સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બ્રહ્માંડમાંથી આપણે શું શીખી શકીએ?

બ્રહ્માંડમાંથી આપણે શું શીખી શકીએ?

બ્રહ્માંડ એટલું વિશાળ છે કે ખગોળ વૈજ્ઞાનિકો એને જોઈને દંગ રહી જાય છે. એનો અભ્યાસ કરવા તેઓ પાસે સારામાં સારા સાધનો છે. તેઓને અભ્યાસથી શું જાણવા મળ્યું?

બ્રહ્માંડમાં બધું જ વ્યવસ્થિત ગોઠવાયેલું છે. ઍસ્ટ્રૉનૉમી નામના મૅગેઝિનના એક લેખમાં જણાવ્યું હતું કે “આકાશગંગાઓ અંતરિક્ષમાં આમતેમ વિખરાયેલી નથી. પણ વ્યવસ્થિત રીતે યોગ્ય જગ્યાએ ગોઠવાયેલી છે. એ તો જાણે કરોળિયાના જાળા જેવી દેખાય છે.” એ બધું એક એવા પદાર્થને લીધે શક્ય બન્યું છે, જેને જોઈ શકાતો નથી. એને ડાર્ક મેટર (શ્યામ પદાર્થ) કહેવામાં આવે છે. એ જ લેખમાં જણાવ્યું હતું કે ‘ડાર્ક મેટર જોઈ ન શકાય એવાં વાંસના માળખા જેવું છે, જેનો ઉપયોગ મકાનના બાંધકામ વખતે થાય છે. એ આકાશગંગાઓ, આકાશગંગાઓના ઝૂમખાંઓ (ક્લસ્ટર) અને એના મોટા ઝૂમખાંઓને (સુપરક્લસ્ટરને) વ્યવસ્થિત રાખે છે અને ટેકો આપે છે.’

બ્રહ્માંડમાં બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. તો શું એ બધું આપમેળે આવી ગયું? ચાલો, એલન સેન્ડેજ એ વિશે શું કહે છે એના પર ધ્યાન આપીએ. એક ન્યૂઝપેપરમાં જણાવ્યા પ્રમાણે, “તે ૨૦મી સદીના ખૂબ પ્રખ્યાત ખગોળ વૈજ્ઞાનિકોમાંના એક હતા.” તે ઈશ્વરમાં માનતા હતા.

તેમણે કહ્યું, “મને નથી લાગતું કે બ્રહ્માંડમાં જે રીતે બધું ગોઠવાયેલું છે, એ અંધાધૂંધીથી આવી ગયું હોય. પણ એવું કંઈક તો છે, જે એને વ્યવસ્થિત રાખે છે.”

બ્રહ્માંડના નિયમો જીવન ટકાવવા માટે ખૂબ જરૂરી છે. સૂર્યનો વિચાર કરો. એમાં એવું બળ હોય છે, જેનાથી ઊર્જા પેદા થાય છે, એને વીક ફોર્સ કહેવામાં આવે છે. જો એ બળ થોડું પણ ઓછું હોત, તો સૂર્ય બન્યો જ ન હોત અને જો એ બળ થોડું વધારે હોત, તો સૂર્ય બળીને ખાખ થઈ ગયો હોત.

સૂર્યમાં એ બળ, નથી ઓછું કે નથી વધારે, પણ એકદમ બરાબર છે. એવી જ રીતે બ્રહ્માંડમાં એવાં ઘણાં બળ અને નિયમ છે, એ એકદમ સચોટ છે. એના લીધે માણસ, ઝાડપાન અને પ્રાણીઓ જીવે છે. જો એમાંના એક પણ નિયમમાં થોડો પણ ફરક હોત તો શું થાત? અનિલ અનંતસ્વામી નામના લેખક જણાવે છે, “તારાઓ, ગ્રહો અને આકાશગંગા બન્યા ન હોત અને જીવન શક્ય જ ન હોત.”

બ્રહ્માંડમાં માણસોને રહેવા માટેનું યોગ્ય ઘર. પૃથ્વી પર યોગ્ય માત્રામાં પાણી અને યોગ્ય વાતાવરણ છે. ચંદ્રનો આકાર પણ એકદમ બરાબર છે. એ બધાને લીધે પૃથ્વી પોતાની જગ્યાએ ટકી રહે છે. નેશનલ જીયોગ્રાફિક મૅગેઝિનના એક લેખમાં જણાવ્યું હતું કે ‘વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી જ એક એવો ગ્રહ છે, જેના પર યોગ્ય વાતાવરણ છે અને જીવજંતુઓ છે. એના લીધે જ માણસ જીવી શકે છે.’ *

એક લેખકે લખ્યું કે “આપણું સૂર્યમંડળ આકાશગંગાના બીજા તારાઓથી બહુ દૂર છે.” એટલે પૃથ્વી પર જીવન શક્ય છે. જો સૂર્યમંડળ બીજા તારાઓની નજીક હોત, તો શું થાત? આપણી આકાશગંગાનો આકાર વમળ (સ્પાયરલ) જેવો છે. જો સૂર્યમંડળ આકાશગંગાની વચ્ચોવચ કે એની ધાર પર હોત તો તારાઓના રેડિયેશનના લીધે જીવન જીવવું અશક્ય હોત. પણ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણું સૂર્યમંડળ એકદમ યોગ્ય જગ્યાએ છે. “એના લીધે જ માણસો, ઝાડપાન અને પ્રાણીઓ માટે જીવન શક્ય બન્યું છે.”

ભૌતિક વૈજ્ઞાનિક પોલ ડેવિસે બ્રહ્માંડ અને એના નિયમોનો ઊંડો અભ્યાસ કર્યો. પછી તેમણે કહ્યું, ‘મને નથી લાગતું કે આપણે કોઈ અકસ્માતને લીધે આવી ગયા છીએ. આપણે દુનિયામાં છીએ એનું ચોક્કસ કોઈક તો કારણ છે.’ જોકે તેમણે એવું નથી કહ્યું કે બ્રહ્માંડ અને માણસોને ઈશ્વરે બનાવ્યા છે. જરા વિચારો કે પૃથ્વી પર જ જીવન શક્ય છે. બની શકે કે બ્રહ્માંડ અને પૃથ્વીને એ જ રીતે રચવામાં આવ્યા હોય. તમને શું લાગે છે?

^ ફકરો. 8 નેશનલ જીયોગ્રાફિક મૅગેઝિનનો એ લેખ એમ નથી જણાવતો કે પૃથ્વી અને માણસોને ઈશ્વરે બનાવ્યા છે. એમાં ફક્ત એટલું જણાવ્યું હતું કે પૃથ્વી માણસોને રહેવા માટેનું યોગ્ય ઘર છે.