સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખૂબસૂરત દુનિયામાં જીવવા તમે આજે જ પગલું ભરો

સુંદર મજાની દુનિયા જલદી આવશે!

સુંદર મજાની દુનિયા જલદી આવશે!

ઈશ્વરે સુંદર મજાની ધરતી બનાવી. એમાં એદન નામનો બાગ બનાવ્યો. પછી તેમણે પ્રથમ પુરુષ આદમ અને સ્ત્રી હવાને એ ઘર તરીકે રહેવા આપ્યો. ઈશ્વર ચાહતા હતા કે તેઓ અને તેઓનાં બાળકો સુખચેનથી એમાં જીવે ને એની સંભાળ રાખે. તેઓ એવું જીવન જીવે જેમાં બીમારી, ઘડપણ કે મરણ ના હોય. બસ સુખ જ સુખ હોય ને જીવન ખુશહાલ હોય.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૫.

અફસોસ! આજે ધરતી બાગ જેવી રહી નથી. પણ ધરતી વિશે ઈશ્વરના વિચારો બદલાયા નથી. તમને સવાલ થશે કે ઈશ્વર કઈ રીતે આ ધરતીને ફરી બાગ જેવી સુંદર બનાવશે? આગળના લેખમાં જોયું તેમ ઈશ્વર ફક્ત દુષ્ટ લોકોનો નાશ કરશે, ધરતીનો નહિ. જેઓ ખુશીથી ઈશ્વરના કહ્યું કરશે, તેઓ કાયમ પૃથ્વી પર જીવશે. તેઓ પૃથ્વીને બગીચા જેવી બનાવશે. આમ, ઈશ્વરનો ધરતી માટેનો હેતુ પૂરો થશે. હવે વિચાર કરો, એ સમયે ધરતીનો માહોલ કેવો હશે?

આખી ધરતી પર ઈશ્વરનું રાજ હશે

ઈશ્વરે સ્વર્ગમાં રાજ્ય સ્થાપન કર્યું છે. તે ધરતી પર પણ જલદી જ રાજ કરશે. તેમના રાજમાં લોકો રાજીખુશીથી રહેશે, સંપીને રહેશે ને મનગમતા કામોનો આનંદ માણશે. ઈશ્વરે એ રાજ્યના રાજા તરીકે પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને પસંદ કર્યા છે. તે ધરતી પર રાજ કરશે. તે આજના નેતા જેવા નથી. ઈસુને તેમની પ્રજા માટે ખૂબ જ હમદર્દી, પ્રેમ અને દયા છે. તે બધાનો એક સરખો ન્યાય કરશે. —યશાયા ૧૧:૪.

બધા હળીમળીને રહેશે

ઈશ્વરના રાજમાં લોકો હળીમળીને રહેશે. ભલે પછી તેઓ અલગ અલગ જાતિ, દેશ કે રંગરૂપના હોય. તેઓમાં ભેદભાવ નહિ હોય. લોકો એકબીજાને અને ઈશ્વરને પ્રેમ કરશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦) લોકો હળીમળીને કામ કરશે, પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવશે ને એની સંભાળ રાખશે. આમ ઈશ્વરનો ધરતી માટેનો મકસદ પૂરો થશે.—ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬.

કુદરતી આફતોનો અંત આવશે

આજે કુદરતી આફતોથી લોકોને ઘણું નુકસાન થાય છે. પણ ઈસુ પૃથ્વી પર રાજ કરશે ત્યારે કુદરતી આફતો નહિ હોય. (ગીતશાસ્ત્ર ૨૪:૧, ૨) ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે ભયંકર તોફાનને શાંત કરીને ઝલક આપી હતી કે ઈશ્વરના રાજમાં પોતે શું કરશે. આ બધું તેમણે પોતાની શક્તિથી નહિ પણ ઈશ્વરની શક્તિથી કર્યું હતું. (માર્ક ૪:૩૯, ૪૧) ઈશ્વરના રાજ્યમાં માણસો અને જાનવરો એકબીજાને નુકસાન નહિ કરે. લોકો પર્યાવરણને પણ નુકસાન નહિ પહોંચાડે. ચોખ્ખા હવા-પાણી મળશે.—હોશિયા ૨:૧૮.

સારી તંદુરસ્તી અને ભરપૂર ખોરાક હશે

બધા લોકો તંદુરસ્ત હશે. બીમારી નહિ હોય. ઘડપણ નહિ હોય. અરે મરણ પણ નહિ હોય. (યશાયા ૩૫:૫, ૬) આદમ અને હવાના સમયમાં એદન બાગ સુંદર મજાનો હતો. ધરતી ફરીથી એ બાગ જેવી સુંદર બની જશે. શુદ્ધ હવા-પાણી હશે. એવી દુનિયામાં પુષ્કળ અનાજ પાકશે ને બધા પાસે ભરપૂર ખોરાક હશે. કોઈને ભૂખ્યા પેટે સૂવું નહિ પડે. (ઉત્પત્તિ ૨:૯) પહેલાંના સમયમાં ઈશ્વરભક્તો ખાધે-પીધે સુખી હતા. તેઓને કશાની ખોટ ન હતી. પૃથ્વી પર ઈશ્વરનું રાજ આવશે ત્યારે પણ લોકો ‘ધરાઈને ખાશે’ ને કશાની ખોટ નહિ હોય. —લેવીય ૨૬:૪, ૫.

બધે શાંતિ હશે અને કોઈનો ડર નહિ હોય

ઈશ્વરના રાજ્યમાં ધરતી પર સુખ-શાંતિ હશે. લોકોને એકબીજા માટે પ્રેમ હશે, લોકો પોતાના અધિકારનો ખોટો ઉપયોગ નહિ કરે. યુદ્ધનું નામોનિશાન નહિ હોય. ઈશ્વર બધાની જરૂરિયાતો પૂરી પાડશે. તેમણે વચન આપ્યું છે, ‘તેમના લોકો પોતાના દ્રાક્ષાવેલા નીચે અને પોતાની અંજીરી નીચે બેસશે, તેઓને કોઈ ડરાવશે નહિ.’—મીખાહ ૪:૩, ૪.

દરેકની પાસે પોતાનું ઘર અને મનગમતું કામ હશે

દરેકનું પોતાનું ઘર હશે. એને કોઈ છીનવી નહિ લે. બધાને પોતાની મહેનતનું ફળ મળશે. ઈશ્વરે વચન આપ્યું છે કે નવી દુનિયામાં તેઓની મહેનત ‘નકામી જશે નહિ.’ —યશાયા ૬૫:૨૧-૨૩.

સૌથી સારું શિક્ષણ મળશે

સૃષ્ટિ યહોવાના હાથની કરામત છે. તેમની પાસે અપાર જ્ઞાન છે. નવી દુનિયામાં આપણે એ કરામતો વિશે તેમની પાસેથી ઘણું બધું શીખીશું. પવિત્ર બાઇબલમાં લખ્યું છે, “ધરતી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયા ૧૧:૯) લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ યુદ્ધના હથિયારો બનાવવા કે બીજાને નુકસાન પહોંચાડવા નહિ કરે. (યશાયા ૨:૪) લોકો હળી-મળીને રહેશે ને સુંદર પૃથ્વીની સંભાળ રાખશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

મરણ રહેશે નહિ

ઈશ્વરે પૃથ્વીને એ રીતે બનાવી છે કે એમાં મનુષ્ય હંમેશ માટે જીવે ને જીવનનો આનંદ માણે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯; યશાયા ૪૫:૧૮) ઈશ્વરે વચન આપ્યું છે કે તે જલદી જ “કાયમ માટે મરણને મિટાવી દેશે.” (યશાયા ૨૫:૮) એ સમયે “શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!” (પ્રકટીકરણ ૨૧:૪) દુષ્ટ દુનિયાના અંતમાંથી બચી ગયેલા લોકોને મરણ વગરનું જીવન મળશે. ગુજરી ગયેલા લોકોને ઈશ્વર જીવતા કરશે. તેઓને પણ એવું જીવન જીવવાની તક મળશે.—યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.

આવી સુંદર મજાની દુનિયામાં રહેવાનું કોને ન ગમે? બધાને ગમે ખરું ને! એવું જલદી જ બનશે. આજે લાખો લોકો યહોવા ઈશ્વર અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત વિશે શીખી રહ્યા છે, જેથી આ સુંદર દુનિયામાં તેઓ રહી શકે. —યોહાન ૧૭:૩.

તમે પણ આ દુષ્ટ દુનિયામાંથી બચવા માગતા હશો. દુઃખ, બીમારી અને મરણ વગરની જિંદગી જીવવા માંગતા હશો. યહોવાના સાક્ષીઓ સાથે દુઃખ જશે, સુખ આવશે ચોપડીમાંથી મફત અભ્યાસ કરો.