સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી લગ્નજીવનની ચાવી

સુખી લગ્નજીવનની ચાવી

‘તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે, અને પત્ની પોતાના પતિનું માન રાખે.’—એફે. ૫:૩૩.

ગીતો: ૩૬,

૧. લગ્નની આનંદી શરૂઆત છતાં આપણે શું અપેક્ષા રાખી શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

લગ્નના દિવસે જ્યારે વર પોતાની ખૂબસૂરત કન્યાને જુએ છે, ત્યારે બંનેના ચહેરા પર ખુશીની ચમક સાફ દેખાઈ આવે છે. જ્યારે તેઓ ડેટિંગ કરતા હતા, ત્યારે તેઓ વચ્ચેનો પ્રેમ એટલો પાંગર્યો કે તેઓએ જીવનભર એકબીજાને વફાદાર રહેવાનું વચન આપ્યું. અને છેવટે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્ન પછી તેઓ જીવનની નવી શરૂઆત કરશે તેમ, બંનેએ એકતામાં રહેવા ફેરફારો કરવા પડશે. લગ્નની ગોઠવણ કરનાર યહોવા ઈશ્વર ચાહે છે કે, દરેક યુગલ સફળ અને સુખી લગ્નજીવનનો આનંદ માણે. (નીતિ. ૧૮:૨૨) એટલે જ, તેમણે પોતાના શબ્દ બાઇબલમાં સરસ સલાહો આપી છે. જોકે, બાઇબલ જણાવે છે કે, અપૂર્ણ હોવાને લીધે લગ્નસાથીઓને મુશ્કેલીઓ આવશે અથવા તેઓ “શારીરિક દુઃખ” અનુભવશે. (૧ કોરીં. ૭:૨૮) યુગલો કઈ રીતે એ મુશ્કેલીઓને ટાળી શકે? યુગલો કઈ રીતે પોતાનું લગ્નજીવન સુખી બનાવી શકે?

૨. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે કયા અલગ અલગ પ્રકારના પ્રેમ બતાવવા જોઈએ?

બાઇબલ શીખવે છે કે, પ્રેમ મહત્ત્વનો ગુણ છે. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે અલગ અલગ પ્રકારના પ્રેમ બતાવવાની જરૂર છે. દાખલા તરીકે, તેઓએ એકબીજા પ્રત્યે કોમળ પ્રેમ (ગ્રીક, ફિલિયા) તેમજ રોમેન્ટિક પ્રેમ (ઇરોઝ) બતાવવાની જરૂર છે. જો તેઓને બાળકો હોય, તો કુટુંબમાં પ્રેમ (સ્ટોર્ગે) બતાવવો હજીયે વધારે જરૂરી બની જાય છે. પરંતુ, લગ્નને સુખી બનાવવા બાઇબલના સિદ્ધાંતોને આધારે હોય એવા પ્રેમની (અગાપે) સૌથી વધારે જરૂર છે. પ્રેરિત પાઊલે એવા જ પ્રેમ વિશે જણાવતા કહ્યું: ‘તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે, અને પત્ની પોતાના પતિનું માન રાખે.’—એફે. ૫:૩૩.

પતિ-પત્નીની જવાબદારીઓ

૩. લગ્નજીવનમાં પ્રેમ કેટલો મજબૂત હોવો જોઈએ?

પાઊલે લખ્યું હતું: “પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” (એફે. ૫:૨૫) ઈસુને પોતાના શિષ્યો પર ખૂબ જ પ્રેમ હતો. તેમના પગલે ચાલીને આજે યહોવાના બધા ભક્તો એકબીજાને પ્રેમ કરે છે. (યોહાન ૧૩:૩૪, ૩૫; ૧૫:૧૨, ૧૩ વાંચો.) પતિ-પત્ની વચ્ચે પણ એટલો ગાઢ પ્રેમ હોવો જોઈએ કે, તેઓ એકબીજા માટે પોતાનો જીવ આપવા તૈયાર હોય. પરંતુ, લગ્નજીવનમાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે, અમુકને લાગે કે તેઓના પ્રેમમાં ખોટ આવી ગઈ છે. તેઓને શામાંથી મદદ મળી શકે? બાઇબલના સિદ્ધાંતોને આધારે હોય એવો પ્રેમ બતાવવાથી. એવો પ્રેમ “સઘળું ખમે છે, સઘળું ખરું માને છે, સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે.” એ પ્રેમ ‘કદી ખૂટતો નથી.’ (૧ કોરીં. ૧૩:૭, ૮) પતિ-પત્નીએ યાદ રાખવું જોઈએ કે, તેઓએ હંમેશાં એકબીજાને પ્રેમ કરવાનું અને વફાદાર રહેવાનું વચન આપ્યું હતું. એ વચન યાદ રાખવાથી પતિ-પત્નીને મદદ માટે યહોવા પર આધાર રાખવા અને ભેગા મળીને મુશ્કેલીનો ઉકેલ લાવવા ઉત્તેજન મળશે.

૪, ૫. (ક) કુટુંબના શિર તરીકે પતિની કઈ જવાબદારી છે? (ખ) પત્નીએ શિરપણાના નિયમને કઈ રીતે માન આપવું જોઈએ? (ગ) એક યુગલને કયા ફેરફારો કરવાની જરૂર પડી?

પાઊલે પતિ-પત્નીની જવાબદારી વિશે આમ જણાવ્યું: “પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે.” (એફે. ૫:૨૨, ૨૩) એ કલમોનો અર્થ એમ નથી થતો કે પતિ પોતાની પત્ની કરતાં ચડિયાતો છે. પત્નીની મહત્ત્વની ભૂમિકા વિશે યહોવાએ કહ્યું હતું: “માણસ એકલો રહે તે સારું નથી; હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ.” (ઉત. ૨:૧૮) પત્નીએ પોતાના પતિને કુટુંબના સારા શિર બનવા મદદ કરવી જોઈએ. અને પતિએ ઈસુના પ્રેમાળ દાખલાને અનુસરવાની જરૂર છે, જે “મંડળીનું શિર” છે. પતિ પ્રેમાળ શિર બને છે ત્યારે, પત્ની પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. તેમ જ, પત્ની માટે પતિને આધીન રહેવું અને તેને ટેકો આપવો સહેલું બને છે.

બહેન કેથીના [1] લગ્ન ફ્રેડ સાથે થયા છે. કેથી જણાવે છે: ‘કુંવારી હતી ત્યારે, હું જાતે બધા નિર્ણયો લેતી અને પોતાની સંભાળ રાખતી. જોકે, લગ્ન પછી મારે પતિને આધીન રહેવાનું શીખવાનું હતું, જે માટે મારે ઘણા ફેરફારો કરવા પડ્યા. એમ કરવું મારા માટે હંમેશાં સહેલું નથી. પણ, યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરવાથી અમારો સંબંધ દિવસે ને દિવસે મજબૂત થતો જાય છે.’ ફ્રેડ જણાવે છે: ‘નિર્ણયો લેવા મારા માટે હંમેશાં અઘરું હતું. અને લગ્ન પછી તો અમારા બંનેનો વિચાર કરીને નિર્ણય લેવાના હતા. તેથી, નિર્ણયો લેવા વધારે અઘરું બની ગયું. પરંતુ, પ્રાર્થનામાં યહોવાનું માર્ગદર્શન માંગવાથી અને મારી પત્નીના વિચારો ધ્યાન દઈને સાંભળવાથી હવે નિર્ણયો લેવા મારા માટે સહેલું બનતું જાય છે. મને લાગે છે કે, સાથે મળીને અમે બધું પાર પાડી શકીએ છીએ.’

૬. મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે, પ્રેમ કઈ રીતે એકતાનું ‘સંપૂર્ણ બંધન’ સાબિત થાય છે?

જો પતિ-પત્ની “એકબીજાનું સહન” કરશે અને એકબીજાને દિલથી ‘ક્ષમા કરશે,’ તો તેઓનું લગ્નબંધન વધારે ગાઢ બનશે. અપૂર્ણ હોવાને લીધે બંને સાથીથી ભૂલો થશે. એમ થાય ત્યારે, તેઓ પાસે પોતાની ભૂલોમાંથી શીખવાની, માફી આપવાની અને બાઇબલ સિદ્ધાંતોને આધારે હોય એવો પ્રેમ બતાવવાની તક છે. એ પ્રેમ તો એકતાનું ‘સંપૂર્ણ બંધન’ છે. (કોલો. ૩:૧૩, ૧૪) એવો ‘પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; અપકારને લેખવતો નથી’ એટલે કે અન્યાયની નોંધ રાખતો નથી. (૧ કોરીં. ૧૩:૪, ૫) ગેરસમજ ઊભી થાય ત્યારે, એનો ઉકેલ બને એટલો જલદી લાવવાની જરૂર છે. અરે, સૂરજ આથમે એ પહેલાં એમ કરવાની જરૂર છે. (એફે. ૪:૨૬, ૨૭) ‘સૉરી, મારા લીધે તને દુઃખ થયું,’ એ શબ્દો કહેવા ઘણી હિંમત અને નમ્રતાની જરૂર પડે છે. પણ, યુગલ એમ કરશે તો, મુશ્કેલીઓ થાળે પાડવા અને લગ્નસાથીની વધુ નજીક જવા મદદ મળશે.

કોમળતા ખૂબ જરૂરી

૭, ૮. (ક) લગ્નની ગોઠવણમાં જાતીય સંબંધ વિશે બાઇબલ શું સલાહ આપે છે? (ખ) પતિ-પત્નીએ એકબીજા જોડે શા માટે કોમળતાથી વર્તવું જોઈએ?

લગ્નની ગોઠવણમાં જાતીય સંબંધ વિશે યોગ્ય વલણ કેળવવા બાઇબલ સરસ સલાહ આપે છે. (૧ કોરીંથી ૭:૩-૫ વાંચો.) પતિ અને પત્ની એકબીજાની લાગણી અને જરૂરિયાતો સમજે એ ખૂબ જરૂરી છે. જો પતિ પોતાની પત્ની સાથે કોમળતાથી નહિ વર્તે, તો પત્ની માટે જાતીય સંબંધનો આનંદ માણવો અઘરું બની શકે. એટલે, પતિએ પોતાની પત્ની જોડે “સમજણપૂર્વક” વર્તવું જોઈએ. (૧ પીત. ૩:૭) જાતીય સંબંધો માટે કોઈએ પોતાના લગ્નસાથી પર ક્યારેય બળજબરી ન કરવી જોઈએ, એ લાગણી દિલથી આવવી જોઈએ. જાતીય સંબંધ માટે સ્ત્રીઓ કરતાં પુરુષો સહેલાઈથી પ્રતિક્રિયા આપતા હોય છે. પણ, જરૂરી છે કે એ માટે બંને લગ્નસાથી લાગણીમય રીતે તૈયાર હોય.

પતિ-પત્નીએ એકબીજા માટે કેવો અને કેટલી હદે પ્રેમ બતાવવો એ માટે બાઇબલમાં કોઈ ચોક્કસ નિયમો આપ્યા નથી. એ ખરું છે કે બાઇબલમાં પ્રેમની લાગણી વ્યક્ત કરવા વિશે જણાવ્યું છે. (ગી.ગી. ૧:૨; ૨:૬) પતિ-પત્નીએ પણ એકબીજા પ્રત્યે એવી લાગણી વ્યક્ત કરવી જોઈએ અને ખૂબ કોમળતાથી વર્તવું જોઈએ.

૯. લગ્નસાથી સિવાય બીજી કોઈ વ્યક્તિ જોડે ફ્લર્ટ કરવું શા માટે યોગ્ય નથી?

જો આપણને યહોવા અને પડોશી પ્રત્યે ગાઢ પ્રેમ હશે, તો આપણે કોઈ વસ્તુને કે કોઈ વ્યક્તિને આપણા લગ્નસંબંધને આડે આવવા દઈશું નહિ. દુઃખની વાત છે કે, અમુક લોકો પોર્નોગ્રાફી જોવાની આદતમાં ફસાયા છે. એને લીધે, તેઓનું લગ્નબંધન નબળું પડી ગયું છે અથવા સાવ તૂટી ગયું છે. આપણે એવી કોઈ પણ બાબતથી દૂર રહેવું જોઈએ, જે પોર્નોગ્રાફી જોવા કે બીજા કોઈ અનૈતિક કામ કરવા લલચાવે. આપણે એવું કંઈ ન કરવું જોઈએ, જેનાથી એમ લાગે કે આપણે બીજાઓ જોડે ફ્લર્ટ કે ચેનચાળા કરીએ છીએ. લગ્નસાથી સિવાય બીજી કોઈ વ્યક્તિ જોડે ફ્લર્ટ કરવું લગ્નસાથી જોડે બેવફાઈ છે. આપણે યાદ રાખવું જોઈએ કે, આપણાં કાર્યો અને મનના ઇરાદા ઈશ્વર યહોવા સારી રીતે જાણે છે. એ યાદ રાખવાથી યહોવાને ખુશ કરવાની આપણી ઇચ્છા વધુ પ્રબળ બનશે. તેમ જ, આપણે લગ્નસાથીને વફાદાર રહી શકીશું.—માથ્થી ૫:૨૭, ૨૮; હિબ્રૂ ૪:૧૩.

લગ્નજીવનમાં સમસ્યાઓ ઊભી થાય ત્યારે

૧૦, ૧૧. (ક) આજે છુટાછેડાનું પ્રમાણ કેટલું વધી ગયું છે? (ખ) અલગ થવા વિશે બાઇબલ શું કહે છે? (ગ) ઉતાવળે અલગ થવાનો નિર્ણય ન લેવા પતિ-પત્નીને ક્યાંથી મદદ મળી શકે?

૧૦ ગંભીર સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યારે, અમુક યુગલ અલગ થવા અથવા છુટાછેડા લેવાનો નિર્ણય લે છે. અમુક દેશોમાં અડધાથી પણ વધારે યુગલો છુટાછેડા લે છે. ખરું કે, યહોવાના ભક્તોમાં એવું ચલણ સામાન્ય નથી. જોકે, ઘણા ખ્રિસ્તી યુગલોના લગ્નજીવનમાં આજે ગંભીર સમસ્યાઓ જોવા મળે છે.

૧૧ એવા સંજોગો માટે બાઇબલ આ સલાહ આપે છે: ‘પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ. પણ જો તે જુદી થાય તો તેણે ફરીથી પરણવું નહિ, અથવા તો પોતાના પતિની સાથે મેળાપ કરીને રહેવું અને પતિએ પોતાની પત્નીનો ત્યાગ ન કરવો.’ (૧ કોરીં. ૭:૧૦, ૧૧) અમુક યુગલોને પોતાની સમસ્યાઓ એટલી ગંભીર લાગે છે કે તેઓને અલગ થવા સિવાય બીજો કોઈ રસ્તો સૂઝતો નથી. જોકે, અલગ થવું એ બહુ ગંભીર બાબત છે. આપણે એ શાના પરથી કહી શકીએ? ઈસુના શબ્દો પરથી એ સાફ દેખાઈ આવે છે. લગ્ન વિશે યહોવાએ શરૂઆતમાં જે શબ્દો કહ્યા હતા, ઈસુએ એનું પુનરાવર્તન કર્યું અને પછી કહ્યું: “ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” (માથ. ૧૯:૩-૬; ઉત. ૨:૨૪) યહોવા ચાહે છે કે, પતિ અને પત્ની સાથે રહે. (૧ કોરીં. ૭:૩૯) આપણે બધાએ યાદ રાખવું જોઈએ કે આપણાં કાર્યોનો યહોવાને હિસાબ આપવો પડશે. એ યાદ રાખવાથી આપણને પરિસ્થિતિ વણસી જાય એ પહેલાં સમસ્યાનો ઉકેલ લાવવા મદદ મળશે.

૧૨. કયાં કારણોને લીધે પતિ-પત્ની એકબીજાથી અલગ થવાનો નિર્ણય લેતા હોય છે?

૧૨ અમુક લગ્નજીવનમાં શા માટે ગંભીર સમસ્યાઓ આવે છે? અમુક યુગલોએ સુખી લગ્નજીવન માટે ઘણાં સપનાં સેવ્યાં હતાં. પરંતુ, લગ્ન પછી તેઓ જોઈ શક્યા કે હકીકત તેઓના સપનાની દુનિયાથી સાવ અલગ છે. એના લીધે તેઓ નિરાશા અને અસંતોષ અનુભવે છે. લોકોનો ઉછેર અલગ અલગ રીતે થયો હોય છે. તેઓના વિચારો અને લાગણીઓમાં આભ-જમીનનો ફરક હોય છે. સાસરી પક્ષના લોકો જોડે થતી તકરારો બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. અધૂરામાં પૂરું, પૈસા વાપરવા અને બાળકોના ઉછેરને લઈને પણ મતભેદો હોય છે. જોકે, ખુશીની વાત છે કે, મોટા ભાગના ખ્રિસ્તી યુગલો એવી સમસ્યાઓનો ઉકેલ લાવી શક્યા છે. કારણ કે, માર્ગદર્શન માટે તેઓ યહોવા પર આધાર રાખે છે.

૧૩. અલગ થવાના કયાં કારણો વાજબી છે?

૧૩ અલગ થવા માટે પતિ-પત્ની પાસે કદાચ વાજબી કારણો હશે. અમુક પતિ-પત્નીએ આ કારણોને લીધે અલગ થવાનો નિર્ણય લીધો છે: લગ્નસાથી જાણી જોઈને કુટુંબની સંભાળ ન રાખે ત્યારે; મારપીટ કરે ત્યારે અને યહોવાની ભક્તિ કરતા અટકાવે ત્યારે. ગંભીર સમસ્યાઓ ઊભી થાય ત્યારે, યુગલોએ મદદ માટે વડીલો પાસે જવું જોઈએ. વડીલો પાસે ઘણો અનુભવ છે અને તેઓ યુગલોને બાઇબલની સલાહ લાગુ પાડવા મદદ કરી શકે છે. ઉપરાંત, જ્યારે યુગલ યહોવા પાસે પવિત્ર શક્તિની મદદ માંગે છે, ત્યારે તેઓને બાઇબલની સલાહ લાગુ પાડવા અને ઈશ્વર જેવા ગુણો બતાવવા મદદ મળી શકે છે.—ગલા. ૫:૨૨, ૨૩. [2]

૧૪. જેઓના લગ્નસાથી યહોવાના ભક્ત નથી, તેઓને બાઇબલ કઈ સલાહ આપે છે?

૧૪ અમુક કિસ્સામાં, કોઈ એક લગ્નસાથી યહોવાનો ભક્ત હોતો નથી. બાઇબલ જણાવે છે કે, એવા યુગલો પણ સાથે રહે એમાં જ ભલાઈ છે. (૧ કોરીંથી ૭:૧૨-૧૪ વાંચો.) વિશ્વાસુ લગ્નસાથીને લીધે અવિશ્વાસી લગ્નસાથી પણ “પવિત્ર” ઠરે છે. તેઓનાં નાનાં બાળકો પણ “પવિત્ર” ઠરે છે અને યહોવા સાથે સંબંધમાં આવે છે. પાઊલે ઈશ્વરભક્ત લગ્નસાથીઓને આવું ઉત્તેજન આપ્યું: ‘અરે પત્ની, તું તારા પતિને તારીશ કે નહિ એ તું શી રીતે જાણે? અથવા, અરે પતિ, તું શી રીતે જાણે કે તું તારી પત્નીને તારીશ કે નહિ?’ (૧ કોરીં. ૭:૧૬) એવા ઘણા સારા દાખલા જોવા મળે છે કે, જેમાં પતિ અથવા પત્નીએ પોતાના અવિશ્વાસી લગ્નસાથીને યહોવાના ભક્ત બનવા મદદ કરી હોય.

૧૫, ૧૬. (ક) જેઓના પતિ યહોવાના ભક્ત નથી, એવી પત્નીઓને બાઇબલ કઈ સલાહ આપે છે? (ખ) જો અવિશ્વાસી લગ્નસાથી “અલગ રહેવા માગે,” તો શું કરવું જોઈએ?

૧૫ પ્રેરિત પીતરે ઈશ્વરભક્ત પત્નીઓને પોતાના પતિઓને આધીન રહેવા સલાહ આપી હતી. તેમણે કહ્યું: ‘જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની પત્નીઓનાં આચરણથી, એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાય.’ દરેક સમયે પોતાની માન્યતાઓ વિશે જણાવવાને બદલે પત્નીએ ‘દીન તથા નમ્ર સ્વભાવ’ બતાવવો જોઈએ. એવા સ્વભાવ દ્વારા તે પોતાના પતિને સત્ય સ્વીકારવા મદદ કરી શકે છે. અને એવો સ્વભાવ તો “ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે.”—૧ પીત. ૩:૧-૪.

૧૬ પરંતુ, જો અવિશ્વાસી લગ્નસાથી અલગ થવાનો નિર્ણય લે, તો શું? બાઇબલ કહે છે: ‘જો અવિશ્વાસી માણસ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે તમને શાંતિથી રહેવા બોલાવ્યા છે.’ (૧ કોરીં. ૭:૧૫) ખરું કે, અલગ થવાથી કદાચ અમુક હદે શાંતિ જળવાય. પરંતુ, એ કિસ્સામાં વિશ્વાસુ લગ્નસાથીને ફરી લગ્ન કરવાની બાઇબલ પરવાનગી આપતું નથી. જોકે, એ કારણને લીધે તેણે પોતાના લગ્નસાથીને જોડે રહેવા બળજબરી પણ ન કરવી જોઈએ. બની શકે કે, સમય જતાં અવિશ્વાસી સાથી પોતે જ લગ્નજીવન બચાવવા પાછો ફરે. કદાચ એવું પણ બને કે, અવિશ્વાસી સાથી સત્ય સ્વીકારે.

લગ્નજીવનમાં પહેલું સ્થાન કોનું હોવું જોઈએ?

યહોવાની ભક્તિને પ્રથમ સ્થાને રાખવાથી લગ્નજીવન ખુશીઓથી ભરાઈ જાય છે (ફકરો ૧૭ જુઓ)

૧૭. યહોવાની સેવા કરનાર યુગલોના જીવનમાં પ્રથમ સ્થાન કોનું હોવું જોઈએ?

૧૭ આપણે ‘છેલ્લા સમયના’ અંત ભાગમાં જીવી રહ્યા છીએ. તેથી, આપણે “સંકટના વખતો”નો સામનો કરીએ છીએ. (૨ તીમો. ૩:૧-૫) એ માટે જરૂરી છે કે, આપણી પાસે યહોવાનો સાથ અને તેમનું રક્ષણ હોય. પાઊલે જણાવ્યું હતું કે, “સમય થોડો રહેલો છે; માટે જેઓ પરણેલા તેઓ હવેથી વગર પરણેલા જેવા થાય; . . . આ જગતનો વહેવાર કરનારા તેઓ જગતના વહેવારમાં તલ્લીન થઈ ગએલા જેવા ન થાય.” (૧ કોરીં. ૭:૨૯-૩૧) પાઊલ એમ કહેવા માંગતા ન હતા કે, વ્યક્તિએ પોતાના લગ્નસાથીની અવગણના કરવી જોઈએ. પરંતુ, આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા હોવાથી, જીવનમાં યહોવાની ભક્તિને પ્રથમ સ્થાને રાખવી જોઈએ.—માથ. ૬:૩૩.

૧૮. યહોવાના ભક્તો માટે સુખી અને સફળ લગ્નજીવન કઈ રીતે શક્ય છે?

૧૮ આ અંતના સમયમાં ઘણાં લગ્નો તૂટી રહ્યાં છે. એવા માહોલમાં શું સુખી અને સફળ લગ્નજીવન શક્ય છે? હા, ચોક્કસ. જો આપણે યહોવાની અને તેમના ભક્તોની નજીક રહીશું, બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડીશું અને પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું, તો લગ્નજીવન સુખી અને સફળ બનશે. એમ કરીને આપણે “ઈશ્વરે જેને જોડ્યું છે,” તેને અલગ કરીશું નહિ.—માર્ક ૧૦:૯.

^ [૧] (ફકરો ૫) નામ બદલ્યાં છે.

^ [૨] (ફકરો ૧૩) ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકમાં આપેલી વધારે માહિતી ભાગમાં પાન ૨૫૧-૨૫૩ પર આપેલો આ લેખ જુઓ: “છૂટાછેડા અને પતિ-પત્નીના અલગ થવા વિષે બાઇબલ શું કહે છે.”