼ ઈશ્વરને ભજવા શું કરવું જોઈએ?​ —માત્થી ૨૮:૧૯, ૨૦; યોહાન ૧૭:૩; હેબ્રી ૧૦:૨૪, ૨૫.

◼ જીવનમાં શું મહત્ત્વનું છે એ કઈ રીતે નક્કી કરશો?​ —એફેસી ૫:૧૫-૧૭; યાકૂબ ૪:⁠૮.

[Picture on page ૧૪]

જીવનમાં જે કંઈ કરીએ, એ સમજી-વિચારીને કરીએ