સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણો ઇતિહાસ

‘બ્રિટનના રાજ્ય પ્રચારકો—જાગો!!’

‘બ્રિટનના રાજ્ય પ્રચારકો—જાગો!!’

એ એક મહત્ત્વની હાકલ હતી: ‘બ્રિટનના રાજ્ય પ્રચારકો —જાગો!!’ (ઇન્ફોર્મન્ટ, * ડિસેમ્બર ૧૯૩૭, લંડન આવૃત્તિ) પછી એક ગંભીર વિષય જણાવ્યો હતો: ‘પાછલા દસ વર્ષમાં કંઈ ખાસ પ્રગતિ થઈ નથી.’ પ્રથમ પાને ૧૯૨૮થી ૧૯૩૭ સુધીના દસ વર્ષનો સેવા અહેવાલ આપ્યો હતો, જે એ વાતને સાબિત કરતો હતો.

પાયોનિયરોની વધતી સંખ્યા—એક સમસ્યા!

બ્રિટનમાં શાના કારણે પ્રચારમાં લોકોનો જોશ ઠંડો હતો? ત્યાંના મંડળો અગાઉથી જે ‘ચીલો’ પડ્યો હતો એમાં જ ચાલી રહ્યા હતા. તેઓએ વધારે ધગશથી કામ કરવાની જરૂર હતી. વધુમાં શાખા કચેરીએ નક્કી કરી દીધું હતું કે, ત્યાંનો પ્રચાર વિસ્તાર લગભગ ૨૦૦ પાયોનિયરને થઈ રહે એટલો જ છે. એ પાયોનિયરો મંડળની સાથે કામ કરવાને બદલે દૂરનાં વિસ્તારોમાં એકલા-એકલા પ્રચાર કરતા હતા. તેથી, શાખા કચેરીએ પાયોનિયર બનવા માંગતા પ્રચારકોને અરજ કરી કે, બ્રિટનમાં હવે બહુ પ્રચાર વિસ્તાર નથી, એટલે તમે યુરોપના દેશોમાં જઈને પ્રચાર કરો. ખુશીની વાત છે કે ઘણા પાયોનિયરો બ્રિટન છોડીને ફ્રાંસ જેવા દેશોમાં પ્રચાર માટે ગયા. તેઓને ત્યાંની ભાષા પણ ખાસ કંઈ આવડતી ન હતી, છતાં તેઓએ સારો ઉત્સાહ બતાવ્યો.

ધગશથી કામ કરવા ‘એક હાકલ’

૧૯૩૭ ઇન્ફોર્મન્ટના એ લેખમાં વર્ષ ૧૯૩૮ માટે એક પડકારજનક ધ્યેય બાંધવામાં આવ્યો: પ્રચારકાર્યમાં ૧૦ લાખ કલાક! જો દરેક પ્રચારક મહિનાના ૧૫ કલાક અને બધા પાયોનિયરો ૧૧૦ કલાક વિતાવે તો એ ધ્યેય સહેલાઈથી હાંસલ થઈ શકે એમ હતો. એ માટે પ્રચાર સેવાના ગ્રૂપની ગોઠવણ કરવા સૂચનો આપવામાં આવ્યા, જેથી અમુક દિવસોએ એક સાથે પાંચ કલાક પ્રચાર કરી શકાય. તેમ જ, ફરી મુલાકાતો કરવા ઉત્તેજન આપવામાં આવ્યું, ખાસ કરીને મંગળવારથી ગુરુવારની સાંજે.

જોશીલા પાયોનિયરોએ પૂરા ઉત્સાહથી પ્રચારકામ કર્યું

પ્રચારકાર્ય પર ભાર મૂકવામાં આવ્યો એનાથી ઘણા લોકોનું દિલ ખુશીથી ઝૂમી ઊઠ્યું. હીલ્ડા પાજેટ * નામના બહેન યાદ કરતા કહે છે: ‘આ એક એવી હાકલ હતી જેની અમે લાંબા સમયથી રાહ જોતા હતા. મુખ્યમથક લોકોને પ્રચારકામ માટે પ્રેરી રહ્યું હતું અને એના ખૂબ સારાં પરિણામો આવ્યાં.’ બીજા એક બહેન ઈ. ઍફ. વોલિસે જણાવ્યું: ‘દિવસમાં પાંચ કલાક પ્રચાર કરવાનું સૂચન જોરદાર હતું! આખો દિવસ પ્રભુની સેવામાં વિતાવવો એ કરતાં વધુ ખુશી બીજી શામાંથી મળી શકે? અમુક વાર અમે થાકી જતા, ત્યારે પણ શું ખુશ હતા? હા, ખૂબ ખુશ હતા.’ સ્ટીવન મિલર નામના એક યુવાન ભાઈએ પારખી લીધું કે એ તાકીદનો સમય હતો અને તે પ્રચારકામમાં જોડાયા. તે પોતાના સારા સંજોગોનો પૂરો ફાયદો ઉઠાવવા માંગતા હતા. સમૂહ તરીકે સાયકલ પર જઈને આખો દિવસ પ્રચારકામમાં વિતાવવો અને ઉનાળાની અમુક સાંજે રેકોર્ડ કરેલું પ્રવચન વગાડવું તેમને યાદ હતું. તે બીજાં ભાઈ-બહેનો સાથે સંદેશો લખેલા પોસ્ટર દ્વારા ખુશખબર ફેલાવતા અને રસ્તે આવતા-જતા લોકોને મૅગેઝિન આપતા.

ઇન્ફોર્મન્ટમાં એક નવી હાકલ કરવામાં આવી: ‘૧,૦૦૦ પાયોનિયરની જરૂર છે.’ પ્રચાર વિસ્તારની નવી ગોઠવણ હેઠળ હવે પાયોનિયરોએ મંડળથી અલગ નહિ, પણ મંડળની સાથે રહીને કામ કરવાનું હતું. આમ, તેઓ મંડળને ટેકો આપી શકતા અને મજબૂત કરી શકતા. બહેન જોયસ એલિસ યાદ કરતા કહે છે: ‘હવે અનેક ભાઈઓ સજાગ બન્યા હતા કે તેઓએ પાયોનિયર બનવાની જરૂર છે. હું તે સમયે ફક્ત ૧૩ વર્ષની હતી, છતાં મારે એ કામમાં જોડાવવું હતું. હા, મારે પાયોનિયર બનવું હતું.’ જુલાઈ ૧૯૪૦માં ૧૫ વર્ષની ઉંમરે બહેને પોતાનો એ ધ્યેય હાંસલ કર્યો. ભાઈ પીટરે પણ ‘જાગો’નો પોકાર સાંભળ્યો અને તરત જ પાયોનિયરીંગ કરવાનું વિચારવા લાગ્યા. તેમને સ્કારબરામાં સોંપણી મળી. જૂન ૧૯૪૦માં ૧૭ વર્ષની વયે પીટર ૧૦૫ કિ.મી. સાયકલ ચલાવીને પોતાની નવી સોંપણીમાં ગયા. સમય જતાં, પીટરે જોયસ જોડે લગ્ન કર્યું.

નવા પાયોનિયરોમાં ત્યાગની ભાવના હતી. એવું જ એક પાયોનિયર યુગલ હતું, સિરીલ અને કિટી જોનસન. તેઓએ પોતાનું ઘર અને બીજો માલસામાન વેચવાનો નિર્ણય લીધો, જેથી પૂરા સમયની સેવાનો ખર્ચ ઉપાડી શકે. સિરીલે પોતાની નોકરી છોડી અને લગભગ એક જ મહિનામાં તેઓ પાયોનિયરીંગ કરવા તૈયાર હતા. તે યાદ કરતા કહે છે: ‘અમને અમારા નિર્ણય પર પૂરો ભરોસો હતો. અમે બધું જ દિલથી અને રાજીખુશીથી કર્યું.’

પાયોનિયરો માટે ઘરની વ્યવસ્થા

પાયોનિયરોની સંખ્યા રાતોરાત વધી ગઈ. એટલે, જવાબદાર ભાઈઓએ તેઓને મદદ કરવા વ્યવહારુ પગલાં ભર્યાં. વર્ષ ૧૯૩૮માં જીમ કેર નામના ભાઈ ઝોન સર્વન્ટ (હવે સરકીટ નિરીક્ષક તરીકે ઓળખાય છે) તરીકે સેવા આપતા હતા. સંગઠને આપેલા માર્ગદર્શન મુજબ તેમણે અમુક શહેરોમાં પાયોનિયરો માટે ઘરની વ્યવસ્થા કરી. અમુક પાયોનિયરોને ત્યાં રહેવાનું અને સાથે મળીને કામ કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. આમ, ખર્ચમાં કાપ મૂકી શક્યા. શેફીલ્ડ શહેરમાં તેઓએ ભાડેથી એક મોટું ઘર લીધું. એક જવાબદાર ભાઈ એની દેખરેખ રાખતા હતા. સ્થાનિક મંડળે પૈસે-ટકે મદદ કરી અને જરૂરી ફર્નિચર પૂરું પાડ્યું. જીમે જણાવ્યું: ‘એ આયોજનને સફળ બનાવવા દરેકે તનતોડ મહેનત કરી.’ દસ મહેનતુ પાયોનિયરો ત્યાં રહેતા હતા; તેઓએ ભક્તિમાં સારો નિત્યક્રમ જાળવી રાખ્યો. ભાઈએ આગળ કહ્યું: ‘દર સવારે નાસ્તો કરતી વખતે દૈનિક વચન વાંચવામાં આવતું. પછી પાયોનિયરો દરરોજ શહેરના અલગ અલગ ભાગમાં આવેલા પોતાના પ્રચાર વિસ્તારમાં જતા.’

નવા પાયોનિયરોનો અવિરત પ્રવાહ બ્રિટનમાં વહેતો રહ્યો

વર્ષ ૧૯૩૮ માટે અપાયેલી હાકલને પ્રકાશકો અને પાયોનિયરોએ સારો પ્રતિસાદ આપ્યો. તેઓએ દસ લાખ કલાકનો ધ્યેય પૂરો કર્યો! અહેવાલ બતાવે છે કે પ્રચારના દરેક પાસામાં સારો વધારો થયો હતો. પાંચ વર્ષના સમયગાળામાં બ્રિટનમાં પ્રકાશકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો. સેવાકાર્ય પર ભાર આપવાને લીધે યહોવાના લોકો વધુ હિંમતવાન થયા. એનાથી આવનાર યુદ્ધના સમયનો સામનો કરવા તેઓને મદદ મળી.

આર્માગેદનના યુદ્ધનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ, આજે ફરી એક વાર બ્રિટનમાં પાયોનિયરોની સંખ્યા વધી રહી છે. છેલ્લા દસ વર્ષોમાં પાયોનિયરોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. ઑક્ટોબર ૨૦૧૫માં પાયોનિયરોની સંખ્યા ૧૩,૨૨૪ હતી, જે પાછલા દસ વર્ષની શિખર છે. એ પાયોનિયરો આ હકીકતથી પૂરી રીતે સજાગ છે કે, પૂરા સમયની સેવા જીવન જીવવાનો એક સૌથી સારો માર્ગ છે.

^ ફકરો. 3 પછીથી આપણી રાજ્ય સેવા તરીકે ઓળખાઈ.

^ ફકરો. 8 ઑક્ટોબર ૧, ૧૯૯૫ ચોકીબુરજ પાન ૧૯-૨૪ ઉપર બહેન પાજેટનો જીવન અનુભવ આપ્યો છે.