સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધિક્કાર ક્યાંથી ઉદ્‍ભવે છે?

ધિક્કાર ક્યાંથી ઉદ્‍ભવે છે?

ધિક્કાર ક્યાંથી ઉદ્‍ભવે છે?

ધિક્કાર માણસજાતની શરૂઆતથી જ જોવા મળે છે. ઉત્પત્તિ ૪:૮નો બાઇબલ અહેવાલ બતાવે છે: “તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો.” બાઇબલ લેખક યોહાન કહે છે, “તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેનાં પોતાનાં કામ ભૂંડાં હતાં, અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.” (૧ યોહાન ૩:૧૨) હાબેલ ધિક્કારનું સૌથી સામાન્ય કારણ, ઈર્ષાનો ભોગ બન્યો. નીતિવચન ૬:૩૪ કહે છે, “વહેમ [“ઈર્ષા,” NW] એ પુરુષનો કાળ છે.” આજે, સામાજિક દરજ્જો, ધનસંપત્તિ અને બીજી સુખ-સગવડોને લીધે લોકો એકબીજાની ઈર્ષા કરે છે.

અણગમો અને ભય

પરંતુ, ઈર્ષા સિવાય પણ ધિક્કારનાં બીજા ઘણાં કારણો છે. ઘણી વાર અણગમો અને ભય પણ ધિક્કારમાં ઉમેરો કરે છે. હિંસક જ્ઞાતિવાદી જૂથના એક યુવાને કહ્યું, “હું ધિક્કાર કરવાનું શીખ્યો એ પહેલાં, હું ભય રાખવાનું શીખ્યો.” આ પ્રકારના ભયનું મૂળ ઘણી વાર અણગમો હોય છે. ધ વર્લ્ડ બુક એન્સાઈક્લોપીડિયા અનુસાર, પૂર્વગ્રહ ધરાવતા લોકો પોતાનો અભિપ્રાય “પ્રાપ્ય પુરાવાને ધ્યાનમાં લીધા વગર આપતા હોય છે. . . . પૂર્વગ્રહ ધરાવતી વ્યક્તિઓ બાબતોને વિકૃત, ખોટી રીતે અને ગેરસમજ ઊભી થાય એ રીતે રજૂ કરે છે. તેઓ પોતાના અગાઉથી નક્કી કરેલા અભિપ્રાય સાથે સહમત ન થતી હકીકતની પણ અવગણના કરે છે.”

આવા અભિપ્રાયો ક્યાંથી આવે છે? ઇન્ટરનેટ પર માહિતી આપતી એક સેવા બતાવે છે: “ઘણી સંસ્કૃતિમાં જોવા મળતી લઘુતાગ્રંથિ માટે ભૂતકાળના બનાવો જવાબદાર હોય છે પરંતુ, આપણી પોતાની વ્યક્તિગત પાર્શ્વભૂમિકા પણ બીજા ઘણા પૂર્વગ્રહ માટે જવાબદાર છે.”

દાખલા તરીકે, અમેરિકામાં એક સમયે જોવા મળતી ગુલામી પ્રથાને લીધે, ઘણા ગોરા અને આફ્રિકાના કાળા વંશજો વચ્ચેનો તણાવ આજ સુધી જોવા મળે છે. ઘણી વાર, માબાપનું અમુક જ્ઞાતિઓ પ્રત્યેનું નકારાત્મક દૃષ્ટિબિંદુ બાળકો વારસામાં મેળવે છે. એક ગોરા જ્ઞાતિવાદીએ જાહેરમાં કબૂલ્યું કે, આ રીતે તેણે “એક પણ વાર કાળા લોકોના સંપર્કમાં આવ્યા વગર” તેઓ પ્રત્યે ધૃણાભરી લાગણીઓ પોતાના મનમાં ભરી હતી.

ત્યાર પછી, એવા લોકો પણ છે કે જેઓ પોતાનાથી અલગ જ્ઞાતિના લોકોને નકામા ગણતા હોય છે. તેઓની આવી માન્યતા, બીજી જ્ઞાતિ કે સંસ્કૃતિની કોઈ પણ વ્યક્તિના અણગમતા વર્તન કે કાર્યને આધારે હોય શકે. ત્યારથી, તેઓ એવા અતિશયોક્તિભર્યા નિષ્કર્ષ પર આવી શકે કે એ જ્ઞાતિ અથવા સંસ્કૃતિના દરેક લોકો એવા જ હોય છે, તેઓ સાથે પણ એવો જ વ્યવહાર કરવો જોઈએ.

પૂર્વગ્રહ વ્યક્તિગત સ્તરે હોય ત્યાં સુધી બાબતો ઠીક છે, પરંતુ એનાથી સમગ્ર રાષ્ટ્ર કે જ્ઞાતિને અસર થતી હોય તો, એ પ્રાણઘાતક બની શકે છે. પોતાની રાષ્ટ્રીયતા, ચામડીનો રંગ, સંસ્કૃતિ કે ભાષા બીજાઓ કરતાં ચઢિયાતી છે એવી માન્યતા, પૂર્વગ્રહ અને અણગમાને (કોઈ વ્યક્તિ કે કોઈ પણ પરદેશી પ્રત્યે ધૃણાને) જન્મ આપે છે. વીસમી સદી દરમિયાન, આવા કટ્ટર પૂર્વગ્રહને ઘણી વાર હિંસક રીતે બતાવવામાં આવ્યો છે.

રસપ્રદપણે, ધિક્કાર અને પૂર્વગ્રહ ચામડીના રંગ કે રાષ્ટ્રીયતા સાથે જોડાયેલો હોય એ જરૂરી નથી. યુનિવર્સિટી ઑફ પેન્સીલ્વેનિયાના એક સંશોધક, ક્લાર્ક મકોલી લખે છે કે “સિક્કો ઉછાળીને અનાયાસે બે વૃંદો પાડવામાં આવ્યાં હોય તો, વ્યક્તિ પોતાના વૃંદનો જ પક્ષ લે છે.” ત્રીજા ધોરણની એક શિક્ષિકાએ આ પ્રખ્યાત પ્રયોગ માટે પોતાના વિદ્યાર્થીઓને બે જૂથમાં વહેંચ્યા ત્યારે એ જોવા મળ્યું. તેણે પોતાના વર્ગમાં ભૂરી અને કથ્થાઈ આંખોવાળાં બાળકોના બે ભાગલા પાડ્યા. થોડા જ સમયમાં, આ બંને જૂથો એકબીજાને ધિક્કારવા લાગ્યા. અરે, રમતગમત જેવી નાની બાબતોમાં પણ ભાગલા પાડવામાં આવે તો એ હિંસામાં પરિણમે છે.

શા માટે આટલી બધી હિંસા?

પરંતુ, શા માટે આ પ્રકારનો ધિક્કાર ઘણી વાર હિંસામાં પરિણમે છે? આ પ્રકારના વિષયને ઊંડી રીતે તપાસ્યા પછી પણ, સંશોધકો ફક્ત અનુમાનો જ કરી શક્યા છે. ક્લાર્ક મકોલીએ માનવ હિંસા અને ગુસ્સા પર કરેલા સંશોધનનાં પુસ્તકોની બહોળા પ્રમાણમાં યાદી ભેગી કરી છે. તે એક સંશોધનનો અભ્યાસ કરતા બતાવે છે કે “યુદ્ધ કરવા અને એમાં સફળ થવા સાથે હિંસા સંકળાયેલી છે.” સંશોધકોને જોવા મળ્યું છે કે “પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા, ખાસ કરીને આ યુદ્ધો જીતનાર દેશોએ યુદ્ધ પૂરું થઈ ગયા પછી પણ હિંસા બતાવી છે.” બાઇબલ અનુસાર, આપણે યુદ્ધના યુગમાં જીવી રહ્યા છીએ. (માત્થી ૨૪:૬) શું આ પ્રકારના યુદ્ધોએ કંઈક અંશે હિંસાના રૂપમાં વધારો કર્યો નથી?

બીજા સંશોધકોએ માનવ ગુસ્સા માટે જીવવૈજ્ઞાનિક સમજણ શોધી છે. એક સંશોધને અભ્યાસ દ્વારા બતાવવાનો પ્રયત્ન કર્યો કે અમુક પ્રકારનો ગુસ્સો “મગજમાં સીરોટીનનું સ્તર નીચું થઈ જવાને કારણે આવે છે.” બીજું એક પ્રખ્યાત અનુમાન બતાવે છે કે ગુસ્સો તો આપણને વારસામાં જ મળેલો છે. એક રાજકીય નિષ્ણાતે કહ્યું કે, “એ [ધિક્કાર] તો મનુષ્યની રગેરગમાં ફેલાયેલો છે.”

બાઇબલમાં બતાવવામાં આવ્યું છે કે અપૂર્ણ મનુષ્ય ખરાબ આદત અને કુટેવો સાથે જન્મ્યો છે. (ઉત્પત્તિ ૬:૫; પુનર્નિયમ ૩૨:૫) જોકે, એ શબ્દો સર્વ માણસજાતને લાગુ પડે છે. પરંતુ, દરેક મનુષ્યને કંઈ બીજાઓ માટે ગેરવાજબી ધિક્કાર હોતો નથી. તેઓ પાછળથી એ કરતા શીખે છે. આમ, પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ગોર્ડન ડબલ્યુ. ઑલપોર્ટે નાનાં બાળકો પર સંશોધન કર્યા પછી જોયું કે તેઓમાં “કોઈને નુકસાન પહોંચાડવાની ભાવના હોતી નથી. . . . બાળકો બીજાઓ પર ભરોસો કરતા હોવાથી, તેઓ સહેલાઈથી બધા લોકો પાસે જતા હોય છે.” આ અવલોકન એ વાતને ટેકો આપે છે કે ગુસ્સો, પૂર્વગ્રહ અને ધિક્કારને સામાન્ય રીતે શીખવામાં આવે છે! ધિક્કાર શીખવનારાઓ મનુષ્યોની શીખવાની ક્ષમતાનો દુરુપયોગ કરે છે.

મનમાં ઝેર ભરવું

નવા નાઝીવાદ, બળવાખોર અને કુ ક્લક્ષ ક્લાન જેવા વિવિધ જૂથોના આગેવાનો ધિક્કાર ફેલાવવામાં આગળ પડતા છે. આ જૂથો હંમેશા વિખવાદવાળાં કુટુંબોના સહેલાઈથી ભોગ બની જાય એવા યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અસલામતી અને નાનમની લાગણી અનુભવતા આ યુવાનોને ધિક્કારને પ્રોત્સાહન આપતા આવા જૂથો વધારે આકર્ષક લાગે છે.

કેટલાક લોકો ધિક્કારને ફેલાવવા માટે સૌથી શક્તિશાળી સાધન ઇંટરનેટનો ઉપયોગ કરે છે. તાજેતરમાં કરવામાં આવેલી ગણતરી અનુસાર, ઇંટરનેટ પર લગભગ ૧,૦૦૦ જેટલી ધિક્કારને બતાવતી વેબ સાઈટો છે. ધિક્કાર ફેલાવતી એક વેબ સાઈટના માલિકની બડાઈનો ધ ઇકોનોમીસ્ટ મેગેઝિન ઉલ્લેખ કરે છે: “નેટે હજારો લોકો સામે અમારા વિચારો વ્યક્ત કરવાની અમને તક આપી છે.” એ વેબસાઈટમાં બાળકો માટે “કીડ્‌સ પેજ”નો પણ સમાવેશ થાય છે.

યુવાનો સંગીતનો આનંદ માણવા ઇંટરનેટનો ઉપયોગ કરે છે ત્યારે, ધિક્કારને ઉત્તેજન આપતી સંગીતની ધૂનો તેઓને જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારનું સંગીત ઘોંઘાટિયું અને હિંસક હોય છે કે જેની ધૂનમાં અનહદ ધૃણા વ્યક્ત કરવામાં આવે છે. પરિણામે, આ વેબ સાઈટો ન્યૂઝગ્રૂપ, ચેટરૂમ કે બીજી વેબ સાઈટો દ્વારા ધિક્કાર વધારવાનું કામ કરે છે.

ધિક્કાર બતાવતી કેટલીક વેબ સાઈટ પાસે યુવાનો માટે ખાસ પ્રકારની રમતો અને પ્રવૃત્તિઓ હોય છે. નવો નાઝીવાદની એક વેબ સાઈટ જાતિવાદ અને યહુદી વિરોધવાદને વાજબી ઠરાવવા માટે બાઇબલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. આ વૃંદે એક એવું પેજ પણ મૂક્યું છે કે જેના પર જાતિવાદને લગતા શબ્દો પૂરવાના કોયડાઓ (ક્રોસવર્ડ પઝલ) જોવા મળે છે. એનો હેતુ શું છે? “ગોરી જાતિના યુવાન સભ્યો અમારી (નવા નાઝીવાદની) લડત સમજી શકે.”

પરંતુ, ધિક્કાર ફેલાવનારાઓ કંઈ માથાફરેલ જ હોતા નથી. બાલ્કન્સમાં તાજેતરમાં થયેલી લડાઈ વિષે એક સમાજશાસ્ત્રીએ, અમુક સારા પ્રખ્યાત લેખકો અને જનતા પર જેઓના વલણ અને અભિપ્રાયની અસર હોય એવી વ્યક્તિઓ વિષે કહ્યું: “[તેઓની] લખવાની શૈલીથી મને ઘણું આશ્ચર્ય થયું. એનાથી તેઓએ એકદમ ખરાબ કામ માટે લોકોને ઉશ્કેર્યા છે અને તેઓ લોકોમાં ધિક્કારને ભડકાવે છે. નૈતિક રીતે ખોટાં કાર્યોને સાચા ઠરાવીને તેઓએ લોકોને એટલા આંધળા કર્યાં છે કે તેઓ ખરો નિર્ણય લઈ શકતા નથી . . . અને હકીકતને ઠુકરાવી દે છે.”

આ બાબતમાં પાદરીઓની ભૂમિકાને અવગણવી જોઈએ નહિ. પવિત્ર ધિક્કાર: નેવુના દાયકાના ધાર્મિક વિગ્રહો, (અંગ્રેજી)ના લેખક જેમ્સ એ. હાગોટ ચોંકાવનારું અવલોકન કરે છે: “વર્ષ ૧૯૯૦ના દાયકામાં ધર્મ સૌથી મોટો કટાક્ષ બની ગયો છે, કેમ કે એણે માનવીઓની ભલાઈ અને હિત જોવાને બદલે ધિક્કાર, યુદ્ધ અને આતંકવાદમાં સૌથી મહત્ત્વનો ફાળો આપ્યો છે.”

આમ, ધિક્કારનાં ઘણાં કારણો જોવા મળે છે. પરંતુ, શું એનો અર્થ એવો થાય છે કે માણસજાત પાસે આ ધિક્કાર ભરેલા ઇતિહાસનું પુનરાવર્તન થતું અટકાવવાનો કોઈ જ ઉપાય નથી? શું એવી કોઈ બાબત છે કે જેનાથી આપણે વ્યક્તિગત રીતે તેમ જ ગોળાવ્યાપી સ્તરે ગેરસમજ, અવગણના અને ધિક્કારના ભયને દૂર કરી શકીએ? (g01 8/8)

[પાન ૬ પર બ્લર્બ]

પૂર્વગ્રહ અને ધિક્કાર શીખવામાં આવે છે!

[પાન ૪, ૫ પર ચિત્ર]

આપણે ધિક્કાર અને પૂર્વગ્રહની . . .

. . . લાગણીઓ સાથે જન્મ્યા નથી

[પાન ૭ પર ચિત્ર]

ધિક્કાર ફેલાવતા જૂથો યુવાનોને ઉશ્કેરવા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે

[પાન ૭ પર ચિત્ર]

ધર્મ ઘણી વાર લડાઈઓને પ્રોત્સાહન આપે છે

[ક્રેડીટ લાઈન]

AP Photo