સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ઘણી વાર મને લાગે છે કે હું સ્વપ્ન જોઈ રહી છું!”

“ઘણી વાર મને લાગે છે કે હું સ્વપ્ન જોઈ રહી છું!”

“ઘણી વાર મને લાગે છે કે હું સ્વપ્ન જોઈ રહી છું!”

લુઅર્ડ લૅટિન-અમેરિકાના એક એપાર્ટમેન્ટમાં રહે છે. તે બારી તરફ જોતા માંડમાંડ પોતાના આંસુ રોકે છે. તેણે લગભગ ૨૦ વર્ષ સુધી તેના પતિ આલ્ફ્રેડોનો ત્રાસ સહન કર્યો હતો. પરંતુ હવે આલ્ફ્રેડોએ જીવનમાં મોટા સુધારાઓ કર્યા છે. તેમ છતાં, લુઅર્ડ પોતે સહેલાં દુઃખો વિષે આજે પણ વાત કરી શકતી નથી.

લુઅર્ડ ધીમા સાદે વાત શરૂ કરે છે, “લગ્‍નના બે અઠવાડિયામાં જ મારઝૂડ શરૂ થઈ ગઈ. એક વાર, તેમણે મારા મોઢા પર એવું માર્યું કે મારા બે દાંત પડી ગયા. બીજી વાર તે મને મારવા ગયા ત્યારે હું નીચી વળી ગઈ અને તેમની મુઠ્ઠી પાછળ કબાટમાં જોરમાં અફળાઈ. પરંતુ, એ માર કરતાં, તેમના શબ્દોથી મને ઊંડા ઘા થતા હતા. તે મને ‘ગમાર જેવી, નકામી’ કહેતા અને જાણે મારામાં અક્કલનો છાંટોય ન હોય એવો વહેવાર કરતા. હું તેમને છોડી દેવા તૈયાર હતી, પણ પછી મારા ત્રણ છોકરાઓનું શું?”

આલ્ફ્રેડો વહાલથી લુઅર્ડના ખભા પર હાથ મૂકીને કહે છે, “હું એક જાણીતો ડૉક્ટર છું. મને કોર્ટમાં હાજર થવાની નોટિસ મળી અને હુકમ મળ્યો કે લુઅર્ડને ત્રાસ ન આપવો. એ મારી ઇજ્જતનો સવાલ હતો. મેં સુધરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાછું હતું એમનું એમ થઈ ગયું.”

તો પછી, બાબતો કઈ રીતે બદલાઈ? હવે લુઅર્ડ જણાવે છે કે “રસ્તાના છેડે એક યહોવાહની સાક્ષી દુકાન ચલાવે છે. તે મારી સાથે બાઇબલમાંથી વાત કરવા લાગી. એમાંથી મને શીખવા મળ્યું કે યહોવાહ સ્ત્રીઓને કીમતી ગણે છે. જોકે શરૂઆતમાં આલ્ફ્રેડો ગુસ્સે થતા, છતાં હું યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જવા લાગી. ત્યાં ભાઈબહેનો સાથે હળવું-મળવું મારા માટે નવો જ અનુભવ હતો. હું માની શકતી ન હતી કે હું પોતાનો ધર્મ પસંદ કરીને બીજાઓને પણ એ વિષે શીખવી શકું છું. મેં જોયું કે પરમેશ્વરની નજરમાં હું નકામી નથી. તેથી, હું હિંમત હારી નહિ.

“મારા જીવનમાં નિર્ણય લેવાનો એક એવો સમય આવ્યો, જે હું કદી ભૂલીશ નહિ. આલ્ફ્રેડો હજુ દર રવિવારે કૅથલિક ચર્ચમાં જતા, પણ તે વાંધો ઉઠાવતા હતા કે હું યહોવાહના સાક્ષીઓ સાથે કેમ સંબંધ રાખું છું. મેં મારી બધી હિંમત ભેગી કરીને કહ્યું: ‘આલ્ફ્રેડો, તમારી ને મારી માન્યતા જુદી છે.’ મને લાગ્યું કે તે મને મારશે, પણ તેમણે મને કંઈ જ ન કર્યું! એ પછી હું બાપ્તિસ્મા પામી અને છેલ્લા પાંચ વર્ષથી તેમણે મારા પર હાથ ઉપાડ્યો નથી.”

પરંતુ, આલ્ફ્રેડો કહે છે તેમ હજુ તો મોટા ફેરફારો આવવાના હતા: “લુઅર્ડે બાપ્તિસ્મા લીધું એના ત્રણ વર્ષ પછી, મારી સાથે કામ કરતા એક યહોવાહના સાક્ષીએ મને તેમના ઘરે બોલાવ્યો. તેમણે મને બાઇબલમાંથી ઘણું નવું નવું શીખવ્યું. પછી મારી પત્નીથી છૂપી રીતે, હું બાઇબલ શીખવા લાગ્યો. જલદી જ હું લુઅર્ડ સાથે સભાઓમાં જવા લાગ્યો, જ્યાં કૌટુંબિક જીવન પર મેં સરસ પ્રવચનો સાંભળ્યાં. એ સાંભળીને ઘણી વાર મારા રુવાંટા ઊભા થઈ જતા.”

આલ્ફ્રેડોએ સભા પછી મંડળના બીજા બધા સાથે, ભાઈઓને પણ હૉલ સાફ કરતા જોયા. એ જોઈને તેમને ખૂબ નવાઈ લાગી. તેમણે એ પણ જોયું કે ઘરે પતિઓ તેઓની પત્નીઓને વાસણ ધોવામાં મદદ કરતા હતા. આવી નાની નાની બાબતોમાં પણ આલ્ફ્રેડો ખરો પ્રેમ જોઈ શક્યા.

થોડા જ સમય પછી, આલ્ફ્રેડો પણ બાપ્તિસ્મા પામ્યા. હવે તે અને તેમની પત્ની બધો જ સમય પ્રચાર કાર્યમાં વિતાવે છે. ઘરના વાતાવરણ વિષે લુઅર્ડ કહે છે, “તે જમ્યા પછી ઘણી વાર મને ટેબલ સાફ કરવામાં અને પથારી બનાવવામાં મદદ કરે છે. તે હવે મારી રસોઈના વખાણ કરે છે. વળી, તે મારું મનપસંદ સંગીત વગાડે છે અને મારી પસંદગી પ્રમાણે ઘર માટે વસ્તુઓ લાવે છે. આવું તો આલ્ફ્રેડોએ કદી પણ કર્યું ન હતું! અને એક દિવસ તે મારા માટે ભેટ તરીકે સુંદર ફૂલો લઈ આવ્યા. ઘણી વાર મને લાગે છે કે હું સ્વપ્ન જોઈ રહી છું!” (g01 11/8)

[પાન ૧૦ પર ચિત્ર]

“મને ખબર પડી કે પરમેશ્વર મને મૂલ્યવાન ગણે છે. એનાથી મને હિંમત મળી”

[પાન ૧૦ પર ચિત્ર]

તેમણે પતિઓને તેઓની પત્નીઓને વાસણ ધોવામાં મદદ કરતા જોયા

[પાન ૧૦ પર ચિત્ર]

સભા પછી પુરુષો સહિત મંડળના બીજા સભ્યોને હૉલ સાફ કરતા જોઈને આલ્ફ્રેડો ખૂબ પ્રભાવિત થયો

[પાન ૧૦ પર ચિત્ર]

“હમણાં જ, પહેલી વાર, તે મારા માટે ફૂલો લાવ્યા”