સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મારાં ગલૂડિયાં માટે બિસ્કિટ

મારાં ગલૂડિયાં માટે બિસ્કિટ

નિકભાઈ અમેરિકાના ઓરેગોન રાજ્યમાં રહે છે. તે લખે છે, “આ ૨૦૧૪ની વાત છે, વસંત ૠતુ હતી. મેં મારા બે કૂતરાઓને બહાર ફરવા લઈ જવાનું શરૂ કર્યું. અમે શહેરના વેપાર વિસ્તારમાં ચાલવા જતાં. હું ત્યાં યહોવાના સાક્ષીઓને જોતો, જેઓ પોતાની ટ્રોલી લઈને ઊભા રહેતા. તેઓ સરસ અને વ્યવસ્થિત કપડાં પહેરતા. તેઓ આવતાં-જતાં બધા લોકોને સ્માઈલ આપતા.

“યહોવાના સાક્ષીઓ ફક્ત લોકો સાથે જ નહિ, મારાં કૂતરાઓ સાથે પણ સારી રીતે વર્તતા હતા. એક દિવસે એલેઈનબહેન ટ્રોલી પાસે ઊભાં હતાં. તેમણે મારાં બે ગલૂડિયાંને બિસ્કિટ આપ્યાં. એ પછી જ્યારે જ્યારે અમે એ જગ્યાએ જતાં ત્યારે મારાં કૂતરાઓ મને ખેંચીને તેઓ પાસે લઈ જતાં. તેઓને તો બિસ્કિટ ખાવાં હતાં.

“અમુક મહિનાઓ સુધી એવું જ ચાલ્યું. મારા કૂતરાઓને બિસ્કિટ ખાવાનું ગમતું અને મને યહોવાના સાક્ષીઓ સાથે વાત કરવાનું ગમતું. જોકે હું તેઓ સાથે વધારે વાત કરતા અચકાતો. મારી ઉંમર ૭૦ કરતાં વધારે હતી અને હું બહુ કંઈ જાણતો ન હતો કે તેઓ શું માને છે. હું ઘણાં ચર્ચોમાં ગયો હતો, પણ બધે નિરાશા જ હાથ લાગી હતી. એટલે મેં નક્કી કર્યું હતું કે જાતે જ બાઇબલમાંથી વાંચીને શીખી લઈશ.

“એ શહેરમાં હું બીજી જગ્યાઓએ પણ યહોવાના સાક્ષીઓને જોતો. તેઓ એ જ રીતે ટ્રોલી લઈને ઊભા રહેતા. તેઓ બધા સાથે સારી રીતે વર્તતા. તેઓ મારા સવાલોના જવાબ હંમેશાં બાઇબલમાંથી આપતા. એટલે યહોવાના સાક્ષીઓ પર મારો ભરોસો વધ્યો.

“એક દિવસ એલેઈનબહેને મને પૂછ્યું, ‘શું તમને લાગે છે કે પ્રાણીઓ ઈશ્વર તરફથી ભેટ છે?’ મેં કીધું, ‘હા, ચોક્કસ!’ તેમણે મને યશાયા ૧૧:૬-૯ બતાવી. ત્યારથી મને બાઇબલમાંથી શીખવાનું મન થયું. પણ હજુય હું યહોવાના સાક્ષીઓનું સાહિત્ય લેતા અચકાતો.

“પછીના દિવસોમાં એલેઈનબહેન અને તેમનાં પતિ બ્રેન્ટભાઈ સાથે મારી અમુક મજેદાર વિષયો પર થોડી વાતો થઈ. ઈસુના પગલે ચાલવાનો શું અર્થ થાય, એ સમજવા તેઓએ મને માથ્થીથી લઈને પ્રેરિતોનાં કાર્યો સુધી વાંચવાનું કહ્યું. મેં એવું જ કર્યું. એના થોડા જ સમય પછી મેં તેઓ પાસેથી બાઇબલમાંથી શીખવાનું શરૂ કરી દીધું. એ ૨૦૧૬ના ઉનાળાની વાત છે.

“હું દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ અને સભાઓની રાહ જોતો. બાઇબલનું સાચું શિક્ષણ મેળવીને મારી ખુશી સમાતી ન હતી. એકાદ વર્ષ પછી મેં બાપ્તિસ્મા લીધું અને યહોવાનો સાક્ષી બન્યો. હવે હું ૭૯ વર્ષનો છું. મને સાચું શિક્ષણ જડ્યું છે, એના માટે હું યહોવાનો લાખ લાખ અહેસાન માનું છું. તેમણે મને પોતાના કુટુંબનો ભાગ બનાવ્યો છે. એ મારા માટે એક મોટો આશીર્વાદ છે.”