સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણું ભાવિ કેવું છે?

આપણું ભાવિ કેવું છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મનુષ્યોનું ભાવિ કેવું હશે? બાઇબલ જણાવે છે કે થોડા જ સમયમાં મોટા મોટા બનાવો બનશે, જે પૃથ્વી પરના બધા લોકોને અસર કરશે.

ઈસુએ સમજાવ્યું કે અમુક બાબતોને થતી જુઓ ત્યારે, “જાણજો કે ઈશ્વરનું રાજ્ય નજીક છે.” (લુક ૨૧:૩૧) કઈ બાબતો? તેમણે કહ્યું કે મોટી મોટી લડાઈઓ અને મોટાં મોટાં ધરતીકંપો થશે, દુકાળો પડશે તેમ જ ચેપી રોગો ફેલાશે. શું આજે આપણા સમયમાં એ બધું નથી થઈ રહ્યું?—લુક ૨૧:૧૦-૧૭.

બાઇબલ આગળ જણાવે છે કે માનવ સરકારોના “છેલ્લા દિવસો”માં લોકો કેવા હશે. તેઓનું વર્તન એકદમ ખરાબ થઈ જશે. એ વિશે તમે બાઇબલમાં બીજો તિમોથી ૩:૧-૫ વાંચી શકો. માનવ સમાજનું વલણ અને વર્તન એ દુર્ગુણોથી આજે ખદબદે છે. તમે એ કલમો વાંચો તેમ, જોવા મળશે કે બાઇબલની એ ભવિષ્યવાણી આપણા સમયમાં એકદમ સાચી પડી રહી છે.

આ બધા બનાવો શાની તરફ ઇશારો કરે છે? એ જ કે ઈશ્વરનું રાજ્ય નજીક છે. એ રાજ્ય મોટા મોટા ફેરફારો કરશે. આખી પૃથ્વી અને એમાં વસનારાઓ માટે બધું સારું ને સારું જ થશે. (લુક ૨૧:૩૬) બાઇબલમાં ઈશ્વરે વચન આપ્યું છે કે એ સમયે તે પૃથ્વી અને મનુષ્યો પર કેવા આશીર્વાદો વરસાવશે. ચાલો એમાંના અમુક પર નજર કરીએ.

સારું શાસન

“તેને [ઈસુને] સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં, કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય; તેની સત્તા સનાતન તથા અચળ છે, ને તેનું રાજ્ય અવિનાશી છે.”​દાનીયેલ ૭:૧૪.

એનો શો અર્થ થાય? ઈશ્વર આખી ધરતી પર પોતાનું રાજ લાવશે. એ માટે તેમણે પોતાના દીકરાને રાજા તરીકે નીમ્યા છે. તેમના રાજમાં તમે જીવનની ભરપૂર મજા માણી શકશો.

બધા તંદુરસ્ત હશે

“હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”​યશાયા ૩૩:૨૪.

એનો શો અર્થ થાય? એ સમયે તમે કદીયે બીમાર નહિ પડો. કોઈ જાતની નબળાઈ કે અપંગતા નહિ હોય. અરે, તમે કદી નહિ મરો, કાયમ જીવશો!

બધે શાંતિ-સલામતી હશે

“તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.”​ગીતશાસ્ત્ર ૪૬:૯.

એનો શો અર્થ થાય? એ સમયે યુદ્ધનો રણકાર કાનમાં નહિ ગુંજે, મનમાં કોઈ દહેશત નહિ હોય. હુલ્લડ કે કોમવાદથી થનાર જાનહાનિ અને પીડાનો ખોફ કદી નહિ સતાવે.

ધરતી પર બધે સારા લોકો હશે

‘દુષ્ટો હતા ન હતા થશે. નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે.’​ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

એનો શો અર્થ થાય? દુષ્ટ અને ખરાબ લોકો નહિ હોય. ફક્ત એવા જ લોકો હશે, જેઓ ખુશી ખુશી ઈશ્વરના કહ્યા પ્રમાણે જીવશે.

ધરતીની રોનક બદલાઈ જશે, એ સુંદર બની જશે

“તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.”​યશાયા ૬૫:૨૧, ૨૨.

એનો શો અર્થ થાય? પૃથ્વી પર બધે સુંદર માહોલ હશે. એ બાગ જેવી સુંદર દેખાશે. આમ, ઈશ્વર આપણી આ પ્રાર્થનાનો જવાબ આપશે: “પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.”​—માથ્થી ૬:૧૦.