સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ઘોર અપરાધ”

“ઘોર અપરાધ”

“ઘોર અપરાધ”

મીના * ફક્ત ૧૪ વર્ષની હતી. આ ઉંમરે જ તે વેશ્યા બની ગઈ. તે પોતાની મરજીથી એ ધંધામાં પડી ન હતી, પણ તેની માતાએ તેને એમાં ધકેલી હતી. તેની માતાએ તેને કહ્યું કે તું ખૂબ સુંદર છે અને ચપટી વગાડતા પૈસા બનાવી શકીશ. તેથી, તેની મા, ગ્રાહકો શોધવા દરરોજ સાંજે તેને હોટલમાં લઈ જતી. આમ તે દરરોજ ત્રણથી ચાર પુરુષો સાથે જતી અને તેની મા બાજુમાં રહીને પૈસા ગણતી.

તેર વર્ષની કાજલ પણ મીનાના ઘર નજીક રહેતી હતી. તેને પણ આ ધંધામાં ધકેલવામાં આવી હતી. તેના માબાપ શેરડીના ખેતરમાં મજૂરી કરતા હતા. સમાજના બીજાં કુટુંબોની જેમ, વધારે આવક રળવા તેના માબાપે તેને વેશ્યા બનાવી દીધી હતી. ઈન્દિરાનો વિચાર કરો. તેણે ખૂબ નાની ઉંમરે શાળા છોડી દીધી હતી. અરે, તેને લખતા-વાંચતા પણ આવડતું ન હતું. પછી તે પણ વેશ્યા બની ગઈ. ડમૂ હજી તો છ વર્ષની એક કોમળ ફૂલ જેવી છોકરી હતી અને તેના મોટા ભાઈએ તેના પર બળાત્કાર કર્યો. પછી તે ઘણી વાર બળાત્કારનો ભોગ બની હતી. છેવટે તે પણ ૧૪ વર્ષની વયે વેશ્યા બની ગઈ.

આજે ઘણા દેશોમાં ફૂલ જેવી કુમળી છોકરીઓને વેશ્યાના * ધંધામાં ધકેલવામાં આવે છે એ જાણીને શરીર ધ્રૂજી ઊઠે છે. એનાં દુઃખદ પરિણામો આવે છે. બાળકો અમુક વાર કે કાયમ માટે વેશ્યાગીરીમાં ગયા પછી, ગુનાખોરીમાં અને ડ્રગ્સની લતે ચઢી જાય છે. તેઓમાંથી ઘણા આ કિચડમાંથી બહાર આવવા માગે છે, પરંતુ તેઓને કોઈ જ માર્ગ દેખાતો નથી.

હવે જાણીતી વ્યક્તિઓ પણ સ્વીકારવા લાગી છે કે બાળકોને આવા ધંધામાં ધકેલવાથી કેવાં ખરાબ પરિણામો આવે છે. બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફરનાન્ડો ઍરિક કારડોસે કહ્યું: “બાળકોને વેશ્યાગીરીમાં ધકેલવા એ ઘોર અપરાધ છે.” બાળ વેશ્યાગીરી વિષે બ્રાઝિલના છાપાએ જોરદાર ટીકા આપી: “[પૈસા]ને કારણે વેશ્યાગીરી ચાલે છે એવા દેશોમાં એ બંધ કરવાને બદલે એમાં વધારો થાય છે. વળી, એ ધંધાથી સમાજ અને કુટુંબ પર જે દુઃખો આવે છે એની સરખામણીમાં એમાંથી મળતા પૈસાની કંઈ જ કિંમત નથી.”

બાળકોનો આવો ધંધો બંધ કરાવવા ઘણા લોકો સખત પ્રયત્નો કરી રહ્યા છે. તેમ છતાં એ ધંધો ફુલીફાલી રહ્યો છે. શા માટે લોકો આ ગુના પ્રત્યે આંખ આડા કાન કરે છે અને બળતામાં ઘી રેડે છે? (g 03 2/08)

[ફુટનોટ્‌સ]

^ આ લેખોમાં નામ બદલવામાં આવ્યાં છે.

^ ખરું કે આ લેખોમાં મોટા ભાગે વેશ્યા તરીકે છોકરીઓની વાત કરી છે, પરંતુ એ છોકરાઓ પર થતા જુલમોને પણ લાગુ પડે છે.

[પાન ૩ પર બ્લર્બ]

“બાળકોને વેશ્યાગીરીમાં ધકેલવા એ ઘોર અપરાધ છે.”—બ્રાઝિલના રાષ્ટ્રપતિ ફરનાન્ડો ઍરિક કારડોસ્‌

[પાન ૪ પર બ્લર્બ]

“સર્વ પ્રકારનું જાતીય શોષણ માનવતા પર કલંક છે, પછી ભલે એ ગમે તે ઉંમરે કે કોઈપણ નાતજાતના લોકોનું થતું હોય; એ માનવ હક્કની વિરુદ્ધ છે.”—યુનિસ્કો સોર્સીસ