સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વારંવાર બંધાયેલો પુલ

વારંવાર બંધાયેલો પુલ

વારંવાર બંધાયેલો પુલ

બલ્ગેરિયાના સજાગ બનો!ના લેખક તરફથી

બલ્ગેરિયાના ઉત્તર-મધ્યમાં ઑસુમ નદી આવેલી છે. એ નદી પર છાપરાંવાળો પુલ છે. એ લૉવિચના પુલ તરીકે ઓળખાય છે. ત્યાંના લોકોની જેમ એ પુલ પણ સુંદર છે. એનું બાંધકામ ને એનો ઇતિહાસ જાણવા જેવો છે.

૧૮૩૦ના દાયકામાં ઑસ્ટ્રિયાના ભૂસ્તરશાસ્ત્રી એમી બ્વે લૉવિચ ફરવા ગયા હતા. તેમને એ પુલ બહુ જ ગમ્યો. તેમણે લખ્યું, “આ પુલ તો રંગબેરંગી નાની-નાની દુકાનોથી સજાયેલો છે.” સાચે જ એ પુલ અજોડ હતો. એ પુલથી લૉવિચ ગામ જોડાતું. પુલ પરથી લોકો આવ-જાવ કરતા. માલસામાન મોકલતા. એના પર બજાર પણ ભરાતું. લોકો માટે એ પુલ ખૂબ મહત્ત્વનો હતો!

શરૂઆતમાં આ પુલ પથ્થરથી નહીં પણ લાકડાંથી બાંધવામાં આવ્યો હતો. પણ સમય જતાં વારંવાર આવતા પૂરના કારણે પુલને ઘણું નુકસાન પહોંચ્યું. એને ઘણી વાર રિપૅર કરવો પડ્યો. આખરે, ૧૮૭૨માં આવેલા પૂરને કારણ એ સાવ જ ધોવાઈ ગયો. લોકો લૉવિચ ગામથી બીજે પાર જઈ ન શકતા, જાણે તેઓની જીવાદોરી તૂટી ગઈ.

એ પુલને ફરી બાંધવો કંઈ રમત વાત ન હતી. એટલે લોકોએ બલ્ગેરિયાના જાણીતા બિલ્ડર કૉલ્યો ફિચૅશ્ટાને એ કામ સોંપ્યું. તેણે ફરીથી નવો અને મજબૂત પુલ બાંધવાનો હતો.

નવી ડિઝાઇન

ફિચૅશ્ટાએ વિચાર્યું કે પોતે મૂળ ડિઝાઇન પ્રમાણે છાપરાંવાળો પુલ બાંધશે. એના પર પહેલાંની જેમ નાની-નાની દુકાનો પણ હશે. તેણે જે પુલ બાંધ્યો એની લંબાઈ ૨૭૫ ફૂટ ને પહોળાઈ ૩૩ ફૂટ હતી. પુલને વચ્ચે વચ્ચે ટેકો આપવા તેણે અંડાકાર થાંભલા ઊભા કર્યા. પાણી વહેતું હતું, એ દિશાના થાંભલાનો ભાગ તેણે સાંકડો રાખ્યો હતો. એ થાંભલા પંદર ફૂટ ઊંચા હતા. એની અધવચ્ચે ને ઉપરના ભાગમાં ફિચૅશ્ટાએ બાકોરું રાખ્યું હતું, જેથી પૂરનું પાણી એમાંથી પસાર થઈ જાય ને પુલને નુકસાન ન પહોંચે. ફિચૅશ્ટાએ એ થાંભલા પર ઑકનાં જાડાં લાકડાં બિછાવી દીધા. પુલનું બાકીનું કામ એટલે છાપરું ને પુલની બંને બાજુ બધી થઈને ૬૪ દુકાનો બાંધવા તેણે બીચનું લાકડું વાપર્યું. એ છાપરું ને દુકાનની બહારની બાજુ તેણે લોખંડનાં પતરાં માર્યાં.

ફિચૅશ્ટાએ થાંભલા પર બિછાવેલાં લાકડાં જોડવા લોખંડના નહિ પણ લાકડાંનાં ખીલા વાપર્યા. પુલ પર રસ્તો બનાવવા પણ તેણે લાકડું જ વાપર્યું. એના પર કાંકરી પાથરી. પુલના છાપરામાં તેણે નાની નાની બારીઓ રાખી. દિવસના એ ખોલવાથી પ્રકાશ અંદર આવતો. રાત્રે પ્રકાશ માટે લોકો ગૅસનું લાઇટન કે ફાનસ વાપરતા. પુલની ડિઝાઇન ને બાંધકામ કરવામાં લગભગ ત્રણ વર્ષ લાગી ગયાં [૧].

પુલ પર શું થતું?

પુલ પરનું જીવન કેવું હતું? નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું: ‘પુલ પર ગાડી, ઘોડાગાડી કે માલવાહક ગધેડાં ભાગ્યે જ દેખાતાં. પણ વેપારીઓ અને ઘરાકો વધારે જોવા મળતા. વેપારીઓનો કોલાહલ ને ડબ્બા બનાવતા લોકોની હથોડીનો અવાજ સંભળાતો. એ પુલ પર અનેક પ્રવૃત્તિઓ ચાલતી. નાની-નાની દુકાનો રંગબેરંગી વસ્તુઓથી ઊભરાતી. જેમ કે ઊનનાં લટકણાં ને ભાત-ભાતની ડિઝાઇનવાળી મોતીની માળાઓ.’

લોકો એ છાપરાંવાળા પુલ પર ફક્ત ખરીદી કરવા જ નહિ, પણ મનોરંજન માટે પણ જતા. પુલ પરના ઘણા દુકાનદારો પાસે અનેક આવડતો હતી. આપણે આગળ એક વ્યક્તિની વાત કરી, જેણે પોતે એ પુલ પરની પ્રવૃત્તિઓ જોઈ હતી. તે કહે છે: ‘હજામની દુકાનમાં પાંચ-છ વાળંદ કામ કરતા. તેઓ નવરા પડે એટલે જાત-જાતના વાજિંત્રો વગાડવા લાગતા. તેઓ સંગીત વગાડી લે ત્યાં સુધી ઘરાક ખુશીથી તેઓની રાહ જોતા.’ પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી એ વાળંદોમાંના અમુકે ભેગા થઈને પોતાની સંગીત ટુકડી પણ બનાવી હતી.

પુલ પર આવી પડેલી આફત

ફિચૅશ્ટાએ બાંધેલો પુલ પચાસથી વધારે વર્ષ સુધી પૂર, યુદ્ધ ને બીજા આકરા વાતાવરણમાં ટક્યો. પણ ઑગસ્ટ ૨/૩, ૧૯૨૫ની રાત્રે એમાં અચાનક આગ લાગી. લૉવિચના પુલને લાગેલી આગ ગગનને ચૂમતી હતી. એ દૂર-દૂરથી દેખાતી હતી. એમાં પુલ બળીને ખાખ થઈ ગયો. એ આગ બેદરકારીથી લાગી કે જાણીજોઈને કોઈએ લગાડી, એની ખબર નથી. ભલે ગમે તે કારણ હોય પણ હવે આવ-જાવ કરવા પુલ ન હતો.

૧૯૩૧માં નવો પુલ બંધાયો. એ પણ છાપરાંવાળો હતો. એના પર રસ્તાની બંને બાજુએ નાની-નાની દુકાનો ને અમુક નાની વર્કશોપ પણ હતી [૨]. આ પુલ પહેલાંના પુલ જેવો ન હતો. પણ સ્ટીલ-કોન્ક્રીટથી બંધાયો હતો. આ પુલની ડિઝાઇન ફિચૅશ્ટાએ કરેલી ડિઝાઇનથી સાવ જ જુદી હતી. આ પુલનું છાપરું કાચનું હતું. પુલના વચ્ચેના ભાગમાં કોઈ દીવાલ ન હતી. એ ખુલ્લો હતો. પરંતુ ૧૯૮૧-૮૨માં એ પુલ ફરીથી કૉલ્યો ફિચૅશ્ટાની ડિઝાઇન પ્રમાણે બાંધવામાં આવ્યો [૩].

લૉવિચનો છાપરાંવાળો પુલ એ ગામની શોભા છે. એમાં બિલ્ડરની કળા છે. આજે પણ ત્યાંના રહેવાસી અને ફરવા આવેલા લોકો એ પુલને જોતા જ રહે છે. (g 1/08)

[Map on page 22]

લૉવિચ

સોફિયા

બલ્ગેરિયા

[Picture on page 23]

[Picture on page 23]

[Picture on page 23]

[Picture Credit Line on page 23]

Photo 2: From the book Lovech and the Area of Lovech