સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘જાગતા રહેવું’ શા માટે ખૂબ જરૂરી છે?

‘જાગતા રહેવું’ શા માટે ખૂબ જરૂરી છે?

“તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.”—માથ. ૨૪:૪૨.

ગીતો: ૧૩૬, ૫૪

૧. સમય વિશે અને આપણી આજુબાજુ જે બની રહ્યું છે એ વિશે સાવધ રહેવું શા માટે જરૂરી છે? દાખલો આપીને સમજાવો. (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આ દૃશ્યની કલ્પના કરો. સંમેલન શરૂ થવાની તૈયારીમાં છે. ચૅરમૅન સ્ટેજ પર આવે છે અને બધાનું સ્વાગત કરે છે. થોડી જ વારમાં સંગીત શરૂ થવાનું છે. ત્યાં હાજર લોકો જાણે છે કે, પોતપોતાની જગ્યાએ બેસી જવાનો સમય થઈ ગયો છે. તેઓ સુંદર સંગીત સાંભળવા માંગે છે અને પ્રવચનો સાંભળવા આતુર છે. પરંતુ, ત્યાં અમુક લોકો એવા પણ છે જેઓ ચૅરમૅનને અથવા સંગીતને ધ્યાન આપતા નથી. તેઓને અહેસાસ થતો નથી કે સંમેલન શરૂ થઈ ગયું છે; તેઓ હજી પણ આમતેમ ફરી રહ્યા છે અથવા પોતાના મિત્રો સાથે વાત કરી રહ્યા છે. આ દૃશ્ય બતાવે છે કે, જો આપણે સમય વિશે અથવા આપણી આજુબાજુ જે બની રહ્યું છે એ વિશે સાવધ નહિ રહીએ, તો શું બની શકે. એ આપણા માટે બહુ મહત્ત્વનો બોધપાઠ છે. કારણ કે, બહુ જલદી જ એક મોટો બનાવ બનવાનો છે અને એ માટે આપણે તૈયાર હોઈએ એ બહુ જ જરૂરી છે. એ બનાવ કયો છે?

૨. ઈસુએ તેમના શિષ્યોને શા માટે કહ્યું કે, “જાગતા રહો”?

ઈસુએ તેમના શિષ્યોને સાવધ રહેવા વિશે ચેતવણી આપી અને ‘જગતના અંત’ માટે તૈયાર રહેવા જણાવ્યું. તેમણે શિષ્યોને ઉત્તેજન આપતા કહ્યું: “સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.” પછી, તેમણે ઘણી વાર તેઓને કહ્યું: “જાગતા રહો.” (માથ. ૨૪:૩; માર્ક ૧૩:૩૨-૩૭ વાંચો.) માથ્થીનું પુસ્તક પણ બતાવે છે કે ઈસુએ તેમના શિષ્યોને સાવધ રહેવા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું: “જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.” અને ફરીથી તેઓને ચેતવણી આપતા કહ્યું: ‘તમે તૈયાર રહો; કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.’ પછી, ફરીથી તેમણે કહ્યું: “જાગતા રહો, કેમ કે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી.”—માથ. ૨૪:૪૨-૪૪; ૨૫:૧૩.

૩. આપણે શા માટે ઈસુની ચેતવણીને ધ્યાન આપીએ છીએ?

યહોવાના સાક્ષીઓ ઈસુની ચેતવણીને ધ્યાન આપે છે. આપણે જાણીએ છીએ કે, આપણે “અંતના સમય”માં જીવી રહ્યા છીએ અને બહુ જ જલદી “મોટી વિપત્તિ” શરૂ થશે. (દાની. ૧૨:૪; માથ. ૨૪:૨૧) ઈસુએ ભાખ્યું હતું એ જ પ્રમાણે યહોવાના લોકો આજે આખી દુનિયામાં રાજ્યની ખુશખબર ફેલાવી રહ્યા છે. બીજી તર્ફે, ચારેબાજુ યુદ્ધો, બીમારી, ધરતીકંપ અને ભૂખમરો છે. ધર્મોનું શિક્ષણ ગૂંચવણ ભરેલું છે તેમજ પહેલાં ક્યારેય ન હતાં એટલાં ગુના અને હિંસા છે. (માથ. ૨૪:૭, ૧૧, ૧૨, ૧૪; લુક ૨૧:૧૧) આપણે એ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે ઈસુ પોતાનું રાજ્ય આ પૃથ્વી પર લાવશે અને યહોવાનો હેતુ પૂરો કરશે.—માર્ક ૧૩:૨૬, ૨૭.

એ દિવસ નજીક આવી રહ્યો છે!

૪. (ક) શા માટે કહી શકાય કે, આર્માગેદન ક્યારે આવશે એ વિશે હવે ઈસુ જાણે છે? (ખ) મોટી વિપત્તિ કઈ ઘડીએ શરૂ થશે એ જાણતા ન હોવા છતાં, આપણે શાની ખાતરી રાખી શકીએ?

સંમેલનનું દરેક સત્ર કેટલા વાગ્યે શરૂ થાય છે એ આપણે જાણતા હોઈએ છીએ. જોકે, મોટી વિપત્તિ કઈ ઘડીએ શરૂ થશે એ આપણે જાણતા નથી. ઈસુએ કહ્યું હતું: ‘તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશના દૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.’ (માથ. ૨૪:૩૬) જોકે, આર્માગેદનના યુદ્ધમાં ઈસુ આગેવાની લેવાના છે. તેથી, એમ માનવું વાજબી છે કે એ યુદ્ધ ક્યારે શરૂ થશે એ વિશે હવે તે જાણે છે. (પ્રકટી. ૧૯:૧૧-૧૬) પણ, અંત ક્યારે આવશે એ સમય અને તારીખ આપણે જાણતા નથી. તેથી, જાગતા રહેવું આપણા માટે ઘણું અગત્યનું છે. મોટી વિપત્તિ ક્યારે શરૂ થશે એ યહોવાએ નક્કી કરી દીધું છે. અને એ દિવસ નજીક ને નજીક આવી રહ્યો છે. “તે વિલંબ કરશે નહિ.” (હબાક્કૂક ૨:૧-૩ વાંચો.) આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે, મોટી વિપત્તિ આવવામાં વિલંબ નહિ થાય?

૫. યહોવાની ભવિષ્યવાણીઓ હંમેશાં નિમિત્ત સમયે પૂરી થાય છે, એનો દાખલો આપો.

યહોવાની ભવિષ્યવાણીઓ હંમેશાં નિમિત્ત સમયે પૂરી થઈ છે. દાખલા તરીકે, યહોવાએ પોતાના લોકોને ઇજિપ્તમાંથી છોડાવ્યા એ દિવસનો વિચાર કરો. ઈ.સ. પૂર્વે ૧૫૧૩ની નીસાન ૧૪મીએ એમ થયું. એ દિવસ વિશે મુસાએ પછીથી લખ્યું: “ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં, તે જ દિવસે એમ થયું કે યહોવાનાં સર્વ સૈન્યો મિસર દેશમાંથી નીકળી ગયાં.” (નિર્ગ. ૧૨:૪૦-૪૨) એ “ચારસો ત્રીસ વર્ષ”ની શરૂઆત ઈ.સ. પૂર્વે ૧૯૪૩ની નીસાન ૧૪મીથી થઈ, જ્યારે ઈબ્રાહીમ સાથે કરેલો કરાર અમલમાં આવ્યો. (ગલા. ૩:૧૭, ૧૮) એના થોડા જ સમય પછી યહોવાએ ઈબ્રાહીમને કહ્યું: “તું ખચીત જાણ કે, તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવા કરશે; અને ચારસો વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે.” (ઉત. ૧૫:૧૩; પ્રે.કૃ. ૭:૬) એ “ચારસો વર્ષ”ની શરૂઆત ઈ.સ. પૂર્વે ૧૯૧૩માં થઈ, જ્યારે ઇશ્માએલે ઈસ્હાક સાથે ખરાબ વર્તન કર્યું. અને ઈસ્રાએલીઓ ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં નીસાન ૧૪મીએ ઇજિપ્તમાંથી બહાર નીકળ્યા ત્યારે એ સમયગાળો પૂરો થયો. (ઉત. ૨૧:૮-૧૦; ગલા. ૪:૨૨-૨૯) આમ, યહોવાએ પોતાના લોકોને છોડાવવાનો ચોક્કસ દિવસ સદીઓ અગાઉથી નક્કી કરી દીધો હતો.

૬. આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે યહોવા પોતાના લોકોને બચાવશે?

ઇજિપ્તની ગુલામીમાંથી મુક્ત થયેલા ઈસ્રાએલીઓમાં યહોશુઆ પણ હતા. ઘણાં વર્ષો પછી તેમણે લોકોને યાદ અપાવ્યું: “તમારાં અંતઃકરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો, કે જે સારાં વચનો તમારા ઈશ્વર યહોવાએ તમારા વિશે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.” (યહો. ૨૩:૨, ૧૪) યહોવાએ પોતાના લોકોને મોટી વિપત્તિમાંથી છોડાવવાનું અને નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન આપવાનું વચન આપ્યું છે. આપણે ખાતરી રાખી શકીએ કે એ વચન ચોક્કસ પૂરું થશે. તેથી, જો આપણે નવી દુનિયામાં જવા માંગતા હોઈએ, તો આપણા માટે જાગતા રહેવું બહુ જરૂરી છે.

પોતાના બચાવ માટે જાગતા રહો

૭, ૮. (ક) પ્રાચીન સમયના ચોકીદારોની શી ભૂમિકા હતી અને એમાંથી આપણને શું શીખવા મળે છે? (ખ) ચોકીદાર ઊંઘી જાય તો શું થઈ શકે, એનો દાખલો આપો.

પ્રાચીન સમયના ચોકીદારો પાસેથી આપણે એક મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ છીએ. યરૂશાલેમ જેવા ઘણાં શહેરો ફરતે ઊંચી દીવાલો હતી, જેથી દુશ્મનો એમાં પ્રવેશી ન શકે. ચોકીદારો એ દીવાલોની ઉપર ઊભા રહેતા, જેથી શહેરની બહારના વિસ્તાર પર નજર રાખી શકતા. બીજા ચોકીદારો શહેરના દરવાજા પાસે ઊભા રહેતા. ચોકીદારોએ રાત-દિવસ શહેરની ચોકી કરવાની હતી અને જો કોઈ દુશ્મન આવતો દેખાય, તો શહેરના લોકોને ચેતવણી આપવાની હતી. (યશા. ૬૨:૬) તેઓ સારી રીતે જાણતા કે, જાગતા રહેવું અને આસપાસ જે ચાલી રહ્યું છે એના પર નજર રાખવી કેટલું મહત્ત્વનું છે. જો તેઓ એવું ન કરે, તો ઘણા લોકોએ કદાચ પોતાનું જીવન ગુમાવવું પડે.—હઝકી. ૩૩:૬.

યહુદી ઇતિહાસકાર જોસેફસે જણાવ્યું હતું કે કઈ રીતે રોમનો ઈ.સ. ૭૦માં યરૂશાલેમમાં પ્રવેશ કરી શક્યા. શહેરના અમુક ભાગની ચોકી કરતા ચોકીદારો ઊંઘી ગયા હતા. પરિણામે, રોમન સૈનિકો શહેરમાં પ્રવેશી શક્યા. તેઓ મંદિરમાં ઘૂસી ગયા અને એને આગ ચાંપી દીધી અને પછી આખા યરૂશાલેમનો વિનાશ કર્યો. યહુદી રાષ્ટ્રના ઇતિહાસમાં આવેલી સૌથી મોટી વિપત્તિનો એ છેલ્લો ભાગ હતો!

૯. મોટા ભાગના લોકો આજે કઈ હકીકતથી અજાણ છે?

આજની મોટા ભાગની સરકારો પોતાના દેશની સુરક્ષા માટે સરહદો પર સૈનિકો તૈનાત કરી દે છે. તેઓ સુરક્ષા માટે સૌથી આધુનિક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરે છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ દેશની સલામતીને જોખમમાં ન મૂકે એ માટે સૈનિકો સતર્ક રહે છે. પરંતુ, તેઓને બિલકુલ ખ્યાલ નથી કે, સ્વર્ગમાં ઈસુની એક સરકાર છે, જે માનવીય સરકારો કરતાં ઘણી શક્તિશાળી છે. ઈસુની એ સરકાર જલદી જ પૃથ્વીની બધી જ સરકારો વિરુદ્ધ યુદ્ધ કરશે. (યશા. ૯:૬, ૭; ૫૬:૧૦; દાની. ૨:૪૪) આપણે બધા આતુરતાથી એ દિવસની રાહ જોઈએ છીએ અને એના માટે તૈયાર રહેવા માંગીએ છીએ. એટલે જ, આપણે બાઇબલની ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપીએ છીએ અને વફાદારીથી યહોવાની ભક્તિ કરીએ છીએ.—ગીત. ૧૩૦:૬.

તમારું ધ્યાન ફંટાવા ન દો

૧૦, ૧૧. (ક) આપણે કઈ બાબતની કાળજી રાખવાની છે અને શા માટે? (ખ) શા માટે કહી શકાય કે, બાઇબલ ભવિષ્યવાણી પર લોકો ધ્યાન નથી આપતા એની પાછળ શેતાનનો હાથ છે?

૧૦ કલ્પના કરો કે, એક ચોકીદાર આખી રાત જાગે છે. છેલ્લા અમુક કલાકોમાં જાગતા રહેવું તેના માટે ઘણું અઘરું હોય છે. કારણ કે, તે ઘણો થાકી ગયો હોય છે. એવી જ રીતે, આપણે આ દુનિયાના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. આપણે જેમ જેમ અંતની નજીક જઈશું, તેમ તેમ જાગતા રહેવું આપણા માટે અઘરું થઈ પડશે. જો આપણે જાગતા નહિ રહીએ, તો એ કેટલી દુઃખની વાત કહેવાશે! ચાલો, એવી ત્રણ બાબતો પર વિચાર કરીએ, જે જાગતા રહેવામાં નડતર બની શકે છે.

૧૧ શેતાન લોકોને છેતરે છે. તે “આ જગતનો અધિકારી” છે. ઈસુએ પોતાના મરણના થોડા સમય પહેલાં એ વાત ત્રણ વખત પોતાના શિષ્યોને યાદ અપાવી હતી. (યોહા. ૧૨:૩૧; ૧૪:૩૦; ૧૬:૧૧) શેતાને લોકોને છેતરવા જૂઠા ધર્મનો ઉપયોગ કર્યો છે. તેથી, આજે મોટા ભાગના લોકો બાઇબલની એ ભવિષ્યવાણીની અવગણના કરે છે, જે સાફ બતાવે છે કે દુનિયાનો અંત નજીક છે. (સફા. ૧:૧૪) શેતાને “અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે.” (૨ કોરીં. ૪:૩-૬) એના પરિણામે, જ્યારે આપણે લોકોને કહીએ છીએ કે, આ દુનિયાનો અંત નજીક છે અને ખ્રિસ્ત અત્યારે રાજ કરી રહ્યા છે, ત્યારે મોટા ભાગના લોકો એ સાંભળવા રાજી હોતા નથી. તેઓ કહે છે, “મને આમાં રસ નથી.”

૧૨. આપણે શા માટે શેતાનની વાતોમાં આવી જવું ન જોઈએ?

૧૨ ઘણા લોકો બાઇબલ ભવિષ્યવાણીઓમાં રસ બતાવતા નથી. તેમ છતાં, તેઓના એવા વલણને લીધે આપણે નિરાશ ન થવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જાગતા રહેવું શા માટે જરૂરી છે. પ્રેરિત પાઊલે મંડળનાં ભાઈ-બહેનોને કહ્યું હતું: “તમે પોતે સારીપેઠે જાણો છો કે, જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો [યહોવાનો] દિવસ આવે છે.” (૧ થેસ્સાલોનિકી ૫:૧-૬ વાંચો.) ઈસુએ પણ ચેતવણી આપી હતી: “તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય એવી ઘડીએ માણસનો દીકરો આવશે.” (લુક ૧૨:૩૯, ૪૦) જલદી જ, શેતાન લોકોને છેતરવા તેઓના મનમાં એવો વિચાર મૂકશે કે, દુનિયાભરમાં “શાંતિ તથા સલામતી” છે. પછી, યહોવાનો દિવસ અચાનક તેઓ પર આવી પડશે અને તેઓને મોટો આઘાત લાગશે. આપણા વિશે શું? જો આપણે એ દિવસ માટે તૈયાર રહેવા માંગતા હોઈએ અને બીજાઓની જેમ છેતરાવા ન માંગતા હોઈએ, તો હમણાં ‘જાગતા રહેવું અને સાવધ રહેવું’ ખૂબ જરૂરી છે. એ માટે, આપણે દરરોજ બાઇબલ વાંચવું જોઈએ અને યહોવા જે કહે છે એના પર મનન કરવું જોઈએ.

૧૩. આ દુનિયાનું વલણ માણસજાતને કઈ રીતે અસર કરે છે? આપણે કઈ રીતે એના જોખમથી દૂર રહી શકીએ?

૧૩ આ દુનિયાનું વલણ લોકોના વિચારોને અસર કરે છે. આજે ઘણા લોકોને લાગે છે કે તેઓએ ઈશ્વરને ઓળખવાની જરૂર નથી. (લુક ૧૧:૨૮) એને બદલે, તેઓ પોતાનો મોટા ભાગનો સમય અને શક્તિ આ દુનિયાની ચીજવસ્તુઓ મેળવવા પાછળ ખર્ચે છે. (૧ યોહા. ૨:૧૬) ઉપરાંત, આજે પહેલાં કરતાં વધુ પ્રમાણમાં મનોરંજન પ્રાપ્ય છે, જે લોકોને આકર્ષે છે અને તેઓને “મોજશોખને પ્રેમ” કરવા તરફ લઈ જાય છે. (૨ તીમો. ૩:૪) એ વસ્તુઓને લીધે લોકોનું ધ્યાન વધુ મહત્ત્વની બાબતો પરથી ફંટાઈ જાય છે અને ઈશ્વર સાથેના પોતાના સંબંધની તેઓને કંઈ પડી નથી. એટલે જ, પાઊલે ઈશ્વરભક્તોને યાદ અપાવ્યું કે, તેઓએ પોતાની ઇચ્છાઓ સંતોષવા પર ધ્યાન ન આપીને “ઊંઘમાંથી ઊઠવાની” જરૂર છે.—રોમ. ૧૩:૧૧-૧૪.

૧૪. લુક ૨૧:૩૪, ૩૫માં કઈ ચેતવણી આપવામાં આવી છે?

૧૪ આપણે પવિત્ર શક્તિથી દોરાવા ચાહીએ છીએ, આ દુનિયાના વલણથી નહિ. યહોવાએ પોતાની પવિત્ર શક્તિની મદદથી આપણને એ સમજવા મદદ કરી છે કે, આવનાર સમયમાં શું બનવાનું છે. [1] (૧ કોરીં. ૨:૧૨) પણ, આપણે ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે, સામાન્ય બાબતો પણ યહોવાની સેવામાંથી આપણું ધ્યાન ફંટાવી શકે છે. (લુક ૨૧:૩૪, ૩૫ વાંચો.) આપણે માનીએ છીએ કે, આપણે આ દુનિયાના અંતના સમયમાં જીવી રહ્યા છીએ. એવું માનવાને લીધે અમુક લોકો કદાચ આપણને મૂર્ખ કહે. (૨ પીત. ૩:૩-૭) પણ, એવા લોકોને લીધે આપણે નિરાશ ન થવું જોઈએ. કારણ કે, આપણી પાસે ઠોસ પુરાવા છે કે અંત બહુ નજીક છે. જો આપણે ઈશ્વરની પવિત્ર શક્તિથી દોરાવવા ચાહતા હોઈએ, તો આપણે નિયમિત રીતે મંડળની સભાઓમાં જવું જોઈએ.

‘જાગતા રહેવા’ શું તમે બનતું બધું કરી રહ્યા છો? (ફકરા ૧૧-૧૬ જુઓ)

૧૫. પીતર, યાકૂબ અને યોહાન સાથે શું બન્યું અને આપણી સાથે પણ એવું કઈ રીતે બની શકે?

૧૫ આપણી નબળાઈઓને લીધે સાવધ રહેવું વધુ અઘરું બને છે. ઈસુ જાણતા હતા કે માણસો અપૂર્ણ છે અને તેઓમાં નબળાઈઓ છે. ઈસુના મરણની આગલી રાતે શું બન્યું એનો વિચાર કરો. ઈસુ સંપૂર્ણ હતા, છતાં યહોવાને વફાદાર રહેવા તેમને યહોવાની મદદની જરૂર હતી. એટલે, તેમણે પ્રાર્થનામાં મદદ માંગી. ઈસુએ પ્રેરિત પીતર, યાકૂબ અને યોહાનને જણાવ્યું કે, તે પ્રાર્થના કરે ત્યારે તેઓ જાગતા રહે. પણ, પ્રેરિતોને અહેસાસ ન હતો કે, જાગતા રહેવું તેઓ માટે કેટલું જરૂરી હતું. તેઓ થાકેલા હતા અને ઊંઘમાં સરી ગયા. ઈસુ પણ થાકેલા હતા, છતાં તે જાગતા રહ્યા અને પ્રાર્થનામાં લાગુ રહ્યા. પ્રેરિતોએ પણ એ સમયે પ્રાર્થના કરવાની અને જાગતા રહેવાની જરૂર હતી.—માર્ક ૧૪:૩૨-૪૧.

૧૬. લુક ૨૧:૩૬ પ્રમાણે ‘જાગતા રહેવા’ વિશે ઈસુએ કઈ સલાહ આપી હતી?

૧૬ ‘જાગતા રહેવા’ અને યહોવાના દિવસ માટે તૈયાર રહેવા આપણને ક્યાંથી મદદ મળશે? જે સારું છે એ કરવાની આપણા દિલમાં તીવ્ર ઇચ્છા હોવી જોઈએ. પણ, એટલું જ પૂરતું નથી. પોતાના મરણના થોડા દિવસ પહેલાં ઈસુએ શિષ્યોને સલાહ આપી હતી કે, તેઓએ મદદ માટે યહોવાને પ્રાર્થના કરતા રહેવાની જરૂર છે. (લુક ૨૧:૩૬ વાંચો.) આ અંતના સમયે સાવધ રહેવા આપણે પણ યહોવાને હંમેશાં પ્રાર્થના કરતા રહેવાની જરૂર છે.—૧ પીત. ૪:૭.

જાગતા રહો

૧૭. આપણે કઈ રીતે ખાતરી કરી શકીએ કે, નજીકના ભાવિમાં જે બનનાર છે એ માટે આપણે તૈયાર છીએ?

૧૭ ઈસુએ કહ્યું હતું કે, “જે ઘડીએ તમે ધારતા નથી” તે ઘડીએ અંત આવશે. (માથ. ૨૪:૪૪) તેથી, ભક્તિની બાબતો છોડીને આ દુનિયાની ખુશીઓ મેળવવાનો આ સમય નથી. આ દુનિયા તો બસ ખુલ્લી આંખે સપનાં દેખાડે છે. એ સપનામાં આપણે ખોવાઈ ન જઈએ, માટે આપણે દરેક સમયે તૈયાર રહેવાની જરૂર છે. બાઇબલ દ્વારા યહોવા અને ઈસુએ આપણને કહ્યું છે કે આપણે કઈ રીતે જાગતા રહી શકીએ. તેથી, ચાલો આપણે બાઇબલ ભવિષ્યવાણીઓ અને એ કઈ રીતે પૂરી થશે એના પર ધ્યાન આપતા રહીએ. તેમ જ, યહોવાની નજીક જઈએ અને તેમના રાજ્યને આપણા જીવનમાં પ્રથમ સ્થાન આપીએ. એમ કરીશું તો, અંત આવશે ત્યારે આપણે તૈયાર હોઈશું. (પ્રકટી. ૨૨:૨૦) યાદ રાખીએ, એ આપણા જીવન-મરણનો સવાલ છે!

^ [૧] (ફકરો ૧૪) ગૉડ્સ કિંગ્ડમ રુલ્સ! પુસ્તકનું પ્રકરણ ૨૧ જુઓ.