સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના રાજમાં બધે જ સુખ-શાંતિ અને એકતા હતી

ઈશ્વરના રાજની આપણને કેમ જરૂર છે?

ઈશ્વરના રાજની આપણને કેમ જરૂર છે?

વિશ્વના સર્જનહારે પ્રથમ પુરુષ અને સ્ત્રી, આદમ અને હવાને બનાવ્યા. એ સર્જનહારનું નામ યહોવા છે. એ સમયે તે જ આખી સૃષ્ટિ પર રાજ કરતા હતા. યહોવા ઈશ્વર મનુષ્યો પર પ્રેમથી રાજ કરતા હતા. તેમણે પૃથ્વી પર એદન નામનો સુંદર બાગ મનુષ્યોને માટે બનાવ્યો હતો. એ તેઓનું ઘર બન્યું. ત્યાં તેઓને ખાવા-પીવાની કોઈ ખોટ ન હતી. મજાનું કામ પણ આપ્યું હતું. (ઉત્પત્તિ ૧:૨૮, ૨૯; ૨:૮, ૧૫) જો તેઓએ ઈશ્વરનું કહ્યું માન્યું હોત, તો આજે બધા મનુષ્યો સુખ-શાંતિથી રહેતા હોત.

પ્રથમ સ્ત્રી-પુરુષે ઈશ્વરને રાજા તરીકે પસંદ ન કર્યા

બાઇબલ જણાવે છે કે એક સ્વર્ગદૂત ઈશ્વરની સામે થયો અને તે શેતાન કહેવાયો. તેણે કહ્યું કે, ઈશ્વરને મનુષ્યો પર રાજ કરવાનો કોઈ હક નથી, ઈશ્વર વગર માણસ વધારે સુખી રહેશે. દુઃખની વાત છે કે આપણાં પ્રથમ માબાપ આદમ અને હવાએ પણ શેતાન જેવું જ કર્યું. તેઓએ ઈશ્વરનો સાથ છોડી દીધો અને તેમના રાજ નીચે રહેવાનું પસંદ કર્યું નહિ.—ઉત્પત્તિ ૩:૧-૬; પ્રકટીકરણ ૧૨:૯.

આદમ અને હવાએ ઈશ્વરના રાજમાં રહેવાનું પસંદ ન કર્યું. એટલે, તેઓએ પોતાનું સુંદર બાગ જેવું ઘર ગુમાવવું પડ્યું. તેઓને હંમેશ માટે જીવવાની તક હતી. અરે, તેઓએ એ પણ ગુમાવવી પડી. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯) તેઓના નિર્ણયનું ખરાબ પરિણામ આવ્યું. એ તેઓનાં બાળકોએ પણ ભોગવવું પડ્યું. બાઇબલ જણાવે છે આદમને લીધે ‘દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ ફેલાયું.’ (રોમનો ૫:૧૨) આદમના પાપને લીધે બીજું પણ એક ખરાબ પરિણામ આવ્યું: ‘માણસ બીજા માણસ ઉપર સત્તા’ ચલાવીને નુકસાન પહોંચાડવા લાગ્યો. (સભાશિક્ષક ૮:૯) એક માણસ બીજા માણસ પર રાજ કરે તો પરિણામ હંમેશા ખરાબ જ આવે.

માણસોના રાજની શરૂઆત

નિમ્રોદે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો

બાઇબલ જણાવે છે કે નિમ્રોદ નામનો એક માણસ હતો. દુનિયામાં સૌથી પહેલા તેણે રાજ કરવાની શરૂઆત કરી. તેણે યહોવા વિરુદ્ધ બળવો કર્યો. એ સમયથી આજ સુધી, દરેક શક્તિશાળી માણસે પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કર્યો છે. આશરે ૩,૦૦૦ વર્ષ પહેલાં, સુલેમાન રાજાએ લખ્યું હતું: ‘જેઓ જુલમ સહેતા હતા તેઓ આંસુ પડતાં હતાં, અને તેઓને દિલાસો દેનાર કોઈ નહોતું; તેઓના પર જુલમ કરનારાઓના હાથમાં સત્તા હતી.’—સભાશિક્ષક ૪:૧.

આજે પણ દુનિયાની હાલત કંઈક એવી જ છે. ૨૦૦૯માં સંયુક્ત રાષ્ટ્રસંઘના એક સાહિત્યમાં આવું જણાવ્યું હતું: “દિવસે ને દિવસે એ સાફ જોવા મળી રહ્યું છે કે દુનિયાની મોટા ભાગની મુશ્કેલીઓનું કારણ ખરાબ સરકારો જ છે.”

પગલાં ભરવાનો સમય આવી ગયો છે!

દુનિયાને એક સારા શાસકની, એક સારી સરકારની જરૂર છે. આપણા સર્જનહાર યહોવાએ એ લાવવાનું વચન આપ્યું છે!

દુનિયાની સૌથી સારી સરકારો પણ લોકોની તકલીફો દૂર કરી શકી નથી

ઈશ્વરે એક રાજ્યની ગોઠવણ કરી છે. એ રાજ્ય માણસોની બધી સરકારોને હંમેશ માટે કાઢી નાખશે. પછી ઈશ્વરનું રાજ્ય “સર્વકાળ ટકશે.” (દાનિયેલ ૨:૪૪) એ જ રાજ્ય માટે લાખો-કરોડો લોકો પ્રાર્થના કરતા આવ્યા છે. (માથ્થી ૬:૯, ૧૦) પણ એ રાજ્યમાં ઈશ્વર પોતે રાજ નહિ કરે. તેમણે એક એવા રાજા પસંદ કર્યા છે, જે પૃથ્વી પર માણસ તરીકે જીવ્યા હતા. ઈશ્વરે પસંદ કરેલા રાજા કોણ છે?